જહન્નમ – દસ વર્ષથી એ બાળકી કોઠામાં પુરાયેલી હતી આજે પહેલીવાર બહારની દુનિયા જોતી હતી પણ…

મુન્ની બાઈ ના હાસ્ય થી આખો કોઠો ગુંજી રહ્યો. આ હાસ્ય ની આ કોઠા નેજ નહીં એની સાથે સંકળાયેલા દરેક માનવીઓ ને ટેવ પડી ચૂકી હતી. કોઠા ના સૌથી વિશાળ ખંડ ની બરાબર મધ્ય માં સજી રહેલું ઝુમ્મર અને આજે એની દરેક ચીમની માં પ્રગટી રહેલો પ્રકાશ કોઈ ખાસ ઉજવણી ના અવસર ની સાબિતી આપી રહ્યું હતું. ખંડ ની ચારે સીમાઓ પર ટેકી ને ગોઠવેલ વિશિષ્ટ શણગારેલી ગાદીઓ ઉપર ખાસ મહેમાનો ગોઠવાયા હતા . કેટલાક મહેમાનો હાથ ના કાંડા ઉપર મોગરા ની વેણી સજાવી હુક્કા ના કસ ની મજા માણી રહ્યા હતા તો કેટલાક આજ ના દિવસ માટે ખાસ તૈયાર કરાયેલ સુંદર મજા ના જામો માંથી મદિરા ની બુંદ બુંદ નો નશો શરીર માં ઉતારી રહ્યા હતા.

એક ખૂણા માં હમણાંજ નૃત્ય સમાપ્ત કરી બિરાજેલ યુવાન નૃત્યાંગનાઓ મહેમાનો માટે સુંદર નાજુક હાથો વડે પાન બનાવવા માં વ્યસ્ત હતી. ચમકી રહેલા ઝુમ્મર ની તદ્દન નીચે દસ વર્ષ ની એક માસુમ બાળકી આંખો ઢાળી ઉભી હતી . ઉભી હતી ? નહીં , એને ઉભી રાખવા માં આવી હતી . આજના ખાસ અવસર માટે એના કુમળા માસુમ શરીરને માથા થી પગ સુધી આકર્ષક, ચુસ્ત લાલ રંગ ના કપડાઓ માં એ રીતે શણગારવામાં આવ્યું હતું કે એના શરીરના દરેક અંગો નો આકાર અને કદ સામે બેઠેલા પુરુષો ને સરળતાથી આકર્ષી લલચાવી શકે. માથા પર લાંબો ટીકો , હીરા જડેલ ઘરેણાં , હાથ -પગ ઉપર લાલ મહેંદી ના કુંડાળાઓ , નાક માં મોટા કદ ની નથની , નાની પાનીઓ માં મોટા ભારેખમ ઘૂંઘરું …એ ઘૂંઘરું હતા કે પછી એ માસુમ શરીર ને , એના નિર્દોષ બાળપણ ને જકડી રાખેલી બેડીઓ ???

નાનકડું હ્ય્યુ અંદરઅંદર થરથર ધ્રુજી રહ્યું હતું. સામે બેઠા પુરુષો ની પશુતા ભરી આંખો એના શરીર ની માસુમિયત ને દરેક તરફ થી વીંધી રહી હતી . લાળ ટપકાવતા એ રાક્ષસી ચ્હેરાઓ એના નાજુક તાજા શરીર ને મેળવવા તળપાપડ થઇ રહ્યા હતા. એક પછી એક લગાવાતી ઊંચી બોલીઓ મુન્ની બાઈ ના કોઠા ની આન -બાન- શાન ને ચાર ચાંદ લગાવતી આગળ વધી રહી હતી ,દર વરસ ની પરંપરા ને અચૂક આગળ વધારતી. ” લો શેખ સાહેબ ઇસ બાર ભી આપ હી જીત ગયે ….”

પોતાના ધારદાર હાસ્ય સાથે મુન્ની બાઈ એ શેખ સાહેબ ને અભિનંદન પાઠવ્યા. દર વરસ ની જેમજ આ વર્ષે પણ શેખ સાહેબ ની બોલીજ સૌથી ઊંચી રહી . મુન્ની બાઈ ની ખુશી ચરમસીમાએ હતી. શા માટે ન હોય ? એક દસ વરસ ની નાનકડી બાળકી ના ભરણપોષણ ની આજે એને ગગનચુંબી કિંમત મળવાની હતી . હીરા ના દાગીનાઓ થી ભરેલી શેખ સાહેબ ના હાથ માની પેટી પર હવે એની સંપૂર્ણ માલિકી હતી.

” શમીમાં કે જાને કી તૈયારી કી જાયે ! ” મુન્ની બાઈ એ હાથ ના પંજાઓ વડે ત્રણ તાળીઓ નો ગડગડાટ કર્યો અને એ તાળીઓ ફરજપૂર્તિ માટે ના આદેશ ની નિશાની હોય એ સારી પેઠે જાણતી યુવતીઓ નો સમૂહ બાળકી ને વરંડા તરફ પોતાની સાથે દોરી ગઈ .

સિત્તેર વરસ પાસે ની આયુ ધરાવતા શેખ સાહેબે આ ઉંમરે પણ પોતાની તંદુરસ્તી સારી પેઠે જાળવી હતી. ઊંચું , કદાવર, હૃષ્ટ પૃષ્ટ શરીર આ ઉંમરે પણ કેવું શોખીન !સફેદ ,અતિ લાંબા પારંપરિક પોશાક માં સજ્જ શેખ સાહેબ દર વરસ આજ પ્રમાણે કુમળી આયુ વાળા શરીરો ને ખરીદી પોતાના દેશ લઇ જતા. એમની પસંદગી ઓછા માં ઓછી આયુ ધરાવતી કન્યાઓ પરજ ઉતરતી. શેખ સાહેબ ના સ્વાદ થી સારી રીતે પરિચિત મુન્ની બાઈ પણ એમના શોખ ને અનુરૂપ શરીર એમના આગમન પહેલાજ અલગ તારવી રાખતી . સફળ ધંધાની નિપુર્ણતા અને વરસો ના અનુભવ ના પરિણામ સ્વરૂપ મુન્નીબાઈ સાથે થયેલ દરેક ખરીદી કોઈ પણ પ્રકાર ના કાયદાકીય અવરોધ કે અડચણ વિનાજ પરદેશ સરળતાથી પહોંચી જતી.

શમીમાં એ એક અંતિમવાર કોઠા ની દીવાલો ને નિહાળી. એનું બાળપણ આ ચાર દીવાલો માંજ તો ગોંધાઈ વિકસ્યું હતું. ઘુંઘરુઓ નો શોર અને તબલાઓ ના તાલ , નૃત્ય ના થનકાર અને પુરુષો ના હવસ થી ભર્યા વાહ , વાહ ના નાદ ….એજ એ અનાથ નું વિશ્વ્ હતું ને એજ જીવન અનુભવ ..એ સિવાય આ દીવાલો ની બહાર પણ કોઈ દુનિયા જીવી રહી હતી એ બાબત થી એનું બાળમાનસ તદ્દન અજાણ હતું. એક વરસ ની હતી જયારે એનો સોદો મુન્નીબાઈ જોડે થયો હતો . ત્યારથી આ કોઠોજ તો એનું સર્વસ્વ હતું. એક દિવસ આમ અચાનક અહીં થી નીકળી જવું પડશે એવું સ્વ્પ્ન માં પણ વિચાર્યું ન હતું . એની કાળજી , ઉછેર અને સંભાળ પાછળ ના મુન્નીબાઈ ના સાતિર ગણિત ને સમજી શકવાની એ નિર્દોષ મન ની પરિપક્વતા જ ક્યાં હતી ?

થર થર કાંપતા શરીર જોડે એ શેખ સાહેબ ની પડખે ગોઠવાઈ અને અત્યંત ઝડપ જોડે ટેક્ષી સીધીજ એરપોર્ટ ની દિશા તરફ ભાગી. ટેક્ષી ની બારી માંથી બહાર ડોકાઈ રહેલી બે માસુમ આંખો પહેલીવાર શહેર ની સુંદરતાનો આટલો ભવ્ય નજારો માણી રહી . ઊંચી ઊંચી ગગનચુંબી ઇમારતો , પહોળા અને સ્વ્ચ્છ રસ્તાઓ , કદાવર શોપિંગ મોલ , વીજળી ની રમત કરતા વિશાળ સાઈન બોર્ડ …પોતે આટલા વરસો થી આજ શહેર માં રહેતી હતી ? એનું શહેર આટલું સુંદર હશે એવું એણે વિચાર્યું પણ ન હતું ! કાશ એ કોઠા ઉપર રહેતી એની અન્ય સખીઓ ને પણ આ મનમોહક દ્રશ્ય બતાવી શકે …પણ એ શક્ય ક્યાં હતું ? હવે તો એમના વિનાજ એકલા જીવતા શીખવાનું હતું …..

અચાનક ટેક્ષી એ બ્રેક લગાવી અને એનું શરીર પડખે ગોઠવાયેલા શેખ સાહેબ ને સ્પર્શ્યું … એ સ્પર્શ જોડેજ વર્તમાન નો આનંદ કચડાઈ ગયો અને ભવિષ્ય નો ડર ફરીથી એ બાળમાનસ ને ઘેરી વળ્યો . સિત્તેર ની આયુ ધરાવતું એ વૃદ્ધ શરીર એના શરીર જોડે જે આનંદ ની ક્ષણો માણવા આટલી ઊંચી કિંમત ચૂકવી આવ્યું હતું એનો અંદાજ લગાવતાંજ પોતાનું શરીર બેજાન અને નિર્જિવ ભાસી રહ્યું .

એરપોર્ટ આવી ગયું હતું . શેખ સાહેબે ટેક્ષી નું ભાડું ચુકવ્યું અને બાળકી ને લઇ ટર્મિનલ તરફ આગળ વધ્યા . સુરક્ષા ચકાસણી કરાવી પહેલીવાર એરપોર્ટ નિહાળી રહેલી શમીમાં નું મોઢું નવાઈ અને અચરજ થી ખુલ્લુંજ રહી ગયું . પોતાની સખીઓ જોડે હવાઈજહાજ ની ઘણી વાતો કરી હતી . માનવીઓ પંખી જેમ હવા માં કઈ રીતે ઉડતા હશે ? ઘણીવાર પોતાની બાળ અનુમાન ક્ષમતા થી એણે વિમાન ની અંદર ના નજારા ની કલ્પના કરી જોઈ હતી ! પણ આજે તો એ સાચેજ પંખી બની ઉડવાની હતી …

એરપોર્ટ પર ની બધીજ ઔપચારિક પ્રક્રિયાઓ નિહાળવામાં ફરીથી એ બાળ હૃદય એક ક્ષણ માં બધુંજ વિસરી વિસ્મય અને રસપૂર્વક આનંદ મગ્ન બની રહ્યું . ઉપર નીચે જતી આધુનિક દાદરો , સામાન લઇ ફરતી ગોળ ગોળ પટ્ટીઓ , જૂદી જૂદી વેશભૂષા પરિધાન કરેલા અને અવનવી ભાષાઓ બોલતા મનુષ્યો ! આ સૃષ્ટિ તો એની કલ્પના ની સૃષ્ટિ કરતાં તદ્દન વિશાળ અને ભિન્ન હતી . ચેક ઈન નો સમય થયો અને પતંગ જેમ આકાશ માં વિહરવાની ઘડી આવી પહોંચી …..

પરી સમાન એરહોસ્ટેસ નું સુંદર સ્વરૂપ જોઈ શમીમાં તો અંજાય જ ગઈ ! પોતાની સીટ ઉપર ગોઠવાઈ એ વિમાન ની દરેક સગવડ અચંભા થી નિહાળી રહી . સીટ ની ઉપર તરફ ની દરેક સ્વિચ અને એની ઉપર ના નિશાનો ને સમજવા એનું નાનકડું મગજ કસરત કરી રહ્યું . થોડાજ સમય માં ‘ટેક ઓફ ‘ની ઘોષણા થઇ અને વિમાન ની અંદરનો બધોજ પ્રકાશ આલોપ થઇ ગયો . અંધકાર માં ધીરે -ધીરે ગતિ પકડી રહેલા વિમાન ની સાથે એની અંદર નો ભય પણ જોર પકડી રહ્યો . ઉડવા નો આ એનો પહેલો વહેલો અનુભવ હતો …અને એની સાથે નો ભય પણ….પડખે ની સીટ ઉપર ગોઠવાયેલા શેઠ ને આ ભય અંગે અવગત ક્યાં થી કરી શકે ? સૌથી વધુ ભય તો એમનાથીજ અનુભવાય રહ્યો હતો !

