જગન્નાથ પૂરીમાં પૂર્ણિમા સ્નાન ઉત્સવ ઉજવાયો – 23મી જૂને ભગવાન આવશે હોમ ક્વોરેન્ટાઇનમાંથી બહાર
આખાએ ભારતમાં જગન્નાથ પૂરીની રથ યાત્રા અત્યંત ભવ્ય હોય છે. ત્યાર બાદ આપણા અમદાવાદની રથયાત્રાનો નંબર આવે છે. પણ હાલ કોરોના વાયરસની મહામારી સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખીને આ આખોએ મહોત્સવ ગણતરીના લોકોની હાજરીમાં જ ઉજવવામાં આવશે. સામાન્ય સંજોગોમાં રથયાત્રાના દિવસે રથયાત્રાના માર્ગ પર ભગવાન જગન્નાથના દર્શન માટે હજારો લોકો ભેગા થાય છે. પણ રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વખતે ખૂબજ ઓછા લોકોની હાજરીમાં આ ઉત્સવ ઉજવવાની તૈયારીઓ કરવામા આવી રહી છે.

જગન્નાથ પુરીની ભવ્ય રથયાત્રા પહેલાં પણ એક ઉત્સવને ભારે ઉત્સાહથી ઉજવામાં આવે છે અને તે છે પૂર્ણિમા સ્નાનનો ઉત્સવ. આ મહત્ત્વના ઉત્સવમાં મંદિરના ગર્ભ ગૃહમાંથી ભગવાન શ્રી જગન્નાથ, શ્રી બળદેવ અને શ્રી સુભદ્રા દેવીની મૂર્તિઓને બહાર લાવવામાં આવે છે. તેમજ તેમને 108 ઘડાના સુગંધીત જળથી સ્નાન કરાવવામાં આવે છે. જગન્નાથ પુરીના મંદીરમાં ઉજવાયેલા આ ઉત્સવમાં 300 લોકોએ હાજરી આપી હતી. તેમજ 170 પૂજારીઓએ મૂર્તિઓને જળ સ્નાન કરાવ્યું હતું.

સ્નાન પૂર્ણિમાની સંધ્યા સુધી મૂર્તિઓને ગર્ભગૃહની બહાર જ રાખવામાં આવે છે. ત્યાર બાદ તેને 15 દિવસ સુધી એકાંતવાસમાં રાખવામાં આવે છે જેને તમે આજકાલની લેટેસ્ટ ભાષામાં ક્વોરેન્ટાઇન પણ કહી શકો. અને આ 15 દિવસ દરમિયાન ભગવાનને વિવિધ ઔષધિઓ તેમજ હલવાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. 15 દિવસ બાદ એટલે કે આ વર્ષે ભગવાન 23 જૂનના રોજ નગરયાત્રાએ નીકળશે ત્યાં સુધી તેમને મંદીરમાં જ બંધ રાખવામાં આવશે.

એક માન્યતા પ્રમાણે ભગવાનને જ્યારે પૂર્ણિમા સ્નાન કરાવવામાં આવે છે ત્યારે વધારે પડતા પાણીથી સ્નાન કરવાથી ભગવાન બીમાર પડી જાય છે અને માટે તેમને ઔષધીઓ અને હલવાનો ભોગ ચડાવવામાં આવે છે અને માટે જ તેમને 15 દિવસ એકાંતમાં રાખવામાં આવે છે. જો તમને ચિંતા થતી હોય કે આ ઉત્સવમાં 170 જેટલા પુજારીઓએ ભાગ લીધો હતો અને તેઓ કોરોના ફેલાવી શકે છે તો તમને જણાવી દઈએ કે આ બધા જ પૂજારીઓનો કોરોના ટેસ્ટ કરીને તેમને 12 દિવસ માટે ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જ આ ઉત્સવમાં ભાગ લેવાની રજા આપવામાં આવી હતી. તેઓ પોતાના ક્વોરેન્ટાઇમાંથી બહાર આવીને સીધા જ મંદિરમાં પ્રવેશ્યા હતા.
મધ્ય રાત્રિએ જ ભગવાનના પૂર્ણિમા સ્નાનની જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી

જગન્નાથ પૂરી મંદીરના ટ્રસ્ટ સમિતિના સભ્ય તેમજ મંદિરના પૂજારી એવા શ્યામ મહાપાત્રાએ આ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે રાત્રિના 12 વાગ્યાથી જ મંદીરમાં પૂર્ણિમા સ્નાનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ત્રણે મૂર્તિઓને સ્નાન મંડપમાં લાવ્યા બાદ વહેલી સવારે વૈદિક મંત્રો સાથે પૂર્ણિમા સ્નાનની વિધિ શરૂ કરવામાં આવી હતી.
ખાસ કૂવાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે

ભગવાન શ્રી જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીને પૂર્ણિમા સ્નાન કરાવવા માટે મંદિરના પ્રાંગણમાની ઉત્તર દિશામાં આવેલા કૂવાનું જ પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન માટેના સ્નાન માટે આ કૂવાનું પાણી આરક્ષિત રાખવામા આવ્યું છે કારણ કે વર્ષની જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે જ આ કૂવાના પાણીનો ઉપયોગ ભગવાનના સ્નાન માટે કરવામાં આવે છે. ત્યાર બાદ તેને આખા વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે. દર વર્ષે જેઠ મહિનાની પૂનમે જ આ કૂવાને ખોલવામાં આવે છે.
અભિષેકના જળમાં ઉમેરવામાં આવે છે આ પવિત્ર વસ્તુઓ

ભગવાનના સ્નાન માટે 108 ઘડામાં સુગંધીત જળ તૈયાર કરવામાં આવે છે, આ સુગંધીત જળમાં વિવિધ પ્રકારની ઔષધીઓ મિશ્રિત કરવામાં આવે છે. જેમાં કેસર, ચંદન, કસ્તૂરિ ઉપરાંત વિવિધ સુગંધીત દ્રવ્યો ઉમેરવામાં આવે છે. દરેક મૂર્તિ માટે ઘઢાની સંખ્યા પણ મંદીર દ્વારા નક્કી કરવામાં આવેલી છે.
સ્નાન બાદ સંધ્યા સમયે કરવામાં આવે છે ગજ શ્રૃંગાર

આ દિવસે સ્નાન કરાવ્યા બાદ ભગવાન શ્રી જગન્નાથજી અને બળદેવજીનો ગજશ્રૃંગાર કરવામાં આવે છે. આ શ્રૃંગારમાં ભગવાનના ચહેરાને હાથીની જેમ સજાવવામાં છે. આ શ્રૃંગાર પાછળ પણ એક કારણ છે. એવું કહેવાય છે કે આ મંદીરમાં એક ભક્તને ભગવાને આ જ સ્વરૂપે દર્શન આપ્યા હતા. અને ત્યાર બાદ ભગવાનને આ જ રીતે સજાવવામાં આવે છે અને સજાવ્યા બાદ તેમને ગર્ભગૃહમાં પાછા લઈ જવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