ઉડાન – પિંજારામાં પુરાયેલ પક્ષીની !

“ઉડાન”

સરલાબહેન કાયમ કેહતા ” આ તારો દીકરો ભણી રહ્યો.. તારા..!!. સવારમાં શાહરુખ ખાન ના ડાયલોગ બોલે છે…” મંથન TV સામે બંને હાથ પહોળા કરી બોલતો હતો..’.Don’t underestimate the power of a common man. ‘

સરલાબહેનને ભારે શરીર અને ઘૂટણનો દુખાવો.. વહુ ક્યારે ગરમ પાણી મૂકે એની રાહમાં બેઠા હતા. વહુને જોઈને બોલ્યા ” આ વીણાનો કાલ ફોન હતો, તો કહેતીતી એની વહુ જાસ્મીન એના નાના દીકરાને પ્લે ગ્રુપમાં મૂકી નોકરીએ જાય, મહિને પચાસ હજાર કમાય છે !!”

રાજેશ ઓફિસે જવા તૈયારી કરતો હતો એ બોલ્યો ” બા એની વાત જુદી છે. જાસ્મીન તો સ્માર્ટ છેજને !” તારા, ચૂપચાપ સાસુ અને વર નો વાર્તાલાપ સાંભળી રસોડામાં ગઈ. બપોરે મંથનનું હોમવર્ક પતાવી ગમતી ચેનલ TV માં મુકવા ગઈ ત્યાં સરલાબહેન રણક્યા ” આજે શાક લેવા નથી જવાનું ?” તારા બોલી ” બા કાલે જઈશ. આજ તો મંથનને ભણાવી થાકી છું.” સરલાબહેન તાડુક્યા ” આપણે તો ઘરનાજ કામ કરવાના હોય, થોડા ભાયડાઓની જેમ બાર કલાક બહાર રહેવાનું..! એમાં થાક શેનો !!” વધુ માથાકૂટ કર્યા વગર તારાએ થેલી હાથમાં લીધી.

રાત્રે પોતાના કાકાના દીકરાના લગ્નની યાદ અપાવી રાજેશે તારાને ટકોર કરી ” યાદ છેને ! જે પેક કરવું હોય તે શરુ કર.” તારાએ કહ્યું ” મારે કાલ બ્યુટી પાર્લર જવું છે. થોડા પૈસા આપીને જજો…કાલ માયા મળી’તી.. એ જે પાર્લરમાં જાય છે તે સારું છે, એમ કહેતીતી એ દર મહિને જાય છે..

રાજેશ વાત પૂરી સમજ્યા વગર ધૂંધવાઇને બોલ્યો ” માયા જોબ કરે છે..એને presentable રહેવું પડે..એ કેટલું કમાય છે…તારે શું છે…તું તો ઘરમાંજ હોય છે..વળી કમાતી નથી…એટલે એવા નખરા ન પોસાય…!!”
તારા કઈ બોલી નહી..

વ્યવસાયે સિવિલ એન્જીનીર હોવા છતાં સાસુની તબિયત અને છોકરાની સંભાળ માટે તારાએ નોકરી નહોતી કરી. પરંતુ સતત હીણપત અનુભવી એ થાકી હતી. અંતે તારાએ નોકરી કરવા નક્કી કર્યું. રાજેશ મોં પર તુચ્છ હાસ્ય લાવી બોલ્યો ” તારું કામ નથી..કંટાળી જઈશ. ઘરમાં બેસીને વજન વધારવા સિવાય તને શું આવડ્યું છે !

ત્યાં તો રીયલ સ્કિલ્સ જોઈએ. તારાને યાદ આવી ગયું.. બે દિવસ પહેલા શહેરના ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ DR નૈના સેજપાલ, જે એમના પાડોસી હતા, લિફ્ટ માં મળેલા અને કહેલું ” start working dear , you can do it !”

તારાની નોકરીને છ મહિના થઇ ગયા. રાજેશ ની જીભ સળવળતી. હવે સવારમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હોય એમ ઘાંટા પડી..” ઇસ્ત્રીવાળી કેમ ન આવી ? કામવાળી શેની વધુ પૈસા માંગે ? ” વગેરે ટોપિક કાઢી તારાની ઝાટકણી કાઢી શકાતી નહોતી. તારા સવારમાં વહેલી નીકળી જતી. સરલાબહેન શાહી સેવા ગુમાવી પસ્તાતા હતા..નકામો વીણા નો દાખલો આપ્યો…

સ્ત્રી દિવસ નીમિત્તે તારા ની કંપની એ તારાનો છ જ મહિનામાં થયેલ અદભુત વિકાસ અંગે નો લેખ, છાપામાં આપ્યો…ટાઇટલ હતું…” .

Don’t underestimate the power of a common woman !!!”

સરલાબહેન અને રાજેશે બંનેએ છાપું વાંચી બાજુ પર મૂક્યું. ..પિંજરામાં પુરાયેલ પંખી હવે એની દિશા શોધી ઉડાન ભરી ચૂક્યું હતું.

લેખક – રૂપલ વસાવડા (બેંગ્લોર)

ટીપ્પણી