15 વર્ષમાં 13 બદલીઓ, અને છતાં આ IAS અધિકારીનું કહેવું છે કે, સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં

આમ તો પ્રશાસનિક અધિકારીઓને સમાજમાં એક પ્રતિષ્ઠા તો મળે જ છે પણ તેમાંના કેટલાક લોકો પોતાની પ્રામાણિકતા ભરી ફરજ પુરી કરી લોકોની આંખોના તારા બની જાય છે. એ પણ સત્ય છે કે ક્યારેક ક્યારેક આ અધિકારીઓને પોતાની પ્રામાણિકતાના કારણે બદલીઓ પણ વેઠવી પડે છે. અને આવા અવસર પર સામાન્ય જનતાનો પ્રેમ તેમના માટે વધારે ગાઢ બની જાય છે અને જોત જોતામાં તેઓ લોકો માટે એક આદર્શ બની જાય છે.

આપણો આજનો લેખ એવી જ એક કૃતનિશ્ચયિ આઈએએસ અધિકારી મુગ્ધા સિન્હા વિષે છે, જેમણે 15 વર્ષમાં 13 બદલીઓનો સામનો કરવો પડ્યો છે.

મુગ્ધા સિન્હા 1999ની બેચની રાજસ્થાન કેડરની પ્રશાસનિક અધિકારી છે. જ્યારે તેણી કલેક્ટર બની રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં ગઈ ત્યારે તેણી તે જિલ્લાની પ્રથમ મહિલા કલેક્ટર હતી. તેમણે પોતાનો અભ્યાસ દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંની એક એવી જેએનયુમાંથી પૂર્ણ કર્યો છે. જેએનયુમાંથી ઇન્ટરનેશન રિલેશનમાં માસ્ટર અને ઇંટરનેશનલ ડિપ્લોમસીમાં એમફિલ બાદ સમાજ સેવાની ભાવનાએ તેમને પ્રશાસનિક અધિકારી બનવા માટે પ્રેરિત કર્યા.

18 વર્ષ સુધી રાજસ્થાનમાં આઈએએસ અધિકારીની ભૂમિકાને મુગ્ધા એક પ્રેરક આગેવાન તરીકે શીખવા અને દેશના લોકોમાં વહેંચવાનું નિરંતર સફર માને છે. કાર્યની મૂશ્કેલીઓને ખુશી ખુશી અને પડકારપૂર્ણ રીતે પાર પાડી તેમણે પોતાની કાર્યકુશળતાના દાખલા પુરા પાડ્યા છે. સરકારી યોજનાઓને જિલ્લાના દરેક સામન્ય માણસ સુધી પહોંચાડવામાં તેમણે જાહેરજનતાની સરકાર પાસેથી અપેક્ષાઓ વિષે ઘણી જાણકદારી છે.

કેન્દ્રીય સરકારના ટેક્સટાઇલ અને વાણિજ્ય વિભાગમાં કામ કરતાં આંતર્રાષ્ટ્રીય વેપાર અને ઇન્ડસ્ટ્રીમાં તેમણે વિવિધ મહત્વની યોનજાઓના નિર્માણના અવસર પણ મળ્યા છે.

રાજસ્થાનના ચાર વિવિધ જિલ્લામાં કામ કરતા તેમણે એક પડકારોનો સામનો કર્યો છે. બુંદી જિલ્લામાં કામ કરતી વખતે ગ્રામજનોના સહયોગથી પર્યટનને વિકસાવવામાં પ્રોત્સાહન આપ્યું. ‘શિક્ષા આપકે દ્વાર’ અભિયાન ચલાવી બાળકોનું શાળામાં રજિસ્ટ્રેશન કરાવ્યું. ‘સારથી યોજના’ને તે ક્ષેત્રોમાં લાગુ પાડી જ્યાં સુધી સરકારી યોજનાઓ હજુ સુધી પહોંચી નહોતી શકી. હનુમાનગઢ અને શ્રીગંગાનગર ક્ષેત્રોમાં મનરેગા મજૂરોને નહેર ખોદકામ માટે અવસર આપી બે સમસ્યાઓને દૂર કરી. ઝુંઝુનૂ ક્ષેત્રમાં જમીન તેમજ ખનન માફિયા વિરુદ્ધ કામ કરવા બદલ તેમને ટ્રાન્સફર ઓર્ડરનો સામનો કરવો પડ્યો.

ભવિષ્યમાં IAS ઓફિસર બનનારા યુવાન-યુવતિઓ માટે મુગ્ધાનો એવો સંદેશ છે કે આઈએએસ બનીને તમે પ્રામાણિકતા, સત્યતા, ન્યાયપૂર્ણ રીતે પોતાની ફરજને નિભાવી આવનારી પેઢીઓ માટે તો ઉદાહરણ પુરુ પાડી શકો છો પણ સાથે સાથે સામાન્ય માણસનો સાથ પામી તમારી રાજનૈતિક હારને પણ વિજયમાં પરિવર્તિત કરી શકો છો. પોતાની ફરજના માર્ગમાં પોતાની જાગૃતિ અને દેશના બંધારણને પોતાનું માર્ગદર્શક માની કામ કરશો તો હંમેશા તમને અનુભવ થશે કે તમે સત્યને પરેશાન કરી શકો છો પણ તેને ક્યારેય હરાવી શકતા નથી.

“બુંદી જિલ્લાના એક મંદિરમાં લખેલું આ સુવાક્ય મુગ્ધાએ પોતાના જીવનની પ્રેરણા બનાવી લીધું છે. જે પોતાનું પદ ભોગવી કામ કરે છે તે ક્યારેકને ક્યારેક ભૂતપૂર્વ બની જાય છે પણ જે પોતાના કર્મથી કામ કરે છે તે હંમેશા અભૂતપૂર્વ કહેવાય છે.”

હાલ મુગ્ધા દિલ્લી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોરના કમિશ્નર છે. આ પહેલાં રાજસ્થાન રાજ્ય ઔદ્યોગિક વિકાસ તેમજ નિવેશ નિગમમાં એમ ડી પદ પર રહી પોતાના અનુભવોથી રાજ્યમાં થનારા રોકાણ અને ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે.

જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓને પોતાના પ્રેરણાત્મક વિચારોથી રોચક અનુભવોમાં બદલનારી અદ્ભુત વ્યક્તિત્વ અને પ્રતિભાની માલિક એવા મુગ્ધા સિન્હાની ફરજ નિષ્ઠા દેશના વિકાસમાં મહત્ત્વની કડી છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી