હું તને દેખાડી દઈશ – દરેક વખતે એનું આમ કહીને છટકી જવું એ બધાની બોલતી બંધ કરી દેતું હતું…

ધનજી ધુળા ચાર ચોપડી ભણેલા ને બે પોલીસવાળા સાથે એમને ઓળખાણ એટલે એમને ગામના પોલીસ પટેલ બનાવી દીધેલા. મફલો ઘનજી ધુળાનો સાત ખોટનો એક ને એક દિકરો ને એની માએ અને લાડ કરી કરીને મોંઢે ચડાવી દીધેલો.

આ મફલાનું શરીર એકવડા બાંધાનું. ‘કમ તાકાત ને ગુસ્સા જ્યાદા.’ ભલે શરીર એનું પાતળું પણ વટનો તો જાણે કટકો. કોઈ જરાક એને સતાવે તો આકળવીકળ થઈ જાય. ભણવામાં કાંઈ ધોળકું ધોળેલું નહીં ને ચોથું ધોરણ અધવચ્ચે છોડીને કૂતરાંના પગ ભાંગવાના ધંધામાં લાગી ગયેલો. વળે કાંઈ નઈ પણ તોયે ભીંતે ભાલાં ભરાવે. સહન શક્તિનો છાંટોય જોવા ના મળે. વાત વાતમાં કોઈનું મોંઢું તોડી લેતાં વાર ના કરે. ક્યારેકતો ઉછીના કજિયા લઈને પાવર બતાવતો ફરે.

image source

આમ જોવા જઈએ તો ગામના કોઈ જોડે એને ઊંચે અવાજે બોલવાનું થાયુ હોય ને ક્યારેય હાથાપાઈ પર આવેલો હોય એવો એકેય દાખલો હજુ બન્યો નથી. કજીઓ બરાબર જામ્યો હોય એ વખતે છેલ્લે મફલો બોલે, ‘હું તને દેખાડી દઈશ’ એવા લહેકાથી તે આ વાક્ય બોલે કે સામે વાળો નરમ ઘેંશ જવો થઈ ને ચાલતો થાય. ઘણાને એમ થાય કે ” આ માળો, શું દેખાડી દેશે?” બસ આવા ભયથી જ સામેવાળો ચાલતી પકડે ને કજીઓ ઠરીને ઠીકરું થઈ જાય. આ રીતે મફાલાની ગામમાં જબ્બર ધાક બેસી ગયેલી. કુટુંબીઓ ને ભાઈબંધ મિત્રો એને હુલાયો ફુલાયો રાખે. આમને આમ જતે દિવસે મફલો ફાટીને ધુમાડે ગયેલો. ગામના ઘણા એનાથી ગળે આવી ગયેલા પણ કેટલાક કજીયાનું મોં કાળું સમજી જતું કરે તો વળી કેટલાક સમજુ તો ગામના મુખી, એના બાપની શરમ ભરી વાતને આગળ વધતી અટકાવી દે. હા એક ગુણ એનો વખાણવા જેવો ખરો. આટલો નાદાન ને છેલબટાઉ પણ ગામની બેન-દીકરી સામું એ આંખ ઊંચી કરી જુએ નહીં.

ગામના વેપારી લવજીને આ મફલાથી ઓછું બને. આમતો મફલો વહેવારનો પાક્કો પણ અવારનવાર લવજીની દુકાનેથી બીડી-ઉધાર માગે એ લવજીને ખટકે. એક વખત લવજીની દુકાને ગ્રાહકોની ઠઠ જામી હતી ને મફલો ગયો એની દુકાને ને બોલ્યો, ” લવજી શેઠ, એક ગોલ્ડ ફ્લેક સિગારેટનું પેકેટ ને પાંચ મસાલા આપજો.” “પણ પૈસા ? લવજીએ પૂછ્યું “હાલ ઉબળખ રાખો સાંજના આપી દઈશ”

image source

“અગાઉના પણ સિત્તેર રૂપિયા બાકી છે એ કોણ મારો બાપ ભરશે ” લવજી શેઠ તપીને બોલ્યા.”પણ બધા ભેગા… આપીશ..” મફલાની વાત વચ્ચેથી કાપતાં લવજી બોલ્યો, મફા પહેલાં પૈસા પછી માલ. હવે ઉધારતો તને આજેય નહીં મળે ને કાલેય નહીં મળે.” દુકાન પર ઊભેલાં બધાને થયું કે હવે જામશે બરાબરની ને જોયા જેવી થશે. ” શેઠ, એમ વાત છે *હું તમને દેખાડી દઈશ* ” મફલો તેનું શસ્ત્ર ઉગામી ધડાધડ દુકાનનાં પગથિયાં ઉતરી ગયો. પણ “ઉધારતો તને આજેય નહીં મળે ને કાલેય નહીં મળે” લવજીનું આ વાક્ય મફાના લમણે લખાઈ ગયું.

