જાપાનમાં ગટરના ઢાંકણાને પણ કલાત્મક રૂપ આપવામાં આવ્યો છે…

દુનિયાના સૌથી વિકસિત દેશોમાં ગણાતા જાપાનમાં આજકાલ એક અલગ જ પ્રકારનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યાંની સીવરો એટલે કે ગટરોના ઢાંકણાઓ આજકાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેનું કારણ એ છે કે રસ્તાની વચ્ચે દેખાતા ગટરના આ ઢાકણાઓ ઉપર ચમકદાર રંગોથી શાનદાર ડિઝાઈન કરવામાં આવી છે.

જાપાનના સફાઈ વિભાગે આજકાલ પોતાના શહેરોને વધારે સુંદર અને અનોખા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે. ત્યાંની ગટરોના ઢાંકણાઓ ઉપર ખૂબસૂરત ચિત્રો દોરવામાં આવે છે.

જો કે ગટરના આ ઢાંકણાઓ ધાતુના ઢાંકણ કરતા અલગ મટીરિયલના બનેલા હોય છે. અને તેના પર બનેલી ડિઝાઈનને કારણે તે જોવામાં અદ્દલ કોઈ સુંદર પેઈન્ટિંગ જેવા લાગે છે.

અત્યાર સુધી જાપાનના અલગ-અલગ શહેરોમાં કુલ 12000 જેટલી ડિઝાઈનોના આવા ઢાંકણાઓ પર બનાવવામાં આવી છે. આ ઢાંકણાઓ પર જાપાનની અને જે-તે શહેરની સંસ્કૃતિને રજૂ કરતા પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા છે. જેમ કે એક ઐતિહાસિક શહેરના ગટરના ઢાંકણાઓ પર તે શહેરના આકર્ષણ સમાન મહેલના પેઈન્ટીંગ ચિતરવામાં આવ્યા છે.

તો જાપાનના મશહૂર જ્વાલામુખી પર્વત માઉંટ ફૂજીની નીચે વસેલા શહેરની ગટરોના ઢાંકણા પર માઉન્ટ ફુજીનું ચિત્ર દોરવામાં આવ્યું છે. બાળકોને મનગમતા જાપાનિઝ કાર્ટુનોના ચિત્રો પણ ક્યાંક-કંયાંક બનાવવામાં આવ્યા છે.

ગટર પર ડિઝાઈન કરવાનો આ આઈડિયા આજકાલનો નથી પણ 40 વર્ષ જૂનો છે. જો કે એ વખતે વાહનો અને રસ્તે ચાલતા રાહદારીઓ લપસે નહીં તે માટે અને ઘર્ષણ પેદા થાય તે માટે ઉપસેલી ડિઝાઈનો બનાવવામાં આવતી હતી. એ વખતે પણ પાન, ઝાડ વગેરેની ડિઝાઈનો બનાવીને ગટરના ઢાંકણાને સુશોભિત કરવામાં આવતી.

જાપાનના અધિકારીઓનું કહેવું છે કે ગટરો પ્રત્યે લોકોની સૂગ ઓછી કરવા માટે આ અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. ગટરના ઢાંકણાને આકર્ષણનું કેન્દ્ર બનાવી દેતી આ પહેલ સફળ રહી છે. જો કે આ સફળતા કંઈ એમનેમ નથી મળી. તેની પાછળ જાપાનને સારો ખર્ચો પણ કરવો પડે છે. એક સાદું ગટરનું ઢાંકણુ 600માં બને છે જ્યારે આવું રંગીન ઢાંકણું 1200 રૃપિયામાં તૈયાર થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી જાણકારી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી