ઇત્તેફાક – બહુ મજ્જા ની લવ સ્ટોરી ! કાશ દરેકને પોતાનો પ્રેમ આવી રીતે મળી જતો હોત તો…

“કભી જો બાદલ બરસે, મેં દેખું તુઝે આંખે ભરકે, તું લગે મુઝે પેહલી બારીશ કી દુઆ”

સવાર સવારમાં આપણા કુશળકંઠી એવા અરીજીતભાઈના અવાજે રાત્રિભર પુરઝડપે દોડતી નિંદ્રા એક્સપ્રેસ પર બ્રેક લગાવી. એક હાથથી આંખો મસળતાં બીજો હાથ મેં ટેબલ સુધી લંબાવ્યો. ફોનની ડાયલ સ્ક્રીન પર કોઈ અજાણ્યો નંબર ફ્લેશ થતો હતો.

“હલો!” “હા! કોણ?”, સામા છેડેથી તલસ્પર્શી ‘વોઈસ ઓફ અ ગર્લ’ સંભળાયો. “અરે! તમે ફોન કર્યો છે, તો તમારે ઓળખ આપવી જોઈએ અને તમે મને પૂછો છો યાર!!”, હું જરા છણક્યો. “સોરી, પણ આ વિકાસ સરનો નંબર છે?” “ના ના મેડમ! અહિયાં કોઈ વિકાસ સર નથી, લાગે છે કે તમારાથી નંબરના આંકડા ફરી ગયા છે, ઇટ્સ અ રોંગ નંબર!”


બસ, આટલું સાંભળતા જ એણે ફટાક લઈને ફોન મૂકી દીધો. મેં ફરીથી માથું તકિયે ટેકવ્યું. Physically પથારીમાં હતો પણ mentally પેલું ‘હા! કોણ?’ પથારી ફેરવી રહ્યું હતું. અદ્દલ જેવું યશ ચોપરાની moviesમાં થાય એવું જ કંઈક આજુબાજુ થવા લાગ્યું. ‘કોણ હશે એ?’, ‘એનું નામ ઠામ શું હશે?’ વગેરે જેવા સવાલો લેખક મગજમાં ઘુમરાયા કરતા હતા અને એવામાં ફરીથી ફોને પેલા જ નંબર સાથે દસ્તક દીધી. “હા! બોલો”, મેં જાણે કે વર્ષોથી જાણતો હોય એમ વર્તન કર્યું. “હા! કોણ?”

“એ જ રોંગ નંબર” “અરે યાર! આજે આ શું થાય છે એક તો સવાર સવારમાં!! ફરીથી પણ તમને જ ફોન લાગી ગયો. સોરી હ જો તમારી ઊંઘ બગાડી હોય તો!”, બિચારી ગભરાહટમાં આટલું બધું બોલી ગઈ. “અરે વાંધો નઈ યાર! જે થાય એ સારા માટે જ થાય”, મેં ગણગણાટ કર્યો. “શું??? જરા મોટેથી બોલો ને! સંભળાયું નઈ મને” “ના ના! કશું નઈ.. આવું બધું તો ચાલ્યા કરે” “ઓકે! તો પણ સોરી હોં ને!!” “અરે કહ્યું ને મેં વાંધો નઈ” “થેંક યુ” ફોન ફરીથી કટ થયો.

મન ફરીથી હિલોળે ચઢ્યું. કદાચ એના અવાજ સાથે મને પ્રેમ થતો જતો હતો. સામાન્ય રીતે આખોને પ્રેમના પ્રવેશદ્વાર તરીકે સ્થાન મળ્યું છે, પરંતુ મારા માટે આ એક નવો જ અનુભવ હતો.અવાજ પણ એટલી જ ભૂમિકા ભજવી શકે એ અંગેની શંકા આજે ધ્વસ્ત થઇ.આ બધી ગડમથલના અંતે મેં એનો નંબર ‘MISS WRONG NUMBER’ નામથી save કર્યો અને એટલામાં રસોડામાંથી મમ્મીની બુમ પડી,

Man with smart phone

“ભયલું!! ચલ ભાઈ જલ્દી બ્રશ કરીને ફ્રેશ થઇ જા, મોડું થાય છે. તારે નવાઈનું વેકેશન નથી!!” “હા મમ્મી ઉઠી જ ગયો છું” આટલું કહેતા તો મમ્મી છેક મારા રૂમ સુધી આવી ગઈ. “અને આ ઉઠીને તરત કોના ફોન વાગ્યા કરે છે?” “કંઈ નઈ મમ્મી, એ તો રોંગ નંબર હતો કોઈકનો”

“સારું એ જે હોય તે, ચાલો હવે પલંગને પણ આરામ આપો” મમ્મી કટાક્ષમાં બોલી. “હા બાપા હા! ઉતરું જ છું હવે” એમ કહીને ભયલું પલંગથી અળગો થયો અને બ્રશ કરી ડાયનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયો. આજે કોફીનો કપ લગભગ ૧૫-૨૦ મિનીટ સુધી ફૂંક્યા કર્યો અને નાસ્તો પણ પ્રોસેલી સ્થિતિમાં એમનો એમ ખવાઈ જવા માટે તત્પર હતો. મમ્મીની નજર પડી અને સ્વાભાવિક શબ્દો એના શ્રીમુખેથી મારા કાન તરફ ગતિમાન થયા,

