ઈશ્વરનું બીજું સ્વરૂપ – ખરેખર એ દિવસે એ વ્યક્તિ એ દીકરી માટે ઈશ્વરનું બીજું સ્વરૂપ બનીને આવ્યો હતો…

ખાડીયા, મૂહર્તનીપોળથી પેસેન્જરની વરધી મળી. આજ દીપસિંહ ઘણા ખુશમાં હતા. સવારથીજ જાણે ઉપરવાળાએ તેમને વરધી ઉપર વરધી આપીને તેમના કરવા ધારેલા કામમાં જોમ પૂર્યું હોય તેવું લાગ્યુ. રીક્ષા આસ્ટોડિયા તરફ વાળી. રિક્ષાતો રોડ પર ચાલતી હતી પણ વિચારો તેમના મનમાં ચાલતા હતા.

તેમના ઘરવાળાં ગીતાબાએ કહેલુ ” આ જયાબાનું તમે કાંઈ વિચાર્યું છે કે નઈ ?” ઘડીક તો બાપુ વિચારમાં પડી ગયેલા, “આમારી દીકરી, અમારી કુંવરી જયાબા ! શું વિચારવાનું એમના વિશે ? ” અને પછી એકાએક મનમાં ઝબકારો થયો, હા…એ હવે વારંવાર બાપુની કોટે લટકાઈ પડતાં નાની બાળકી નથી રહયાં ! વાડમાં જેમ વેલ વધેને કોઈને ખબરેય ના પડે તેમ એમની વ્હાલી દીકરી હવેતો જબરું કાઠું કાઢી ગયાં હતાં. આમ પણ દીકરી જુવાન થઈ છે તેની બાપ કરતાં દીકરીની માને વહેલી ખબર પડે. બાપને મન તો છોરું હંમેશાં નાનું છોરું જ દેખાય.

image source

આતો રાત્રે તેમનાં ઘરવળાંએ યાદ અપાવ્યું ત્યારે વાત સમજાઈ કે ઓણ સાલ તો વ્હાલી દીકરી ને વિદાય આપ્યા વગર છૂટકોજ નથી. રિક્ષાના ગેર બદલાતા ગયા તેમ , બસ એમના મનના વિચારોના ગેર ફટાફટ બદલાતા રહ્યા. એમનાં ઘરવળાંએ એમની કુંવરીનાં લગ્ન બાબતે જે તૈયારીઓ કરી રાખેલી, એતો અમને જાણ્યું ત્યારે અચરજ પામી ગયેલા. જયાબાનો સંબન્ધ થયોય ના હતો તે પહેલાંથી, ખાસ્સી બે વરસ પહેલાંની ઘરમાં લગ્નની છાનીછપની આગોતરી તૈયારીઓ ચાલી રહી હતી.

ગીતાબાનું કામ જ એવું , બે પૈસા બચત થઈ નથીકે તરતજ દીકરી માટે નાનો-મોટો દાગીનો કે સારી ડિઝાઈનની સાડી ખરીદી કોઈ ટંકમાં ઘડીવાળીને મૂકી દે. કોઈ વખત વળી રોકડ નોટો કપડાંની બેવડમાં મૂકી દે ને પછી મનમાં ને મનમાં લાંબી ગણતરીઓ મૂકે ” લગ્ન વખતેતો પાણીની જેમ પૈસાની જરૂર પડશે ” બસ આવીજ ગણતરીથી ગીતાબાએ ભીડ ભોગવીને પણ દીકરીના અવસરની તૈયારીઓ આગોતરી આદરેલી, આવું બધું યાદ આવે ગયું ને એમના ચહેરાની રેખાઓ શહેરના રસ્તાની જેમ બદલાતી ગઈ.

એમના ઘરવાળાંની વાતથી દીપસિંહની આંખો ઉઘડી. આવતા કારતકમાં દીકરીના વિવાહ લઈ લેવા તેવું નક્કી થયું ને એક ધૂન એમના ઉપર સવાર થઈ ગઈ બસ ” પૈસા કમાઓ, પૈસા બચાવો.” રીક્ષા આસ્ટોડીયા થઈ રાયખડ વિવેકાનંદ રોડ પર દોડી રહી હતી, ને બાપુ દીપસિંહના મનમાં વિચારો પણ એટલી તેજ ગતિથી દોડી રહયા હતા. ” હજુ તો ત્રણ માસનો સમય મારી પાસે છે, વધુ નહીં તો બે તોલાની ચેનને, જમાઈને આપવાની આઠઆની ભારની વીંટીનો જો વ્હેંત થઈ જાય , પછી ભયો ! ભયો ! નાની નાની આઈટમને તો પહોંચી વળાશે ” બાપુ ભવિષ્યના પ્લાન ગોઠવી રહયા હતા.

એમના ઘરવળાંએ જે પરોઠનાં પગલાં ભરીને બચત કરી હતી તેનાથી તેમને મોટી હૈયાધારણ મળી ગઈ હતી. “નાતવાળા પણ જાણે કે શહેરમાં રહેતા એક રિક્ષાવાળાએ દીકરીનો કરિયાવર કર્યો હતો ! ” બસ એમના મનમાં આજકાલ એકજ લક્ષ્ય ! ‘દિકરીબાનો વિવાહ રંગેચંગે કરવો’ સાતપગથિયાં વટાવી રીક્ષા સાંકડી ગલીમાં મમુમિયાંની પોળમાં આવીને ઊભી રહી. ખીરીદી કરવા નીકળેલી ચાર સ્ત્રીઓને બે પુરુષો, દરેકના હાથમાં બબ્બે ત્રણ ત્રણ થેલીઓ એતો રિક્ષામાંથી ઉતરીને તરત ચાલતા થયા.

image source

” કિતને પૈસે કિરાયા દેનેકા બોલો ?” છેલ્લે ઊતરેલા ઇસમે પૂછ્યું ” બસ આપને ઠીક લાગે તે આપોને ” વિચારોમાં ખોવાયેલા બાપુએ મોં પર આવ્યું એ બોલી દીધું. દીકરીની સાદીનો મામલો જોઈ દીપસિંહ ખુશમાં હતા. ” રખો લો યે સો રૂપિયે ” સોની નોટ ધરતાં એ બોલ્યો. ” ના…ના…આતો વધારે કહેવાય એટલા બધા ના લેવાય, ને આજતો સવારનાં જ સુકાન સારાં થયાં છે , એમ કરો ત્રીસ રૂપિયા આપો આજની ખુશીમાં ” બાપુ આજ જરા વધારે પડતા મુડમાં આવી ગયેલા. પેલો માણસતો વિચારમાં પડી ગયો.

” ઓ તેરેકી ! ખુશીમેં રીક્ષા કિરાયેકા ભાવ ડાઉન હો જાતે હૈ કયા ? બેટીકી સાદીકી ખુશીતો હમારી ખુશી હૈ. ભાઈસાબ હમ છે લોક થે. ઔર કહાં ખાડીયા ઔર કહાં યે જમાલપુર આપ ઐસા કિજીએ કમસે કમ સાંઠ રૂપિયે આપ રખ લિજીએ ” એ ઉતાવળમાં હતો સાઈઠ રૂપિયા આપીને ચાલતો થયો.

હજુ એ માંડ જમાલપુર ફાયર સ્ટેશન પહોંચ્યા હતાને મણીનગરની વરધી મળી ગઈ. મણિનગર એટલે એમનું ઘર. રાયપુરનાં ગરમા ગરમ ભજિયાનું એક પડીકું બંધાવી કાંકરિયાની બાજુમાં થઈ મણિનગર સિટિબસ સ્ટેશનની બાજુમાં પેસેન્જર ઉતારી એ ઘેરવાળાંએ મંગાવેલ એક બે વસ્તુ ખરીદી ને વહેલું આવે ઘર. ધરતીનો છેડો ઘર ! એતો રીક્ષા વરંડામાં મૂકીને પેલા સુગંધીદાર ભજિયાનું પડીકું લઈ ઉતરી ગયા અને ઘરનાં ત્રણેય સભ્યો એ મસાલેદાર ભજિયાંનો સ્વાદ માણ્યો.

