વાંચો, સમજો, એપ્લાય કરો : હાઇ બ્લડ પ્રેશર ના નિયંત્રણ અને સંચાલન વિષે A to Z

અસામન્ય લોહીનું દબાણ એક ગંભીર પરિસ્થિતિ છે જેના લીધે હ્રદય નો કાર્યભાર વધી જાય છે. હ્રદય ને વધુ દબાણ થી કામ કરવું પડે છે. આ સ્થિતિ ને લોહી નું અતિ ઊંચું દબાણ, હાઇ બ્લડ પ્રેશર અથવા હાઇપર ટેન્શન કહે છે. લોહીના અતિ ઊંચા દબાણ ના બે પ્રકાર હોય છે.

પ્રાથમિક (અનિવાર્ય): પ્રાથમિક અથવા અનિવાર્ય પ્રકાર ના લોહીના અતિ ઊંચા દબાણ માટે કોઈ દેખીતું કારણ હોતું નથી. બેઠાડું જીવન શૈલી ના પરિમાણે આ પરિસ્થિતિ નું નિર્માણ થાય છે. 90 ટકા હાઇપરટેંશન ના કેસ પ્રાથમિક (અનિવાર્ય) પ્રકાર ના હાઇપરટેંશન છે.

ગૌણ (સેકન્ડરી): આ પ્રકાર નું હાઇપરટેન્શન અન્ય તબીબી કારણો કે દવાઓ ના લીધે થાય છે. મૂત્ર પિંડ ને લગતા રોગ, અંતઃસ્ત્રાવ ની ગ્રંથિઓ ને લગતા રોગ, થઇરોઈડ ની બીમારી, કશીંગ સિંડ્રોમ, જન્મ જાત મહાધમની સાંકડી થવી, ગર્ભ નિરોધક ગોળીઓ નું સેવન વગેરે કારણો ગૌણ (સેકન્ડરી) હાઇપરટેન્શન માટે જવાબદાર છે. હાઇપરટેન્શનના 10% કેસ ગૌણ (સેકન્ડરી) હોય છે.

લોહી ના ઊંચા દબાણ ના નિદાન માટે ના માપદંડ

પ્રમાણ: લોહી નું અતિ ઊંચું દબાણ નું પ્રમાણ ભારત માં હાલ 17 થી 21 ટકા લોકો માં જોવા મળે છે અને ઉંમર વધવાની સાથે આનું પ્રમાણ પણ વધે છે. સ્ટ્રોક થી થતાં 57% મૃત્યુ ના કિસ્સા માં અને કોરોનરી હાર્ટ ડીસીઝ થી થતાં 24% મૃત્યુ ના કિસ્સા માં લોહી નું અતિ ઊંચું દબાણ જવાબદર હોય છે.

હાયપરટેન્શન ના જોખમી પરિબળો ::

પરીવર્તન ના થઈ શકે એવા પરિબળો :

(1) ઉંમર: ઉંમર વધવાની સાથે હાયપરટેન્શન થવાનું જોખમ પણ વધે છે.
(2) જાતિ : ઉંમર વધવાની સાથે પુરુષ અને સ્ત્રી બંને માં હાયપરટેન્શન થવાનું જોખમ સરખું જ હોય છે.
(3) જનિનીક કારણો: હાયપરટેન્શન થવા માટે ઘણી વાર જનિનીક કારણો પણ જવાબદાર છે. જો માતા અને પિતા બંને માંથી કોઈ ને પણ હાયપરટેન્શન ના હોય તો બાળક ને હાયપરટેન્શન થવાની શકયતા 3% જેટલી હોય છે અને જો માતા અને પિતા બંને ને હાયપરટેન્શન હોય તો બાળક ને મોટી ઉંમરે હાયપરટેન્શન થવાની શકયતા 45% જેટલી વધી જાય છે.

પરીવર્તન થઈ શકે એવા પરિબળો :

(1) સ્થૂળતા (મેદસ્વીતા): જેટલું વધારે વજન એટલું હાયપરટેન્શન થવાનું જોખમ વધુ રહે છે. જે લોકો માં કમર નો ઘેરાવો અને નિતંબ નો ઘેરાવો વધુ હોય તેમને હાયપરટેન્શન થવાનું જોખમ વધુ રહે છે. હાયપરટેન્શન ધરાવતી વ્યક્તિ જો પોતાનું વજન ઉતારે તો તેમનું બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે. બેઠાડું જીવનશૈલી મેદસ્વીતા વધારે છે અને હાયપરટેન્શન નું જોખમ પણ વધારે છે.
(2) શારીરિક પ્રવૃતિઓ: શારીરિક પ્રવૃતિઓ જેવી કે હળવી કસરત, ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી પગથિયાં ચડ-ઉતર કરવા વગેરે શરીર નું વજન જાળવી રાખે છે અને હાયપરટેન્શન થવાનું જોખમ પણ ઓછું કરે છે.
(3) મીઠા (સોલ્ટ) નો વધુ ઉપયોગ: મીઠા નો વધુ પડતો ઉપયોગ (7-8 ગ્રામ/દિવસ ) બ્લડ પ્રેશર વધારે છે.
પોટેશિયમ ધરાવતા ખોરાક જેવા કે કેળાં, નારિયેળ પાણી,સંતરા વગરે નું સેવન બ્લડ પ્રેશર ને ઓછું કરવામાં મદદ કરે છે.
(4) વધુ ચરબીયુકત આહાર: વધુ ચરબીયુક્ત આહાર સ્થૂળતા વધારે છે, શરીર માં કોલેસ્ટેરોલ નું પ્રમાણ વધારે છે, શરીર ની બધી ધમની અને શિરા ઓ નું બ્લોકેજ કરી સાંકડી બનાવી ને હાયપરટેન્શન થવાનું જોખમ આપે છે.
(5) રેષાયુકત આહાર જેમકે લીલા પાંદડાવાડા શાકભાજી વગેરે નું સેવન ધમની અને શિરા ઓ માં LDL કોલેસ્ટેરોલ નું બ્લોકેજ દૂર કરી ને હાયપરટેન્શન થવાનું જોખમ ઓછું કરે છે.
(6) આલ્કોહોલ(દારૂ-મદિરા) નું સેવન: દારૂ નું વધુપડતું સેવન હાયપરટેન્શન થવાના જોખમને વધારે છે.
(7) સ્ટ્રેસ (ટેન્શન): વધુ પડતો સ્ટ્રેસ કે માનસિક તણાવ હાયપરટેન્શન નું જોખમ વધારે છે.

લોહીના અતિ ઊંચા દબાણ (હાઇપરટેન્શન) નું નિયમન ના કરવામાં આવે તો શું થાય ?

લોહીના અતિ ઊંચા દબાણ (હાઇપરટેન્શન) નું જો નિયમન કરવામાં ના આવે તો શરીર ના મહત્વ ના અંગો જેવા કે હ્રદય ને નુકશાન થાય છે અને મૂત્રપિંડ અને મગજ માં રહેલી નલિકાઓ ને નુકશાન થતાં આ અંગો નું કાર્ય જોખમાય છે.

હાઇપરટેન્શન નું નિયમન ના કરવામાં આવે તો હ્રદય રોગ નો હુમલો થાય છે, હ્રદય પહોળું થઈ જાય છે અને પરિણામે હ્રદય ધબકતું બંધ થાય છે. શરીર ની નલિકા ઓ પહોળી થાય છે અને નબળી પડે છે, કોઈ વાર તેમનું બ્લોકેજ થાય છે અથવા તો ફાટી જાય છે. લોહી ના ઊંચા દબાણ ના લીધે મગજ માં રહેલી સૂક્ષ્મવાહિનીઓ ફાટતાં સ્ટ્રોક (લકવો) થાય છે.
હાઇપરટેન્શન ના લીધે ઘણી વાર મૂત્રપિંડ કાર્યશીલ રહેતાં નથી, આંખો માં અંધાપો આવી શકે છે અને જ્ઞાનાત્મક ક્ષતિ જેવી કે શબ્દો ભૂલી જવા, શબ્દો યાદ ના રહેવા વગરે થઈ શકે છે.

લોહીના અતિ ઊંચા દબાણ (હાઇપરટેન્શન) ના લક્ષણો :

લોહીના અતિ ઊંચા દબાણ (હાઇપરટેન્શન) ના કોઈવાર કશા જ લક્ષણો જણાતાં નથી આથી જ હાઇપરટેન્શન ને “સાઇલેન્ટ કિલર” કહેવામાં આવે છે. હાઇપરટેન્શન ના લીધે કોઈવાર માથું દુખવું, માથું ભારે લાગવું, છાતી માં દુખાવો થવો, શ્વાશ લેવામાં મુશ્કેલી પડવી, હ્રદય ના ધબકારા અનુભવવા તથા નસકોરી ફૂટવી વગેરે થાય છે પરંતુ આ લક્ષણો હમેશા જોવા મળતા નથી. જેથી દરેક વ્યક્તિ એ સમયાંતરે પોતાનું બ્લડ પ્રેશર મપાવતા રહેવું જરૂરી છે.