“શું કરે છે ભઈ તું? અડધો કલાકથી કોફીનો કપ પકડીને બેઠો બેઠો ફૂંક્યા કરે છે! અને નાસ્તો તો હજી એમનો એમ જ પડ્યો છે પ્લેટમાં! સમયની કોઈ કિંમત જ નઈ ને! કામ તો ક્યાંથી કરવા લાગે, પણ ઉપરથી ખોટીના પાર કરી મુકે” કોઈ અપરાધના એવીડન્સ છુપાવતો હોય એમ હું ફટાફટ નાસ્તો કરવા લાગ્યો અને કોફી તો બે જ ઘૂંટમાં પૂરી કરી.

આમ ને આમ યંત્રવત વર્તનમાં સાંજ પડી છતાં હજી પેલા ‘હા! કોણ?’ના પડઘા મારા કાનોમાં ગુંજન કરતા હતા. એટલે કંટાળીને છેવટે પેલી MISS WRONG NUMBERની CONTACT DETAILS ઓપન કરી. વળી, આજકાલ આ સ્માર્ટ ફોન પણ ગજબની સ્માર્ટનેસ બતાવવા લાગ્યા છે. કોન્ટેકટ પર ક્લિક કરતા બે ઓપ્શન મળ્યા, CALL અને MESSAGE. પણ call કરવાનું મને જરા અજુગતું લાગ્યું એટલે મેસેજ પર ક્લિક કર્યું અને ત્યાં પણ બે ઓપ્શાનોએ દેખા દીધી, SMS અને WHATSAPP. પાર્ટી વોટ્સએપ પર છે એ જાણીને દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું. તરત જ CHAT WINDOW ખોલીને ઔપચારિક મેસેજ મોકલ્યો.

“hii”


વળી, એનું લાસ્ટ સીન પણ થોડી વાર પહેલાનું જ હતું. પણ પ્રોફાઈલમાં કોઈક છોકરાનો ફોટો હતો.એ જોઇને હું થોડોક વ્યાકુળ બન્યો અને તર્ક વિતરકના રવાડે ચઢવા જ જતો હતો પણ એના સ્ટેટસના શબ્દો વાંચીને મારા તમામ વિતર્કો પાયાવિહોણા બની ગયા, જે દર્શાવતા હતા “IT IS A PRIVILAGE TO HAVE AN ELDER BROTHER LIKE YOU”. “હા…..શ”, અનાયાસે જ નીકળી ગયું, અને એટલામાં વ્હીસલ વાગી. “hii.. કોણ? ઓળખાણ ના પડી મને!” “સવારવાળો રોંગ નંબર” “ઓહ! અચ્છા! યાદ આવ્યું” “બરાબર”

“બોલો! શું કામ હતું?” આપણે પાછા વાતો લંબાવવામાં તો રહ્યા એક્સપર્ટ! એટલે તરત જ વળતો મેસેજ કર્યો, “પછી લાગી ગયો હતો રાઈટ નંબર તમારા વિકાસ સરને??” “હા યાર! એક્ચ્યુઅલી મેં નંબર લેતી વખતે ૪૨ની જગ્યાએ ૪૬ સાંભળ્યું હતું એટલે પ્રોબ્લેમ થઇ ગયો” “ઓકે, વાંધો નઈ” “ચિંતા કરવા બદલ આભાર”

“અરે એમાં શું યાર!! આ તો મેં તમારો નંબર સેવ કરી રાખ્યો હતો એટલે એટલે થયું કે લાવ પૂછી જોઉં!!” “નામ જાણ્યા વગર પણ તમે તો નંબર સેવ કરી દો છો ને કંઈ!! જબરું કામ તમારું!! બાય ધ વે, નામ શું લખ્યું છે?”,એણે જીજ્ઞાશાવશ પૂછ્યું. “કહીશ તો કદાચ તમે હસી પડશો.” “અરે ના ના! બોલો ને”

“MISS WRONG NUMBER” “હા…હા..હા..” “જોયું! મેં કહ્યું હતું ને!! બાય ધ વે miss જ છો કે…..?”, હું હવે થોડો નજીક જઈ રહ્યો હતો. “હા miss જ ને યાર! અત્યારથી મિસિસ ન બનાય ને!!” “હમમમ.. બરાબર. આ પ્રોફાઈલમાં તમારો ભાઈ છે ને?” મેં વાત લંબાવવાનો ટ્રાય ચાલુ રાખ્યો. “હા!! કેમ તમને શું લાગ્યું?” “નથીંગ.. બોલો બીજું શું ચાલે છે?”


“બસ! આ EXAMની તૈયારી” “અરે પણ હવે શેની EXAM! અત્યારે તો વેકેશન છે ને?” “GPSC” “અચ્છા! તો સિવિલ સર્વિસમાં જોડાવવાની ઈચ્છા છે એમ ને?” “ના ના! પ્રોફેસર બનવાની તૈયારી છે.. તમે શું કરો છો બાય ધ વે?” “હું એન્જીનીયરીંગ કરું છું બરોડાથી” “અરે WHAT A COINCIDENCE!! કઈ કોલેજ?” “BITS TECH. CAMPUS માં! તમે?” “લ્યો ત્યારે! હું ધારુલ ટેકનીકલમાં છું!!”

“ઓહ!”, એની કોલેજની સખ્તાઈવાળી સામાજિક છબીથી અવગત હોવાથી મેં કહ્યું, “મતલબ હજીયે સ્કૂલમાં જ છો એમ ને!! LOL” “હા!”, એ મારો ટોન જાણી ગઈ, “હા..હા..હા.,સાચી વાત!” “ક્યાંથી છો તમેં? આઈ મીન નેટીવ ક્યાં છે તમારું?”, હું ધીમે ધીમે એના અંગત જીવનમાં ઝાંકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. “હું પહેલેથી બરોડામાં જ છું, પણ મારું નેટીવ બેઝીકલી પંચમહાલમાં છે, દાદા દાદી ત્યાં છે અત્યારે! અને તમે?”, એ આ વાર્તાલાપ એન્જોય કરી રહી હોય એમ લાગ્યું.

“તો તો આપણે પાડોશી થયા, કારણ કે હું ગોધરાથી છું અને અત્યારે અહિયાં ભણવાનું ચાલે છે એટલે બરોડા જ છું” “ઓહ! શું વાત છે! સારું કહેવાય”,એ થોડી અચંબિત થઇ. “હમમ.. ચાલો ત્યારે મારો નંબર સેવ કરી લેજો, સારું લાગ્યું તમારી સાથે વાત કરીને”, મેં સીધું જ કહ્યું. “પણ નામ વગર?”

“MR. WRONG NUMBER” “અરે હા! એ સારું રહેશે” “હા સાચે જ” “સારું ત્યારે, ચાલો આજે એક નવો દોસ્ત મળી ગયો જેનું નામ તો ખબર નથી પણ હા એનો નંબર જરૂરથી WRONG છે, બરાબર ને ?” “હું પણ એ જ કહી શકું”,મેં આભારની લાગણી સાથે કહ્યું. “SURE! ચાલો હવે ઊંઘ આવવા લાગી છે. GOOD NIGHT”

“GOOD NIGHT. જય શ્રી ક્રિષ્ના” “જય શ્રી ક્રિષ્ના”. આ સાથે મેસેજનો વાટકી વ્યવહાર બંધ થયો અને ઘડિયાળમાં ૧૨ના ટકોરા પડતા હતા. આંખોમાં ઊંઘવા માટેનું બાયોલોજીકલ એલાર્મ વાગી ચુક્યું હતું. પણ ઊંઘણે આલિંગન આપતા પહેલા મેં વમારું WHATSAPPનું સ્ટેટસ બદલ્યું, ‘LOVE IS NOT ALL ABOUT LOOKS AND FEELINGS, VOICE AND TALKING MANNER MAY ALSO BE A REASON’ બીજા દિવસે સવારે જાગીને રોજના SCHEDULE મુજબ WHATSAPP ચેક કર્યું અને આશ્ચર્ય સાથે આનંદ થયો કે નોટીફીકેશન ટ્રેમાં ‘Message from Miss wrong number’ લખેલું હતું. “હેપ્પી મોર્નિંગ, હેવ અ નાઈસ ડે”


મેં પણ રીપ્લાય આપ્યો અને નાસ્તા માટે ગોઠવાયો. હજી એક બે જ ખાખરા જ પત્ય હશે ત્યાં ફરીથી વ્હીસલ વાગી. અધકચરો ખાખરો ગળામાં ઉતારી દીધો અને ઉતાવળમાં જીભ દાંતોની વચ્ચે કચડાઈ જતા સિસકારો નીકળી ગયો પણ ફટાફટ બધું પતાવીને ફોન હાથમાં લીધો. સામેથી અપેક્ષિત સવાલ થયેલો હતો.

“આ સ્ટેટસ શું કહેવા માગે છે?”,મેસેજમાં થોડી ઉત્કંઠા હતી. “તમને શું સમજાય છે?”, મેં નરો વા કુંજરો વા જેવો સવાલ કર્યો. “સમજાતું નથી પણ હા! શબ્દો વાપરવાની સમાજ જોઇને એવું લાગે છે કે કદાચ તમે ફિલોસોફીમાં રસ ધરાવો છો.” બસ, મારે જે ટોપિક જોઈતો હતો એ મળી ગયો. એટલે મેં કહ્યું, “સારું ઓબ્ઝર્વેશન કર્યું તમે”

“really ?!!! તો તો તમે જરૂરથી લખતા તો હશો જ!” “હા! કોઈક વાર લખી લઈએ!”,મેં ગર્વ લીધો. “મને એવું બધું વાંચવાનો ખુબ શોખ છે.. પ્લીઝ મને તમારું કલેક્શન મળશે વાંચવા?” “હા જરૂર! તમારું ઈ-મેઈલ આપો હું બધી ફાઈલ મોકલું” “ ilovemyself@gmail.com “ “અરે વાહ! આમાં પણ નામ તો ના જ જાણવા મળ્યું તમારું!”,મેં કહ્યું. “આમ જ મજા આવે છે યાર, વેસે ભી નામ મેં ક્યાં રખા હૈ”,એમ કહીને એણે નામ આપવાનું ટાળ્યું. “સાચી વાત. મને પણ.”

