ઈશ્વરનો હિસાબ પાકો જ હોય છે જેવું કરશો તેવું પામશો, વિશ્વાસ નથી આવતો વાંચો આ સત્ય વાર્તા…

સુરેશ અને સૂરજ બન્ને ભાઈ પહેલેથી જ ગામડામાં રહેતાં હતાં બન્ને ને એક દીકરી ને એક દીકરો . એ ચારેય વ્યવસ્થિત રીતે ઠરીઠામ હતાં. બન્ને ભાઈઓએ દીકરીઓને સારે ઠેકાણે પરણાવી , સાસરે વળાવી. બેય ના દીકરા ભણીગણીને નોકરીએ લાગ્યા અને એ પોતપોતાની રીતે સેટ થયા.મોટા ભાઈનો દીકરો પૂના અને નાના ભાઈનો દીકરો બેંગ્લોર. મજાની વાત તો એ હતી કે દીકરા વહુઓ, ચારેય ભણેલા અને ચારેય જોબ કરતાં હતાં. થોડા સમય પછી, સુરેશના દીકરાની ઘરે પારણું બંધાયું.હવે, ઘરડાં માવતર, પહેલેથી જ, સુરેશની સાથે જ રહેતા હતાં પણ, એમના દીકરા વહુએ જ્યારે એમ કહ્યું કે, તમે અહીં પૂના આવો અમારા લાડકાને સાચવવા..!! તો તરત જ માજી અને બાપા ને અહીં ગામડે છોડીને સુરેશ અને તેની પત્ની, પૂના રહેવા જતાં રહ્યાં, કાયમને માટે.એમ કહીને કે, “અત્યારે અમારા છોકરાઓ ને અમારી જરૂર છે , અમે અત્યારે એમની પાસે નહિ જઈએ તો, જ્યારે અમે વૃદ્ધ થશું ત્યારે એ લોકો પણ અમને પોતાની સાથે નહી રાખે..!! વૃદ્ધ માવતર કચવાતાં હતાં છતાં એમણે હસતાં મુખે વિદાય આપી. આ વાત સૂરજને ખબર પડી કે તરત જ, એણે પોતાના માવતરને એમના ઘરે લઈ આવ્યો. થોડોક સમય પસાર થયો કે એમના દિકરાવહુ ને પણ ટાબરીયું સાચવવા માટે વડીલોની જરૂર પડી. પણ, સૂરજે એમ કહી દીધું કે, તમે બન્ને બીજી કોઈ વ્યવસ્થા થાય તો ગોઠવો, જરૂર પડે તો વહુ ની જોબ છોડાવી દે પણ, આવડી ઉંમરે આ દાદા ને દાદી ને ક્યાં મૂકી ને અમે આવીએ ?? હવે તો એ જીવે ત્યાં સુધી આપણે એમને દુઃખી ન થવા દેવાય !!અને સૂરજે, માવતર અને કુટુંબ કબીલા, બેનું દિકરીયુંની ખૂબ સારી રીતે સંભાળ રાખી. કોઈનું કોઈ વગર કાઈ અટકતું નથી !! સમય સમયનું કામ કરે છે !! કાળક્રમે સૂરજના વૃદ્ધ માતાપિતા ઉંમર અને કુદરતને આધીન વૈકુંઠવાસી થયા.

પણ, જુઓ,…!!! આ કુદરતે કેવો હિસાબ માંડ્યો કે… મોટા ભાઈ સુરેશના પૌત્ર અને પૌત્રી સ્કૂલે જવા લાગ્યા અને વહુ ને સાસુ સસરા બોજારૂપ લાગવા માંડ્યા અને નાછૂટકે સુરેશ અને તેની પત્ની, પોતાને ગામ પાછા ફર્યા. હાસ્તો !,, કાયમ ને માટે…!! આ તરફ, બેંગ્લોર થી સૂરજના દીકરા વહુ ને ઓસ્ટ્રેલિયાની કમ્પનીએ હાયર કર્યા અને એ લોકો ત્યાંના કાયમી રહેવાસી બની ગયા એમનું તો એક જ ટાબરીયું, હવે તો એ ટાબરિયું શાનું ?? કાનુડો ખાસ્સો મોટો થઈ ગયો હતો જેને હવે સાચવવો પડે તેમ નહોતો. ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ વૃદ્ધોને રાખવા માટે રાજી નથી છતાં ય સૂરજના દીકરાએ 70 લાખ જેવી માતબર રકમ, રોકીને ય પોતાના મમ્મી પપ્પાને ઓસ્ટ્રેલિયા તેડાવી લીધા, કાયમ ને માટે, એમ કહીને કે “જ્યાં સુધી દાદાદાદીની જવાબદારી હતી, ત્યાં સુધી ઠીક હતું હવે તો તમે એય ને, જીવો ત્યાં સુધી અમારી સાથે રહેવાનુ છે અને લહેર કરવાની છે.તમારે હવે જ જિંદગી માણવાની છે !!

લેખક : દક્ષા રમેશ “લાગણી”

તમને પણ આવો કોઈ કિસ્સો જોયો કે જાણ્યો હોય તો જણાવો.