લોહીના અતિ ઊંચા દબાણ (હાઇપરટેન્શન) નું નિયમન :

હાઇપરટેન્શન અનિવાર્ય છે કે ગૌણ તે જાણવા ઉપરાંત હાઇપરટેન્શન થી શરીર ના મહત્વ ના અંગો ને થયેલ નુકશાન નું પ્રમાણ અને પ્રકાર જાણવા હાઇપરટેન્શન ના જોખમ ના આંકલન માં નીચેની બાબતો આવરી લેવામાં આવે છે.

• તબીબી ઇતિહાસ નું મૂલ્યાંકન
• શારીરિક તપાસ
• લેબોરેટરી તપાસ

(1) વ્યક્તિગત માહિતી (પર્સનલ મેડિકલ હિસ્ટરી) નું મૂલ્યાંકન

ક. જોખમી પરિબળો નું મૂલ્યાંકન
 શારીરિક પ્રવૃતિનો અભાવ અથવા બેઠાડું જીવનશૈલી
 સ્થૂળતા અથવા વધુ પડતું વજન
 ફાંદ-પેટ (કમર ના મધ્ય ભાગ) નો ઘેરાવો
 આહાર માં સોડિયમ/મીઠા નો વધુ પડતો ઉપયોગ
 દારૂ/મદિરા નું સેવન
ખ. કૌટુંબિક માહિતી (ફેમિલી હિસ્ટ્રી)
ગ. હાઇ બ્લડ પ્રેશર ની સમસ્યાઓ ના લક્ષણો હોવાં
ઘ. દુખાવો દૂર કરતી દવા લેવી: (NSAIDS) દવા વારંવાર લેવી પડતી હોય
ચ. દમ ના રોગ માટે સ્ટેરોઈડ ની દવા લેવી પડતી હોય
છ. શ્રમ પડે તેવું કામ કરતી વખતે શ્વાશ લેવામાં તકલીફ પડતી હોય
જ. પગ માં સોજા આવે
ઝ. મૂત્રાશય ને સંલગ્ન તકલીફ હોય, અગાઉ તેમાં પથરી થઈ હોય.
શારીરિક તપાસ

શારીરિક તપાસ માં નીચેના નો સમાવેશ થાય છે :

• ઓછાઓ ઓછું એક હાથ માં અને પગમાં લોહી નું દબાણ માપવું.
• BMI (BODY MASS INDEX) નક્કી કરવા વ્યક્તિ ની ઊંચાઈ અને

વજન નું માપ

• કમર ના અને નિતંબ ના ઘેરાવા નું માપ
• નાડી ઓ ના ધબકારા ની તપાસ
• અસામન્ય અવાજ માટે સ્ટેથોસ્કોપ દ્વારા ધોરી નસ ની તપાસ (રિનલ, કેરોટીડ વગેરે)
• નેત્ર રોગ ચિકિત્સા ની સુવિધા ઉપલબ્ધ હોય તો આંખ ની તપાસ અને

મૂલ્યાંકન

લેબોરેટરી તપાસ અનિવાર્ય

• લોહી માં શર્કરા નું પ્રમાણ (ડાયાબિટીસ ની તપાસ માટે)
• મૂત્ર માં પ્રોટીન ના પૃથ્થકરણ માટે મૂત્ર ની તપાસ

ઇચ્છનીય

• હીમોગ્રામ
• સીરમ ક્રિએટીનીન
• સીરમ સોડિયમ અને પોટેશ્યમ નું સ્તર
• લિપિડ પ્રોફાઇલ
• મૂત્ર નું પૃથ્થકરણ
• ECG- ઇલેક્ટ્રો કાર્ડિયો ગ્રામ
• છાતી નો એક્ષ-રે

લોહીના અતિ ઊંચા દબાણ (હાઇપરટેન્શન) નું નિયમન :

હ્રદય ના અતિ ઊંચા દબાણ ના નિયમન ના ઉદ્દેશ :