ત્યાર બાદ મેં પણ મારા બે ઈ-મેઈલમાંથી નામ વગરના આઈડી પરથી જ મેઈલ મોકલ્યો. અને પછી કલ્લાકેક વીત્યો હશે અને એનો મેસેજ આવ્યો.
“ખરેખર સરસ લખ્યું છે તમે, પણ મોટાભાગનું બધું પ્રેમ વિષે લખ્યું લખ્યું છે. કોઈ વાર પ્રેમ થયો છે ખરો?” “અત્યાર સુધી નહતો થયો પણ હવે લાગે છે કે થવાની તૈયારી છે પણ એક પ્રોબ્લેમ છે!”, હવે હું એકદમ બિન્ધાસ્ત બની રહ્યો હતો. “શું?” “મને માત્ર અવાજથી જ પ્રેમ થયો છે હજી નામ અને ચહેરો જોવાના બાકી છે. પણ હા! થઇ ગયો છે એ પાકી વાત છે”,હતી એટલી બધી હિંમત ભેગી કરીને મેં કહી દીધું. “ક્યારથી?” “કદાચ કોઈ રોંગ નંબર આવ્યા પછી રાઈટ દિશામાં આગળ વધ્યો એમ લાગે છે.!”

આ મેસેજ વંચાયા પછી લગભગ દસેક મિનીટ થઇ ગઈ પણ કોઈ રીપ્લાય ના આવ્યો એટલે મને લાગ્યું કે સો ટકા બધું બફાઈ ગયું. હું whatsapp બંધ કરીને કપાળે હાથ દઈ મારી જાત પર જ આટલી ઉતાવળ કરવા બદલ ગુસ્સે થઇ રહ્યો હતો. અને અચાનાક અચાનક જ ફોનની સીટી વાગી અને મારું હૃદય ધબકારો ચુકી ગયું. શ્વાસોચ્છવાસે લગભગ સુપરસોનિક ગતિ પકડી હતી. મારી આંખો મેસેજના શબ્દો વાચવાની ઉત્કંઠામાં ઉઘાડી જ હતી અને એ બંનેએ કંઈક આવું વાંચ્યું,


“મને લાગતું હતું કે મને જેની સાથે પ્રેમ થશે કદાચ તો હું એણે વર્ષોથી જાણતી હોઈશ અને પ્રેમ થયાની પળ મને જ્ઞાત હશે, પણ આ બંનેમાંથી એકપણ ન થયું”. “એટલે ??!! મને કંઈ સમજાયું નહી…” આટલું ટાઈપ કરતા તો મારી આંગળીઓ પહેલા કદીયે ના અનુભવેલો સળવળાટ કરવા લાગી હતી અને મને લાગ્યું કે કદાચ હમણાં જ મારું હૃદય ગળાવાટે બહાર આવી જશે. “ફિલોસોફીના માસ્ટર માણસને આટલું સમજવામાં વાર લાગશે એવું મેં નહોતું વિચાર્યું”.

બસ બોસ!! આ શબ્દોથી અમારા ઓળખાણ-પાળખાણ વગરના, માત્ર અને માત્ર ચંદ શબ્દોની આપ લે અને અવાજના સાન્નિધ્યથી જન્મેલા પ્રેમને અપ્રુવલ મળ્યું. નામ હજીયે વ્હોટ્સએપ પર કીધા નહતાં અને તે પણ અમારા બંનેની સંમતિથી જ. કારણ કે અમે જે નામ રાખ્યા હતા તે જગતની તમામ ઓળખાણોથી નોખાં હતા.

બસ, આ પછી તો દરેક દિવસ હોળી અને દરેક રાત દિવાળીની જેમ ઉત્સવમય બની ગઈ હતી.અમારો પ્રેમ શરદપૂર્ણિમાના ચન્દ્રની માફક સોળે કળાએ ખીલ્યો હતો. આમ ને આમ આખું વેકેશન પૂરું થવા આવ્યું અને વેકેશનના અંતિમ દિવસે મેં એને મારા નામ અને ચહેરા સાથે મારા પ્રેમનો ઓફિસિયલ પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. એના માટે એક સુંદર કવિતામાં મારા આખા કવિહૃદયનો નીચોડ ઠાલવી રહ્યો હતો અને એટલામાં મારા પપ્પાની બૂમ પડી,
“સમર!! ક્યાં છે?” “સ્ટડીરૂમમાં છું પપ્પા” “હા તો ! જલ્દીથી ડ્રોઈંગરૂમમાં આવ”

“આવ્યો, બસ બે જ મિનીટ”,પપ્પાની ‘વેલ ડીસીપ્લીન’વાળી આદતના લીધે તરત જ મેં વિચારોના નાયેગ્રા ધોધને અટકાવી મારા ડગ ડ્રોઈંગરૂમ તરફ માંડ્યા. ડ્રોઈંગરૂમમાં જઈને જોયું તો મામા-મામી, દાદા-દાદી અને મમ્મી-પપ્પા સોફા પર નિશ્ચિત જગ્યાએ ગોઠવાયેલા હતા અને કોઈ ગહન વિષય પર ચર્ચા કરતા હોય એવું લાગ્યું. પણ હું ગયો ત્યારે જાણે બધા મારી જ રાહ જોતા હોય એવું લાગ્યું.

“આવ! બેસ ભાઈ”, મામાએ આવકાર્યો જાણે કે હું વિદેશગમન કરીને પાછો ફર્યો હોય,”શું ભાણાભાઈ! કેવી રહી એન્જીનીયરીંગની છેલ્લી પરિક્ષા?”
“બે પેપરમાં થોડો લોચો છે બાકી તો બધું સરસ હતું” “બરાબર! હવે આગળ શું વિચાર્યું છે?” “બસ! જોબ માટેનો વિચાર છે અત્યારે તો” એટલામાં મામી બાજુમાં બેઠેલી મમ્મીને ઈશારો કરતા કરતા બોલ્યા, “હા ભાઈ! હવે તો સેટલ થવું જ પડશે ને પ્રોફેશનલી અને પર્સનલી પણ!” “શું?? પર્સનલી??”, હું જરાક ચમક્યો,”એને તો હજી ઘણી વાર છે મામી!!”


દાદી વચ્ચે પડ્યા, “હવે તો સમય થઇ ગયો છે ભયલુ! અને એ વિષે વાત કરવા માટે જ અમે આજે અહી ભેગા થયા છીએ!! લગભગ કાલે જ……” દાદીએ મામી સામે જોયું અને એપ્રુવલ લીધું “કાલે જ ને?”.મામીએ હકારમાં માથું ધુણાવ્યું એટલે દાદી પાછા મારી તરફ ફરીને બોલ્યા, “હા તો કાલે જ આપણે છોકરી જોવા જવાનું ગોઠવ્યું છે, આમેય કાલે રવિવાર છે એટલે બધા સાથે જઈ આવીશું..”

“અરે યાર! આ બધું આમ અચાનક?? મને પૂછવું તો જોઇએ ને?” “એમાં શું ભાઈ?” દાદાએ કહ્યું. “અરે પણ………….”, મારું વાક્ય પૂરું થતા પહેલા જ પપ્પા બોલી પડ્યા, “પણ ને બણ શું કરે છે ભાઈ? અત્યારે ખાલી છોકરી તો જોઈ રાખ, સગાઇનું પછી વિચારજે.” “ના પપ્પા એવું નથી” “તો કેવું છે?” “આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર છે?”

“જો બકા, આપણે સમાજમાં રહીએ છીએ એટલે સમાજના નિયમોનું પાલન કરવાનું પણ વિચારવું જોઈએ ને!!”, મમ્મીએ મૌન તોડ્યું. બધાએ મને સમજાવવા માટે એટલા બધા પ્રયત્નો કર્યા કે છેલ્લે મારી ‘MISS WRONG NUMBER’ને મનમાં લાવી ભારે હૈયે સાથે જવા માટે હા પાડી. આવતીકાલનું પ્રપોઝ, કવિતા વગેરેની વાતો હવે માંડી વાળી અને કાલવાળી છોકરીને નાં કેવી રીતે પાડું એની મથામણ કરવા લાગ્યો.

બીજા દિવસે સવારે મન મારીને તૈયાર થયો અને ગાડીમાં પપ્પા સાથે આગળની સીટ પર બેઠો. દાદા દાદી અને મમ્મી પાછળની સીટ પર બેઠા. મામા અને મામી સીધા એમના ઘરેથી જ ત્યાં આવવાના હતા. ગાડીના પૈડા હજી હમણાં જ સોસાયટીની બાઉન્ડ્રી પાર નીકળ્યા અને પાછળથી દાદી અને મમ્મીનો surrounding સાઉન્ડ શરુ થયો.

“છોકરી બહુ સરસ છે અને સારું ભણે છે.”, મમ્મીએ વખાણ ચાલુ કર્યા. “હા! મને પણ રસીલાબેન (મામી) કહેતા હતા, અને પરીવાર પૈસે ટકે સુખી છે અને આપણા સમાજમાં મોભાદાર છે”.દાદીએ તો વખાણની તમામ હદ વટાવી દીધી.

પણ આ બધી વાતો મેં એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખી અને વિચાર્યું ‘મારે યાર ક્યાં એની સાથે સગાઇ કરવી જ છે!! એના પપ્પાનો મોભો અને માન ગમે તેટલું હોય પણ મારે કેટલા ટકા??’.તરત જ મેં ઈયરફોન ચઢાવી દીધા એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝીક લગભગ બંધ થયું. લગભગ પોણા કલાકની યાત્રા બાદ અમે કાર એક બે માળના, ચારેયબાજુ વિશાળ કમ્પાઉન્ડ વોલથી ઘેરાયેલા ઘરના પ્રાંગણમાં પ્રવેશી. બગીચામાંથી ગુલાબની મઘમઘતી સુગંધ મારા મનને તરબતર કરી ગઈ.


આસોપાલવની હારબંધ કતાર ભરબપોરે પણ આહલાદક ઠંડક આપતી હતી. આજુબાજુના વિસ્તારને જોઈ રહ્યો હતો અને મનમાં ‘ક્યારેક અહી આવ્યો હોઈશ’ની લાગણી જન્મ લઇ રહી હતી એવામાં એક સજ્જન સામેથી પત્નીસહિત આવકાર આપવા આવ્યા.

“આવો રશેષભાઈ! કેમ છો મજામાં?”, એમણે કહ્યું. “હા દેવેશભાઈ બિલકુલ મજામાં તમે બોલો”, પપ્પાએ કહ્યું. “ઘર શોધવામાં તકલીફ તો નથી પડી ને?” “ના ના જરાય નહી.” “ભલે!! આવો રશ્મિકાબેન તમે પણ.”,એમના પત્ની મમ્મીને કહી રહ્યા હતા, અને પછી મારી સામું જોઇને માથું હકારમાં હલાવ્યું. “જી”,મમ્મી આટલું જ બોલી.

ત્યારબાદ આખો કાફલો કોઈ જંગ લડવા જતો હોય એમ એકપછી એક બધાય આકારબદ્ધ રીતે કપાયેલી મહેંદીના છોડવાઓની વચ્ચેની પગદંડી પર ચાલીને ઘરમાં પ્રવેશ્યા. પહેલેથી જ એ લોકોએ બધાના સ્થાન નક્કી કરી રાખ્યા હતા. વળી, મામા અને મામી તો અમારા કરતા નજીક રહેતા હોવાને લીધે પહેલેથી જ ત્યાં હાજર હતા. તમામ મહેમાન અને યજમાન બેઠક પર ગોઠવાયા અને સજ્જનના શ્રીમતીજીએ રસોડા તરફ જોઇને ઈશારો કર્યો જાણે કે કહેતા હોય ‘બેટા!! ઇટ્સ શો ટાઈમ’, એટલે સામેથી ટ્રેડીશનલ પરિધાનમાં થોડુક ઓક્વડ ફિલ કરતી, વિમલ વદની વનિતા હાથમાં પાણીની ટ્રે લઈને જાણે કે કોઈ ધકેલી ધકેલીને પરાણે મોકલતું હોય એ રીતે ડ્રોઈંગરૂમમાં પ્રવેશી.

એની આંખોમાં રહેલી એ માસુમિયત મારા સહિત ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કરી ગઈ.પણ મેં તરત જ સ્વસ્થ થઇ miss wrong numberને યાદ કરી અને મારા મનમાંથી આ છોકરી વિષે ઉદભવેલી લાગણીથી હાથ ધોઈ નાખ્યા. એણે બેઠેલા તમામને પાણી આપીને છેલ્લે ટ્રે મારી સામે ધરી એટલે મેં કહ્યું,

“ચાલશે”. એટલે મમ્મીએ ખુંખારો ખાધો અને કડક નજરે મારા ભણી જોયું એટલે મેં પરાણે કડવા ઘૂંટ પીતો હોય એમ પાણી પીધું અને ગ્લાસ પાછો ટ્રેમાં મુક્યો. “છોકરી તો ધાર્યા કરતા ઘણી સારી છે રશેષ.”,મમ્મીએ પપ્પાના કાનમાં ગણગણાટ કર્યો. “હા એ તો છે! પણ આપણા કુંવરણે પસંદ પડે તો ને!!”,પપ્પાએ મને સાંભળતો જોઇને કટાક્ષ કર્યો. “શું કરો છો અત્યારે?”,પપ્પના કટાક્ષને પહોચી વળું એ પહેલા દેવેશભાઈએ મને પૂછ્યું.

“હં?”,કોઈ બાઘાની જેમ મેં એમને સવાલ કર્યો. “એન્જીનીયરીંગ પૂરું થઇ ગયું?”,એમણે મારી સ્થિતિ પામીને પૂછ્યું. “હા! એક્ચ્યુઅલી હમણાં જ પૂરું થયું હજી છેલ્લા સેમેસ્ટરનું રીઝલ્ટ બાકી છે.” “બરાબર. પછી આગળ શું કરવાની ઈચ્છા છે તમારી??”,હવે જાણે કે એ મને એમનો જમાઈ બનાવવા માટે તત્પર હતા.


“બસ, હવે રીઝલ્ટ આવે એટલે કેમ્પસ ઈન્ટરવ્યુ ચાલુ થશે કોલેજમાં. અમારી કોલેજની પોલીસી થોડી અલગ છે. એ લોકો આઠેય સેમેસ્ટરના રીઝલ્ટ પછી જ કેમ્પસ પ્લેસમેન્ટ કરાવે છે.”,મેં ક્લીયર કર્યું કે હું અત્યારે જોબલેસ છું, કદાચ એમનો વિચાર બદલાઈ જાય, પણ ના.ઉપરથી એમણે તો મારો ઉત્સાહ વધાર્યો, “હા! તમારી કોલેજનું તો સારું સ્ટેટેસ્ટિકસ સારું છે અને તમારું રીઝલ્ટ જોઈને તો લાગે છે કે તમે પ્લેસ થઇ જ જશો.”

આ સંભાળીને મને લાગ્યું કે એમણે મારા ભણતર અને બાકીની તમામ બાબતો પર જાણે કે પી.એચ.ડી. કરી નાખી હતી. અને કરે પણ કેમ નઈ?? આખરે વાત એમની ફૂલ જેવી દીકરીની હતી. બધી ઔપચારિકતા પૂરી થઇ અને અંતે હું જે શબ્દોની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ શબ્દો દેવેશભાઈએ ઉચ્ચાર્યા, “ચાલો હવે બંને પરિવારોએ તો છોકરા છોકરી સાથે વાતો કરી લીધી, હવે તમે બંને પણ એકબીજાનો પરિચય લઇ લો”. એમ કહી એમના મોટા દીકરાને ઈશારો કર્યો. “શ્વેતાંગ!! ગેસ્ટરૂમ!”

“હા પપ્પા!”,અને આજ્ઞાકારી શ્વેતાંગ અમને બંનેને ગેસ્ટરૂમ સુધી દોરી ગયો. મેં આ છોકરીને તમામ હકીકત કહેવા માટે મારું મન બનાવી લીધું હતું. ગેસ્ટરૂમમાં બે ખુરશી પહેલેથી જ નાખેલી હતી એટલે અમે બંને અંદર જઈને આમનેસામને બેઠા.થોડીવાર તો જાણે ‘પૂજ્ય શ્રી મોટા’ના મૌન-મંદિરમાં બેઠા હોય એમ લાગ્યું એટલે મેં જ વાત ચાલુ કરી, “hii! કેમ છો?” “hello!! બસ મજામાં,”એના અવાજમાં મૃદુતા હતી, “તમે બોલો.”

“બસ હું પણ મજામાં જ છું, પણ આ સિચ્યુએશન જરાક અજુગતી લાગે છે.” “મને પણ” “જુઓ, મને વાત ગોળ ગોળ ફેરવવાનું પસંદ નથી એટલે હું સીધો મુદા પર આવવા માંગીશ.”, મેં હતી એટલી બધી ભેગી કરીને કહ્યું. “હા બોલો! જો કે મારે પણ તમને કંઈક કહેવાનું જ હતું”,એ મારા મનથી અવગત હોય એમ મને લાગ્યું. “તો પછી લેડીઝ ફર્સ્ટ! તમે જ બોલો”

“તમે ખોટું ના લગાડતા, પણ તમારી સાથે મળવા માટે પપ્પા મમ્મી જીદ કરતા હતા અને એમની આગળ મારાથી કંઈ બોલાય એમ નહતું એટલે જ અત્યારે હું તમારી સાથે બેઠી છું, હું બીજા કોઈને બેઈન્તેહા પ્રેમ કરું છું. એનો સીધો એ મતલબ નથી કે હું તમને પસંદ નથી કરતી પણ મને એ તમારા કરતા વધારે પસંદ છે.”, મારા જ પેટની વાત મારી જ સામે સ્ત્રીસ્વરમાં મને સંભળાઈ રહી હતી, “મારા મમ્મી પપ્પાએ તમારા મામા મામીને આ માટે વચન આપ્યું હતું એટલે જ મેં આ મુલાકાત માટે હા ભણી હતી,હવે આગળ તમારી મરજી.”


“વ્હોટ અ કો-ઇન્સીડંસ!!! મારે પણ તમને આ જ વાત કરવાની હતી. આ જ! એકઝેટલી આવા જ વર્ડીંગમાં મારે તમને કહેવાનું હતું કે હું પણ અન્ય કોઈ યુવતીને મારું હૃદય સોગાદમાં આપી ચુક્યો છું તેથી આપણે આ સંબંધ પર અહી જ પૂર્ણવિરામ મૂકી દુએ તો સારું રહેશે.” “સાચી વાત છે તમારી, એકબીજાના નથી થઇ શકવાના એ વાત જાણ્યા પછી પણ જો આ સંબંધ માટે આપણે હા કરીએ તો એ આપણી સૌથી મોટી મુર્ખામી હશે.” “yes, ઓફ કોર્સ”

લગભગ દસ-પંદર મીનીટમાં જ અમને બંનેને ગેસ્ટરૂમમાંથી બહાર આવતા જોઈ ડ્રોઈંગરૂમમાં બેઠેલા બધા મહાનુભાવો સંબધના એપ્રુવલ માટે રાહ જોઈ રહ્યા હતા. પણ તરત જ કોઈએ અમને પૂછ્યું નહી અને બધા અમને એવી રીતે જોઈ રહ્યા હતા કે અમારા બંને પાસે મોબાઈલમાં મથામણ કરવા સિવાય કોઈ વિકલ્પ નહતો. એટલે મેં મારો મોબાઈલ હાથમાં લઇ અને MISS WRONG NUMBERને મેસેજ છોડ્યો. “hii!! how are u baby ??” પેલી છોકરીએ પણ એનો ફોન લીધો અને પોતાના રૂમ તરફ પગલા ભર્યા. ૨ જ સેકંડમાં મારા મેસેજનો MISS WRONG NUMBER તરફથી રિપ્લાય આવ્યો.
“i am fine jaanu! u say” “ક્યા છે ડીયર??”

આ રીપ્લાય આવતા થોડી વાર લાગી. દસેક મિનીટ વીતી હશે ત્યાં મારો ફોન રણક્યો. ડાયલ પર miss wrong number ફ્લેશ થતું હતું, એટલે હું ઉભો થઈને મહેંદી વચ્ચેની પગદંડી તરફ વાત કરતો કરતો ચાલવા લાગ્યો અને પૂછ્યું, “કેમ અચાનક ફોન કર્યો??”, મારા સવાલમાં ગભરાહટ હતી, કારણ કે મેં છોકરી જોવા જવાની વાત એને કહી નહતી. “કેમ ના થાય અત્યારે ? તારી યાદ આવી ગઈ એટલે કર્યો!”


“હા બોલ શું કરે છે?” “મીટીંગ કરીને આવી મારા રૂમમાં હમણાં જ!” “મીટીંગ??”,હું જરાક ગૂંચવાયો. “હા! પપ્પા મમ્મીના કહેવાથી એક છોકરા સાથે સગાઇ કરવા માટે મુલાકાત કરવાની હતી આજે પણ મેં એણે ચોખ્ખું કહી દીધું કે આપણી સગાઇ શક્ય નથી કારણ કે હું તને પ્રેમ કરું છું.”

હું લગભગ અવાક બની ગયો. શું બોલું એ સમજાતું નહતું. કદાચ આ જ મારી wrong numberનું ઘર હતું? કદાચ એ જ મારી વwrong number હતી કે જેને હું હમણાં મળ્યો?? આ બધા સવાલો મારા લેખક મગજમાં વમળની જેમ ભરડા લેતા હતા. એવામાં એ બોલી,

“હેલ્લો!! ક્યાં ખોવાઈ ગયો? મેં બધું સંભાળી લીધું છે!! હું નથી કરવાની સગાઇ એની સાથે, અને હા ! એને પણ આવું જ હતું એટલે કોઈ સવાલ્લ જ નથી સંબંધનો!!” એના આ શબ્દોથી હું ઝંઝોળાયો. અને મેં એક જ સવાલ પૂછ્યો. “એ છોકરાના પપ્પાનું નામ રશેષભાઈ છે??” “હા!! પણ તને કેવી રીતે ખબર!??”, હવે ગુંચવાઈ જવાનો એનો વારો હતો. “અરે પાગલ!! આપણા પ્રેમની તાકાત તો જો!! એ છોકરો હું જ છું!!”

“જોક ના મારીશ અત્યારે યાર પ્લીઝ” “અરે ડાર્લિંગ!! જોક નથી, આ હકીકત છે.” આટલું કહેતાવેંત હું રઘવાયો થઈને એના ઘરમાં એના રૂમ તરફ દોડ્યો. બેઠેલા બધાય મારા પગને માર્બલના ફર્શ પર લપસતો જોઈ ‘અરે ધીમે’ના સિસકારા મારતા હતા. એ પણ સામેથી એટલી જ ઉત્કંઠાથી મારી તરફ આવી રહી હતી અને બિલકુલ ડ્રોઈંગરૂમના મધ્યમાં અમે બંને ઉપસ્થિત એકપણ જણની પરવાહ કાર્ય વગર ભેટી પડ્યા.


અમને બંનેને આમ જોઇને મારા અને એના કુટુંબીજનો થોડીક ક્ષોભભરી સ્થિતિમાં મુકાયા. પણ અમે બંને અમારી જ ધૂનમાં એકબીજામાં ઓતપ્રોત થઇ ગયા હતા. અંતે લગભગ પંદરેક સેકંડ બાદ અમને ભાન થયું કે અમે ડ્રોઈંગરૂમની મધ્યમાં આ સ્થિતિમાં ઉભા હતા.તરત જ અમે શરમના કપડા ઓઢ્યા અને સવાલભરી બધાની નજર સમક્ષ હાજર થયા. “અચાનક શું થયું તમને બંનેને??”,બંનેના પપ્પા મમ્મી એકસાથે બોલી ઉઠ્યા.

થોડીવાર તો અમારાથી કંઈ જ બોલાયું નહી. પણ પછી સ્વસ્થ થઈને અમારી આખી “wrong numberવાળી કહાની અમારી જ જુબાની” સંભળાવી. સોફા પરથી મોટાભાગના ઉભા થઇ ગયા હતા અને આવા અજીબ ઇત્તેફાકથી અસમંજસમાં પડી ગયા હતા. પણ એ જે હોય તે, અમારા બંને માટે આ ઇત્તેફાક સારો હતો. બધું સમુસુતરું સમેટાઈ ગયા પછી અને સગાઇની તારીખ પણ નક્કી થઇ ગયા પછી નીકળતા પહેલા મેં પેલીને પૂછ્યું, “હવે તો નામ કહીશ કે પછી miss wrong number જ રાખીશ છેક સુધી??” “સ્તુતિ”, એણે કહ્યું, “અને તારું?” “સમર”

લેખક : ભાર્ગવ પટેલ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