હવે બાળકો જિદ્દ કરે બહારની રગડાપેટીસ ખાવા માટે તો ઘરે જ બનાવી આપો આ ટેસ્ટી રગડાપેટીસ…

ચાટ નું નામ પડતા જ લગભગ બધા ને ભૂખ લાગી જ જાય.. રગડા પેટીસ પણ એમાંની એક છે જે ખૂબ જ પ્રખ્યાત છે અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ.. આજે હું રગડા પેટીસ ની રેસિપી આજે લાવી છું.

બહાર ની મળતી ચાટ સ્વાસ્થય માટે નુકસાનકારક છે અને આમ પણ આ સીઝન માં બહાર ખાવું બિલકુલ હિતાવહ નથી. તો હવે બિલકુલ સરળ રીતે બનાવો ખૂબ જ સ્વાદિષ્ટ રગડા પેટીસ…

ટ્રેડિશનલ રીતે રગડા માં સફેદ વટાણા નો ઉપયોગ થાય છે પરંતુ મારા ઘરે અમે લીલા સૂકા વટાણા નો બનાવીએ છીએ જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.

રગડા માટે ની સામગ્રી:-

2 કપ સૂકા લીલા વટાણા

2 ટામેટા ઝીણા સમારેલા

1 મોટી ડુંગળી ઝીણી સમારેલી

1/2 કપ બાફેલા બટેટા નો માવો

1/2 કપ ઝીણી સમારેલી કોથમીર

5-7 નંગ મીઠા લીમડાનાં પાન ઝીણા સમારેલા

11/2 આદુ,મરચાં અને લસણ ની પેસ્ટ

2 ચમચા તેલ

1 ચમચી જીરું

2 ચપટી હિંગ

1/2 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરું

2 ચમચી લાલ મરચું

1/4 ચમચી ગરમ મસાલો

2 ચમચી ગોળ

મીઠું સ્વાદાનુસાર

પેટીસ માટેની સામગ્રી:-

8-10 નંગ બટેટા

2 ચમચા કોર્નફ્લોર

2 ચમચી આદુ- મરચાં ની પેસ્ટ

ઘી પેટીસ શેકવા માટે

ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર.

(તમે ઇચ્છો તો પેટીસ માં લાલ મરચું પણ ઉમેરી શકો, મેં નથી ઉમેર્યું)

રગડા પેટીસ સર્વ કરવા માટેની સામગ્રી:-

કોથમીર ફુદીના ની લીલી ચટણી

ખજૂર- આમલી ની મીઠી ચટણી

લસણ અને લાલ મરચાં ની લાલ ચટણી

ઝીણી સેવ

દાડમ ના દાણા

ઝીણી સમારેલી કોથમીર

લાલ મરચું

ચાટ મસાલો

ઝીણી સમારેલી ડુંગળી

રગડો બનાવાની રીત:-

2 કપ સૂકા લીલા વટાણા પાણી થી ધોઈ ને 4-5 કલાક હુંફાળા પાણી માં પલળવા દો.
ત્યારબાદ પાણી નીકાળી ને 3-4 ગ્લાસ પાણી , મીઠું અને હળદર ઉમેરી ને પ્રેશર કુકર માં 2-3 સીટી વાગે કે વટાણા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો. ( ચપટી સોડા પણ ઉમેરી શકાય)

હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેમાં જીરુ , હિંગ અને હળદર ઉમેરી ને ડુંગળી ,મીઠો લીમડો અને કોથમીર ઉમેરો. ( કોથમીર ને ડુંગળી સાથે આવી રીતે સાંતળવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે)
ત્યારબાદ આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ, ટામેટા ઉમેરી ને ફરી 1 મિનિટ માટે મધ્યમ આંચ પર સાંતળો.
હવે ધાણાજીરું, મરચું ઉમેરી ને જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે બાફેલા બટેટા નો માવો ઉમેરી ને મિક્સ કરો ત્યારબાદ બાફેલા વટાણા પાણી સાથે ઉમેરી ને ઉકળવા દો. 5-7 મિનિટ સુધી ઉકળે પછી ગોળ અને ગરમ મસાલો ઉમેરી ને થોડી વાર વધુ થવા દો.

ઉપર તેલ છૂટું પડે પછી ગેસ બંધ કરી દો. રગડો બહુ ઘટ્ટ ના રાખો કેમકે ઠંડુ થશે પછી બહુ ઘટ્ટ થાય છે. જો વધુ ઘટ્ટ થાય તો ગરમ પાણી ઉમેરી ને ફરીથી ઉકાળી શકાય.
રગડો તૈયાર છે.

પેટીસ બનાવવાની રીત:-

સૌ પ્રથમ બાફેલા બટેટા ની છાલ નીકાળીને હુંફાળા હોય ત્યારે જ માવો બનાવી લો .તેમાં કોર્નફ્લોર, આદુ મરચા ની પેસ્ટ અને મીઠું ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો. એકસરખા ભાગ કરી ને હાથેથી ગોળ શેપ આપી ને પેટીસ તૈયાર કરો.

ગરમ તવા પર ઘી મૂકી ને બધી પેટીસ ધીમા થી મધ્યમ આંચ પર આછા બ્રાઉન રંગ ની થાય કે તમને ગમે એટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
પેટીસ પણ તૈયાર છે..

સર્વ કરવા માટે:-

બાઉલ માં કે ડિશ માં સૌ પ્રથમ પેટીસ મૂકો. પેટીસ ઉપર ચાટ મસાલો ,લાલ મરચું છાંટી ને ઉપર લીલી ચટણી ઉમેરો. હવે રગડો ઉમેરો ત્યાર બાદ ઉપર લાલ ચટણી, મીઠી ચટણી , સેવ , દાડમ ના દાણા, કોથમીર અને ડુંગળી ઉમેરી ને સર્વ કરો… સર્વ કરતા પહેલા ફરીથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરો ..

નોંધ:-

બટેટા પાણી પોચા ના બાફવા.

વટાણા ને બરાબર બાફી ને ઉપયોગ માં લો.

તમે ઇચ્છો તો પેટીસ માં પણ ફુદીનો અને કોથમીર ઉમેરી શકો.

પેટીસ બહુ તેજ આંચ પર ના શેકો નહીં તો ક્રિસ્પી નહીં થાય.

રગડા માં ગળપણ ના ભાવે તો નહી ઉમેરવું.

ઉપર થી ચાટ મસાલો સ્પ્રિંક્લ કરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.

પેટીસ એકલી પણ ચટણી કે સોસ જોડે સર્વ કરી શકાય..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)