આખરે એ ભયજનક ઘડી પણ પસાર થઇ ગઈ. આકાશ માં સ્થિર થયેલા વિમાન ની વીજળી ફરીથી પ્રકાશ પાથરી રહી . શમીમાં ના હૃદય ના ધબકારા પણ સામાન્ય થયા. એરહોસ્ટેસ ને સ્ટુઅર્ટ તરફ થી પિરસાયેલ સ્વાદિષ્ટ વાનગીઓ નો એણે પેટ અને મન ભરી સ્વાદ માણ્યો . એવું સ્વાદિષ્ટ જમણ તો આજ પહેલા ક્યારે પણ ચાખ્યું ન હતું . સામે પડેલા હેડફોન અને નાનકડા ટીવી નો પરદો કઈ રીતે સાંકળી શકાય એની મથામણ માં પડેલી શમીમાં ના હાથમાંથી એરહોસ્ટેસે હેડફોન શમીમાં ના માથા ઉપર વ્યવસ્થિત ગોઠવી, ટીવી નો પરદો સાંકળી આપ્યો . રિમોટ ના આંકડાઓ દ્વારા એક પછી એક ચેનલો ફેરવી બતાવી . શમીમાં તો નવાઈ થી જોતીજ રહી ગઈ . ટીવી ના પરદા ઉપર ફિલ્મ જોતી એની બાળ આંખો થાક થી ક્યારે મીંચાઈ ગઈ એની એને જાણ પણ ન થઇ .

આંખો ઉઘડી ત્યારે વિમાન નો જમીન પર ઉતરવાનો સમય થઇ ચુક્યો હતો અને શમીમાં નો પણ તો સમય થઇ ચુક્યો હતો …. વિમાન ની અદભુત સ્વ્પ્ન સમાન સૃષ્ટિ માંથી વાસ્તવિકતા ની ભૂમિ પર પરત થવાનો . સિત્તેર વરસ ના વૃદ્ધ શરીર જોડે એ દસ વરસ નું શરીર પોતાના ભવિષ્ય ની હકીકત અંગે સભાન થતું ફરી એક વાર ભયંકર અંધકાર ભરી કલ્પના માં ડૂબી ગયું.

વિદેશ ની ધરતી ઉપર પગ પડ્યો અને શમીમાં ને લાગ્યું જાણે એ અચાનક સ્વર્ગ માં ઉતરી પડી હોય ! શેખ ની અતિકિંમતી ગાડી માં ગોઠવાતી એની નાનકડી આંખો દંગ થઇ પહોળી થઇ રહી . આ ગાડી હતી કે ચાલતુંફરતું ઘર ! ઠંડી ઠંડી એસી ની હવા માણતી એ નવા દેશ , નવા શહેર ને ગાડી ના કાચ માંથી ટગર ટગર જોઈ રહી . એનો નાનકડો પંજો ગાડી ના કાચ ઉપર એ રીતે ટેકવાયો જાણે એ પંજો નિહાળી રહેલા દરેક દ્રશ્ય ની કેમેરા માફક તસ્વીર ખેંચતો હોય ! નવા લોકો , નવી વેશભૂષા , નવી જીવનશૈલી , નવા પ્રકાર ના રહેઠાણો , બધુજ નવું અને સુંદર હતું …

એક ફક્ત એના જુના ,ખરાબ ભાગ્ય સિવાય …..આ સુંદર શહેર માં એને ક્યા કાર્ય માટે લવાઈ હતી એ યાદ આવતાજ એ નાનકડો પંજો ફરીથી કાચ પર થી નીચે સરકતો શમીમાં ના ગોદ માં નિસહાય જઈ પછડાયો . થોડાજ સમય પછી ગાડી લાલ સિગ્નલ પર આવી થોભી . સિગ્નલ ની એક પડખે એક આકર્ષક ઇમારત હતી . શમીમાં ની આંખો એ ઇમારત પર જડાઈ . ઇમારત ની અંદર તરફ ના મોટા પ્રાંગણ માં રમતગમત નું વિશાળ મેદાન હતું . શમીમાં ની જ ઉંમર ની નાની છોકરીઓ એ મેદાન ઉપર રમી રહી હતી . સુંદર શાળા ના યુનિફોર્મ માં સજ્જ એ દરેક છોકરીઓ નાનકડી ઢીંગલીઓ સમી દીપી રહી હતી . શમીમાં ના ચ્હેરા ઉપર એક મીઠું સ્મિત રેલાઈ ગયું .

ચમકતી આંખો જાગતી આંખો થીજ સ્વ્પ્ન માં સરી પડી . પોતે પણ એમના જેવોજ સુંદર યુનિફોર્મ પહેરી એમની સાથે હસતી , દોડતી , રમતી , અત્યંત ખુશ શમીમાં ને એ જોઈ રહી . સિગ્નલ લીલા રંગ માં બદલાયું ને શમીમાં નું સ્વ્પ્ન ફરીથી કડવી વાસ્તવિકતા માં ઢળી પડ્યું .

