ઈડલી અને ઢોંસા સાથે એકની એક ચટણી ખાઈને કંટાળી ગયા છો? બનાવો આ સાઉથની સ્ટાઈલથી ચટણી…

દરેક ના ઘર માં કોઈ ને કોઈ તો હશે જ જેને ઈડલી ઢોસા બહુ જ ભાવતા હોય . પણ જયારે આપણે ઈડલી ઢોસા બનાવીએ તો સાથે સાંભાર તો બનાવીએ જ . પણ દર વખતે એક ની એક ચટણી કરતા બનાવો ચટણી ની વેરાઈટી …

દક્ષીણ ભારત માં ઈડલી ઢોસા સાથે પીરસાતી આ ૩ ચટણીઓ ખુબ જ સ્વાદિષ્ટ અને ખુબ જ સરળ છે. દરેક જ સ્વાદ એકદમ અલગ છે. આ ત્રણેય ચટણીઓ એક વાર ટ્રાય કરજો , ઈડલી/ઢોસા નો સ્વાદ બમણો થઇ જશે ..

નોંધ :

• ટોપરા ની ચટણી માં ટોપરા અને દાળિયા નું પ્રમાણ આપ ચાહો એ પ્રમાણે રાખી શકો છો. જે મિત્રો ને પિત્ત ની તકલીફ હોય એમને ટોપરું ઓછું વાપરવું .

• ચટણી બનાવતી વખતે ટોપરા ની છાલ ઉતારી લેવી , એનાથી ચટણી નો કલર એકદમ સફેદ થશે

અહી આપણે સૌ પ્રથમ સફેદ-ટોપરા ની ચટણી ની રીત જોઈશું .. ટોપરા ની આ ચટણી એક લોકપ્રિય અને સામાન્ય ચટણી છે જે ઈડલી/ઢોસા સિવાય મેદુવડા , મગ ના ઢોસા વગેરે સાથે પણ પીરસી શકાય.

સામગ્રી :

• ૧/૨ વાડકો ટોપરું

• ૨-૩ લીલા મરચા • આદુ નો ટુકડો • ૧/૪ વાડકો દાળિયા • નાનો ટુકડો આમલી • મીઠું

સૌ પ્રથમ ટોપરા ના ટુકડા ને મિક્ષેર માં ક્રશ કરી લો . આમ કરવાથી ટોપરા ના ટુકડા એકસરખી રીતે વટાશે. ત્યાર બાદ બાકી ની બધી સામગ્રી ઉમેરી થોડું પાણી ઉમેરી વાટી લો . બહુ પાણી ના ઉમેરવું .. એક બાઉલ માં કાઢી લો .

બીજી ચટણી, ટોપરા-કોથમીર ની ..

આ ચટણી માં ટોપરા ના સ્વાદ ની સાથે તાજી કોથમીર અને મરચા નો સ્વાદ પણ છે

સામગ્રી :

• ૧/૨ વાડકો ટોપરું

• ૧/૨ વાડકો દાળિયા • પોણો વાડકો કોથમીર , સમારેલી • આદુ નો કટકો • મીઠું • લીંબુ ના થોડા ટીપા

મિક્ષેર માં ટોપરું ક્રશ કરી , બાકી ની બધી સામગ્રી એમાં ઉમેરી વાટી લો . પાણી થોડું જ ઉમેરવું . એક બાઉલ માં કાઢી લો .

ત્રીજી ચટણી – ડુંગળી ટામેટા ની ચટણી

આ ચટણી એક ચટપટી ચટણી છે . સહેજ ખાટી , તીખી અને સ્વાદિષ્ટ આ ચટણી મારા ઘર માં બધા ને ખુબ જ પસંદ છે .

સામગ્રી :

• ૩ કળી લસણ , સમારેલું

• ૨ નાના ટામેટા • ૩ મોટી ડુંગળી • આદુ નો ટુકડો • થોડા લીમડા ના પાન • ૧.૨ ચમચી તેલ • ૨-૩ લાલ સુકા મરચા • ૧/૨ ચમચી રાઈ • ૧/૨ ચમચી હિંગ • મીઠું • ૧/૪ ચમચી હળદર • ચપટી લાલ મરચું

સૌ પ્રથમ કડાય માં તેલ ગરમ કરો .૧/૪ ચમચી ચણા દાળ અને ૧ લાલ મરચું શેકી બાજુ પર રાખી લો . ત્યાર બાદ તેલ માં રાઈ ઉમેરી , લાલ સુકા મરચા ઉમેરવા. હવે હિંગ અને લસણ ઉમેરો . ત્યારબાદ સમારેલી ડુંગળી , ટામેટા , આદુ અને મીઠું ઉમેરો .. હલાવતા રહો . ચપટી હળદર ઉમેરો . માધ્યમ આંચ પર સાંતળો . ટામેટા એકદમ સોફ્ટ થઇ જવા જોઈએ . હવે એમાં બાકી ની હળદર , લાલ મરચું ઉમેરો અને ગેસ બંધ કરી દો . જો ટામેટા ખાટા ના હોય તો આમલી નો નાનો ટુકડો પણ ઉમેરી શકાય .

સાતળેલી ડુંગળી, ટામેટા ઠરે એટલે મિક્ષેર માં વાટી લો . જરૂર લાગે તો ૨-૩ ચમચી પાણી ઉમેરી શકાય . વાટી ને બાઉલ માં કાઢી લો .

એક નાની કડાય માં ૧ ચમચી તેલ લઇ તેમાં ૧ ચમચી અડદ ની દાળ ઉમેરો. દાળ બ્રાઉન કલર ની થાય ત્યારે તેમાં રાઈ, લીમડા ના પાન અને હિંગ ઉમેરો … ચમચી ની મદદ થી આ વઘાર થોડો થોડો ત્રણેય ચટણી પર રેડો . શેકેલી ચણા ની દાળ અને લાલ મરચું ડુંગળી ની ચટણી પર બીજા વઘાર સાથે ઉમેરો .

તૈયાર છે ત્રણેય સ્વાદિષ્ટ ચટણીઓ .. પીરસો ગરમ ગરમ ઈડલી ઢોસા સાથે …આશા છે પસંદ પડશે .

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગીઓ અને ટીપ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે.