હું તને ગોતું ક્યાં – નવપરણિત યુગલને કોઈ કારણસર થવું પડે છે અલગ, પત્નીની લાગણીસભર મનોવ્યથા..

પ્રેયસી

લગ્નનાં થોડાં દિવસો માંડ વીત્યાં હોય અને અમુક કારણોસર જ્યારે પોતાનો પ્રિયતમ ધંધાર્થે કે અન્ય કામકાજ નાં લીધે પોતાનાંથી દુર જતો રહે ત્યારે એક સ્ત્રી હૃદયમાં જે લાગણીઓ ઉત્તપન્ન થાય છે એનું હૃદયસ્પર્શી નિરૂપણ અહીં આપ સમક્ષ કરી રહી છું.સાચેમાં અહીં આપ સમક્ષ એ લખ્યું છે જે મારાં મનમાં હતું.

આ રચનામાં મેં જે આલેખન કરેલું છે એ નવ વિવાહિત યુવતીને મનમાં રાખીને કરેલું છે પણ મારું માનવું એમ છે કે જો લગ્નનાં વિસ વર્ષ પણ વીતી ગયાં હશે અને પ્રેમ પહેલાની જેમ અકબંધ જેમ હશે તો આ રચના ચાલીસીએ પહોંચેલી મહિલા વાંચકોને પણ પોતાનાં હૃદયની ઊર્મિઓ સમાન લાગશે.

સાથે-સાથે પોતાની પ્રેયસી કે પત્નીથી દૂર રહેલ પુરુષ પાત્ર પણ આ રચના વાંચી એમ અનુભવશે કે એનાં ચાહનાર પાત્ર એ એનાં માટે જ આ બધું લખેલું છે.

image source

હું તને ગોતું તો ગોતું ક્યાં??

તું જ જણાવ મને…હું ગોતું તને ક્યાં ક્યાં??

શીદ કરે તું મને આમ હેરાન??તું આવ ને કર મારી મૂંઝવણ દૂર…

ન તડપાવ મને આમ..

હું છું તારામહીં…ન શોધ મને આમ અહીંતહીં…

image source

ખુદમાં જ જા ડૂબી ને થઈ જા ખુદના જ પ્રેમરસમાં તરબોળ…

હું છું તારા નસેદાર નયનોમાં…

જ્યારે તું મને યાદ કરે છે આંખો બંધ કરી મારી તસ્વીર નિહાળવા…

હું છું તારા થોડા વધુ ઉપસી આવેલા ગાલે…

જ્યારે તું મને યાદ કરે મનોમન હસી મારા ગુલાબી ગાલ ખેંચવા ઇચ્છતો…

હું છું તારા મદભર્યા અધરો પર…

image source

જ્યારે તું મને યાદ કરી પ્રેમભર્યા ગીતો ગુનગુનાવી પ્રેમરસ પાવા ઇચ્છતો…

હું છું તારા આતુર એવા કર્ણમાં…

જ્યારે તું મને યાદ કરતા કરતા મારો મધુર અવાજ સાંભળવાની ઝંખના કરતો…

હું છું તારા એ કાળા સુંવાળા કેશમાં…

જ્યારે તું મને યાદ કરે ને ઇચ્છતો કે મારા કોમળ ટેરવાઓનો થાય ત્યાં હળવે હળવે સ્પર્શ…

image source

હું છું તારા એ મજબૂત પંજાની પકડમાં…

જ્યારે તું મને યાદ કરી વિચારતો કે હાથમાં આવે એનો નાજુક હાથ તો ન છોડું કદીયે…

હું છું તારા એ સદાય અધ્ધર રહેતા વિશાળ લલાટે…

જ્યારે તું મને યાદ કરી મારા લલાટ ને ચૂમવા માંગતો…

હું છું તારી એ ચોતરફ ફેલાયેલી બાજુઓમાં…

જ્યારે તું મને યાદ કરીને મુજ નમણી કાયાને બાથમાં જકડી લેવા ચાહતો…

હું છું તારી એ હરેક પગલાં ની આહટ માં…

જ્યારે તું મને યાદ કરી વિચારતો કે કઈ રાહ મને તારી સમીપ લાવશે ને પછી હું તારા એ પગે પાયલ પેહરાવું…

હું છું તારા ધકધક કરતા ધબકતા હ્ર્દયમહીં…

જ્યારે તું મને યાદ કરતો ત્યારે ક્યારેક એકાદ ધબકાર ચૂકી જતો કે ક્યારેક એવો તે હાંફતો શોધતો મને મારા ધબકારને તારા ધબકારમય કરવા…

image source

હું છું તારી રગેરગમાં ગતિમાન એવું લોહી…

જ્યારે તું મને યાદ કરતો તો એ લોહી વધુ ને વધુ ગતિમાન થઈ તને મારી તરફ આવવા પ્રેરતું…

હું છું તારા શ્વાસેશ્વાસમાં શ્વસતી હવા…

જ્યારે તું મને યાદ કરતો અને મલકતો કે મારા ને તારા શ્વાસ એકબીજામાં ભળી જાય તો કેવું…

હું છું તારા રોમેરોમમાં પ્રફુલ્લિત એક એવી ખુશ્બૂ…

જ્યારે તું મને યાદ કરતો ત્યારે એક અલગ જ દુનિયામાં સરી જતો અને મને ખુદના સમક્ષ નીરખતો…

image source

હું છું તારા મનમાં અવિરત ચાલતા રહેતા વિચારો…

જ્યારે તું મને યાદ કરતો ને મને વિચારતો કે હું કેવી હોઈશ એ વિચારોની રચના હું…

હું છું તારા લખાણના શબ્દોના ગહનઅર્થમાં…

જ્યારે તું મને યાદ કરી કાંઈક લખતો ને પછી એક રહસ્ય સમાન તું મને ને હું તને સમજવા પ્રયાસ કરતી…

હું છું તારા તને ખુદ ના જ હર સ્પર્શમાં…

image source

જ્યારે તું મને યાદ કરે ત્યારે તને અંતરમાં જે એહસાસની અનુભૂતિ થતી એ પ્રેમાળ સ્પર્શ છું હું..

હું છું તારી મિત્ર,તારી પ્રેયસી તારી અર્ધાંગિની

જે તારાં વગર અડધી હોય છે એમ જ તું પણ ત્યાં મારાં વગર અડધો હોઈશ એ જાણું છું હું.

લેખક : સીમરન જતીન પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