image source

બજારથી ઘર માટે ખરીદ કરી લાવેલ વસ્તુઓ રિક્ષામાંજ પડી રહી. ભજિયાં ઠંડાં થઈ જશે તેની ઉતાવળમાં ઘરવાળાંને કહેવાનું ભૂલી ગયા, કે મંગાવેલ વસ્તુ આવી ગઈ છે. રાત્રે મોડેથી જમ્યા પછી આડે પડખે થયાને વિવાહની વાતો નીકળી, કોને કોને કેવાં ઓઢામણા કરવાં , કોને આગાઉથી તેડાવવા, એવી વાતો કરતાં કરતાં બેય નિદ્રાધીન થઈ ગયાં.

બીજે દિવસે ધંધા પર જવાનું થોડું મોડું થઈ ગયેલું બ્રશ કરી જ્યારે રીક્ષા સાફ કરવા ગયા ત્યારે ખબર પડી કે કાલે બજારથી લાવેલ સામાન તો હજુ રિક્ષામાંજ પડ્યો છે. ત્યારે સામાન ભેગી એક થેલી એમની નજરે પડી. જેવી થેલી ખોલીને થેલીમાંની વસ્તુઓ જોઈ એમની આંખો પહોળી થઇ ગઈ. સોનાની લચાકેદાર ચેન અને ઝગારા મારતી વીંટી ઉપરાંત સો સો રૂપિયાનાં બે બંડલ સાથે સાથે એક-બે કંકોતરીઓ પણ નીકળી.

” સલમા સંગ શાહરુખ” નિમંત્રક સાલ્લાઉદીન શેખ . મેરેજ ઈનવીટેશન કાર્ડ પર આવી વિગત વાંચીને તરતજ તેમને ગઈ કાલનાં જમાલપુરમાં ઉતરેલાં પસેન્જરો યાદ આવ્યાં. ” સાંભળો છો, તમારું નહવાનું ગરમ પાણી બાથરૂમમાં મૂક્યું છે , નાહી લો પછી ચા નાસ્તો તૈયાર છે. આજતો મોડું બહુ થયું જુઓ દસ થવા આવ્યા.” ગીતાબા રસોડામાંથી બોલ્યાં. “ના ના અત્યારે નાહવા કે ચા-નાસ્તો કરવા રોકાવાય એમ નથી જુઓ આ કોઈની દાગીનાની થેલી રિક્ષામાં રહી ગઈ છે. ” દીપસિંહ મોટા અવાજે બોલ્યા.

image source

ગીતાબા ને બેબી જયાબા દોડતાં વરંડામાં આવ્યાં. એ પણ થેલીમાંની વસ્તુઓ જોઈ હેરત પામી ગયાં. ” પણ આપણે આ વસ્તુ ક્યાં ઘરે રાખવાની છે, તમે ચા-નાસ્તો કરીને પછી નીકળોને જીજી” જયાબાએ એમના પપ્પાને કહ્યું. ” ના બેટા આ પારકી થાપણ જેટલો સમય આપણા ઘરમાં વધારે વખત રહેશે એટલાં આપણે કુદરતના ઘરનાં વધારે દોષીત ઠરીયે.” એ ઉતાવળમાં બોલી ગયા અને રીક્ષા બહાર કાઢવા લાગ્યા.

” અરે આ શર્ટ તો પહેરો ,તમેતો જાણે કોઈ હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એટલી ઉતાવળમાં છો . આ માત્ર ગંજી પહેરીને તમે શહેરમાં જશો ? જયાબાના જીજી.” ગીતાબા શર્ટ સામું કરતાં બોલ્યાં. ” સાંભળો, આ થેલીનું જોખમ ! મારે જલ્દી જવું જોઈએ.” એ વધુ પડતા લાગણીશીલ બની ગયાને આગળ બોલ્યાં ” એ લગ્નવાળાનું ઘરને આ સિત્તેર-એંસી હજાર રૂપિયાના દાગીના ને ઉપરથી વિસ હજાર રૂપિયા રોકડા એમના હાથમાંથી ગયાને આજે બીજો દિવસ થઈ ગયો , શું હાલત હશે એમની જરા વિચારો ! ”

” હા પણ નાહીં ને પછી નીકળો.” ” એ કશુજ નહીં ! જયાબાનાં મમ્મી, મારે હાલજ નીકળવું જોઈએ ” રીક્ષા સ્ટારટ કરતાં એ બોલીને ભગ્યા. ચા, ચાના ઠેકાણે ને નહવાનું નાહવાને ઠેકાણે પડી રહ્યું ને રીક્ષા ભાગી વાયા ગીતા મંદિર થઈ જમાલપુર.

અગાઉના દિવસે જમાલપુરમાં ઉતરેલાં એ છ પેસેન્જર જ્યારે ઘરે પહોંચયાં ત્યારે આ ખરીદેલ દાગીનાની થેલી ના મળી ત્યારે ઊંચાં-નીચાં થઈ ગયેલાં. એકતો છ વ્યક્તિઓ અને ખરીદ કરેલ વસ્તુઓની થેલીઓ ઘણી . એક સમજ્યું કે દાગીનાની થેલી બીજા પાસે છે અને બીજું સમજ્યું કે દાગીનાની થેલી ત્રીજા પાસે છે. મુળમુદાએ રિક્ષામાંથી થેલી લેવાનુ એમનાથી ભુલાઈ ગયેલું . થેલી રીક્ષાની પાછળના ભાગે જ્યાં રિક્ષનાં સ્પીકર હોય છે ત્યાં મુકેલી. સીટ પર થેલી હોય તો તો બધાયને દેખાય. એ પાછળના ભાગે મુકાએલી, એટલે કોઈની નજરે ચડી નહીં.

image source

દોડમ દોડ થઈ ગઈ. કોઈ રીક્ષા ગોતવા નીકળ્યું તો , બે જણ પાછા ખાડીયા મુહૂર્તની પોળવાળી દુકાને ભગ્યા. હા..હો થઈ ગઈ . બધા એક-બીજાનો દોષ ગણાવવા લાગ્યા. દુલહનની માની હાલત જોયા જેવી થઈ ગઈ. હેરાન હેરાન ! છેલ્લી ઘડીની ભૂલે કેટલાનાય જીવ અધ્ધર કરી દીધા. બીજા દિવસે સાંજે બરાત આવવાની હતી ને રિવાજ મુજબ સવારે દીકરીનો કરિયાવર સમાજ વચ્ચે મુકવાનો હતો.

માથે રાત નીકળી ગઈ દસ વાગવા આવ્યા હતા પણ દાગીનાની થેલી ને વિસ હજાર રૂપિયાનો પત્તો ના મળ્યો. સમય સુચકતા વાપરી ટાઈમ-પૂરતાં બીજાના ચેન અને વીંટી છાબમાં મુકવાનું નક્કી થયું. દુખાતા મને ધામધૂમ ચાલુ કરી કારણ કાલુપુર સોદાગરની પોળમાંથી બરાત આવવાની ઘડીઓ ગણાઇ રહી હતી. દાવત ચાલુ હતી જેમ જેમ મહેમાનો આવે તેમ જમવા બેસતા હતા.

એવામાં જમાલપુરના આ અંદરના વિસ્તારમાં એક રીક્ષા આવી. મૂછોના આંકડા ચડાવેલો રીક્ષાડ્રાઈવર ઉતરીને ઊભો રહ્યો. એને આજુબાજુ નજર ગુમાવી થોડીવાર સ્થળ નિરીક્ષણ કર્યું. ” સાલ્લાઉદીન શેખને ઘેર જવું છે ” નજીક આવેલ એક ઇસમને તેણે કહ્યું. ” જુઓ પેલો મંડપ બાંધેલો છે ને ત્યાં જાઓ” આંગળી ચીંધીને એણે જવાબ આપ્યો. એ મંડપ નીચે આવ્યા. થોડે દુર ઊભેલા એક માણસની નજર તેમના ઉપર પડી. ” તમે .?” ને બંને એક બીજાને ઓળખી ગયા.

image source

સાલ્લાઉદીનને જોઈ એ એમને ભેટી પડયો ને એમના હાથમાં દાગીનાની થેલી સોંપી. ” આપ કાલે રિક્ષામાં ભૂલી ગયેલા દાગીના ને પૈસાની થેલી સાંભળી લો.” સાલ્લાઉદીનના ચહેરા સામે જોતાં એ માણસ બોલ્યો.

સાલ્લાઉદીનના ચહેરા પર ખુશી છવાઈ ગઈ આજુબાજુ ઉભેલા માણસો છક થઈ ગયા. પછીતો તેઓ આવેલ માણસને એમના ઘરમાં લઈ જઈ પાણી આપ્યુને બેસાડયાને આભાર માન્યો. નામ સરનામું પુછ્યુને સાલ્લાઉદીને દીપસિંહને જમવા બેસવાનો આગ્રહ કર્યો. જુઓ બાજુમાં હિન્દૂ મિત્રોનું જમવાનું ચાલે છે. દીપસિંહે ઘણી આનાકાની કરી પણ ભારે દબાણ થયું. ” આટલી ખુશીમાં પણ ગઈ કાલનો અનાજનો કોળિયો અમારા ગળા હેઠળ નથી ઉતર્યો, અને તમે અમારી ખુશીઓ પાછી લાવનાર જમવા બેસવાની ના પાડો તે કેમ ચાલે.” આમ બોલતો બોલતો એક ઇસમ એમને ખેંચીને લઈ ગાયોને બેસાડી દીધા પંગતમાં.

ઘરમાં ખુશીની ઝલક ફેલાઈ ગઈ. એવામાં દુલહન સલમા તેની સહેલીઓ સાથે આવી. ” અબ્બા એ અંકલ કોણ ? અલ્લાએ મારા માટે મોકલેલ એ ફરિસતાને મારે સલામ કરવી છે” સલમા ભરેલી મહેંદીએ બહાર આવી હતી. ” આ જો બેટા મરદાની મૂછોવાળા અંકલ ” સામે બેઠેલા દીપસિંહ સામે એના અબ્બાએ ઈશારો કર્યો. એ દીપસિંહ જમવા બેઠેલા એ ટેબલ પાસે ગઈ ને ” સુક્રિયા અંકલ ! ” બોલતાં બોલતાં બોર બોર આંસુ નીકળી આવ્યાં.

image source

દીપસિંહે ના જાણે કેમ? એવા ભાવથી દુલહનના માથે હાથ ફેરવ્યો કે સાલ્લાઉદીનની આંખોમાં પાણી ઘસી આવ્યું. દીપસિંહે જ્યારે પાંચસોની નોટ કાઢી સલમાને આપવા હાથ લાંબો કર્યો ત્યારે તે તેને લેવાની અવઢવ થઈ. બે તોલાની ગળાની ચેન અને આઠઆની ભારની હેમની વીંટીને પારકી થાપણ સમજનાર અજાણ્યા ઇન્સાન સામે એ અહોભાવની નજરે નિહાળી રહી.

” લે બેટા આતો દુનિયાનો વહેવાર છે ! લઈ લે સુખી થા ! ” દીપસિંહે દબાણ કર્યું ત્યારે સલમાએ એમનો હાથ ચૂમી, ભેટ સ્વીકારી ને એમના ગળે વીંટાઇ ગઈ, બરાબર જયાબાની જેમજ ! ના જાન , ના પહેચાન, ના આંખોની ઓળખાણ ! એક રાણી જાયો ને બીજો બીબી જાયો ! તેમ છતાં દીપસિંહે જમણા હાથનો અંગુઠો એને તર્જની આંગળીથી પોતાની આંખોનાં ખૂણા દાબ્યા, ત્યારે હવામાં શરણાઈના હલકા હલકા શુર રેલાઈ રહ્યા હતા !

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