આઈ લવ યુ ડેડી !! રીયલી!!” – મુકેશ સોજીત્રા લિખિત નવી વાર્તા !!!

અને ઇશાન ચાલતો થયો. પાપા ઓફિસે ગયાં હતાં. બહેન કાજલ ઉપરનાં ઓરડામાં હતી. કામવાળી બહેન ઘરમાં કચરા પોતા કરતી હતી. રસોઈયા મહારાજ રસોઈઘરમાં હતાં. બધાની નજર ચૂકવીને એ બહાર નીકળી ગયો હતો. બહાર ગેટ પર વોચમેન હતો. ઇશાન બાઈક લીધા વગર જ નીકળ્યો હતો. વોચમેનની આંખોમાં નવાઈ હતી કે આજ છોટા શેઠ કેમ બાઈક વગર જ બહાર નીકળ્યાં!!!

આજ એનો બર્થ ડે હતો. ગઈકાલના રાતે બાર વાગ્યાથી જ મિત્રોના અભિનંદન અને કોલ આવવા શરુ થઇ ગયાં હતાં. મિત્રો એમની પાસે પાર્ટી માંગતા હતાં આમ તો એ દસમાં ધોરણમાં જ હતો તોય એનાંથી આગળ ભણતાં છોકરાઓ એનાં મિત્ર લીસ્ટમાં સામેલ હતાં.!! સવારમાં ઉઠીને એ પાપાને પગે લાગ્યો. પાપાએ આશીર્વાદ આપ્યાં હતાં. બહેને પણ એને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.એના પાપાને એક નાનકડી ફેકટરી હતી. આજ એને મમ્મીની યાદ આવી ગઈ.

મમ્મી વરસ દિવસ પહેલાં જ અવસાન પામી હતી. અને આજ સવારમાં જ એને પાપા સાથે માથાકૂટ થઇ. મમ્મી હોત તો માથાકૂટ જ ના થાત એવું ઈશાનને લાગ્યું હતું. એને એવું પણ લાગ્યું કે આ ઘરમાં એનું કોઈ જ નથી. પહેલાં તો એની બહેન કાજલ પણ એનો સાથ આપતી પણ હવે કાજલ પણ પાપા કહે એમજ કરે છે. એ પાપાની શિખામણ થી કંટાળી ગયો હતો. અને આજે અચાનક જ એને ઘૂરી ચડી કે ક્યાંક જતું રહેવું છે!!

ભલે ને પાપા અને કાજલ એમને શોધે!! બહુ શોધીને થાકશે ને વિનંતી કરે ને પછી જ ઘરે આવવું છે!! પોતાનું આ ઘરમાં મહત્વ છે એ હવે બતાવી દેવું છે એ નક્કી!! આ રોજ રોજની માથાકૂટ હવે ઇશાનને નહોતી પોસાતી!! એણે એ પણ વિચાર કર્યો હતો કે ભલે ભીખ માંગવી પડે પણ સ્વમાનથી જીવવું નહીતર દસ હજારની રકમ એના પાપા માટે સાવ તુચ્છ હતી. પણ પાપા દર વખતે આવું જ કરે છે, પૈસા આપે ખરા પણ એક લાંબુ લેકચર ઝીંકી દે. પૈસાનું મહત્વ સમજાવે!! થોડા ટોન્ટ મારે અને પછી આપે પૈસા!! એના કરતાં મમ્મી હોતને તો એને આ દિવસો જોવા ના મળત!! આજ એ બતાવી દેવાના મૂડમાં હતો!! અને ઘરેથી કીધાં વગરનો ચાલતો થઇ ગયો હતો. ખિસ્સામાં રહેલાં પાકીટમાં થોડાં પૈસા હતાં!! ઇશાન ચાલતો હતો અને વિચાર કરતો હતો!!

“ડેડી આજે મિત્રો સાથે પાર્ટી કરવી છે, જન્મદિવસની પાર્ટી, દસ હજાર જોઈએ છે”!!

ઈશાને સવારે જ એનાં પિતા નંદલાલભાઈને કહ્યું. પિતા છાપું વાંચતા હતાં. બહેન કાજલ રસોડાના બારણા પાસે ઉભી હતી.!!

“ઇશાન તારા ખર્ચા હવે વધતાં જાય છે, જે લોકો પાસે પૈસા નહિ હોય એ જન્મદિવસ કેમ ઉજવતા હશે,?? તારા મિત્રો પણ તારા જેવા જ નબીરા છે, હું તને ના પાડું છું પહેલેથી જ કે આપણે બીજાની પાર્ટીમાં જઈએ તો આપણે પાર્ટી આપવી પડેને!! માર્કેટમાં આવોને દીકરા ત્યારે ખબર પડે કે પૈસો કેમ ભેગો થાય છે?? આ જન્મદિવસ નહિ ઉજવોને તો ઉંધીના નહિ પડી જાવ સમજ્યો!!” રાબેતા મુજબ નંદલાલભાઈ શરુ થઇ ગયાં. ઇશાન આ બધું સમજતો હતો અને આવા જવાબની અપેક્ષા જ હતી.

“ડેડી હું પણ કમાઈશ એક દિવસ!!ત્યારે નહિ માંગુ એક પણ રૂપિયો અને આપણી પાસે પૈસા છે તે કોની માટે છે મારા માટે જ ને?? તો હું મારા પૈસા જ માંગું છું ને!! મારા જન્મદિવસે પણ તમે મને ખીજાયા વગર રહી નથી શકતાં ડેડી!! આ તો મમ્મી નથી હવે બાકી ડેડી મારે પૈસા માંગવા પણ ના પડે” ઇશાન બોલતો હતો અને નંદલાલભાઈએ એક ઝટકા સાથે છાપું બાજુમાં મુક્યું. અને દીવાન ખંડની દીવાલ પર શારદાબેનની તસ્વીર હતી તેની સામે જોઇને બોલ્યાં.

“એ જ તો રામાયણ છે ને નાનપણથી શારદાએ તને મોઢે ચડાવ્યો છે એમાં જ બેટમજી બગડીને બેહાલ થઇ ગયાં છે અને ફાટીને ધુમાડે ગયાં છે. તને ઘટતું હોય એ હું આપું જ છુ ને?? બાકી તું માંગે ઈ ના મળે!! પૈસા બધાં તારા જ છે ને પણ એ કેમ વાપરવા એના નિયમો હોય બેટા!! આ કાઈ ધાડ પાડીને હું કમાયો નથી કે નથી મેં કોઈ બેંક લુટી!! શારદા અને મારી પરસેવાની કમાણી છે!! હવે તું દસમાં માં આવ્યો. તારે હવે થોડું ગંભીર બનવું જોઈએ!! તારી ઉમરનો હતો ત્યારથી હું ધંધે ચડી ગયો હતો.ઘરે ઘરે ફરીને વસ્તુ વેચતો અને સાથે સાથે ભણતો પણ ખરો!! એમ ને એમ નંદલાલ શેઠ નથી થઇ ગયો.

અને મેં મારો જન્મદિવસ પણ ક્યારેય ઉજવ્યો નથી. તારે આભાર માનવો જોઈએ આ દિવસે કે ભગવાને તને બધું જ આપ્યું છે. બાકી તારી ઉમરના ૧૬ લાખ લોકો ભારતમાં એવા છે કે જેણે ક્યારેય નિશાળ પણ ભાળી નથી!! એ કાતો હોટેલ પર ચા ના કપ રકાબી ધુએ છે કાતો બુટ પોલીશ કરે છે અથવા તો આપણા માટે આખું વરસ ફટાકડા બનાવે છે!! ખેતીકામ કરે છે !! અને આ બધું એ હસ્તે મોએ કરે છે ,એને જિંદગીથી કોઈ તકલીફ નથી લાગતી અને તને આ બધું બોલતાં આવડે છે આટઆટલું આપવા છતાં” નંદલાલ ભાઈ આજ જરા બગડ્યા.

“ ગયે મહીને આજીજી કરી ત્યારે આ મોબાઈલ લઇ દીધો મને, બાઈક પણ હું જૂની જ વાપરું છું બાકી હવે તમને જો સંતોષ થતો હોય તો હું પણ મજુરી કરું બોલો!! તમે મજુરી કરી એટલે અમારે પણ એ જ કરવાનું ને તમે કોઈ દિવસ સીધી રીતે પૈસા આપતાં જ નથી, જ્યારે કાઈ માંગુ ત્યારે આસ્થા ચેનલ નો ડોઝ શરુ કરી દો છો!! આમ તો આખા નગરમાં વાહ વાહ થાય પણ ઘરે તમારું વર્તન એ લોકોને કેમ ખબર પડે!! ઇશાન પણ હવે જીદ પર આવી ગયો હતો. કાજલ એની પાસે આવી પણ ઇશાન અવળું ફરી ગયો.

