કરોડો ભૂખ્યા બાળકોને મફત ભોજન પુરુ પાડતાં સન્યાસી સિવિલ એન્જિનિયર…

આઈઆઈટીનો આ વિદ્યાર્થીએ ક્યારેક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પણ પછી તેણે કૃષ્ણભક્તિ અને આધ્યાત્મિકતાને ભેટી પોતાના જીવનની નવી શરૂઆત કરી. બેંગલોર સ્થિત ઇસ્કોનના કર્તા-ધર્તા બની તેમણે અક્ષયપાત્રનો પાયો નાખ્યો. અક્ષયપાત્ર એક એવી ચળવળ છે જેના માધ્યમથી દેશના 7 રાજ્યોમાં 6500 શાળાઓમાં લગભગ 12 લાખ શાળાના વિદ્યાર્થીઓને મફત ભોજન પુરુ પાડવામાં આવે છે.આ વ્યક્તિનું નામ છે શ્રી મધુ પંડિત દાસ. નાગરકોઈલમાં જન્મેલા પંડિતનું જીવન બેંગલોરમાં પસાર થયું. તેમણે 1980માં આઈઆઈટી મુંબઈમાંથી સિવિલ એન્જિનિયરીંગમાં બી.ટેક. કર્યું. પછી શ્રીલા પ્રભુપાદના પુસ્તકોથી પ્રેરાઈને તે કૃષ્ણ ચેતનાનો અભ્યાસ કરવા લાગ્યા. વર્ષ 1983માં તે બેંગલોર સ્થિત ઇસ્કોનની દેખરેખમાં ઓતપ્રોત થઈ ગયા તેમજ ત્રિવેન્દમ મંદિરના અધ્યક્ષ પદની જવાબદારી પણ નિભાવી.
એક દિવસ કોલકાતામાં માયાપુરમાં પોતાના ઘની બારીમાંથી નજર કરતાં તેમણે કેટલાક બાળકોને રોટલીના એક ટુકડા માટે કૂતરા સાથે ખેંચતાણ કરતા જોયા. તેમનું હૃદય ભરાઈ આવ્યું. આ ઘટનાથી દુઃખી થઈ તેમણે મનોમન નક્કી કરી લીધું કે તેઓ હવે એક એવી ચળવળ શરૂ કરશે, જે ઇસ્કોન મંદીરના 10 માઇલના ઘેરાવામાં રહેતાં ભુખ્યાઓને ભોજન પુરુ પાડશે. તેમના આ નાનકડા પ્રયાસે આજે એક મોટો ઇતિહાસ રચી દીધો છે. અને આ રીતે ઇસ્કોન મંદીરમાં બાળકોને ભોજન મળવાની શરૂઆત થઈ.
શ્રીલા પ્રભુપાદના માર્ગદર્શન પ્રમાણે ઇસ્કોન મંદીરના 15થી 20 કિ.લોમીટરના ઘેરાવામાં કોઈ જ ભુખ્ય ન રહે તે વિચારથી પ્રેરાઈને અક્ષયપાત્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી.

