જયપુરની અદ્વિતીય વેધશાળા જંતર-મંતર – વાંચો અને જુઓ ફોટો…

જયપુર – રાજસ્થાન ખાતેની વેધશાળા જંતર-મંતર અનેક રીતે અદ્વિતીય છે કારણકે વિશ્વમાં ભારત સિવાય ક્યાંય આવી વેધશાળા નથી. વળી, આ પિત્તળ-પથ્થર-રેતી-ચુનાથી બનેલી છે તો તેમાંના કુલ ૧૯ યંત્રો ખગોળશાશ્ત્રીય વિવિધ ગતિવિધિઓ તેના અભ્યાસીને દર્શાવે છે. આથી જ તો ઈ.સ. ૧૯૪૮થી એ રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કરવા સાથે વખત જતાં યુ.એન.ઓ.ની સંસ્થા યુનેસ્કોએ પણ તેનો ‘વર્લ્ડ હેરિટેજ’ માં સમાવેશ કર્યો છે. ભારતમાં આવી વેધશાળા દિલ્હી,મથુરા, ઉજ્જૈન અને બનારસમાં પણ છે પરંતુ તે રાજા સવાઈ સિંહ બીજાએ બનાવેલી નથી. હાલમાં માત્ર દિલ્હીની યોગ્ય અને સારી સ્થિતિમાં છે. આ ઉપરાંત જયપુરના જંતર-મંતરની પિત્તળ-પથ્થર-રેતી-ચુનામાંથી બનાવેલ મહા-ઘડિયાળ વિશ્વની સહુથી અનોખી અને એકમાત્ર છે. જંતર-મંતર ૧૮,૭૦૦ વર્ગમીટરમાં ફેલાયેલ છે.

હવે ઐતિહાસિક રીતે જોઈએ તો આ જંતરમંતર વેધશાળા ઈ.સ. ૧૭૩૪માં પૂર્ણ થયેલી જે એ વખતના રાજપૂત રાજા સવાઈ જયસિંહ બીજાએ તૈયાર કરેલી કે જે ખુદ પોતે ખગોળશાસ્ત્રનું ઊંડું જ્ઞાન અને રસ ધરાવતા હતા. અહીં સરવાળે જોઈએ તો ખગોળશાસ્ત્રીય અનેક પ્રમાણો અને પરિમાણોને સચોટ રીતે આ જંતરમંતર દર્શાવે છે તો વળી સૂર્ય-ચંદ્રની ગતિ-રાશિ, પ્રવેશ-ધ્રુવ વગેરે વિષે જાણકારી આપે છે તે ઉપરાંત તત્કાલીન સમય એટલેકે ૧૮મી સદીના સમાજની લોક-વિચારધારા ઉપર પણ પ્રકાશ ફેંકે છે. જંતર અને મંતર બંને સંસ્કૃત ભાષાના શબ્દો છે. જેમ કે જંતર એટલે સાધન અને મંતર એટલે મંત્ર કે ગણતરીની એક ફોર્મ્યુલા. આથી તે કોઈ પણ બાબતની ગણતરીનું સાધન એવો બહોળો અર્થ થાય.

જંતરમંતરમાં અનેક આંકડાઓ,લીટીઓ ( અક્ષાંશ-રેખાંશ), ગાણિતિક બાબતો, પટ્ટીઓ, નિશાનીઓ વગેરે તેનાં ૧૯ યંત્રો ઉપર અંકિત છે. તો વળી નાનીમોટી ભીંતો-સીડી, ઈમારતો છે. આ બધાના આધારે આકાશીય-ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો અભ્યાસ અને તેની સ્થિતિ વિષે ખગોળશાસ્ત્રીય માહિતી પ્રાપ્ત કરી શકે છે. ઉપરાંત ચોવીસ કલાક સમય જોઈ શકાય તેવી ઘડિયાળ પણ છે. આ યંત્રો વડે ગ્રહણની ભવિષ્યવાણી, ઋતુચક્રની,વરસાદની ભવિષ્યવાણી કરવા સાથે ગ્રહ-તારાઓની સ્થિતિ-ધ્રુવ તારા વિશેની માહિતી વગેરે અર્થે એક સંકલ્પના જાણવામાં આ જંતરમંતર ખૂબ જ ઉપયોગી છે.

જયારે ઉપર જણાવ્યા મુજબ આ જયસિંહ બીજા ખુદ ખગોળશાસ્ત્ર જાણતા હતા તેથી તેમની પરિકલ્પનામાંથી જંતરમંતરનું નિર્માણ થયું પરંતુ વધુ ચોક્કસાઈ અર્થે રાજાએ પોતાના ખગોળશાશ્ત્રીઓને અનેક દેશોમાં આ દિશાના અભ્યાસ અને માહિતી એકઠી કરવા મોકલ્યા હતા.
વિશેષમાં એ કે આજે પણ જયપુરનું સ્થાનિક પંચાંગ, સમય તેમ જ અષાઢી પૂનમે પવન અને વરસાદની ગતિવિધિઓની આગાહી વગેરે અર્થે આ જંતરમંતરનો આધાર લેવામાં આવે છે.

આ જંતરમંતરના નિર્માણ બાદ કેટલાક સમય બાદ તેમાં નુકસાન થતાં રહ્યા છે. ચાર જેટલા યંત્રોનો નાશ પણ થયો છે ત્યારે તેને ૧૯મી સદીમાં જયપુરના રાજાના રાજ્યમાં કામ કરતા સહાયક એન્જીનીયર શ્રી આર્થર ગરંટએ સૌપ્રથમ સમારકામની કામગીરી કરેલી. ત્યારબાદ વખતોવખત બ્રિટીશ સરકારે આ કાર્ય સમય સમયે કરેલું છે.

અહીં જે ૧૯ યંત્રો છે અને સૂર્ય ઘડિયાળ છે તે વિષે ટૂંકમાં હવે જાણીએ.
અહીં ૧૯ યંત્રો ઉપરાંતનું ઉપકરણ છે એ વિશ્વની અદભૂત પથ્થર-પિત્તળ-રેતી-ચુનામાંથી બનેલ સૂર્ય ઘડિયાળ છે જેને સમ્રાટ યંત્ર કહેવામાં આવે છે. આ યંત્ર ૯૦ ફીટ ઊંચી દીવાલરૂપે છે જે વિશ્વની સૌથી ઊંચી દીવાલ છે. આ વડે રાત્રે પણ સમય જોઈ શકાય છે. આના ઉપર એક છત્રી પણ છે. સમય ઉપરાંત આ યંત્ર-સમ્રાટ યંત્ર દ્વારા નક્ષત્રોની ગતિ પણ જાણી શકાય છે. આ સઘળા અર્થે અક્ષાંશ – રેખાંશ દર્શાવવા અને અન્ય માહિતી અર્થે અનેક રેખાઓ અંકિત છે.

૧) ચક્રયંત્ર : આ ચાર અર્ધ ગોળાકાર ઉપર દિવસના ચારેય પ્રહરોમાં સૂર્યનો તડકો પડે છે જે વડે બપોરના બાર વાગ્યાનો સમય જાણવા સાથે આકાશી અવલોકનો શક્ય બને છે તે વિશ્વનાં અન્ય ચાર આવાં સંયંત્રો સાથે તેની સરખામણી કરીને તેમાં મહત્વની નોંધ લેવામાં આવી છે.
૨) દક્ષિણ ભીતી યંત્ર : આ યંત્રોનો ઉપયોગ બપોરના ( આશરે બારથી ચાર વાગ્યા વચ્ચે) નક્ષત્રો મારફતે સૂર્યની સ્થિતિ જાણવા અર્થે કરવામાં આવે છે.
૩) દિગ્માશા યંત્ર : આ યંત્ર બે “સમકેન્દ્રી” વર્તુળોના રૂપમાં છે જેની મધ્યમાં એક સ્તંભ છે. આ યંત્ર દ્વારા પૂર્વ-પશ્ચિમ દિશાએ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય જાણી શકાય છે.

૪) દિશા યંત્રો : આ યંત્ર જંતરમંતરની વચ્ચે સપાટ લાલ પથ્થર સાથે “ઓટલા”ના રૂપે છે. જેમાં લીટીઓ અંકિત છે. આ યંત્ર દ્વારા દિશાઓની, નક્ષત્ર-તારાઓ વગેરેની સ્થિતિની જાણકારી જાણી શકાય છે.
૫)ધ્રુવ દર્શક યંત્ર : આ યંત્ર પથ્થર ઉપર પટ્ટીઓ સ્વરૂપે છે જે નીચે દક્ષિણ દિશાથી ઉપરની બાજુએ ઉત્તર તરફ જાય છે. તેના ઉપર નજર નાખતા ધ્રુવ તારાની સ્થિતિ જાણી શકાય છે.

