જમાઈરાજાના સાસુ “માં” – એક દિકરી તેના સાસુની બધી ઈચ્છાઓ પૂરી કરે તો એક જમાઈની ફરજ શું આવે…

“કેમ ભાઈ??? આટલા બધા વાના કેમ બનાવાના છે આજે??”

સવાર સવારમાં કોકીલાબહેને કુકરની સીટીઓ વગાડવાનું શરુ કર્યું હતું.. આઠ વાગતામાં તો તેઓ બે વખતવારાફરતી સાત-આઠ કુકરની સીટી વગાડી ચુક્યા હતા. વાસણ પડવાનો ને શાકભાજી સમારવાનો અવાજ ખાસ્સો મોટેથી આવી રહ્યો હતો. ઓરડામાં સુતેલી તેમની દીકરી સાત્વી જાગી ગઈ. રાતના છેક અઢી વાગ્યે માં-દીકરી અલકમલકની વાતો કરીને સુતા હતા. સાત્વીને નવાઈ લાગી કે મમી સવારમાં જાગીને કેમ આટલી અથડામણ કરે છે. તે તરત રસોડામાં આવી અને તેની માંને સંબોધીને બોલી..

“શું છે મમી?? કેમ સવારમાં સીટીઓ વગાડે છે?? ને ઊંઘ બગાડે છે અમારી?? સુવા દે ને નિરાતે અમને. પપ્પા પણ હજુ સુતા છે જો ને..” પોતાની દીકરીની આ વાતનો જવાબ આપતા કોકીલાબહેન બોલ્યા..


“લે દીકરી. આજ કુમાર જમવા આવવાના છે ને.. તો રસોઈ તો બનાવવી કે નહિ વ્યવસ્થિત? આજ તો છપ્પન ભોગ ધરવાની છું મારા જમાઈને..” આ વાત સાંભળતા જ સાત્વી જરા ઊંચા અવાજે બોલી..

“કેમ હે?? આટલું બધું શું છે?? એવી તારા જમાઈની શી ખાતિરદારી કરવી છે તારે?? કઈ નવીનવાઈના જમાઈ નથી તારા.. આખા ગામને જમાઈઓ તો હોય જ છે હો માં..” “હા તો શું થઇ ગયું લે.. કુમારની વાત જ ના થાય.. તને ના ખબર પડે દીકરી.. મારે એમની આગતાસ્વાગતા તો બરોબર કરવી પડે ને..” ને સાત્વી આ સાંભળતા જ છણકો કરીને ઓરડામાં ચાલી ગઈ.. સુવા માટે..!! ને કોકીલાબહેન તેમની વાનગીઓમાં ગૂંથાઈ ગયા.

સાત્વી અને સત્વ.. કોકીલાબહેન અને કેશવભાઈના બાળકો. સત્વ અમેરિકા ભણવા માટે ગયો હતો અને સાત્વીએ ફેશન ડીઝાઈનીંગ પૂરું કર્યા બાદ શહેરમાં જ પોતાનું બુટીક ખોલ્યું હતું. બાળપણથી જ બંને છોકરાઓને કેશવભાઈ અને કોકીલાબહેને લાડકોડથી ઉછેરેલા. એટલે જ જ્યારે સત્યાવીશ વર્ષની સાત્વીના લગ્નની વાત આવી ત્યારે તે ચિડાઈ ગયેલી. એ દિવસે સવાર સવારમાં બધા ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરવા બેઠા હતા. બધામાં જો કે એ ત્રણ માં-બાપ ને દીકરી જ હતા. સત્વ તો બાવીસ વર્ષનો થયો ત્યારે એન્જીનીયરીંગ પૂરું કરી માસ્ટર્સ કરવા અમેરિકા ચાલ્યો ગયેલો. ટીવીમાં આવતી એક લગ્નની જાહેરાત જોઇને મજાકમાં કોકીલાબહેન બોલ્યા,

“હે સાત્વી હવે ક્યાં સુધી બાપાનું લુણ ખાતી રહીશ?? હવે તારા લગ્નનો સમય થઇ ગયો છે હો..” હસતા હસતા કહેવાયેલી આ વાતને સાત્વીએ ગંભીરતાથી લઇ લીધી.