અને પછી તો આ પ્રવૃત્તિ અવિરત ચાલતી રહી. બાળકો જમવાના સમય પહેલાં જ મંદિરે આવી જતા. ત્યારે પંડિતજી ને લાગવા લાગ્યું કે બાળકો કાં તો શાળાએ નથી જતાં અથવા તો ભોજન કરવા માટે શાળા વચ્ચે જ છોડી મંદિર આવી જાય છે. માર્ચ 2000માં, બે ભલા માણસો પંડિતજીને મળવા આવ્યા. તેમાંથી એક હતા મોહનદાસ પાઈ, જે ઇન્ફોસિસના સી.એફ.ઓ. હતા. મોહનદાસની સલાહ હતી કે નજીકની શાળામાં જઈને બાળકોને ભોજન આપવામાં આવે. તેમની આ સલાહ પર અમલ કરતાં પંડિતજી પોતે જ શાળાએ જઈ બાળકોને ભોજન કરાવવા લાગ્યા.
પંડિતજીને પોતાના કામનું મહત્ત્વ ત્યારે સમજાયું જ્યારે બીજી શાળાઓના આચાર્યોએ પણ ઇસ્કોનને તેમની શાળાઓમાં પણ ભોજન આપવાની અરજ કરી. શાળાઓના બાળકો પોતાની શાળા છોડી માત્ર ખાવા માટે કો શાળાઓમાંથી ભાગવા લાગ્યા હતા. પણ ભૂખને તો વળી કેવી રીતે ટાળી શકાય.
વર્ષ 200માં શ્રી નારાયણ મૂર્તિ, સુધા મૂર્તિ અને પંડિતજીની આર્થિક મદદથી અધિકૃત રીતે અક્ષયપાત્ર સંસ્થાની શરૂઆત કરવામાં આવી. દેશની પહેલી કેન્દ્રીકૃત તેમજ યંત્રીકૃત રસોઈ યોજના મધુજીનો જ આઈડિયા હતો. અક્ષયપાત્રમાં ભોજન બનાવવા અને શાળાએ પહોંચાડવાની કિંમત માત્ર 5.50 રૂપિયા હતી. શરૂઆતમાં સંપૂર્ણ ખર્ચો સંસ્થા ઉઠાવતી હતી, પણ જ્યારે 28 નવેમ્બર 2001ના રોજ સુપ્રીમ કોર્ટે સરકારી તેમજ બિન સરકારી શાળાઓમાં મધ્યાહન-ભોજનને અનિવાર્ય કરી દીધું ત્યારે તેમને સરકારી મદદ પણ મળવા લાગી હતી. માત્ર એક ગેસ સ્ટવ અને પીતળના કેટલાક વાસણોથી શરૂઆત કર્યા બાદ આજે અક્ષયપાત્ર 18 કેન્દ્રીકૃત આધુનિક રસોડાઓની મદદથી દેશના 7 રાજ્યોમાં 6500 શાળાઓમાં લગભગ 12 લાખ વિદ્યાર્થીઓને મફત ભોજન પુરુ પાડે છે.
બાળકો માટે એક દિવસમાં ભોજનની વ્યવસ્થા કરવી તે ભલે સાંભળવામાં કંઈ કોઈ મોટું લક્ષ તમને ન લાગતુ હોય પણ વાસ્તવમાં આ એક ખુબ જ મોટી જવાબદારી છે. આ સંસ્થા દેશના સૌથી મહત્ત્વના બે પ઼ડટકારો ભૂખ તેમજ શિક્ષા પર કામ કરી રહી છે. સંપૂર્ણ પૌસ્ટિક ભોજન આપી બાળકોને શાળાએ જવા માટે આકર્ષવાની સાથે સાથે તેમના સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન આપી રહી છે.
શ્રી મધુ પંડિતજીએ માત્ર બાળકોના જીવનને જ નથી બદલ્યું પણ મંદીરની છવીને પણ ઓર વધારે સ્પષ્ટ કરી છે.
જરા વિચારો તો કે કોઈ પણ મોટા મંદિરનું અસ્તિત્ત્વ સામાજિક સેવા વગર કેટલું નક્કામું લાગે ! જો બીજા મંદીરો પણ આ જ ચળવળમાં જોડાઈ જાય તો ભારત દેશનું એક બાળક આજે ભુખ્યુ સુવા મજબુર ન થાય. અને ઉપર જોતાં ભગવાન પણ ખુશ થશે અને સંસારમાં માનવતાની એક મોટી લહેર ફેલાઈ જશે.

મિત્રો આટલું સારું કાર્ય કરનાર વ્યક્તિ માટે એક શેર તો બને જ છે, દરેક ને માહિતગાર કરો આ વ્યક્તિના કાર્યથી..લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી