IND Vs SA : પ્લેઈંગ ઈલેવન પસંદગીમાં કોહલીએ એકવાર ફરી માર્યો મોટો લોચો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરીને એકવાર ફરીથી ચર્ચાનો વિષય બની ગયા છે. ટીમમાં એવા ફેરફાર કરી નાંખવામાં આવ્યા છે કે, ક્રિકેટ જગતના દિગ્ગજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. દિગ્ગજોને પણ કોહલીએ કરેલા ફેરફારથી કોઈ ફાયદો થતો હોય તેવું દેખાતું નથી. તેવામાં ટીમ ઈન્ડિયા માટે કરવામાં આવેલા ફેરફાર ક્યાં આધારે કરવામાં આવ્યા છે, તેના પર પ્રશ્ન ઉભા થયા છે.

ભારત અને આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ માટે સેન્ચુરિયનમાં કેપ્ટન વિરાટ કોહલી જ્યારે ટોસ માટે પહોંચ્યો ત્યારે દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો, શું હશે ભારતની પ્લેઈંગ ઈલેવન? આ પ્રશ્ન તે માટે મહત્વપૂર્ણ હતો કેમ કે, આનાથી પહેલા કેપટાઉન ટેસ્ટમાં ટીમ મેનેજમેન્ટે અથવા તેમ કહીએ કે કોહલી-શાસ્ત્રીની જોડીએ જેવી રીતે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેની જગ્યાએ રોહિત શર્માને મેદાનમાં ઉતાર્યો હતો, જેના પર પ્રશ્ન ઉભા થયા હતા. એવું માનવામાં આવી રહ્યું હતુ કે, બીજી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જરૂર કરવામાં આવશે.

ટોસ હાર્યા બાદ કેપ્ટન કોહલીએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાની તો જાહેરાત કરી પરંતુ પ્રથમ ટેસ્ટમાં પસંદગીને લઈને ઉભા થયેલા પ્રશ્નના જવાબની જગ્યાએ નવા પ્રશ્નો ઉભા કરી નાંખ્યા હતા. ભૂવીની જગ્યાએ ઈશાંત, શિખરની જગ્યાએ કેએલ રાહુલ અને વિકેટકિપરની સાહાની જગ્યાએ પાર્થિવને તક આપવામાં આવી છે.

ભુવીને કેમ દેખાડ્યો બહારનો રસ્તો

કેપટાઉનમાં જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી ત્યારે લંચ પહેલાના સેશનમાં કંઈ એવું થયું કે ભારતીય ફેન્સને પણ આવું જોવાની આદત નહતી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે મેજબાન ટીમની ટોપ ઓર્ડરની કમર તોડી નાંખીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી.

માત્ર 12 રનના સ્કોર પર ભુવનેશ્વરે સાઉથ આફ્રિકાની ઓપનર જોડીની સાથે-સાથે સૌથી ખતરનાક બેટ્સમેન હાશિમ અમલાને પેવેલિયન મોકલી દીધો હતો. આ ઈનિંગમાં ભુવીએ ચાર અને બીજી ઈનિંગ બે વિકેટ ઝડપી હતી.

ભુવનેશ્વરને ટીમથી બહાર કરીને ઈશાંતને ટીમમાં એન્ટ્રી કરાવવા પાછળનું તથ્ય જણાવતા કેપ્ટન કોહલીએ કહ્યું કે, આ વિકેટ પરથી અતિરિક્ત ઉછાળનો ફાયદો ઉઠાવવા માટે ઈશાંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

આને પણ કોહલીનો એક રેકોર્ડ જ કહેવાય

કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલી એકવાર જે ટીમને ટેસ્ટ મેચમાં લીડ કરે છે તો આવનાર બીજી ટેસ્ટમાં તે ટીમમાં ચોક્કસપણે ફેરફાર કરી નાંખે છે. અત્યાર સુધી 34 ટેસ્ટ મેચોમાં ભારતીય કેપ્ટનસી કરી ચૂકેલ કોહલી એકવાર પણ તે પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતર્યો નથી જેની સાથે પાછળની ટેસ્ટ મેચ રમી હોય.

રોહિતને ટીમમાં રાખવા પાછળનું કારણ સમજાતું નથી

એટલું જ નહી, ભુવનેશ્વર ઉપરાંત ધવનને ડ્રોપ કરીને કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવો અને રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં યથાવત રાખવો તે પણ લોકો સમજી શકતા નથી. જો પહેલી ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનના આધારે ધવનને બહારનો રસ્તો બતાડ્યો છે તો રોહિત શર્માને ક્યાં આધારે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપવામાં આવી છે? અજિંક્ય રહાણે જેવો બેટ્સમેન તમારી પાસે છે અને તેવામાં તમે રોહિતને વધુ એક તક આપો છો તે સમજની બહાર છે.

ધવને કેપટાઉનની ટેસ્ટમાં બંને ઈનિંગમાં 16,16 રનનો સ્કોર બનાવ્યો હતો, જ્યારે રોહિતે 10, 11 રનનો સ્કોર જ બનાવી શક્યો હતો.

ટેલિવિઝન પર કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરને પણ આ ફેરફાર પસંદ આવ્યો નથી. તેમનું કહેવું છે કે, કોઈ મોટા કારણ વગર આપણે ટીમમાં આટલા બધા ફેરફાર કરીએ છીએ તો વિરોધી ટીમને સંદેશ જાય છે કે, આપણી ટીમ અસંતુલિત છે.
કેપટાઉનમાં રોહિતને મળેલી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા અને તેમની નિષ્ફળતાએ કોહલીના નિર્ણય પર ઘણા બધા પ્રશ્નો ઉભા કર્યા હતા.

કોહલીએ રોહિતના વર્તમાનના વનડે ફોર્મને આગળ ધરીને પોતાના નિર્ણયને સાચો ઠેરવવાની કોશિશ કરી હતી. જો બીજી ટેસ્ટમાં રોહિતને બહાર કરી દેવામાં આવ્યો હોત તો તેવો સંકેત મળી જતો કે, પહેલી ટેસ્ટમાં રોહિતને સામેલ કરવો એક મોટી ભૂલ હતી. આમ કોહલીના નિર્ણય પર ઉભા થયેલા પ્રશ્નો સાચા સાબિત થઈ જતા હતા. પોતાના અહમ માટે ફેમસ કોહલીને આવા પ્રશ્નો ઉભા થાય તે પસંદ નથી જેના કારણે જ એક પ્રશ્નનો જવાબ ટાળવાની કોશિશમાં બીજા અનેક પ્રશ્નો ઉભા થઈ ગયા છે.

– સ્પૉર્ટસ ડેસ્ક

ટીપ્પણી