હું ને અમારાં કઉશું – અરે આતો બાજુવાળાં, મારે તો બગાશું ખાતાં મોંમાં જાણે પતાશું આવી ગયું, રસપ્રદ વાર્તા..

કેટલાક શાણા માણસોનું કહેવું એવું છે કે ભૂતકાળ ભૂલી જઈને વર્તમાનને વર્તી લેવો જોઈએ. મારું માનવું આથી જરા જુદું છે. ચોક્કસ ભલે તમે ભૂતકાળ ભૂલી જાઓ પણ ભૂતકાળની કેટલીક રોમાંચક પળોને તમારી મેમરીના એક નાનકડા ખૂણામાં સાચવી રાખશો ને તો ક્યારેક વાગોળવા થશે. ગાય-ભેંસ વાગોળે તેવી રીતે નહીં પણ ખેલદિલીથી મનને મજામાં તાણી જવા માટે ઉપયોગી થશે.

image source

આજે રજાનો દિવસ હતો. આમ રજાને દિવસે મને મોડે સુધી પથારીમાં પડી રહેવાનો પરવાનો મળી ગયેલો એટલે આજે પડ્યો પડ્યો ભૂતકાળની કેટલીક ક્ષણોને વાગોળતો હતો. દિવાળી નજીક હતી એટલે મારા માનસ પટ પર ગઈ દિવાળીના થોડાક દિવસ પહેલાની એક ઓડિયો-વિડીઓ ક્લિપ ફલેશ થઈ.

image source

” કઉશું તમે માળિયું સાફ કરો ત્યાં સુધી હું શાક લઈને આવું છું.” એ જતાં જતાં બારણેથી બોલ્યાં હોય એવું મને લાગ્યું. ક્યા કારણે હું એ સુળીએ અરે સોરી માળીએ ચડવા એગ્રી થયેલો એવું કાંઈ યાદ નથી. પણ ચડ્યો હતો તેનો મને આજે પારાવાર પસ્તાવો થાય છે. ‘ યા હોમ કરી પડો ફતેહ છે આગે ‘ એવા કોઈ મહાપુરુષના સ્લોગનને યાદ કરતો કરતો હું મોં પર કોઈ ખૂંખાર ડાકુ બાંધે તેવી બુકાની બાંધીને ઊંચા ટેબલના સહારે , માળિયામાં દાખલ થયો.

image source

માળિયું પણ જાણે અવાવરું ગુફાની જેમ જામ્યું હતું. જેવો હાથનું ટેકણ દઈને અંદર પહોંચ્યો તેવામાં તો કરોળિયા દોડમ દોડ કરવા લાગ્યા. ગરોડીઓનું તો જાણે અભયારણ્ય હોય તેમ વિહરતી હતી. કંસારી નામનાં ઠેકડા ભરતાં જંતુ ઉડી ઉડીને મારા ચહેરે અથડાવા લાગ્યાં. છતાં હિંમત કરી ઝીરોના બલ્બના અજવાળે મેં વાંકા વાંકા માળિયાની દીવાલો પર ઝાડુ ફેરવવાની શરૂઆત કરી.

image source

જેમ આંધીમાં ઊઠતા વંટોળીયાથી સૂરજનું તેજ પણ ઝાંખું પડી જાય તેમ માળિયાની દીવાલો પરથી ઊડતી સેપટ (ધૂળ)થી ઝીરોના બલ્બનાં તેજ ઝાંખા પડી ગયાંને આખા માળિયામાં જાણે અંધકાર છવાઈ ગયો. આથી વર્ષ જૂની ધૂળની રજકણ મારા ચહેરા સાથે સાથે આંખોમાં પણ પડી હશે તે ખૂંચવા લાગી. મેં આંખો ચોળતાં મળીયામાંથી બહાર નજર કરી તો કોઈ સુંદર બાઈ ઘરમાં ફરતી નજરે આવી. પ્રથમ નજરે તો હું ઓળખી ના શક્યો.

image source

મનમાં પ્રશ્ન થયો ‘ ચાંદનો ટુકડો’ મારા ઘરમાં ક્યાંથી આવી ગયો. સ્વર્ગની કોઈ અપ્સરાતો ભૂલી નથી પડી ? જન્નતની હૂર જેવી નમણી નાર મારા ઘરમાં વિહરી રહી હતી અને તે પણ પત્નીની ગેરહાજરીવાળા ઘરમાં. મારું રદય થડકારો ચુકી જવાની તૈયારીમાં હતું, ત્યાંતો ” કોઈ નથી ઘરમાં ? ” રૂપાની ઘંટડી રણકે એવા મધુર અવાજ સંભળાયો ને જાણીતો અવાજ પારખવામાં હું થોડી થાપ ખાઈ ગયો. ” છે ને !” મેં ઉપર બેઠાં બેઠાં જવાબ આપ્યો.તેમણે પોતાની નાજુક ગરદન ઘુમાવી ઊંચે માળિયા સામે જોયું. બરાબર આંખો ચોળી ત્યારે ખબર પડી ,” અરે આતો બાજુવાળાં સલૂઆપા ” મારે તો બગાશું ખાતાં મોંમાં જાણે પતાશું આવી ગયું .

image source

” હું છું ને બોલો આજે ઘણા દિવસે કાંય ? ઊભાં રહો હું ઉતરું છું નીચે.” મોં પર બુકાની બાંધેલી હતી તેથી હું બરાબર બોલી ના શક્યો. ” મારે તો ઘરવાળાંનું કામ હતું. તારા જેવા મજૂરની સાથે વાત કરી મારે શું લેવાનું ” અકરમીનો પડીયો કાણો.આટલું હું બોલ્યો એટલે એમને તો ઘુરકિયું કર્યું. મને તો ઘુરકિયું બહુ વ્હાલું લાગ્યું.

એતો ચાલતાં થયાં. મને અફસોસ થવા લાગ્યો ને એમ થયું કે એમને બોલાવવાની જરૂર ના હતી ખાલી માળિયે બેઠાં બેઠાં એમના રૂપનું રસપાન કર્યું હોત તો સારું હતું. પણ ઘોડો છૂટી ગયા પછી તબેલે તાળું મારવાથી શું ફાયદો ? હું તો થોડીવાર કામ પડતું મૂકી અફસોસ કરતો અમારાં એની આવવાની રાહ જોતો હતો તેઓએ બજારથી પરત આવવામાં ઘણી વાર લગાડી ઉપર બેઠો બેઠો એમનો ઇંતજાર કરતો હતો તયાં મહાલતાં મહાલતાં અમારાં કઉશું આવી ગયાં.

image source

એતો નીચે ઊભાં ઊભાં મારા કામનો રિવ્યુ લેતાં હતાં.” તે કઉશું માલિયામાંથી કચરો બરોબર વાળ્યો છે ને ? ગઈ દિવાળીએ તમે કચરાને બદલે વેઠ વાળી હતી. ” હાથનો ઈશારો કરતાં કરતાં એતો અમને સરાપળા દેવા લાગ્યાં. ” કોઈ જાળું રહી ગયું હોય તો બરાબર લઈ લેજો ” હું મળીએ બેઠો બેઠો તેમની મધુર વાણી સાંભળતો હતો,તેવામાં હાથમાં વાટકી લઈને સલૂઆપાએ ફરીથી અમારા ઘરમાં દેખા દીધી. હું તો રંગમાં આવી ગયો. ‘ મેરે સામને વાલી ખીડકી મેં….એક ચાંદકા….ટુકડા..’વાળું કિશોરકુમારનું કર્ણપ્રિય ગીત મને યાદ આવી ગયું.

image source

” અરે અમીબુ , થોડી ચાની ભૂકી આપોને .કાલે એમને કહ્યું હતું કે ચાની પત્તી લેતા આવજો તો એતો હાથ હિલ્લોળતા આવેલા ને ચા લાવવાનું ભૂલી ગયેલા. એમને ચાની તલપ ઉપડી છે તમારા વરની જેમ.આ ભૂલકણા આદમીઓથી તો તોબા ભૈસાબ.” વાટકી ધરતાં એમણે માળિયા સામે જોયું ને દબાતા અવાજે તેઓ બોલ્યાં, ” તે આ કામવાળાને તમે બોલાવ્યો તો મને ના કહ્યું ? મારે પણ માળિયું સાફ કરે ઘણાં વરસ થઈ ગયા. આપણે બેય જણાએ ભાગીદારીમાં આ કામવાળાને રાખ્યો હોત તો સસ્તો ના પડત.? ” મારા મનમાં થયું કે જો ભાગીદારી કરવી હોય તો હજુએ આ બંદો તૈયાર છે.

image source

એજ સમયે એણે ચાની વાટકી આપવા હાથ લાંમ્બો કર્યો ને મેં માળિયે બેઠે બેઠે મો પરનું કપડું છોડ્યું. ને સલૂઆપાના હાથમાંથી ચાની વાટકી છૂટી ગઈ. આખા રૂમમાં ચાની કાળી કાળી ભુક્કી અમારાં કઉશુંના ચહરો પણ કળોમેશ ! અને સામે ઊભેલો ચમકતો અષાઢી પૂનમનો ચંદ્ર કાળી-ધોળી વાદળીઓમાં જેમ સંતાકૂકડી રમતો હોય તેમ ઘરના બારણામાંથી ક્યારે ગાયબ થઈ ગયો તેની ખબરેય ના પડી. હું તો આંખો ફાડીને જોઇજ રહ્યો !

image source

મારો તો દહાડો સુધરી ગયો એમ સમજતો હું પછી માળિયા પરથી નીચે ઉતર્યો. ત્યાંજ બારણે ટકોરા પડયા.મેં બારણું ખોલ્યું તો ટીવીની ચેનલવાળો ઊભો હતો. ” ભાઈ જરા તારા સાહેબને જલ્દી બહાર મોકલ ને આ દિવાળી નજીક આવી ચેનલનું બિલ લેવાનું છે.” બિલ મને પકડાવતાં એ ઉતાવળમાં હોય તેમ બોલ્યો. ” જરા ઉતવાળ રાખજે દોસ્ત મારે હજુ ઘણાં ઘર ફરવાનાં બાકી છે.’ ને તમે માનશો ? બારણે ઊભાં ઊભાં જ મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે ” હવે તો દિવાળી હોય કે હોળી કે પછી ભલે હોય ઇદ હવે હું કદી માળીએ નહીં ચડું.”

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