૬) જયપ્રકાશ યંત્ર : આ યંત્રને ક અને ખ એવા નામ આપવામાં આવ્યાં છે જેની શોધ જયસિંહ બીજાએ (જંતરમંતરના નિર્માતા) પોતે કરેલી છે. આ ક અને ખ બંને કટોરા જેવા આકારના છે. તેમાં લીટીઓ- રેખાંશ-અક્ષાંશ રેખાઓ દર્શાવવામાં આવી છે. આ બંને કટોરાની ગોળ કિનારીઓને ક્ષિતિજ માનવામાં આવે છે. તેના વડે સૂર્ય કઈ રાશિમાં સ્થિત છે અને તેનો ત્યારબાદ કઈ રાશિમાં પ્રવેશ હશે એ જાણી શકાય છે.
૭) કપાલી યંત્ર: આ યંત્ર દ્વારા આકાશના અવકાશી પદાર્થોની બદલાતી જતી સ્થિતિ વિષે જાણકારી મેળવી શકાય છે.
૮) ક્રાંતિ વૃત્તા યંત્ર : આ યંત્ર દ્વારા અવકાશી અનેક પદાર્થોની રેખાંશ-અક્ષાંશ વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. તેમ જ તેની સ્થિતિ જાણી શકાય છે.

૯) લઘુ સમ્રાટ યંત્ર : આ યંત્ર ૨૭ અંશ ડીગ્રીએ છે જે સૂર્યની સ્થિતિ દરેક સમયે જાણવા અર્થે છે.
૧૦) નાડી વલય યંત્ર : આ યંત્ર જંતરમંતરના પ્રવેશદ્વાર ઉપર જમણી બાજુએ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જતા સ્તંભરૂપે છે. તેના ઉપર રેખાંશ અંકિત છે. આ દ્વારા સૂર્યની ગતિ જાણી શકવા સાથે મિનિટથી પણ ઓછા ભાગનો સ્થાનિક સમય જાણી શકાય છે.
૧૧) રામ યંત્ર : આ યંત્ર બે નળાકાર સ્વરૂપમાં છે. આ યંત્ર અવકાશી પદાર્થોની દરિયાની સપાટીથી ઊંચાઈ દર્શાવે છે.

૧૨) રાશિવલય યંત્ર : આ યંત્ર એક પથ્થર ઉપર રેખાઓ સ્વરૂપે બારેય રાશિઓ દર્શાવે છે જેના વડે રાશિફળ, રાશિ, ગ્રહો, નક્ષત્રોની સ્થિતિ જાણી શકાય છે. અર્ધગોળાકાર ચક્રરૂપે છે.
૧૩) ષષ્ઠાંશ યંત્ર : આ યંત્ર સમ્રાટ યંત્રનો એક ભાગ છે જે પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં ચંદ્રના આકારરૂપે છે જે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જણાવે છે.

૧૪) ઉન્ન્તાશ યંત્ર : જંતરમંતરમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ ગોળાકાર ચબૂતરા ઉપર બે થાંભલા વચ્ચે ધાતુના બે ગોળા આડા-ઊભા લટકાવેલા છે. જેના વડે આકાશની ‘પીંડ’ની ઊંચાઈ માપી શકાય છે.
૧૫) વૃહત સમ્રાટ યંત્ર : આ યંત્ર ઉપર પડતાં સૂર્યના પડછાયા દ્વારા એક એક સેકંડે સૂર્યની સ્થિતિ વિષે જાણી શકાય છે.
૧૬) યંત્ર રાજ યંત્ર : આ હિંદુ વિક્રમ સંવતના કેલેન્ડરની ગણતરી અર્થે વર્ષમાં એકવાર ઉપયોગમાં લેવામાં આવે છે.

આ ઉપરાંત બીજા ત્રણ મિસર યંત્ર, પાલભા યંત્ર અને કનાલી યંત્ર પણ ત્યાં આવેલા છે.
આવું અદભૂત જંતરમંતર જયપુરના હવા મહલ, બાહરગઢ કિલ્લો અને અંબર કિલ્લા પાસે આવેલ છે. આથી એક જ ટીકીટમાં એ ત્રણેની મુલાકાત પણ લઇ શકાય છે. મુલાકાતનો સમય સવાર ૯ થી સાંજના ૫ સુધીનો હોય છે. પ્રવેશ ફી ભારતીય માટે રૂપિયા ૫૦ અને વિદેશીઓ માટે રૂપિયા ૨૦૦ છે. આ ઉપરાંત જંતરમંતર સારી રીતે નિહાળવાનો આદર્શ સમય બપોરનો છે જયારે આકાશ મધ્યમાં હોય.

લેખન : જસમીન દેસાઈ “દર્પણ”

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી