આકરી મોંઘવારીમાં માત્ર 5 રૂપિયામાં રોજ અસંખ્ય લોકોનું પેટ ભરે છે નોઇડાના અનૂપ

????????????????????????????????????

જો તમે ક્યારેક નોઇડા જાઓ તો જરા આસપાસ નજર નાખજો, એક અનોખુ રસોડું કદાચ તમને ક્યાંક જોવા મળી જાય. જેનું નામ છે “દાદી કી રસોઈ” એટલે કે દાદીનું રસોડું આ જગ્યા પર ફક્ત 5 રૂપિયામાં થાળી ભરીને રોજ નવા મેનૂ સાથે ખાવાનું મળે છે. મફત જમણવાર તો ઘણા જોવા મળશે પણ આ મોંઘવારીના જમાનામાં માત્ર 5 રૂપિયામાં ભોજન મળવું પણ કંઈ નાનીસૂની વાત નથી.

આ અનોખા રસોડાને ચલાવનારા અનૂપ ખન્નાનું માનવું છે કે માણસની પાયાની જરૂર એટલે કે ખોરાકને જો રસ્તા પર આપવામાં આવે તો ભીખ અને ચોરી તેમજ લૂંટ ઘણા અંશે ઘટી જાય તેમ છે. આ જ ઉદ્દેશથી તેમણે માત્ર 10 રૂપિયામાં કપડાં આપવાના શરૂ કર્યા છે. નોઇડાના સેક્ટર 17 તેમજ 29માં દાદીની રસોઈના કાઉન્ટર છે જે રોજ 10 થી 11.30 અને 12થી 2 વાગ્યા સુધી ખુલ્લા રહે છે.

જ્યારે અનુપે આ અલાયદી સમાજ સેવા શરૂ કરી તે વખતે 15-16 લોકો તેમની સાથે જોડાયા હતા. પણ સાચી સમાજ સેવા તે કંઈ ખાવાના ખેલ નથી હોતા. ધીમે-ધીમે તેમની સાથેના લોકો છૂટતા ગયા. માત્ર ચાર-પાંચ સાથીઓ જ તેમની સાથે રહ્યા. તે વાતથી સીખ મેળવી હવે અનૂપ તે લોકોને કે જે તેમની સાથે તે કામમાં જોડાઈ પોતાના વિસ્તારોમાં તે પ્રકારનું કામ શરૂ કરવા માગે છે તેમને કહે છે કે પહેલાં તમે એક અઠવાડિયું અમારી સાથે રહીને જુઓ. પણ પરિણામ એ આવે છે કે અરધા કરતાં પણ વધારે લોકો તો પાછુ વળીને જોતા પણ નથી. આજે 70-80 લોકો અનૂપની આ ટીમ સાથે જોડાયેલા છે જે અહીં આવીને વિવિધ રીતે પોતાની સેવાઓ આપે છે અથવા પોતાનો જન્મ દિવસ મનાવે છે અને તે દિવસે 5 રૂપિયાની થાળીમાં સ્વીટ ડિશ જેમ કે રસગુલ્લા, આઇસક્રીમ, સોનપાપડી વિગેરે પણ પીરસે છે.

અનૂપ માટે તે ગર્વની વાત છે કે 5 રૂપિયાની થાળી આપનારા લોકોની લાઈન આજે લેનારા કરતાં પણ વધારે લાંબી છે. શુભ ભાવનાથી શરૂ કરેલા કામને આજે કેટલાએ સહયોગી મળી ગયા છે. માત્ર 5 રૂપિયા પાછળ અનૂપનો એવો ખ્યાલ છે કે જે વસ્તુ કોઈ પૈસા આપીને લે છે તે તેના સ્વાભિમાનને પોષે છે જ્યારે ગરીબ વ્યક્તિ 5 રૂપિયા આપીને હક્કથી અનૂપ પાસે થાળી માગે છે ત્યારે તેમને આત્મ સંતોષનો અનુભવ થાય છે.

અનૂપ આ ઉપરાંત એક બીજી પહેલ ચલાવી રહ્યા છે જે હેઠળ ગરીબ અને નિઃસહાય લોકોને કપડાં, જૂતા અને પુસ્તકો જેવી વસ્તુઓ દાન કરવામાં આવે છે. તેમણે નોઇડામાં પ્રથમ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પણ સ્થાપ્યું છે. આ યોજના હેઠળ વ્યાજબી ભાવ પર ગરીબોને દવા આપવામાં આવે છે. અનૂપ પોતાના વિસ્તારમાં તેવી બે દૂકાનો સંભાળે છે. આસપાસ કોઈ અકસ્માત થવા પર લોકો સૌ પ્રથમ અનૂપને જ બોલાવે છે અને તેમને માત્ર એક ફોન કરવાથી તે તરત જ જગ્યા પર હાજર થઈ જાય છે. અનૂપના પિતા સ્વતંત્ર્ય સંગ્રામના સેનાની રહી ચૂક્યા છે અને તેમના થકી જ અનૂપને સમાજ સેવાની પ્રેરણા મળી છે.

સાચી સમાજ સેવાની ભાવના અને તેની પરાકાષ્ટાને કાયમ રાખવા માટે અનૂપે નથી તો દાદીની રસોઈને રજિસ્ટર્ડ કરાવીને તેનું વ્યવસાયિકરણ કર્યું કે નથી તો આજ સુધી થયેલા ખર્ચા કે આવનારા પૈસાનો હિસાબ રાખ્યો. જે પૈસા ભેગા થાય છે તે તેને બેંકમાં જમા કરી ચેકથી ચૂકવણી કરે છે. જ્યારે ઓછા પડે છે ત્યારે પોતાના ખીસ્સામાંથી રૂપિયા કાઢે છે. અનૂપે આ કામ ખુબ જ નાના સ્તરે શરું કર્યું હતું, આજે 3 વર્ષથી સફળતાપૂર્વક તે આ રસોડું ચલાવી રહ્યા છે. તેમનું માનવું છે કે કોઈ વાર ભવ્યતા કે દેખાડો ટાઇટેનિકની જેમ સાદાઈને પણ લઈ ડૂબે છે, માટે તે ખુબ જ પ્લાનિંગ સાથે પોતાના આ સતકાર્યને આગળ પ્રસરાવવા માગે છે.

????????????????????????????????????

આવા કાઉન્ટર જો દરેક શહેરમાં ધીમે-ધીમે ખુલવા લાગે તો ગરીબોની રોટલો અને કપડાંની પાયાની જરરિયાત પૂરી થઈ જશે. બાળકો, મોટા અને ગરીબ બધાનું રસોડું છે દાદી કી રસોઈ કારણ કે અહીં ભોજન ખુબ જ પ્રેમથી પીરસવામાં આવે છે. બાસમતી ચોખા, દેસી ઘીનો વઘાર, હાથથી બનેલા મસાલા અને તેમાં રસોઈ બનાવનારે પ્રેમથી બનાવેલી રસોઈ ફૂડ ઇન્સ્પેક્શનમાં પણ શુદ્ધ સાબિત થઈ છે અને ફૂડ ક્વાલિટીનું સર્ટિફિકેટ પણ મળ્યું છે.

અનૂપ ખન્ના જેવા લોકો આજે સમાજમાં દીવો લઈને શોધવા જવા પડે તેમ છે. તેમની આ હૃદયથી થતી સેવાને અમારી હૃદયથી સલામ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી