ક્યારેય નહિ ખાધા હોય મગની દાળના ભજીયા, કાચી કેરી સાથે..! જોઇને જ મોઢામાં પાણી આવી જશે…!

સાંજે ચા સાથે કે નાસ્તા માં કોઈ પણ ટાઈમે બનાવી શકાય એવા મગની દાળ ના ભજીયાં ની રેસિપી લાવી છું. કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવેલા આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. મગની દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે અને બીજા ઘણા પોષકતત્ત્વો પણ રહેલા હોય છે. જે આપણા શરીર ને ખૂબ ઉપયોગી છે. બહાર ના તળેલા નાસ્તા કરતા ઘરે બનાવેલા આ ભજીયા ચોક્કસ થી બધા ને બનાવી ને ખવડાવો.

ઉનાળા માં કાચી કેરી પણ બને એટલી ઉપયોગ માં લો એટલે ગરમી ના લાગે .

બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી નરમ એવા સ્વાદિષ્ટ મગ ની દાળ ના ભજીયા બનાવા માટે ની સામગ્રી:-

1 વાડકી મગ ની મોગરદાળ ( ફોતરાં વિનાની),
1 ડુંગળી ઝીણી સમારેલી,
1 કાચી કેરી છીણેલી,
2-3 લીલાં મરચાં,
1 આદુ નો કટકો,
4 ચમચી કોથમીર ઝીણી સમારેલી,
2 ચમચી ચોખાનો લોટ,
1/8 ચમચી અધકચરા મરી નો ભુકો,
1 ચમચી જીરું,
ચપટી સોડા,
સ્વાદાનુસાર મીઠું,
ચપટી હિંગ અને હળદર,
તળવા માટે તેલ,

રીત:-

સૌ પ્રથમ મગ ની દાળ ને 3-4 વાર પાણી થી ધોઈ લો અને 4-5 કલાક માટે પાણી માં પલાળી રાખો.

 

હવે પાણી નિતારી ને આદું , મરચાં, જીરું, 2 ચમચી કોથમીર, હળદર અને 1-2 ચમચી પાણી ઉમેરી ને મિક્સર માં બધું ક્રશ કરી લો.

 

હવે આ મિશ્રણ ને એક બાઉલ માં નીકાળી લો . અને તેમાં ડુંગળી, કોથમીર, કેરીનું છીણ , ચોખાનો લોટ ,મીઠું , મરી નો ભુકો, હિંગ અને સોડા ઉમેરી ને હળવા હાથે બધું મિક્સ કરી ને ફેંટી લો .

એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે ઉપર બનાવેલા દાળ ના ખીરા માંથી નાના નાના ભજીયા હાથે થી તેલ માં મુકો. અને મધ્યમ આંચ પર ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળો. અને પછી તેલ માંથી નીકાળી ને પેપર નેપકિન પર મુકો.

ગરમાગરમ આ ભજીયા સોસ , ચટણી કે ચા સાથે સર્વ કરો.

નોંધ:-

મેં મગની મોગર દાળ લીધી છે તમે ફોતરાં વાળી પણ ઉપયોગ માં લઇ શકો .
દાળ ક્રશ કરતી વખતે નહિવત પાણી જ ઉમેરો જેનાથી દાળ પીસી શકાય. વધુ પાણી ઉમેરશો તો ભજીયા નહીં બને.
કાચી કેરી નો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એટલે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછી કરી શકો.
બહુ તેજ આંચ પર ભજીયા ના તળો અને નાની સાઈઝ ના ભજીયા જ ઉતારો વધુ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગશે .

આ ભજીયા ના ખીરા માં મગની દાળ સાથે થોડી અડદ ની દાળ ઉમેરવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

ટીપ્પણી