“માં.. તને મારા બે રોટલા ભારે પડતા હોય તો કાલ ને કાલ છોકરાઓ જોવાના ચાલુ કરી દે. તું કહીશ ત્યાં લગ્ન કરવા માટે રાજી થઇ જઈશ.. તારા સંસ્કાર અને પપ્પાની સમજણ હજુયે મારામાં છે હો..!!” ને કોકીલાબહેન તરત ઉભા થઈને એમની વહાલીને વળગી પડ્યા.. ભીની આંખે બોલ્યા. “દીકરી.. તું તો જો.. હું તો મજાક કરતી હતી.. બાકી તું તો મારું ને તારા પપ્પાનું સ્મિત છે.. એમ કઈ તને જવા દઉં હું.. તારા વગર હું શું કરીશ??? મારા કરતા વધારે તારા સાસુને તું પ્રેમ કર એ કઈ મારાથી સહન ના થાય હો.. કહી દઉં છું..”

ને બંને માં-દીકરી એકબીજાને ફરી ભેટી પડ્યા.. કેશવભાઈ પણ આ પ્રેમને મુક બની નિહાળી રહ્યા. થોડી વાર થતા જ ગંભીર થઈને સાત્વી બોલી.. “મમી.. એક્ચ્યુલી લગ્ન તો મારે પણ કરવા છે.. તે વાત કરી એટલે મને રીયલાઈઝ થયું.. કે મારે હવે ઠરીઠામ થઇ જવું જોઈએ. પપ્પા.. છોકરા જોવાનાં શરુ કરી દો.. તમારી દીકરી તૈયાર છે..!!!”

ને કેશવભાઈના મોં પર મોટી મુસ્કાન આવી ગઈ.. બીજા દિવસથી જ તેમણે સારા છોકરાઓ જોવાના શરુ કર્યા. ખાનદાન કુટુંબ એ એકમાત્ર તેમની જરૂરીયાત હતી બાકી જ્ઞાતિનો કોઈ જ બાધ નહોતો તેમને.. ધીરે ધીરે સમય પસાર થતો ગયો એમ એમ સાત્વી માટે એકથી એક ચડિયાતા માંગા આવવા લાગ્યા.. સહેજ શ્યામ પણ નમણી નાગરવેલ જેવી ખીલખીલાટ હસતી રહેતી સાત્વી માટે શહેરના વિખ્યાત પરિવારમાંથી તે દિવસે માંગુ આવ્યું હતું.


“સ્તવન શેઠિયા..!! તેના પપ્પા કાપડના મોટા વ્યાપારી છે અને સ્તવને પોતે આઇઆઇએમમાંથી એમબીએ કર્યું છે ને હવે તેની જ કંપનીમાં સીઈઓ છે.. ટૂંક જ સમયમાં તે જીનીંગ મિલ પણ નાખવાના છે.. સારી વાત એ છે કુટુંબ ખાનદાન છે. આજે જ રાજીવભાઈએ એમનું ઠેકાણું બતાવ્યું છે ને સાંજે મેં શૈલેશ મારફતે તપાસ પણ કરાવી શેઠિયા પરિવારની. સ્તવનથી મોટો એક ભાઈ છે. પરણેલો છે. સ્નેહ અને તેની પત્ની શુભશી.. તેમનો એક દીકરો છે.. સ્તવનના પપ્પા રાકેશભાઈ અને મમી રાધાબહેન પણ ભગવાનના ઘરના માણસ.. વેલએડ્યુંકેટેડ ફેમીલી છે.. એનાથી વિશેષ શું જોઈએ હે કોકિલા.

બે દિવસ પછી જોવાનું ગોઠવવાનો વિચાર છે.. દીકરી તને ફાવશે ને?? તું તારે એવું હોય તો તમારા પેલા ફેસબુક પર એની તપાસ કરી જોજે..!!” રાતના જમીને હોલમાં બેઠેલા કેશવભાઈએ વિગતવાર માહિતી આપીને એ દિવસે પોતાની દીકરી સાત્વીને કહ્યું.. સાત્વીએ તરત જ હા કહી દીધી.. ને પછી ઓરડામાં જઈને ફેસબુક ખોલ્યું..

“હમમમ.. ચશ્માં છે પણ કાચ બહુ જાડા નથી.. એટલે વાંધો નહિ.. આમ તો ચશ્માંવાળો લુક ઈન્ટેલીજન્ટ લાગે છે.. અને દાઢી પણ ટ્રીમ કરેલી છે.. છે બહુ ઘાટી એટલે સરસ મને ગમે એવી જ બીયર્ડ આવતી હશે.. બોડી પણ ફીટ લાગે છે અને ફોલોઅર્સ ઘણા છે.. પોસ્ટ પણ બધી સારકાસ્ટીક મુકે છે..

છોકરો છે તો મારી પસંદનો.!!” સ્તવનની ફેસબુક પ્રોફાઈલ સ્ટોક કરતા કરતા સાત્વી મનમાં ને મનમાં બબડતી હતી.. તેના જાતજાતના ફોટોઝ જોતા જોતા જ તેની આંખ ક્યારે મીંચાઈ ગઈ તેને ખયાલ પણ રહ્યો..


આખરે એ દિવસ પણ આવી પહોચ્યો.. સ્તવન સાથેની પહેલી મુલાકાત.. સાત્વીને નાનપણથી જ લવ મેરેજ કરવાના અભરખા.. પણ ક્યારેય કોઈ સાથે પ્રેમ થયો જ નહિ. ફેશન ડીઝાઈનીંગમાં મોટેભાગે બધી છોકરીઓ જ હતી.. ને રડ્યાખડ્યા બે-ચાર છોકરાઓ હતા તેમની પણ ગલફ્રેન્ડ હતી.. એ પછી તે પોતાના ડ્રોઈંગસ ને પેન્સીલ્સ ને કલર્સમાં એવી પરોવાઈ ગઈ કે પ્રેમ કરવાનો સમયેય ના રહ્યો ને ઓરતાય મરી પરવાર્યા.. આજે હવે સત્યાવીશ વર્ષે એ સપનાઓને આળસ મરડીને બેઠા થઇ રહ્યા હતા ત્યારે એને વધાવવા સાત્વી પણ ઉત્સાહિત હતી.

વ્હાઈટ શર્ટ ને બ્લેક પેન્ટમાં આવેલો સ્તવન પહેલી નજરે જ સાત્વીની આંખમાં વસી ગયો.. જાણે શમણાઓ સોળે શણગાર સજીને સાથીદારને શોધવા નીકળ્યા હોય ને એ શોધ સુખમાં સંપન્ન થાય એવી અનુભૂતિ થઇ સાત્વીને.. તે પણ મહેંદી રંગની સાડીમાં સુંદર લાગતી હતી.. બંને જણને ઓરડાનું એકાંત મળ્યું ત્યારે થોડી વાર તો કોઈ કઈ બોલી જ ના શક્યું.. આખરે “ચા કેવી બની છે” ના સવાલથી શરુ થયેલી વાતો “જાવ જાવ હવે.. તમેય બહુ સરસ લાગો છો.. નમણા એકદમ” સુધી જઈને પૂરી થઇ..

એ જ દિવસે મીઠી જીભ લેવાઈ ગઈ અને બંને પરિવારોએ આનંદથી એ અવસરને અને આ સંબંધને અપનાવી લીધો. ચાર જ મહિનામાં સારું મૂહર્ત જોઇને લગ્ન પણ લેવાઈ ગયા ને આખરે સાત્વીએ સ્તવન શેઠિયાની વહુ બનીને સાસરીયે કંકુપગલાં કર્યા..


સાત્વી અને તેના સાસુને એકબીજા માટે અપાર હેત.. જેઠાણી શુભશી સાથે પણ તેને બહુ બને.. ત્રણેય સાસુ-વહુ આખો દિવસ જાતજાતના પ્રોગ્રામ કરે, ખરીદી કરવા જાય ને નીતનવીન રસોઈ પણ બનાવે. સુખી સમૃદ્ધ પરિવાર હતો જાણે સાત્વીનો..!! એમ કરતાકને છ મહિના પસાર થઇ ગયા સાત્વીના લગ્નને..

ઉનાળુ વેકેશન શરુ થઇ ચુક્યું હતું. શુભશી તેના દીકરાને સ્કુલમાં રજા હોવાથી તેને લઈને પિયર રોકાવા ગયેલી. સાત્વીને પણ તેના સાસુએ થોડા દિવસ પિયર જઈ આવવાનું કહ્યું. સાત્વીએ વિચાર્યું કે શુભશી આવવાની હોય એના ચાર-પાંચ દિવસ પહેલા જવું તો ઘરમાં થોડી રોનક રહે..!!

ને અઠવાડિયા પછી પોતાના પિયરે રોકાવા આવેલી સાત્વીને તેના પતિની અને સાસરાની બહુ યાદ આવતી. ખાસ કરીને સાસુમા અને જેઠાણીની સાથે થતી અલકમલકની વાતો ને તેમનું હેત.. હજુ તો ચાર દિવસ થયા હતા તેને રોકાવા આવ્યાને અને તરત પાછું જવાનું મન થઇ રહ્યું હતું..

એ દિવસે રવિવાર હતો.. સોશિયલ મીડિયા પર ને પેપરમાં બધે મેસેજીસ જોઇને તેને ખબર પડી કે એ દિવસે તો મધર્સ ડે છે.. સાત્વી તરત જ જાગીને બહાર ગઈ અને નાનકડું ગુલાબ લઇ આવી..રસોડામાં કામ કરતા તેના મમીને ગુલાબ આપીને ભેટી પડી.. એકાદ-બે કલાક સુધી માંની પાસે બેસીને સુખદુખની વાતો કર્યા બાદ સાત્વી બોલી,

“મમી.. હું આજે બપોરે મારા ઘરે જવાનું વિચારું છું. સરપ્રાઈઝ આપીશ મમીને અને ભાભીને.. અને સ્તવન તો મને જોઇને એવા ખુશ થઇ જશે જોજેને.. જ્યારથી અહી આવી છું ને રોજ રાતના મેસેજમાં ને ફોનમાં નવા નવા પ્રેમી પંખીડાની જેમ વાતો કરે છે. બોલો મારા વગર રહી જ નથી શકતા તારા જમાઈ. ને મમી હા હું સાંજે તો પાછી આવી જઈશ.. આ તો આજ મધર્સ ડે છે તો ભાભીને અને મમીને વિશ કરી આવું ને.. ભલે એ મારા સાસુ હોય પણ એમણે મને રાખી તો માંની જેમ જ છે.. એટલે..!!”


કોકીલાબહેન તો પોતાની દીકરીની આવી સમજણ જોઈ ખુશખુશાલ થઇ ગયા.. ખરેખર લગ્ન પછી દીકરીઓ સમજદાર થઇ જતી હોય છે એનો અહેસાસ કોકિલાબહેનને આજે થઇ ગયો. ચહેરા પર ચમક સાથે વ્યવહારમાં પરિપક્વતા ભળી જાય ને દુલારી દીકરી વહાલી વહુ બની જાય.. કોકીલાબહેને ખુશી ખુશી સાત્વીને હા કહી.

તૈયાર થઈને પોતાના સાસરીયાને સરપ્રાઈઝ આપવા સાત્વી અગિયાર વાગ્યે પહોચી. જેઠાણીજી ગઈકાલે જ પિયરેથી આવી ગયેલા એ સાત્વીને ખબર હતી.. તે જેવી ત્યાં પહોચી ને જોયું તો સ્તવન ઘરે હતો. કદાચ તેના મમી માટે કંઇક સરપ્રાઈઝ પ્લાન કરી હશે. આખું ઘર સજાવેલું હતું. સ્તવન ને જેઠજી બંને હોલમાં બેઠા હતા. સાત્વીને ત્યાં જોઈ બન્ને તરત જ હરખાઈ ગયા. સ્તવન તેની પાસે આવી અને બોલ્યો,

“અરે કેમ અચાનક? મને કહેવું હતું ને તો હું લેવા આવી જાત સાત્વી..”

