જલ્સા કરોને જેંતીલાલ

હવેની રજાઓમાં કેવડિયા જવાની કરી લો તૈયારી, બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી, વોટરફોલ બીજું ઘણુંબધું…

નર્મદા કિનારે બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી, વોટરફોલ તેમજ ઐતિહાસિક મહેલો અને પૌરાણિક મંદિરો પણ આવેલા છે… હવેની રજાઓમાં કેવડિયા જવાની કરી લો તૈયારી… મોદીજીએ જન્મદિવસે સેંકડો પતંગિયા આઝાદ કર્યા એ બટરફ્લાય પાર્ક સહિત જાણો સરદાર સરોવર પાસે કેવડિયા કોલોનીમાં બીજાં કયાં કયાં છે આકર્ષણના સ્થાનો…


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭મી સપ્ટેમ્બર, સવારે ગુજરાતના બટરફ્લાય પાર્કમાં રંગબેરંગી પતંગિયા ભરેલી ટોપલી ખોલીને તેમનો ૬૯મો જન્મદિવસ તેમના પોતાના જ રાજ્યમાં ઉજવ્યો. જ્યાં તેમણે નર્મદા નદી પર બંધાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. એ સમયે આપણને સૌને પણ આવા નયનરમ્ય દ્રશ્યો જોવા કેવડિયા કોલોની પહોંચી જવાનું જરૂર મન થઈ ગયું હતું.
ગુજરાતનું આકર્ષણનું એક વધુ કેન્દ્ર બની ગયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી…


અમદાવાદથી ૧૯૩ કિલોમીટર દૂર નર્મદા જિલ્લાના કેવડિયામાં બટરફ્લાય ગાર્ડનમાં, પતંગિયાઓથી ભરેલી મોટી બાસ્કેટને ખોલતાં જ વડાપ્રધાનનો ચહેરો પ્રફુલ્લિત થઈ ગયો હતો. એ રંગીન બાસ્કેટમાં સેંકડો પતંગિયાને મુક્ત રીતે ઉડાડીને તેમણે એક વાઘ જેવા કેસરી રંગના બટરફ્લાયને સ્ટેટ બટરફ્લાય નામ આપ્યું. પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા અન્ય કેટલાક આકર્ષણના મુલાકાતના સ્થળો જેમ કે કેક્ટસ ગાર્ડન, ન્યૂટ્રીશિયન પાર્ક અને એકતા નર્સરીની પણ મુલાકાત લીધી હતી.


આ નર્સરી વિવિધ પરંપરાગત પર્યાવરણને મદદરૂપ થાય એવા પદાર્થોનું ઉત્પાદન કરે છે અને મુલાકાતીઓને ઉત્પાદન પ્રક્રિયાનું જીવંત પ્રદર્શન પણ અહીં જોવાની સુવિધા છે જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આખો સરદાર સરોવર ડેમ ૧૭ કિ.મી લંબાઈમાં વિસ્તરેલો છે. અહીં સાઈટ સીન કરવા માટે અડધા દિવસમાં ફરી લઈ શકાય છે. પરંતુ અહીં આસપાસમાં અનેક એવા બીજાં પણ સ્થળો છે જેની મુલાકાત લેવું ગમે એવું છે. જેને ઓછોમાં ઓછા ૨થી ૩ દિવસનો પ્રવાસ નર્મદા નદીના કિનારે અને સરદાર સરોવરના સાનિધ્યમાં ગાળવા હોય તેમને માટે અમે લાવ્યા છીએ આ રસપ્રદ માહિતી…


સરદાર સરોવર અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આ દિવસોમાં સૌથી વધુ પસંદીદા પર્યટન સ્થળ બની રહ્યું છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત, તમે નજીકના સ્થળોએ પણ ફરવા જવાનું ગોઠવી શકો છો. આ સ્થળો એવાં છે જે કુદરતી સાનિધ્યમાં પરિવાર સાથે રજાઓ દરમિયાન નિરાંતે ફરવા જવાનો આનંદ લઈ શકાશે. વિશ્વ વિખ્યાત ટાઈમ મેગેઝિનમાં આ સ્થળની નોંધ લેવાઈ છે, દુનિયાના ટોપ ૧૦ સ્થળોમાં તેનું નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે.
વેલિ ઓફ ફ્લાવર્સ


‘વેલી ઓફ ફ્લાવર્સ’ એ ગુજરાતના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ કેવડિયા કોલોની ખાતે આવેલ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરનું મુખ્ય આકર્ષણ છે. પૃથ્વી પર જાણે ફૂલોનું મેઘધનુષ્ય ઉતરી આવ્યું હોય એવું દ્રશ્ય આ સ્થળે દેખાય છે. તે નર્મદા નદીના કાંઠે રંગબેરંગી ફૂલોના ૧૭ કિમી લાંબી પટ્ટીથી છવાયેલું છે. આ સ્થળે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઉગતાં તમામ ફૂલો, જેમ કે ગરમાળો, ગુલ્મહોર, ચંપો, ખાખરો, પોંગરો, એરિઅમ, અને ક્વોલિસીઝ જેવા ક્લાઇમ્બર્સ, વેડેલીઆ, અલામંડા કેથર્ટિકા, અને વાંસ અને રંગીન ઘાસ, મેરીગોલ્ડ, કેલેંડુલા, સનફ્લાવર, વિન્કા અને અન્ય સેંકડો ફૂલોથી આખો વિસ્તાર સુંદર રીતે આયોજિત કરાયેલો છે.

સરદાર સરોવર


આ ડેમ વિશ્વની સૌથી બીજી લાંબી નહેર તરીકે વિખ્યાત છે. અહીં ચાર લાખ ક્યુસેક પાણીનું વહન થઈ શકવાની ક્ષમતા છે. કેવડિયા નજીક નવાગામ પાસે બંધાયેલ આ બંધ વિશે કહેવાય છે તે હાલમાં ઐતિહાસિક સપાટીએ છે. તેમજ હાલમાં મોટામાં મોટા કેબલ ક્રેન ટેક્નોલોજીના ઉપયોગ કર્યા બાદ અદ્યતન ઇજનેરી વિકાસને લીધે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતની જ નહીં ભારતની સૌથી પ્રભાવશાળી અને મુખ્ય નદીઓમાંથી આ નદી હવે ખેતી તેમજ ઔદ્યોગિક ઉત્પાદનના ઉપયોગ માટે પણ આશીર્વાદરૂપ નિવડી રહી છે.

શૂળપાણેશ્વર વન્યપ્રાણી અભયારણ્ય


નર્મદા કિનારે આવેલા આ અભયારણ્યનો પર્વતીય માર્ગ હિમાલય અને પશ્ચિમ ઘાટ સાથે સમાનતા ધરાવતા ફૂલોના અને પ્રાણીસૃષ્ણ તત્વોથી ભરપૂર ગુજરાતના કેટલાક શ્રેષ્ઠ જંગલો પૈકી એક છે. અહીંનું વાતાવરણ ભેજવાળું છે, તેમજ અહીં બારે માસ ગાઢ જંગલ ન રહેતાં પાનખર ઋતુ પણ જોવા મળે છે. ધનમલ આ ક્ષેત્રમાં સૌથી વધુ ટોચનો વિસ્તાર છે. અહીંની મુલાકાતે તમે વન્ય પશુઓ, પર્વતોમાંથી વહેતા ધોધ અને ઝરણાં તેમજ વોટર રિઝોર્વર પણ જોઈ શકશો.

ઝરવાણી ધોધ


ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં શૂળપાણેશ્વર વન્યપ્રાણી અભયારણ્યની અંદર આવેલું છે. આસપાસ નયનરમ્ય લીલોતરી છવાયેલ એક પિકનિક સ્પોટ તરીકે અહીં પરિવાર અને મિત્રો સાથે આનંદથી હરીફરી કરી શકાય તેવું છે. ઝરવાણી કેમ્પસાઇટ શૂળપાણેશ્વર વન્યપ્રાણી અભયારણ્યની અંદર આવેલ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને માણવાનું સ્થળ છે. ઝરવાણી વોટરફોલની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસું અને શિયાળાનો સમય છે.

ઐતિહાસિક મહેલો


અહીં ઐતિહાસિક મહેલો પણ છે જેમાં એક છે વાડિયા પેલેસ. જે વાડિયા ગામની સીમમાં આવેલું આ મહેલ વાડિયા પેલેસ તરીકે ઓળખાય છે. અંગ્રેજીના આંકડા 8 આકારે આ મહેલની રચના છે, જેમાં હજારો બારી બારણાઓ છે. આ મહેલ મહારાજા વિજયસિંહનો હતો. તેઓ પ્રથમ ભારતીય હતા જેણે વિશ્વવિખ્યાત ડર્બી રેસ જીતી હતી. રાજવંત પેલેસ, આ પણ વિજયસિંગજી મહારજ દ્વારા જ બંધાવેલ મહેલ છે. જે આજે હેરિટેજ હોટેલમાં પરિવર્તિત થઈ ગયો છે. રાજપિપળાના રાજાશાહી અને લોકસંસ્કૃતિના ચિન્હો આજે પણ સંગ્રાહલમાં પર્યટકો માટે મૂકાયેલા છે.

પૌરાણિક મંદિરો


ગુરુદેશ્વર દત્ત મંદિર, શનિ મહારાજનું નાની – મોટી પનોતી મંદિર, શૂળપાણેશ્વર મહાદેવનું શિવાલય તેમજ ઉત્તર વાહિની નદીનું મંદિર જેવા પૌરાણિક મહાત્મય ધરાવતા મંદિરો આ સ્થળથી ૨૦થી ૨૨ કિલોમીટરની આસપાસના જ વિસ્તાઓમાં આવેલા છે. રજાના દિવસોમાં પ્રાકૃતિક સૌંદર્યની સાથે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ સ્થળની મુલાકાતે આવવું જરૂર ગમશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version