“હું સીધી રીતે પૈસા નથી આપતો એમને બેટા, તો સાંભળી લે પહેલા તું સીધી લાઈને આવી જા તને ઓટોમેટીક બધું જ સમજાઈ જશે હવે તું નાનો તો નથી તારા બાપાને સલાહ આપે એટલો મોટો થઇ ગયો છો, ચાલ હું જાવ છું અને સાંજે પાંચ વાગ્યે તારી પાર્ટીનું વિચારીશું” એમ કહીને નંદલાલભાઈ કારમાં બેસીને જતાં રહ્યા. કાજલ ઇશાન પાસે આવીને બોલી.

“ભાઈ પાપા સાથે આમ વાત ના કરાય.જો સાંજે પાપા આવે ને ત્યારે માફી માંગી લેજે પાપા તને પૈસા આપશે મારા ભાઈ”

“જા ને ચિબાવલી , તું અને પાપા બેય સરખા છો!! તું ય આસ્થા ચેનલની બહેન સંસ્કૃતિ જ છો, જ્યારે ને ત્યારે બસ મોઢામાંથી ઉપદેશ જ નીકળતો હોય છે. એમ કહીને ઇશાન પોતાના રૂમમાં જઈને ધડામ કરતો દરવાજો બંધ કરી દીધો અને કાજલ પણ પોતાના રૂમમાં ગઈ. પણ આજ ઇશાન બરાબરનો ધૂંધવાયો હતો. થોડી વાર પછી એ બહાર ચાલીને ધૂંધવાટમાં ધૂંધવાટ માં જતો હતો.

એક કિલોમીટર ચાલ્યો ત્યાં એ થાકી ગયો.!! ખિસ્સામાંથી ફોન કાઢ્યો. પાપાનો કોલ હજુ ના આવ્યો કે ના બહેનનો કોલ આવ્યો. મિત્રોના મેસેજ આવી રહ્યા હતાં!! ફરી પાછો એ ચાલવા લાગ્યો એક મોટો ઓવર બ્રીજ આવ્યો અને નીચે રેલવેના પાટા આવ્યાં. પાટાની આજુબાજુ છોકરાઓ પાણીની ખાલી બોટલો વીણતાં હતાં!! ઇશાન રોડ થી નીચે ઉતર્યો અને પાટાની ધારોધાર ચાલતો હતો. થોડોક એને થાક લાગ્યો હતો.ઘરેથી નીકળ્યો એનાં ત્રણ કલાક થઇ ગયાં હતાં અને કાજલનો ફોન આવ્યો ભાઈ ક્યાં છો અને એણે ફોન બંધ કરી દીધો.બસ હવે બધાને ખબર પાડી દેવી છે!!

ભલે કલાક ગોતતા અને પછી મોબાઈલ શરુ કરીશ અને પછી બધાને તતડાવિશ અને પછી જ ઘરે જવું છે!! ઈશાનને હવે ભૂખ પણ લાગી હતી. પાટાની પડખે એક મોટી વસાહત ઝુંપડા બાંધીને રહેતી હતી તે તરફ વળ્યો. ત્યાં આગળ એક મોટી સંસ્થા જેવું હતું એક મોટો ગેટ હતો અને આગળ નાનકડી દુકાન હતી.ઇશાન ત્યાં જઈને એક બિસ્કીટનું પડીકું લીધું અને એક બાંકડે બેઠો હતો. એણે ઝડપથી બિસ્કીટ ખાધા અને પાણી પીધું અને ત્યાં એક ધૂળિયા રસ્તા પર કાર આવતી દેખાણી!! અને એ ઓળખી ગયો આ તો પાપાની કાર છે!! એને કેમ ખબર કે હું અહિયાં છું!! એ ઝડપથી દુકાન પાસે આવેલાં ઝાડ પાસે સંતાઈ ગયો.

નંદલાલ ભાઈની કાર તે સંસ્થાની અંદર ગઈ. કારની પાછળ એક મેટાડોર જેવું પણ હતું. થોડી જ વારમાં આજુ બાજુના ઝુંપડામાંથી છોકરાંઓ તે સંસ્થામાં જવા લાગ્યાં!! બધાં આનંદમાં હતાં!! થોડીવારમાં તો ખાસી એવી ભીડ થઇ ગઈ!! ઇશાન ગેટ પાસેથી ડોકાઈને જોવા લાગ્યો એક મોટા ટેબલ પર મેટાડોરમાંથી ઉતરેલી વસ્તુઓ ગોઠવાઈ રહી હતી. બાળકો લાઈનમાં ગોઠવાઈ ગયાં હતાં.બધાં બાળકો ખુશ હતાં.!! પોતાનાં પાપા ઉભા હતાં અને થોડી વારમાં જ તે બધાને વસ્તુઓ આપતાં હતાં.બધાં તાળીઓ પાડતા હતાં!! પાપાને બાળકો નમન કરતાં હતાં!! ઈશાનને કશું ના સમજાયું તે પેલી દુકાન પાસે આવીને બેસી ગયો. દુકાનવાળો બોલ્યો.

“તારે ખાવું છે દીકરા?? તો ત્યાં જા અથવા ભણવાના ચોપડા જોતા હોય તો ત્યાં જા, એ નંદલાલ શેઠ છે દર પંદર દિવસે અહી આવે છે બાળકોને ક્યારેક જમાડે અને ક્યારેક અભ્યાસની ચીજ વસ્તુ આપી જાય છે!! શેઠ કાલ આવીને કહી ગયાં હતાં કે કે કાલે મારા દીકરાનો જન્મદિવસ છે એટલે બધાં બાળકો આવજો કાલે મારા તરફથી પાર્ટી છે અહી જેને ચોપડા ઘટતાં હોય એને ચોપડા આપીશું!! બહુ ભલા માણસ છે નંદલાલ શેઠ!! બસ એ આ રીતે આપીને જતાં રહે!!દાનની કોઈ જાહેરાત નથી કરતાં કે નથી સાથે કોઈ ફોટા પાડવા વાળો રાખતા અહીનું એકે એક બાળક શેઠને ઓળખે છે !! અને શેઠ પણ બાળકોસાથે ભળી જાય!! બહુ જ પુણ્ય કર્યા હોય ને ત્યારે આવો બાપ મળે” દુકાનવાળાએ વાત પૂરી કરી અને ઇશાન લગભગ રડવા જેવો જ થઇ ગયો. આ જ એણે પિતાનું એક નવું સ્વરૂપ જોયું હતું!! આજ એને પોતાની જાત પર ધિક્કાર ઉપજ્યો. પિતાની મહાનતા એને આજ સમજાઈ હતી.

ગેટમાંથી છોકરાઓ બહાર નીકળતા હતાં બધાની પાસે મીઠાઈના બોક્ષ હતાં અને નોટબુકો હતી. બધાં આનંદમાં હતાં એક છોકરા પાસે એક ચાર્ટ પેપર હતો અને સ્કેચપેનનું બોક્ષ હતું. ઈશાને એને પોતાની પાસે બોલાવ્યો અને ચાર્ટ પેપરનો અડધો ટુકડો આપવાનું કહ્યું. પેલા છોકરાએ અડધો ટુકડો આપ્યો અને થોડીવાર માટે સ્કેચપેન આપી. ઇશાન એ ચાર્ટ પેપરના ટુકડામાં કશુક લખવા લાગ્યો!! એની આંખો સજળ હતી. આજ એ દિલથી લખતો હતો .દસ મીનીટમાં લખાણ પૂરું કરીને એ ટુકડો એણે ગોળ વાળીને પાછળ હાથ રાખીને ગેટની બરાબર સામે ઉભો રહ્યો. થોડી વાર પછી એના પાપાની કાર ગેટ પાસે આવીને અચાનક જ ઉભી રહી ગઈ. કારમાંથી નંદલાલ શેઠ ઉતર્યા અને ઇશાન ને કહે.

“બેટા તું અહી છો ?? કાજલ ઘરે રડે છે… એના ચાર ફોન આવી ગયાં છે!! તારો ફોન પણ બંધ આવે છે અત્યાર સુધી ક્યાં હતો દીકરા!!?? જવાબમાં ઇશાનની આંખો વરસી પડે છે!! પાછળ હાથમાં રાખેલું લખાણ એ બે હાથે પકડીને પોતાના પિતાજીની સામે રાખે છે. એમાં લખ્યું હોય છે!!!

“આઈ લવ યુ ડેડી!!! રીયલી!!!”

અને નંદલાલ ભાઈ ઈશાનને વળગી પડ્યા. ઘણાં સમયે તેઓ આમ ભેટી રહ્યા હતાં. બને વચ્ચેની દીવાલ ઓગળી ચુકી હતી.!!!

લેખક;- મુકેશ સોજીત્રા મુ. ઢસાગામ ૩૬૪૭૩૦

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી