કેવી રીતે ખેડૂ દીકરો બન્યો અમદાવાદના ઇસ્કોન ગાંઠિયાનો માલિક અને પછી ખોલી અગિયાર શાખાઓ
આપણે જ્યારે ક્યારેય કોઈ સફળ ધંધાની વાત કરીએ ત્યારે આપણી નજર હંમેશા ધીરુભાઈ અંબાણી, માર્ક ઝકરબર્ગ, ગૌતમ અદાણી કે પછી બિલગેટ્સ વિગેરે પર જાય છે. પણ આપણી આસપાસ પણ એવા ઘણા બધા ઉદાહરણ છે જેના પર આપણી નજર ભાગ્યે જ જાય છે.

આજે આપણે અમદાવાદી યુવાનની જ એક સફળ આન્તરપ્રિન્યોરશિપની વાત કરીશું. આ યુવાન છે ઇસ્કોન ગાંઠિયાનો માલિક મનદીપ પટેલ. મનદીપ પટેલ આજે અમદાવાદમાં ઇસ્કોન ગાંઠિયા અથવા તો ઇસ્કોન ફૂડના શિર્ષક હેઠળ અગિયાર શાખાઓ ધરાવે છે.
મનદીપ પટેલનો સંઘર્ષ

મનદીપ પટેલ ગુજરાતના ઉપલેટાના ખેડૂતનો દીકરો છે. તેઓ અમદાવાદમાં આવ્યા ત્યારે હાથેપગે આવ્યા હતા. અભ્યાસમાં તેમણે પણ કંઈ ખાસ ભણતર નથી મેળવ્યું પણ જિંદગીનો પાઠ તેઓ સારી રીતે ભણી જાણ્યા છે. તેમણે અમદાવાદમાં આવીને જ સૌરાષ્ટ્રની ફેમસ વાનગી એવી ગાંઠિયાની લારી નાખી દીધી. પણ તેમને કોઈને કોઈ રીતે પજવવામાં આવતા અને તેમને અવારનવાર લારીની જગ્યા બદલવી પડતી.
તેમણે પોતાની લારીને જ પોતાનું ઘર અને દુકાન બનાવી દીધા હતા. તેઓ દીવસના કલાકોના કલાકો કામ કરતાં અને રાત પડ્યે તેઓ લારી પર જ સુઈ જતાં. ઠંડી-ગરમી-વરસાદની કશાની પરવા કર્યા વગર જ તેઓ પોતાની લારીને વળગી રહેતા અને પૂરા નિર્ધારથી ધંધો કરતાં. અને છેવટે તેમને તેમના આ સંઘર્ષે તેમને સફળતાનો સ્વાદ ચખાડ્યો.

શરૂઆતમાં તેમણે અમદાવાદના બાપુનગરમાં ગાંઠિયાની લારી શરૂ કરી. પણ ત્યાં હીરા ઉદ્યોગમાં બેરોજગારી-હડતાળો વિગેરેના કારણે તેમનો ધંધો મંદો પડી ગયો. ત્યાર બાદ તેમણે એપ્રોચ વિસ્તારમાં ગાંઠિયાની લારી ખસેડી પણ ત્યાં પણ ટ્રાફીકના કારણે લારી રાખી શકાય તેમ નહોતી. છેવટે તેમણે અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એવા વિજય ચાર રસ્તા પર લારી નાખી અને તેઓ ત્યાં જ લારીમાં સુઈ જતાં.

લારી શરૂ કર્યાના થોડા દિવસો બાદ જ દબાણવાળા તેમની લારી ઉપાડી ગયા અને તેમને ઓર વધારે તકલીફનો સામનો કરવો પડ્યો. હવે તો તેમનું એકનું એક આવકનું સાધન એવી લારી પણ તેમનાથી ઝુંટવાઈ ગઈ હતી. જો કે તેમની આવડતને કોઈ થોડી છીનવી શકવાનું હતું. તેમને ગાંઠિયા બનાવતા આવડતા હતા પણ તેના માટેનો સામાન તેમની પાસે નહોતો.
યુવાન વયે અમદાવાદ આવી ધંધાની શરૂઆત કરી

મનદીપ પટેલ 2008માં અમદાવાદ આવ્યા હતા અને તે વખતે તેમની ઉંમર માત્ર 23 જ વર્ષની હતી. તેમને ઉપલેટમાં ધંધા દ્વારા કંઈ ખાસ આવક નહોતી થતી અને માટે જ તેમણે અમદાવાદ જેવા મોટા શહેર તરફની વાટ માંડવી પડી. તેના માટે તેમણે ગાંઠિયાનો ધંધો કરવાનું નક્કી કર્યું અને સૌ પ્રથમ તો ગાંઠિયા બનાવતા શીખી લીધું. તેમણે શહેર પસંદ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોને ફરીને જોયા અને છેવટે તેમની પસંદ અમદાવાદ પર ઠરી.
લારી છોડી રેસ્ટોરન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું

અમદાવાદમાં ઠેર-ઠેર તેમને નિષ્ફળતા મળી અને છેવટે તો તેમની રોજીરોટી સમાન એવી લારી પણ દબાણવાળા ઉઠાવી ગયા. હવે તેમણે રેસ્ટોરન્ટમાં માત્ર 900 રૂપિયાના પગારે કામ કરવાનો વારો આવી ગયો. તેઓ ત્યાં જ જમી લેતા અને ત્યાં જ સુઈ જતાં. આ તેમના જીવનનો સૌથી કપરો સમય હતો. પણ તેમાં પણ તેમણે હાર ન માની અને આસ પણ ન છોડી. તેઓ કોઈ પણ સંજોગોમાં ગામડે પાછા જવા તો બિલકુલ નહોતો માગતા.
ફરી ગાંઠિયાની લારી શરૂ કરી નામ આપ્યું ‘ઇસ્કોન ગાંઠિયા’
રેસ્ટોરન્ટની નોકરીને અલવિદા કહી તેમણે ફરી લારીની શરૂઆત કરી આ વખતે તેમણે ઇસ્કોન ચાર રસ્તા પાસે ગાંઠિયાની લારી નાખી. તેમણે અત્યારસુધી પોતાની લારીને નામ નહોતું આપ્યું પણ હવે તેમણે લારીને ‘ઇસ્કોન ગાંઠિયા’ નામ આપ્યું. ધીમે ધીમે તેમની મુશ્કેલીઓ ઘટવા લાગી.

દુકાન કરવાનો વિચાર આ રીતે આવ્યો
તેમણે જ્યારે ઇસ્કોન પાસે લારી ખોલી તે જ દિવસે અમદાવાદમાં બ્લાસ્ટ થયા હતા. ઇસ્કોન પાસે લારી નાખ્યાના પહેલાં જ દિવસથી તેમને એવી લાગણી થઈ હતી કે અહીં તેમનો ધંધો ચાલી જશે. પહેલીવાર તેમની લારી ત્યાં સતત અગિયાર મહિના સુધી ચાલુ રહી અને લોકો તેમને ઓળખતા પણ થયા.
લારી ખોલતાં પહેલાં જ 15-20 જણા ગાંઠિયાની રાહ જોતાં ઉભા રહેતાં જોવા મળતાં. અને ત્યારથી જ તેમને આત્મવિશ્વાસ થવા લાગ્યો કે અમદાવાદને તેમના ગાંઠિયા ફાવી ગયા છે. પણ ત્યાર બાદ ઇસ્કોન બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું અને ફરી પાછી તેમણે લારી ખસેડવી પડી. તેમણે લારીનું નામ તો એજ રાખ્યું પણ હવે તેમણે કર્ણાવતી ક્લબની સામેની બાજુ લારી ખસેડી અને ત્યાં પણ તેમનો ધંધો સારો ચાલ્યો. અને એક વર્ષની અંદર જ તેમણે ત્યાં દુકાન પણ ખોલી લીધી.

અગિયાર બ્રાન્ચનો કુલ ડોઢસો કર્મચારીઓનો સ્ટાફ
ધંધાની શરૂઆત કરી ત્યારે તેઓ જ બધું કરતાં હતા. ગાંઠિયા બનાવવાથી માંડીને ડીશો ધોવા સુધીનું કામ. પણ ધીમે ધીમે ધંધો ચાલી નીકળ્યો અને સ્ટાફ વધવા લાગ્યો. આજે તેમની અગિયાર બ્રાન્ચના કુલ 130-150 જેટલા કર્મચારીઓ છે.
અમદાવાદના દરેક હાઇવે પર ફૂડ મોલ સ્થાપવાનું સ્વપ્ન

માણસ માટે સફળતાનું પહેલું પગલું જ ચડવું મુશ્કેલ હોય છે ત્યાર બાદ તેને સફળતાની સીડીયો પાર કરતાં પણ વાર નથી લાગતી. લારીમાંથી દુકાનો અને દુકાનોમાંથી શાખાઓ કર્યા બાદ મનદીપ ભાઈનું સ્વપ્ન હવે દરેક હાઇવે પર ઇસ્કોન ફુડ મોલ સ્થાપવાનું છે. જો તેઓ આ જ રીતે પોતાના ધ્યેય માટે લાગ્યા રહેશો તો ચોક્કસ તેમનું તે સ્વપ્ન પણ પૂર્ણ થશે.
ઇસ્કોન ફૂડ મોલમાં 17 વર્ષથી નાની દીકરીઓને મફત ભોજન

તેમણે અત્યાર સુધીમાં અમદાવાદમાં પોતાની ઘણી બધી શાખાઓ ખોલી લીધી છે. તેમણે વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર એક ઇસ્કોન ફૂડ મોલ પણ ખોલ્યો છે. આ ફૂડ મોલ અમદાવાદથી લગભગ 75 કિલોમીટર દૂર આવેલો છે. અહીં ખાસ કરીને 17 વર્ષથી નાની દીકરીઓને મફત જમાડવામાં આવે છે. આ છૂટ કાઠિયાવાડી થાળી પર છે જેમાં આ ઉંમરથી નીચેની દીકરીઓ પાસેથી કાઠિયાવાડી થાળીના પૈસા લેવામાં નથી આવતા. કાઠિયાવાડી થાળી ઉપરાંત અહીં પંજાબી થાળી પણ પિરસવામાં આવે છે. તમને જણાવી દઈએ આ એજ સ્થળ છે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી મોદી હતા અને અહીં જ ‘ચાય પે ચર્ચા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ જણાવે છે કે તેમની દરેક બ્રાન્ચમાં ગ્રાહકોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને શુદ્ધ ખોરાક જ પિરસવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