અચાનકજ કોઠા વાળી અમ્મા ની યાદ આવી રહી . કોઠા પર ની દરેક નાની છોકરી ની સારસંભાળ લેતી એ વૃદ્ધા નો ચ્હેરો આંખો સામે ઉપસી આવ્યો ને ધડ ધડ કરતી આંખો મૌન ના ડૂસકાંઓ માં ભીંજાઈ રહી . દરરોજ રાત્રે અમ્મા કેવી સરસ મજા ની પરી લોક ની વાર્તા સંભળાવતા ! એક વાર એવીજ એક રોમાંચક પરીકથા એમણે સંભળાવી હતી . એક નાનકડી ગરીબ બાળકી ને એક પરી જાદુ ની લાકડી ફેરવી પોતાના પરીલોક માં લઇ ગઈ હતી અને એકજ ક્ષણ માં એનું જીવન કેવું બદલાઈ ગયું હતું ! એણે અમ્મા ને પૂછ્યું તો હતું , ” વાસ્તવ માં એવી પરીઓ હોય છે ? ” પણ અમ્મા એ કઈ જવાબ આપ્યો ન હતો . કોઠા ની દીવાલો એકીટસે નિહાળી ખબર નહિ ક્યા ઊંડા વિચારો માં ઉતરી ગયા હતા ?

પણ આજે શમીમાં સમજી ચૂકી હતી કે પરીઓ તો ફક્ત વાર્તા માં આવે . સાચા જીવન માં તો શેખ સાહેબ જેવા ધનવાન લોકો આવે અને પૈસા ની લાકડી ફેરવી જહન્નમ જેવી દુનિયા માં સાથે ઘસડી જાય ….

થોડા અંતરે આવેલા એક મોટા કદ ના શોપિંગ મોલ ઉપર ગાડી થોભી . શેખ સાહેબે ઘણી બધી ખરીદી કરી . શમીમાં માટે નવા સુંદર વસ્ત્રો , ઘરેણાં , ચપ્પલ , બુટ અને બીજી પણ રોજ જરૂરિયાત ની દરેક વસ્તુઓ . જીવન માં પહેલી વાર કોઈ માનવી એના માટે આટલી બધી ખરીદી કરી રહ્યું હતું પણ શમીમાં નું મન જરાયે ખુશ ન હતું . ચ્હેરો રંગ વિહીન અને શરીર શબ જેવું . વિચારો માં શેખ સાહેબ નું શયનખંડ અને અતિ કિંમતી પથારી પર પડેલી પોતાની કાયા નિહાળી રહેલી એ માસુમ આંખો ઉંમર પહેલાજ પરિપક્વતા ના રંગો માં ડૂબકીઓ લગાવી રહી હતી .

ખરીદી નો બધોજ સામાન ગાડી માં ગોઠવાયો ને ગાડી એની મંઝિલ તરફ આગળ વધી રહી . જેમ -જેમ મંઝિલ નજીક આવી રહી હતી તેમ -તેમ શમીમાં નું બાળમન ચિત્ર વિચિત્ર અનુમાનો અને કલ્પનાઓ ઉભી કરી રહ્યું હતું . શેખ સાહેબ ના પેટ માં તેજ ચાકુ ખૂંપી દેતા એના નાનકડા હાથ , શેખ સાહેબ ની પથારી પર લોહી માં લથપથ પોતાનું શબ , શેખ સાહેબ નો ભયજનક રાક્ષસી હાસ્ય વાળો ચ્હેરો , સમુદ્ર ના ઉંડાણો માં ઘૂંટાતી એની શ્વાસો..

ભય થી મીંચી દીધેલી બન્ને આંખો પર ટકોરા મારતો ગાડી નો દરવાજો ખુલવાનો ધ્વનિ સંભળાયો. શમીમાં એ ધીરે રહી આંખો ઉઘાડી . નીચે ઢાળી દીધેલી પાંપણો સાથે એનું નિર્જિવ શરીર એની નિર્જિવ આત્મા ને જહન્નમ સમાન જીવન માં પ્રવેશવા ખેંચી રહ્યું. આંખો એ નિયઁત્રણ ગુમાવ્યું અને ખારો સમુદ્ર ખર ખર ખરી ગયો .નાની બાળકીઓ ના ખડખડાટ હાસ્ય થી એ નાનકડી મૃત આત્મા ફરીથી સજીવન થઇ ઉઠી . પોતાની કલ્પના સૃષ્ટિ ના અંધકાર માંથી ધીરે રહી એક ડોકિયું આસપાસ ની વાસ્તવિકતા ઉપર કર્યું . શું એ ફરીથી એજ સ્વ્પ્ન બીજીવાર નિહાળી રહી હતી ? ફરીથી શાળા ની એ જ નાની બાળકીઓ વચ્ચે પ્રાંગણ માં કઈ રીતે આવી ઉભી ? બધીજ નાનકડી બાળકીઓ આ રીતે શેખ સાહેબ ને પ્રેમ થી શા માટે વીંટળાઈ રહી ? પાછળ ચળકતા શાળા ના નામ ના પાટિયા ઉપર શેખ સાહેબ ને એમના પરિવાર ની તસ્વીર શા માટે જડાઈ હતી ?

પાટિયા ઉપર ની તસ્વીર નિહાળવાં માં ખોવાઈ ચૂકેલી શમીમાં ને શેખ સાહેબ નો ઊંચો કદાવર અવાજ પાછળ થી સંભળાયો : ” હમારી બિવિ ઔર બચ્ચી ….દોનો ખુદા કે પાસ હે …આજસે આપ ભી હમારી હી બચ્ચી હે …ઈન સબ કી તરહ …આપ યહાં રહોગે ઈન સબ કે સાથ હમારી બોર્ડિંગ સ્કૂલ ‘જન્નત’ મેં ….”

શમીમાં ની આંખો ચમકી . એણે ફરીને પહેલીવાર વિશ્વાસ જોડે ધ્યાનથી શેખ સાહેબ નો ચ્હેરો જોયો . અમ્મા ની વાર્તા વાળી પરી રૂપ બદલી ને તો નહિ આવી હોય ? ભીનાયેલી આંખો જોડે એ શેખ સાહેબ ને વળગી પડી . એનો માસુમ હાથ થામી શેખ સાહેબ એને પોતાની બોર્ડિંગ સ્કૂલ ‘જન્નત ‘ માં નવી વિદ્યાર્થીની તરીકે ની નોંધણી કરાવવા લઇ ગયા ….

ખુદા તો દરેક માનવી ને ફરિસ્તા નું સ્વરૂપ આપીજ સૃષ્ટિ પર મોકલાવે છે . પણ મોટાભાગ ના માનવીઓ એ રૂહાની સ્વરૂપ ત્યજી હેવાનિયત અને દાનવતા નેજ અપનાવે છે . સ્વર્ગ સમી પૃથ્વી ને નર્ક બનાવવા જ્યાં ચારોતરફ અગણિત દાનવતા વ્યાપ્તિ જઈ રહી છે , ત્યાં હજી કોઈ અજાણ્યા ખૂણાઓ માં શેખ સાહેબ જેવા માનવ કણો એ નર્ક માંથી થોડું ઘણું સ્વર્ગ રચવાં પ્રયત્નશીલ છે અને કદાચ હજી સુધી આ પૃથ્વી જો ટકી રહી છે તો કદાચ એ માનવતા ના આ વધેલા અવશેષો સમા નહિવત માનવ અવતારો ને કારણેજ !

પોતાની પત્ની અને બાળકી ના મૃત્યુ પછી પોતાની અગણિત ધનસંપત્તિ ‘ધર્મ’ ની સેવા પાછળ ખર્ચવાનું નક્કી કરી ચૂકેલા શેખ સાહેબે વિશ્વ માં ઉપસ્થિત અનંત ધર્મસ્થળો માં અન્ય ધર્મસ્થળો ઉમેરવાની જગ્યા એ ખુદા ની ઉપાસના કરવા આ એક વિશિષ્ટ જ ધર્મસ્થળ રચ્યું છે . દુનિયા ના ખૂણે ખૂણે થી એની લાચાર બન્દીઓને કોઈ પણ ધર્મ ના ભેદભાવ વિના , ‘જહન્નમ’ સમા જીવન થી છૂટકારો અપાવી એ પોતાની આ ‘જન્નત ‘ માં લઇ આવે છે ……અને ઈશ્વર ના ઘર માં પોતાનું સ્વર્ગ મેળવવાં આનાથી સુંદર બંદગી થઇ શકે ખરી ????

લેખક : મરિયમ ધુપલી

વાહ વાર્તા માટે જેટલા પણ શબ્દો લખો એટલા ઓછા છે, તમે પણ કોમેન્ટ કરો કેવી લાગી વાર્તા અને દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

*ફોટો પ્રતીકાત્મક છે