ઘરની સજાવટ જોતા જોતા સાત્વી વિચારમગ્ન થઇ ગઈ. સવારના જેવી ખબર પડી કે મધર્સ ડે છે તેણે તરત પોતાના મમી અને સાસુ સાથેનો ફોટો ફેસબુક પર મૂકી દીધો હતો. ડાહી વહુ અને સાસુને પ્રેમ કરતી વહુનું બિરુદ પામવા જ તો.. પછી વળી વોટ્સેપ સ્ટોરીમાં પણ નાનકડું કેપ્શન મૂકી તેના સાસુને ગાલ પર ચુંબન કરતી હોય તેવો તેનો એક ફોટો અને મમી સાથેનો એક ફોટો મુક્યો હતો. પ્રોફાઈલ પિક્ચર પણ બદલાવી નાખેલું. ને ખાલી સોશિયલ મીડિયામાં લોકોને બતાવવા જ નહિ દિલથી સાસુને પ્રેમ કરતી હતી તે સાબિત કરવા સ્પેશિયલી સરપ્રાઈઝ આપવા અહી પણ આવી પહોચી હતી. પોતાની ઘણી બહેનપણી તો એવી હતી જે આખો દિવસ સાસુની ચંચુપાત કરતી એવી બધી છોકરીઓએ પણ ફોટો મુકીને બેસ્ટ વહુનો ખિતાબ હાંસિલ કરવા મથતી હતી.


પણ અહી આવ્યા બાદ તેને અચાનક સવાલ થયો.. પોતે એક વહુ બનીને સાસુને માંની જેમ સ્વીકારે છે.. માંની જગ્યાએ ગણે છે. તેમ શું તેના પતિની પોતાની માં એટલે કે તેની સાસુ પ્રત્યે કઈ ફરજ નથી. તેને શું પોતાના સાસુ માટે કઈ કરવું ના જોઈએ?? લોકોને બતાવવા અને સાસુમાને માં જ સમજે છે તેવું સાબિત કરવા કેટલીય છોકરીઓ મધર્સ ડેના તેમની સાસુ સાથેના ફોટો મુકતી હોય છે. કોઈ કોઈ તો વળી સાસુને ખરાબ નાં લાગી જાય એવું વિચારીને પરાણે ફોટો મુકે. તો જમાઈએ તેની સાસુ માટે કઈ કરવું ના જોઈએ.. કોઈ છોકરો જે કોઈના ઘરનો જમાઈ હોય તે તેની સાસુ માટે ફોટો ના મૂકી શકે.. આવા કઈકેટલાય વિચાર સાત્વીના મગજમાં ફરી વળ્યા.. સ્તવન પાસે જઈને હસતા મોઢે બોલી..

“મમીને સરપ્રાઈઝ આપવા આવી છું.. હમણાં ચાલી જઈશ.. કેમક મારા ઘરે મારી માં માટે કોઈએ આવું પ્લાન નથી કર્યું કઈ..!!” કટાક્ષમાં કહેવાયેલી એ વાત સ્તવન સમજી ના શક્યો.. તે તો સાત્વીને જોઇને ખુશ થયેલો.. મધર્સ ડેનું સેલિબ્રેશન હવે પરફેક્ટ બની જશે.. થોડી જ વારમાં સાત્વીના સાસુ અને જેઠાણી આવ્યા. સાત્વીને અને સજાવેલા ઘરને જોઇને તેઓ બહુ ખુશ થયા. સાથે મળીને બધા જમ્યા.. ને તરત જ સાત્વી નીકળી ગઈ..

ઘરે આવીને સાત્વીનું મગજ એ જ વિચારોમાં ખોવાયેલું હતું. વાત કઈ એટલી મોટી નહોતી કે મોટો ઇસ્યુ બનાવી દેવાઈ છતાય તેના મનમાંથી એ વાત ખસતી નહોતી તે હકીકત હતી.. તે રાત્રે તેણે સ્તવનને આ વાત કરી. અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ ગઈ.. એટલે જ આજે સવાર સવારમાં તેણે જયારે તેના મમીને પ્રેમથી સ્તવન માટે જમવાનું બનાવતા જોયા એટલે બે ચાર દિવસ પહેલાની એ વાત તેને યાદ આવી ગઈ..


એકબીજા સાથે ઝગડેલા સ્તવન અને સાત્વીએ એ દિવસ પછી વાત જ નહોતી કરી. ગઈકાલે રાત્રે અચાનક સ્તવનનો કોકીલાબહેન પર ફોન આવેલો કે તે કાલે જમવા આવશે સવારે ને એટલે જ જાતજાતની રસોઈ બનાવવા માટે પોતાના વહાલા જમાઈને ભાવતી વાનગીઓ ખવડાવવા માટે કોકીલાબહેન સવારમાં વહેલા ઉઠીને રસોડામાં આવી ગયા હતા..

અગિયાર વાગતા જ તૈયાર થઈને સાત્વી તેના મમીને મદદ કરાવવા રસોડામાં આવી.. મોઢું તો હજુયે તેનું ચડેલું જ હતું.. પોતાની વહાલસોયી દીકરી સામે નજર કરતા કોકીલાબહેન બોલ્યા,

“કેમ દીકરા આટલી ચિડાઈ છે?? કુમાર સાથે ઝગડો થયો છે તારો કઈ? શું વાત છે વહાલા?” સાત્વી ચુપચાપ મદદ કરાવતી હતી.. તેણે પોતાની માંની વાતનો કઈ જવાબ પણ નાં આપ્યો.. વાતને અનુસંધાન આપતા કોકીલાબહેન બોલ્યા,

“દીકરી કુમાર સાથે તારા સાસુ ને જેઠાણી પણ તને લેવા આવવાના છે હો..”આ સાંભળતા જ સાત્વી જરા ચોંકી ગઈ..”મમી મેં કઈ એમને મને લેવા આવવા માટે નથી કહ્યું હો હા.. મારે હજુ હમણાં નથી જવું.. હજુ તો દસ દિવસ માંડ થયા છે મને આવ્યે.. હું એકાદ મહિનો તો રોકાઈશ જ”

કોકિલાબહેનને નવાઈ લાગી.. આવી ત્યારે સાસરે જવું-જવું કરતી આ સાત્વીને અચાનક શું થઇ ગયું હશે.. તેઓને હવે જરા ચિંતા થઇ ગઈ.. સાત્વી રોકાય એમાં કઈ વાંધો નહોતો તેમને પરંતુ જો એ સાસરે જવાનું ટાળવા રોકાતી હોય તો તેમના માટે વાત જાણવી અગત્યની બની ગયેલી. તેઓ સાત્વીની નજીક ગયા અને તેનો હાથ પકડીને બોલ્યા,


“શું વાત છે દીકરા? માંને નહિ કહે?” ને સાત્વી રડતા રડતા બોલી.. “મમી હું તને જ સૌથી વધારે પ્રેમ કરું છું હા કહી દઉં છું.. મારા સાસુથી પણ વધારે વહાલી તો મને તું છે.. હું ભલે મારા પ્રોફાઈલ પિકચરમાં એમનો ફોટો રાખું પણ મારી બેસ્ટ મમી તો તું છે.. મારી વહાલી માં તું જ છે..”

ધ્રુસકે ધ્રુસકે રડતી નાના બાળકો જેવી વાત કરતી સાત્વીને જોઇને અચાનક કોકિલાબહેનને વહાલ ઉભરાઈ ગયું.. તેની આ બધી વાતનો શું જવાબ આપવો તેની અવઢવમાં પરોવાયેલા કોકીલાબહેન કઈ બોલવા જાય ત્યાં જ બારણેથી અવાજ આવ્યો..

“પણ દીકરી તું મને મારા સ્તવન કરતાય વધારે વહાલી હો હા કહી દઉં છું..” “ને મને પણ મારા સાસુમા બહુ વહાલા.. તું તારા સાસુને નહિ કરતી હોય ને એટલો પ્રેમ હું મારા સાસુને કરું છું હો કહી દઉં છું..” દરવાજામાં આવીને ઉભેલા રાધાબહેન અને સ્તવને બોલેલા આ વાક્યો સાંભળી સાત્વી પહેલા તો જરા ડઘાઈ ગઈ.. એ પછી સાસુમાને જોઈ તેમને પગે લાગવા ગઈ ને અચાનક તેના મોંમાંથી ડૂસકું છૂટી ગયું.. પોતાની વહુને પંપાળી રહેલા રાધાબહેન તેને અંદર લાવ્યા ને સોફા પર બેસાડી અને સ્તવન તથા શુભશી પણ આવીને હોલમાં બેઠા.

રાધાબહેન સતત પોતાની વહુની પીઠ પર હાથ ફેરવી રહ્યા હતા ને સાત્વી તેના સાસુમાની ગોદમાં નાના બાળકની જેમ લપાઈ ગયેલી. કોકીલાબહેન બધા માટે પાણી લઇ આવ્યા ને બેઠા. “સોરી મમી.. હું જે બોલી તે હું ખરેખર માનતી નથી હો.. પ્લીઝ આઈ એમ સોરી.. તમે મને બહુ વહાલા છો. તમે મારા સાસુ છો નહિ. માં જ છો. આ તો મને સ્તવન પર જરા ગુસ્સો હતો ને એટલે એવું બોલાઈ ગયું બાકી તમે તો જાણો જ છો ને કે હું તમને કેટલો પ્રેમ કરું છું માં..!”