• સૌપ્રથમ લોહીનું દબાણ ઘટાડી ને 130/85 mmHg આવે તે જોવું
• કોઈ બીજી તકલીફ ઊભી ના થાય તે રીતે લોહીનું દબાણ 120/80 mmHg જેટલું આવે તે ઉદ્દેશ રાખવો.
• લોહીનું દબાણ 140/90 mmHg વધુ હોય તો સારવાર શરૂ કરવામાં આવે છે.
• લોહીનું દબાણ વધારતા જોખમી પરિબળો ને નિયંત્રિત કરી ને આજીવન નિયંત્રણ માં રાખવા જોઈએ
• જો વ્યક્તિનું લોહીનું દબાણ 160/100 mmHg જેટલું હોય તો રાહ જોયા વગર દવા વડે સારવાર શરૂ કરવામાં આવે છે.
• જો વ્યક્તિનું લોહીનું દબાણ 140/90 mmHg જેટલું હોય અને સાથે સાથે વ્યક્તિને ડાયાબિટીસ હોય, શરીર ના મહત્વના અંગો ને નુકશાન થયું હોય જેમકે મૂત્ર માં પ્રોટીન નું પ્રમાણ વધુ હોય, લોહીમાં યુરિયા નું પ્રમાણ વધુ હોય, ડાબી બાજુ ના હ્રદય નો ભાગ પહોળો થઈ ગયો હોય, હ્રદય, આંખો કે કિડની ને સંલગ્ન રોગ હોય, આંખ ના પડદા ને નુકશાન થયું હોય તો રાહ જોયા નિદાન થયા બાદ તુરંત જ દવા વડે સારવાર શરૂ કરવામાં આવે છે.
• બીજા બધા કિસ્સા માં દવા વડે સારવાર શરૂ કરતાં પહેલા ઓછામાં ઓછું 6 મહિના સુધી જીવનશૈલી માં સુધારા કરવાની સારવાર પધ્ધતિ અજમાવવામાં આવે છે, જે દરમ્યાન નિયમિત બ્લડ પ્રેશર નું માપન કરતાં રહેવું જોઈએ.
જીવન શૈલી માં પરીવર્તન ની સારવાર પધ્ધતિ

ક. આહાર

• લીલા પાંદડાવાળા શાકભાજી અને ઋતુ મુજબ ના તાજા ફળો નો આહાર માં સમાવેશ કરવો.
• મીઠું ઓછી માત્ર માં લેવું. રાંધેલા અને નહીં રાંધેલા ખોરાક માં ઉપરથી મીઠું ભભરાવવાનું ટાળવું.
• બજાર માં મળતું ઓછા સોડિયમ ધરાવતું મીઠું વાપરવું હિતાવહ છે.
• જે ખાદ્યપદાર્થમાં મીઠા નું પ્રમાણ વધુ હોય તેવા ખાદ્યપદાર્થો નો વપરાશ ઓછો કરવો જેમકે અથાણાં, ચટણી, સોસ કેચ અપ, પાપડ, બટાટા વગેરે ની ચિપ્સ, કતરી, વેફર, મીઠાવાળા બિસ્કિટ, ચીઝ, મીઠાયુક્ત માખણ, બેકરીના ઉત્પાદનો અને સૂકી મીઠાયુક્ત માછલી.
• તમામ પ્રકારના રેષા વગર ના કાર્બોદિત ધરાવતા પદાર્થો જેવા કે બિસ્કિટ, બ્રેડ, નાન, કુલ્ચા, કેક વગેરે નું સેવન નિયંત્રિત માત્ર માં કરવું.
• તળેલા ખાદ્યપદાર્થ ના બદલે વરાળ થી રાંધેલા અથવા બાફેલા ખાદ્યપદાર્થ નું સેવન વધુ કરવું.
• કાર્બોનેટ પીણાં ના સ્થાને તાજું લીંબુ નું પાણી પીવું.
• ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, તૈયાર નાસ્તા અને કાર્બોનેટ પીણાં લેવાનું ટાળવું, તળેલા નાસ્તા ની જગ્યાએ ફળ ખાવા.
• ખાદ્ય તેલ માં બધા તેલ નું મિશ્રણ વાપરવું. અલગ અલગ ખાદ્યપદાર્થ જુદા જુદા તેલ માં બનાવવા અથવા દર મહિને જુદા જુદા ખાદ્ય તેલ લાવવાં.
• રાઈનું, સોયાબીન નું, મગફળી નું, ઓલિવ નું, તલ નું, સૂર્યમુખી નું – આ બધા તેલ નું મિશ્રણ કરી ને એકબીજા ના સંયોજન માં વાપરી શકાય.
• ઘી, વનસ્પતિ, પામોલિન તેલ, માખણ અને કોપરેલ નું તેલ નુકશાન કારક છે અને તેનો ઉપયોગ ઓછો કરવો.
• જો તમે બિન –શાકાહારી એટલે માંસાહારી હો તો માછલી અને ચિકન વધુ પ્રમાણ માં લેવાનું રાખો. તે તળવાની જગ્યાએ બાફી ને ખાવું. લાલ માંસ બહુ ઓછી માત્ર માં લેવું. બાફેલા ઈંડા વધારે લેવા.
ખ. શારીરિક પ્રવૃતિ
• શારીરિક પ્રવૃતિ કરવાથી ઊર્જા સારા પ્રમાણ માં ખર્ચાય છે. શરીર ના વજન ને નિયંત્રિત રાખવા અને વજન ઘટાડવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે.
• દર અઠવાડિયે 5 થી 7 દિવસ નિયમિત (મધ્યમ થી વેગીલી) કસરત કરો. શરૂઆત ધીમે ધીમે અને ધીરે ધીરે તેમાં વધારો કરતાં જાઓ.
• હ્રદય ને સંલગ્ન રોગો નું જોખમ ટાળવા તથા તેનાથી સુરક્ષિત રહેવા માટે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ (એક સામટી કે છૂટક છૂટક) શારીરિક પ્રવૃતિ કરો.
• શરીર ને સ્વસ્થ રાખવા તેમજ વજન જાળવી રાખવા રોજ ઓછામાં ઓછી 45 મિનિટ (એક સામટી કે છૂટક છૂટક) શારીરિક પ્રવૃતિ કરો.
• વજન ઉતારવા રોજ ઓછામાં ઓછી 45 મિનિટ (એક સામટી કે છૂટક છૂટક) શારીરિક પ્રવૃતિ કરો.
• ટીવી સામે સતત બેસી રહેવાનુ ટાળો.
• ચાલવું, ઝડપ થી ચાલવું , સાઈકલિંગ, બાગકામ જેવી શારીરિક પ્રવૃતિ કરો.

