ઈંટકા જવાબ પથ્થર સે – હવે જમાનો બદલાયો તમે ક્યારે બદલાશો ????

ચૌબેજીનો છોકરો છે અશોક, એમએસસી પાસ. નોકરી માટે ચૌબેજી નિશ્ચિંન્ત હતા, ક્યાંકને ક્યાંક તો મેળ થઇ જ જશે. લગ્ન કરી દેવા જોઈએ. મિશ્રાજીની છોકરી છે મમતા, એ પણ એમએ ફર્સ્ટ ક્લાસ પાસ છે, મિશ્રાજી પણ તેના લગ્ન જલ્દી કરી દેવા માંગે છે.

સમજદાર લોકો પાસેથી પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાનો ભાવ જાણવામાં આવ્યો. ખબર પડી કે આમ તો પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાનો ભાવ ૫ થી ૬ લાખ ચાલે છે પણ, બેકાર બેઠેલા પોસ્ટ ગ્રેજ્યુએટનો ભાવ ૩ થી ૪ લાખ છે.


સમજદાર લોકોએ સોદો સાડા ત્રણ લાખમાં નક્કી કરાવી દીધો. વાત નક્કી થયે હજુ એક મહિનો પણ ન્હોતો થયો, અને પબ્લિક સર્વિસ કમિશનથી પત્ર આવ્યોકે અશોકની ડેપ્યુટી કલેક્ટરના પદ પર વર્ણી થઇ ગઈ છે.

ચૌબે – સાલા, નીચ, કમીના….હરામજાદા છે કમિશન વાળા…! પત્ની – છોકરાની આટલી સરસ નોકરી લાગી છે નારાજ કેમ થાઓ છો? ચૌબે – અરે સરકાર નકામી છે, હું તો કહું છું કે આ દેશ માં ક્રાંતિ થઇને રહેશે….આ જ પત્ર થોડા સમય પહેલાં ન્હોતાં મોકલી શકતા, ડેપ્યુટી કલેક્ટરના ૪૦ – ૫૦ લાખ તો એમજ મળી ગયા હોત.

પત્ની -તમારી અક્કલ મરી ગઈ હતી, હું ન્હોતી કહેતી કે એક મહિનો રોકાઈ જાઓ, પણ તમે ન માન્યા…જલ્દીમાં સંબંધ નક્કી કરી નાખ્યો…હું તો કહું છું કે મિશ્રાજીને પત્ર લખો તેઓ સમજદાર વ્યક્તિ છે.


પ્રિય મિશ્રા જી,

अत्रं कुशलं तत्रास्तु !

તમને પ્રસન્નતા થશે કે અશોકની પસંદગી ડેપ્યુટી કલેક્ટર તરીકે થઇ ગઈ છે. વિવાહના મંગળ અવસર પર આ મંગળ થયું. આમાં તમારી સુયોગ્ય પુત્રીના ભાગ્યનું પણ યોગદાન છે.


તમે સ્વયં સમજદાર છો, નીતિ અને મર્યાદા જાણો છો. ધર્મ પર જ આ ધરતી ટકેલી છે. માણસનું શુ છે, જીવે મરે છે. રૂપિયોતો હાથ નો મેલ છે, મનુષ્યની પ્રતિષ્ઠા મોટી વસ્તુ છે.માણસે ફરજ નિભાવવી જોઈએ, ધર્મ ન છોડવો જોઈએ. અને પછી અમને તો કઈ જોઈતું નથી, તમે જે કંઈ આપશો તમારી દીકરીને જ આપશો. વર્તમાન પદના હિસાબ મુજબ જોઈ લજો નહિ તો પછી અમારે કોઈ બીજો બંધ બેસતો સંબંધ શોધવો પડશે.


મિશ્રા પરિવારે આ પત્ર વાંચ્યો, વિચાર કર્યો અને પછી લખ્યું- તમારો પત્ર મળ્યો, હું સ્વયં તમને લખવાનો હતો. અશોકની સફળતા પર અમે બધા ખુબ ખુશ છીએ. અશોક હવે ડેપ્યુટી કલેક્ટર થઇ ગયો છે. અશોક ચારિત્રવાન, મહેનતુ અને સુયોગ્ય છોકરો છે. તે ચોક્કસ પ્રગતિ કરશે. તમને એ જાણીને પ્રસન્નતા થશે કે મમતાની પસંદગી આઈએએસ માટે થઇ ગઈ છે. કલેક્ટર બનીને તેની ઈચ્છા છે કે તે પોતાની નીચે કામ કરતા અધિકારી સાથે લગ્ન નહિ કરે.


મને આ સંબંધ તોડીને અપાર હર્ષ થઇ રહ્યો છે.

“દીકરી ભણાવો, દહેજ મિટાવો” એક રોટલી ઓછી ખાઓ, પણ, દીકરી જરૂર ભણાવો.

લેખન-સંકલન : ભૂમિ મેહતા (બેંગ્લોર)