ડરતા ડરતા સાત્વીએ તેના સાસુને કહ્યું.. હસતા મોઢે રાધાબહેન બોલ્યા, “હાય મારી મીઠડી.. એવી વહાલી લાગે છે ને તું મને અત્યારે દીકરા.. વહુબેટા.. તમારે મને કોઈ બાબતની સાબિતી આપવાની જરૂર નથી. હું જાણું જ છું કે તમે મને કેટલો પ્રેમ કરો છો અને તમારા હ્રદયમાં મારું સ્થાન ક્યાં અને કેટલું છે.. આપણો સંબંધ કોઈ સાબિતી કે સોશિયલ મીડિયા પર જતાવેલા પ્રેમનો મોહતાજ નથી. હું તમારી સાસુ છું અને તમે મને માં ગણો છો ને તમને હું દીકરી સમજુ છું તે જ મહત્વનું છે.. હું તો અહી આવી છું મારા આ નાલાયક છોકરાને લઈને મારા વેવાણની માફી માંગવા.!! માફી તો આ નાલાયક માંગશે..!!

દીકરા તમે જે વાત કરી એ બિલકુલ સાચી જ હતી.. આપણા સમાજમાં કેટલું દોગલું વલણ છે.. વહુઓને પોતાના સાસરિયાને અને સાસુ-સસરાને માં-બાપ ગણવાના પરંતુ જમાઈઓ ક્યારેય પોતાની પત્નીની માંને પોતાની માં નાં સમજે..ઉલટાનું જમાઈની સાસુ તો એમને ડગલે ને પગલે અછોઅછોવાના કરતી હોય છે. જમાઈની તો ફરજ બને છે પોતાની અદકેરી સંભાળ રાખતી એવી પત્નીની માંને એટલે કે પોતાની સાસુને સતત નમતા રહેવાની.

કરવાનું શું છે?? ફક્ત એક ફોન.. ક્યાય સોશિયલ મીડિયામાં ફોટો નહિ ને ક્યાય જાતજાતની જાહેરાત નહિ. એક ફોન કરીને જો સ્તવને તારા મમીની તબિયતના સમાચાર પૂછી લીધા હોય અને પ્રેમથી વિશ કરી દીધું હોય તો તું કેટલી રાજી થઇ જાય એ મને ખબર જ છે..


પણ આ મારો છોકરો આટલું પણ ના કરી શક્યો.. ને જો એટલે જ અહી એની ભૂલની ભરપાઈ કરવા એને લઈને આવી છું..!! માફી મંગાવવા કોકીલાબહેનની.. એણે મને ગઈકાલે સાંજે જ બધી વાત કરી એટલે હું અહી સમજાવીને લઇ આવી એને..” કોકીલાબહેન તો આ વાત સાંભળી સહેજ સહમી જ ગયા હતા.. સાત્વીને કુમાર સાથે પોતાના લીધે ઝગડો થયો છે એ વાત તેઓ સહન ના કરી શક્ય.. જાણે તેમની જ ભૂલ હોય તેમ ઉતાવળે સ્તવન સામે જોઇને બોલી પડ્યા,

“અરે કુમાર.. માફ કરી દો મને.. તમારે એવી કઈ ફોર્માલીટી કરવાની જરૂર નથી. આ મારી છોકરી તો ગાંડી છે.. તમે એની વાત મનમાં ના લેતા હો.. તમતમારે આવો આપણે બેસીએ આરામથી.. વાતો કરીએ.. એ બધું ભૂલી જાવ..!!” સ્તવન કોકીલાબહેનની નજીક આવ્યો ને અચાનક જ તેમને વળગી પડ્યો.. “જો મમી આ જ તમારો વાંધો છે.. તમે પણ અમને ખીજાવ ને.. જેમ વહુની સાસુ વહુને ગમે ત્યારે બોલી શકે એમ તમારે પણ કરવાનું.. અમને આમ માથે બેસાડીને નહિ રાખવાના.. જરાક ઠપકો આપો. તો મને પણ સારું લાગે ને માં..”

કોકિલાબહેનને તો શું બોલવું તે જ નહોતું સુજી રહ્યું.. “ચાલો અહી બેસો મમી.. તમે પણ બેસો માતાજી.. મારા સાત્વીજી.!”

સ્તવને તે બંનેને કહ્યું અને રાધાબહેન તથા શુભશી જ્યાં બેઠા હતા ત્યાં બેસાડ્યા.. તે બહાર ગયો અને ગાડીમાંથી એક મોટી બેગ લઈને આવ્યો. એમાંથી બોક્સ કાઢીને અંદરથી કેક લઈને ટીપોઈ પર મૂકી..

સાત્વી ને કોકીલાબહેન તો આ જોઈ સાવ ચુપ જ થઇ ગયેલા.. રાધાબહેન અને શુભશી મલકી રહ્યા હતા.

સ્તવન આગળ આવ્યો અને કોકીલાબહેનના હાથમાં નાઈફ આપીને કેક કટિંગ માટે કહ્યું. “આઈ લવ યુ માં..” લખેલી એ કેક એકદમ ડેકોરેટીવ હતી. કોકીલાબહેનની આંખોમાંથી તો આ જોઈ આંસુ સરી પડ્યા.. સાત્વી પણ આંખોમાં આંસુ સાથે સ્તવન સામે જોઈ રહી હતી.. “મમી.. આઈ નો હું થોડો લેઇટ છું.. પણ એનો મતલબ એવો નથી કે હું તમને પ્રેમ નથી કરતો કે તમારા માટે માન નથી. માં હું તમને અત્યંત પ્રેમ કરું છું અને હા સાત્વી કરતા પણ વધારે હો ને..!!!”


કોકીલાબહેન પોતાના જમાઈને ભેટી પડ્યા અને રાધાબહેન સાથે મળીને એ કેક પણ કટ કરી.. સાત્વી મુસ્કુરાતા અધરો સાથે તેના સ્તવનને નીરખી રહી હતી.. સ્તવન કેક કટિંગ બાદ બોલ્યો.. “માં.. આટલું જ નથી હો.. બે દિવસ માટે તમારે અને પપ્પાએ અને મારા મમી-પપ્પાએ માઉન્ટ આબુ જવાનું છે.. ફરવા માટે.. જવાબદારીઓમાંથી છૂટવા માટે અને બધી પરેશાનીઓને નેવે મુકીને આનંદ કરવા માટે..”

આ તો રાધાબહેન માટે પણ સરપ્રાઈઝ જ હતી.. તેઓ પણ આ સાંભળી બહુ જ ખુશ થયા.. એ દિવસે બપોરે સાત્વીના ઘરે, સ્તવનના સાસરે બધાએ સાથે મળીને ભોજન કર્યું અને પછી સાંજે સાત્વી સ્તવન અને તેના સાસુ ને જેઠાણી સાથે જ ઘરે ચાલી ગઈ. એ રાત્રે ઓરડામાં એકબીજાના બાહુપાશમાં સુતેલા સ્તવન અને સાત્વી ખુશખુશાલ હતા..

“થેંક્યું સ્તવન.. થેંક્યું સો મચ.. મારા માટે તમે જે કર્યું એ અવર્ણનીય છે. તમારો પ્રેમ પામીને હું સાચે ધન્ય થઇ ગઈ.. તમે મારા પતિ છો એનો મને ગર્વ છે..!!” ને સ્તવને પોતાની પત્નીને ચુંબન કરી લીધું.

એ મધર્સ ડે દરેકના જીવનમાં બદલાવ આણી ગયો. જમાઈ અને સાસુના પ્રેમને જગાડી ગયો અને એક પત્નીની ઈચ્છા પૂરી કરી એક પતિએ પોતાનું હેત સાબિત કર્યું.

કથાબીજ : ક્રિષ્ના સૂચક

લેખક : આયુષી સેલાણી

મિત્રો, આપ સૌ ને મારી આ સ્ટોરી કેવી લાગી ?? કોમેન્ટ માં અચૂક જણાવજો ! સાથે, તમને એવું લાગે છે કે દરેક જમાઈની પણ વહુ જેવી જ ફરજ હોવી જોઈએ ??? શું માનો છો ??