યોગ અને પ્રાણાયામ

યોગ અને પ્રાણાયામ ને જીવનશૈલી માં વણી લો. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ થી 45 મિનિટ યોગ અને પ્રાણાયામ માટે ફાળવો. યોગ અને પ્રાણાયામ માનસિક તણાવ દૂર કરવામાં મદદ કરે છે.

વજન નું નિયંત્રણ

• જે વ્યક્તિ નું વજન ખૂબ વધારે હોય અને જે વ્યક્તિ મેદસ્વી હોય તે લોકો ને ઓછી કેલરીવાળો આહાર લઈ ને વેગીલી શારીરિક પ્રવૃતિ-કસરત કરી ને વજન ઉતારવા માટે પ્રોત્સાહિત કરો.
• BMI-બોડી માસ ઇન્ડેક્ષ માપી ને વ્યક્તિ નું વજન વધારે છે કે નહીં તે જાણી શકાય. તેની ગણતરી નીચે પ્રમાણે કરી શકાય.
• BMI= વજન (કિ.ગ્રા.)/ ઊંચાઈ (મીટર)2
• B જેમકે કોઈ વ્યક્તિ નું વજન 60 કિ.ગ્રા છે. અને ઊંચાઈ 170 સેમી છે તો એ વ્યક્તિ ની ઊંચાઈ મીટર માં 1.70 મીટર થશે અને 1.70 નો વર્ગ એટલે કે (1.70)2= 2.89 થાય તો સૂત્ર મુજબ
• BMI= 60/2.89 =20.7 થાય.
• બીએમઆઇ ના ધારા ધોરણ આ મુજબ છે. ( ભારતીયો માટે)
• 18.5 થી 22.9 – સામાન્ય (નોર્મલ)
• 23 થી 24.9 – વધુ વજન
• 25 કે તેથી વધુ – મેદસ્વી
• દરેક વ્યક્તિ એ પોતાનું BMI 18.5 થી 22.9 વચ્ચે રાખવા પ્રયત્ન કરવો.
• કમર ના મધ્ય ભાગ (ફાંદ) નો ઘેરાવો પણ બહુ મહત્વ નો છે. કમર ના મધ્ય ભાગ (ફાંદ) નો વધુ ઘેરાવો મેદસ્વીતા નું પ્રમાણ સૂચવે છે તથા સાથે સાથે હ્રદય ને લગતા રોગો થવાનું નું જોખમ પણ વધારે છે.
• પુરુષો માં કમર ના મધ્ય ભાગ (ફાંદ) નો ઘેરાવો વધુ માં વધુ 90 સેમી જેટલો અને
• સ્ત્રીઓ માં કમર ના મધ્ય ભાગ (ફાંદ) નો ઘેરાવો વધુ માં વધુ 80 સેમી જેટલો હોવો જોઈએ.
• કમર ના મધ્ય ભાગ (ફાંદ) નો ઘેરાવો અને નિતંબ ના ઘેરાવા નો ગુણોત્તર પણ મેદસ્વીતા નું પ્રમાણ સૂચવે છે.
• કમર ના મધ્ય ભાગ (ફાંદ) નો ઘેરાવો અને નિતંબ ના ઘેરાવા નો ગુણોત્તર (WHR- વેસ્ટ હિપ રેશિયો) પુરુષો માં 0.95 અને સ્ત્રીઓ માં 0.85 હોવો જોઈએ.