એક થોડા પૈસા માટે મફલા સામે બોલવાનું થયું. બનવાકાળ બની તો ગયું પણ એ યાદ આવતાં લવજીને પસ્તાવો થવા લાગ્યો. ઘરે જઈને રાત્રે ઊંઘ ના આવી. પડખાં બદલતા લવજીને જોઈ એની ઘર વાળી વાલુ શેઠાણીએ એક વખત પૂછ્યું પણ ખરું, ” ચમ તે આજ કાંઈ સુવાણ નથી કે શું? તમે આજ ધરાઈને જમ્યા પણ નથી. મંજુબેનની ચનત્યામાં છો કે શું?”

image source

” હા. એ ખરું હો વાલુ, હવે એ ઉંમર વટાવી જવા આવી એનું કાંઈ ગોઠવાઈ જાય તો સારું એની ફકર તો છે જ, ” પડખું ફરતાં એ બોલ્યો, ” પણ વાલુ, આજ એક ગરાક જોડે થોડી જીભાજોડી થઈ એ યાદ આવ્યા કરે છે.” ” એવો તે ગામનો કોણ મોટો ભડભાદર છે તે તમે આટલી ફકરમાં પડી ગયા?” લવજીએ મફલા સાથે જે બનાવ બન્યો હતો તેની વાત વાલુને કરી આથી વાલુ શેઠાણી હોલાની માફક ફફડી ગઈ. એ બોલી,” શું તમેય તે…એક થોડા માટે એ વંઠી ગયેલા સામે વેર બાંધ્યું. ઉધાર આપીને મોઢું બાળવું’તું ને મુવાનું.”

મફલાની ટ્રિક સમજો કે ફાવટ “હું તને દેખાડી દઈશ” બસ આટલું બોલે ત્યાં તો કજીઓ પૂરો થઈ જાય. ને મફલો આ તકિયા કલમનો ઉપયોગ ખૂબી પૂર્વક કરી લેતો. હજુ સુધી તેને કોઈ માથાનો મળ્યો હતો નહીં. આમ જોવા જઈએ તો એની પાસે દેખાડી દેવા જેવી કોઈ તાકાત હતી જ નહીં. એ માત્ર તાકા ફાડવામાં જ ઉસ્તાદ હતો એટલું જ.

image source

ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય, એ નાતે આ મફલાને એની લાઈનના બે-પાંચ મિત્રો પણ ખરા. આ લુખસ ટોળકીના બધા મફલાની વાતમાં હાજી હા કરે. એ જ્યારે હબતો હોય કે તાકા ફાડવા બેસી ગયેલો હોય ત્યારે ભાઈબંધો મફલાને ફુલાવી ફુલાવીને ફાળકે ચડાવી દે ને મફતની સિગરેટ ને મસાલાની મજા માણે. આવે સમયે બાજુમાંથી કોઈ સ્ત્રી પસાર થાય કે જુવાન દીકરી નીકળે તો તરત મફલાની જબાન પર સવા મણનું તાળું લાગી જાય. મફાલાના આવા વર્તનથી ટોળકીની મજા મારી જાય.

” દર વર્ષે દિવાળી બેસતું વરસ આવે ત્યારે લવજી શેઠ ગામ લોકોને ભેગા કરી ચાપાણી રાખે. આજે બેસતું વરસ હતું. ગામની અઢારે વૈણના લોકો લવજી શેઠના ડાયરામાં ચાપાણી માટે આવ્યા હતા. મેડી પર ડાયરો ભરાએલો. મફાલાએ ડાયરામાં એન્ટ્રી કરી. લવજી શેઠે એ જોયું ને એમનું મોંઢું કટાણું થઈ ગયું.

થોડીવાર બેસીને ઘેર જવા એ ઉભો થઇને બારી પાસે આવ્યો, ને એની નજર નીચેની સાંકડી ગલીમાં પડી. એક સેકન્ડ એ જોઇ રહ્યો ને પછી એણે લવજી શેઠને બારી પાસે આવવાનો ઇશારો કર્યો. શેઠે એના કહ્યા પ્રમાણે બારીમાંથી ગલીમાં નજર કરી એટલે મફલો બીજા કોઈ સાંભળે નહીં તે રીતે બોલ્યો,” મેં કહ્યું હતું ને શેઠ કે, ‘હું તમને દેખાડી દઇશ, તો જુઓ નીચે.” એ સાંભળતાં જ શેઠે નીચે સાંકડી શેરીમાં ધ્યાનથી નજર નાખી ને એ ચોંકી ગયા-એ સાંકડી ગલીમાં એમની સોનાની પૂતળી જેવી બહેન ગામના ઉતાર ઘનિયાને બથ ભરીને ઉભી હતી !

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