તમાકુ તથા દારૂ-મદિરા નું સેવન બંધ કરવું.

તમાકુ તથા દારૂ-મદિરા નું સેવન શરીર ના ઘણા તંત્રો ને નુકશાન પહોંચાડે છે, તેથી જીવન શૈલી માં હકારાત્મક પરીવર્તન લાવી, ઈચ્છાશક્તિ ને પ્રબળ બનાવી, યોગ અને પ્રાણાયામ થી કુટુંબ ના અન્ય સભ્યો ના સહયોગ વડે તમાકુ તથા દારૂ-મદિરા નું સેવન સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ. જિલ્લાની હોસ્પિટલ ના વ્યસનમુક્તિ કેન્દ્ર વ્યસન છોડી દેવા માટે મદદરૂપ થઈ શકે છે.

ઔષધિય સારવાર (દવા વડે સારવાર)

ઔષધિય સારવાર નીચે જણાવેલ માપદંડો ને આધારે નક્કી કરવામાં આવે છે.

• લોહીના દબાણ નું સ્તર
• બીજા હયાત જોખમી પરિબળો
• મહત્વના અવયવ ને તહયેલ નુકશાન નું પ્રમાણ અને પ્રકાર
• અન્ય સંલગ્ન રોગો
• આર્થિક ક્ષમતા

સામાન્ય રીતે જો શરૂઆત માં જો દર્દી ની ઉંમર 55 વર્ષ કરતાં વધુ હોય તો કેલ્સિયમ ચેનલ બ્રોકર (ઉદાહરણ તરીકે એમ્લોડીપીન) વડે અને જો દર્દી ની ઉંમર 55 વર્ષ કરતાં ઓછી હોય તો એસીઇ ઇન્હિબિટર (ઉદાહરણ તરીકે એનાલાપ્રિલ) વડે સારવાર કરવામાં આવે છે. દર 2 અઠવાડિયે દર્દી નું બ્લડ પ્રેશર માપવામાં આવે છે.

જો ત્યાર બાદ પણ જો બ્લડ પ્રેશર નિયંત્રણ માં ના રહે તો હાઇડ્રોક્લોર થાયાઝાઇડ રોજ ની 12.5 મી.ગ્રા. આપવાથી નિયંત્રણ માં આવે છે.
જો રોજ સંયોજન માં એમ્લોડીપીન 10 મી.ગ્રા+ હાઇડ્રોક્લોર થાયાઝાઇડ 25 મી.ગ્રા અથવા એનાલાપ્રિલ) 10 મી.ગ્રા+ હાઇડ્રોક્લોર થાયાઝાઇડ 25 મી.ગ્રા આપવાથી પણ જો બ્લડ પ્રેશર નિયંત્રણ માં ના રહે તો દર્દી ને સઘન સારવાર ની જરૂર પડે છે.

હાઇપરટેંશન નું નિદાન અને સારવાર રાજ્ય ના તમામ નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે થાય છે.

લેખક :- Dr. Nilesh Thakor M.D. (Community Medicine) GMERS Medical College, Gandhinagar

મિત્રો, ડો, નીલેશ વાત કરું, આપ સૌ પણ આ વિષય માં જાગૃત થાઓ અને આ વાત ને સમજો એ ઉદેશ્ય થી જ એક ડોક્ટર તરીકે મારી ફરજ ગણી આપ સૌ સાથે મેં મારા મેડીકલ ફિલ્ડ ના અનુભવો પર થી આ માહિતી લખી છે. આપ બને તો સોશિયલ મીડિયા માં આ વધુ માં વધુ શેર કરજો એટલે લાખો લોકો ને આ વિષયમાં માર્ગદર્શન મળી રહે !! આભાર 🙂

ટીપ્પણી