રામાપીરનો ઘોડો ભાગ ૩ – ઓહ જયાની માતાને ગોળી વાગી છે અને એ દિકરી મજબુર છે નથી જઈ શકતી માતા પાસે…

પ્રકરણ : 1

પ્રકરણ : 2 

આગળના પ્રકરણ વાંચવા માટે એ પ્રકરણ પર ક્લિક કરો !!

રામાપીરનો ઘોડો

પ્રકરણ : ૩

મીની ટ્રક જુનાગઢની સરહદ પાર કરી ગયું હતું. બધા ઘાઢ નિદ્રામાં પોઢેલા હતા. ડ્રાઇવર અને એની બાજુમાં બેઠેલો રામજીબેજજાગતા હતા. બધાના મનમાં એમ કે આફત ટળી ગઈ અને ત્યારેજ સામેથી આવતી પોલીસની ગાડીએ એમને ઊભા રહેવા કહેલું. પોલીસવાન રસ્તાની વચોવચ ઊભી રહી ગઈ હતી. એમાંથી બે હવાલદાર રસ્તા ઉપર આવીને ઉભા રહી ગયા હતા. રામજીએ એના ભાઇબંધરમેશને ગાડી ઉભી રાખવા કહ્યું.
જેવી ગાડી ઉભી રહી એવાજ બે હવાલદારમાંથી એક આગળ અને બીજો પાછળ જઈને ઊભા રહ્યા.
“કોણ છો લ્યા? ક્યાંથી હાલ્યા આવો છો?”રામજી બેઠો હતો એ દરવાજો ખોલાવીને એક હવાલદાર પૂછતો હતો ત્યાંજ પાછળ ગયેલા હવાલદારે બૂમ પાડેલી,
“સાહેબ અહિંયા ચાર જણા છે. બે બાઇ માણહ, એક છોકરી છે પાછળ સાહેબ.” એ હવાલદારે ટ્રક સાથે ડંડો પછાડીને અવાજ કરતા બધા સફાળા જાગી ગયેલા.
જયાની મમ્મીએ જયાને ઉઠાડવા બૂમ મારેલી. પોલીસ વાનમાંથી બીજો પોલીસવાળો ઉતરીને પાછળ આવેલો. અહિં કાનજી પોલીસવાળાને એમને કેમ રોક્યા છે એ પૂછતો હતો. આગળ ઉભેલા હવાલદારે, રામજી અને રમેસ, બન્નેને નીચે ઉતારી દીધા હતા એ લોકો વચ્ચે પણ બોલાચાલી ચાલી રહી હતી. બીજા આવેલા પોલીસવાળાએ પાછળવાળા બધાને નીચે ઉતરવા બૂમો મારવાની ચાલુ કરેલી.
આ બધા કોલાહલથી જયાની ઊંઘ ઉડી ગયેલી, એનુ સુંદર સપનુ તૂટી ગયેલું !
પોલીસે બધાને ઉતારીને રસ્તાની એક બાજુએ લાઇનમાં ઊભા કરી દીધેલા. પહેલો રામજી પછી, કાનજી પછી, જયા અને એની મમ્મી, એમના પછી રમેશ અને બીજો યુવાન ઊભેલા.
“કેમ લા? આ છોકરીને અગવા કરીને લઈ જાવ છો?”
“ના, સાહેબ તમને કંઈ ગેરસમજ થઈ રહી છે. અમેતો અહિંનાજ રહેવાશી છીયે.”
“અચ્છા! તો અહિં શું કરો છો અડધી રાતે? આ બાઇ માણહ ને આ છોકરીને સાથે લઈને?”
“સાહેબ હમણા જ અમદાવાદથી ફોન આવેલો. ચાર જણા એક બાઈ હારે એક છોકરીને કિડનેપ કરીને આ બાજુ જ ભાગી આવ્યા છે, મીની ટ્રકમાં.”
“ના, ના સાહેબ, તમે મોટી ભુલ કરો છો. આ મારી દીકરી છે, જયા! મારી પોતાની દીકરી, આ મારી પત્ની ને આ મારો સગો ભાઇ છે.”
“ચૂપ…” પોલીસવાળાએ એક ડંડો કાનજીના પગ ઉપર ફટકાર્યો.
બીજા હવાલદારે પણ રામજીને અને બીજા બે છોકરાઓને એક એક ડંડા ફટકાર્યા. કાનજી શીવાયના દરેકના મોઢામાંથી રાડ નીકળી ગઈ.
“ચાલો લઈલો બધાને અંદર, બધી હરીશચંદ્રની ઓલાદો છે. બધા સાચુ જ બોલતા હોત તો આપણી જરુર જ ક્યાં રેત!”
બધાને પોલીસ વાનમાં બેસાડયાં. વાન ઉપડી. કાનજીને વાત કરવાનો કોઇ મોકો જ આપતુ ન હતું છતાં, એણે મન મનાવ્યુ કે પોલીસવાળાથી કંઈક ગફલત થઈ રહી છે. સચ્ચાઇનો ખયાલ આવતાજ એમને જવા દેશે.
આ બાજુ જયા થોડી હતાશ થઈ ગઈતી. રહી રહીને એને થતું હતું કે, આ જે પણ બની રહ્યું છે એ જાણે અજાણે એને લીધે જ થઈ રહ્યું છે, એના રુપને લીધે!એને થયુ કે કાશ એ આટલી રુપાળી ના હોત!સાવ સામાન્ય છોકરી જેવી જ હોત તો આમ એ કોઇની નજરે ના ચઢત!કોઇ એનો પીંછો ના કરત, એને ઉઠાઇ જવાની કોશિષ ના કરત!એના માબાપ બિચારા આમ અડધી રાતે છોકરીને લઈને ભટકતા ના હોત! એને એના પોતાના પર જ ગુસ્સો આવી ગયો, શું જરુર હતી આટલુ સારુ પરિણામ લાવવાની? જો એ પેલા નેતા પાસે, ઇનામ લેવા સ્ટેજ પર ના ગઈ હોત તે દિવસે તો કોઇ મુસિબત ના આવી હોત. એક પળ થયુ કે જયા તું આ કેવુ વિચારી રહી છે? તારા માબાપ, બાપા, તરત દોડી આવેલા આ કાકા, આ ગામવાસીઓ બધા અહિં સિદને દોડી આવ્યા હતાં? કેટકેટલુ માન છે, ભરોશો છે, ઉમ્મીદ છે તારા ઉપર. અને તુ આમ સાવ છેલ્લે પાટલે બેસી જઈશ? પણ મારાં મમ્મી પપ્પા?
લાગણીશીલ જયાનું મન ભરાઇ આવ્યું. એને રડવું હતું, ચીસો પાડીને આ બધાનો વિરોધ કરવો હતો પણ, એ કંઇજ કરી શકતી ન હતી. એની આંખો ભરાઇ આવી હતી. કોઇ એ જોઇ ના જાય એટલે એણે સહેજ ડોકી ગુમાવી લીધી. એ હાલ જે સ્થિતિમાં બેસી હતી એમાં એને ગાડી ચલાવનાર નો ચહેરો થોડો થોડો દેખાતો હતો. એ કંઈક પરિચિત કેમ લાગતો હતો? જયાએ સહેજ વધારે આગળ નમીને જોવાનો પ્રયાસ કર્યો. ઓ બાપરે!આ હલકટ પીંછો કરતો કરતો છેક આટલે સુંધી આવી ગયો?

આ ડ્રાઇવર એજ હતો જે સવારે એના ઘરે આવેલો, એને અને એની મમ્મીને લઈ જવા!સવારે તો જયાએ એને બરોબરનો બનાવેલો, અત્યારે એવડો ઇ એમને બધાને બનાવી ગયો હતો! મતલબ કે આ પોલીસ પણ નકલી છે. એવુ હોઇ શકે? એણે એના પપ્પા સામે જોયુ. પપ્પાએ તરત એની નજરમાં નજર પરોવી. જયાએ ધીરેથી ખાલી હોઠ ફફડાવ્યાં, “ડ્રાઇવર ભુજવાળો”

કાનજી સમજી ગયો. આજના એક દિવસે એને સખત સતર્ક બનાવી મુકેલો. સહેજ પણ ગાફેલ રહે ચાલે એમજ ન હતુ. એમની એકની એક, લાડકવાઇ દીકરીની જિંદગીનો સવાલ હતો. એમણે છેલ્લે સુંધી લડી લેવાનો નિર્ણય કરેલો. ને હવે તો એનો ભાઇ પણ એની સાથે હતો!

કાનજીનું મગજ ફટોફટ વિચારવા લાગેલુ. એ લોકો ચાર જણા હતા, બે હવાલદાર, એક ઇન્સ્પેકટર અને એક ડ્રાઇવર. આ બાજુ કાનજી, એનો ભાઇ અને બીજા બે છોકરા એમ એ લોકો પણ ચાર હતા. કાનજી સિવાયના ત્રણે જરા બળિયા હતા.વાંધો નહીં આવે લડી લેવાશે, લડવુંજ પડશે હવે. હજી એ લોકો બહુ આગળ નહતા ગયા. જ્યાં એમનુ ટ્રક ઉભુરાખેલુ ત્યાંથી એકાદ બે કિલોમીટર જેટલાંજ દુર ગયા હશે.

વાનમાં દરવાજા આગળ બન્ને હવલદાર સામસામે બેઠેલા. એમાના એકની બાજુમા કાનજી અને બીજાની બાજુમા રામજી બેઠો હતો. રામજીની બાજુમાં જયા અને એની મમ્મી હતા. કાનજીનીબાજુમારમેશ અને એક બીજો છોકરો. રસ્તામા બંપ આવતા ગાડી સહેજ કુદી હતી. બધા લોકો એમની જગા ઉપર થોડા ઉછળ્યા. કાનજીએ એ તકનો લાભ લીધો, એ હાથે કરીને થોડુ વધારે ઉછળ્યો ને બાજુમાબેઠેલા હવાલદારની ઉપર પડ્યો.

આ વખતે એણે બે કામ એક સાથે કર્યા. એક તો એણે બાજુવાળા હવાલદારને જોરથી પેટમાં પાટુ માર્યુ અને રામજી ને બૂમ પાડી. “હલ્લો કર! પોલીસ નકલી છે.”
રામજી પણ આવુ કંઈક કરવાનુ વિચારતો જ હતો પણ મોટા ભાઇ સાથે મસલત કર્યા વગર કરવુ કે કેમ એ વાતે મુંજાતો હતો. એને લીલી ઝંડી મળતાજ એણે એક બીહામણી રાડ સાથે બાજુવાળા હવાલદારના માથા પાછળથી હાથ નાખી એનુ માથુ ભરડામાં લઈ લીધું. બીજા હાથે એક મુક્કો એના મોઢા પર ઝનૂનથી લગાવી દીધો પેલાને તમ્મર આવી ગયા. એને નીચે ફેંકીને એક લાત એના પેટમા લગાવી. હવે એકસાથે બધા એક્શનમાં આવી ગયેલા. રામજીએ પેલા નીચે પડેલાને છોડીને કાનજીનીબાજુવાળા હવાલદાર પર ઘુસાનો પ્રહાર ચાલુ કરેલો. જયા અને એની મમ્મી એકબાજુ ઊભા રહી ગયેલા. બરોબર આજ વખતે આગળ બેઠેલા પોલીસવાળાએ ગાડી ઊભી રખાવેલી. એક જોરદાર વળાંક સાથે ગાડી ઊભી રહી. અંદરના બધા એક બાજુ લથડીયુ ખાઇ ગયેલા. જબરી ત્વરાથી પોલીસવાળો એનો દરવાજો ખોલી ચાલુ ગાડી એ જ બહાર કુદી ગયેલો. ગાડી ઉભી રહી જતા કાનજીએ દરવાજોખોલેલો, એ દરવાજો ખોલીને બહાર કુદ્યો કે સામે પોલીસવાળાને પિસ્તોલ તાકીનેઉભેલો જોયો.

“હેન્ડસ અપ. હાથ ઉપર નહીતર હું ગોળી ચલાવી દઈશ. બધાના હાથ આપો આપ ઉપર થઈ ગયા. હાથમાનીપિસ્તોલથી જ બધાને અંદર રહેવાનો ઇશારો કરતો એ કાનજીની નજીક પહોંચેલો. કાનજી માટે આ ઘડી કરો યા મરો સમાન હતી. એણે કંઈ પણ વિચાર્યા વિના એક જોખમી પગલુ ભર્યુ. પોલીસવાળાએ એને અંદર જવાનો ઇશારો એના હાથમા રહેલી પિસ્તોલ વડે કરેલો. કાનજીએ જાણે એ અંદર જતો હોય એવો દેખાવ કરીને જ ઓચિંતા જ પાછળ ફરીને પેલાનો પિસ્તોલવાળો હાથ પકડી લીધો.

“ભાગો, ભાગો બધા. રામજી આના ગજવામાથી ચાવી લઈલે.” કાનજી અને પોલીસવાળા વચ્ચે પિસ્તોલ માટે ખેંચતાણ ચાલતી હતી.

રામજી કાનજીની વાત સમજ્યો અને એણે પોલીસવાળાના ગજવામાથી ચાવી નીકાળી લીધી. પેલો અંદર બેસેલો ડ્રાઇવર પણ બહાર આવી ગયેલો એની અને રમેસ વચ્ચે મારામારી ચાલુ હતી. અંદરના બન્ને હવાલદાર માટે એક ગામડીયો યુવાન પુરતો હતો.

“ભાગીજા…જયા, રામજી હારે તું અને તારી મમ્મી, જાઓ જલદી કરો.”

“પણ પપ્પા તમે?” જયા રડમસ અવાજે બોલી હતી.
“હું આવી જઈસ પેલા તું ભાગ.”

રામજીએ એક હાથમા જયાનો હાથ પકડી એને ભગાવી. “મમ્મી ચાલ.” જયાએ એની મમ્મીનો હાથ પકડ્યો હતો.
“ધાંય્….” એક ધડાકો થયો.
જયાની મમ્મીને ગોળી વાગી. એના છાંટા એની બાજુમા રહેલી જયાના ચહેરા અને કપડા પર ઉડ્યાં. જયાની મમ્મીનો હાથ જયાના હાથમાંથી છુટી ગયો. એ નીચે ફસડાઇ પડી.

જયાની મમ્મીને ગોળી વાગી હતી. એના લોહીના છાંટા જયાના ચહેરા અને કપડાં ઉપર ઉડેલા. જયા આ ઘટનાથી હેબતાઈ ગયેલી. આ દોડધામનું આટલું ભયંકર પરિણામ આવશે એણે એની મમ્મી ગુમાવવી પડશે એવું તો એણે કલ્પ્યું જ ન હતું. એના માટે આ ક્ષણ એના જીવનની સૌથી વરવી ક્ષણ હતી. એને થયું કે એની મમ્મીની મદદ કરે, એનો હાથ પકડીને એને હોસ્પિટલ લઇ જાય. એના પપ્પા ક્યાં ગયા? એ કેમ અહીં, આ બાજુ હજી આવતા નથી, ક્યાંક એમને પણ તો ગોળી…! ના, ગોળીનો બીજો અવાજ એણે નહતોસંભળાયો એટલે એના પપ્પા સલામત હતા. કમસેકમ હાલ એમને ગોળી તો નહતી જ વાગી. એકજ પળમાં આ બધા વિચાર જયાના કોમળ મનમાં આવી ગયા અને એણે ચીસ પાડી…
“મમ્મી…..!” જયાએ આખો હાઇવે ધ્રુજાવતી ચીસ પાડી.

પરિસ્થિતિની ગંભીરતા સમજી રામજીએ દોડવાનુ ચાલુ રાખ્યુ. એની સાથે જયા ઢસડાતી જતી હતી. દુરથી એક ગાડી આવી રહી હતી. રામજીએ રસ્તાની વચ્ચે ઉભા રહી, ગાડી રોકાવી.

“કોણ છે?” વિરલે પુછ્યુ. એ પાછળનો દરવાજો ખોલી બહાર આવ્યો.
“મદદ કરો, આ નો જીવ બચાઓ.” રામજીહાંફી રહ્યો હતો,છતા બોલે જતોતો.
“રામજી કાકા તમે?” ધવલ ડ્રાઇવિંગ સીટ પરથી ઉતરી બહાર આવ્યો.
“કોણ સે? ધવલા! આ જયા ન લઈજા. જલદી કર બાપલા, હારું થયું તું અત્યારે મળી ગયો. ક્યાંય રોકાતા નહિ, સિધ્ધાં સુરત ભેગા થઇ જજો હું ત્યાં આવીને જયાને લઇ જઈશ.”
“આ જયા છે? થયુ છે શું?” લોહી વાળી જયાને જોતા ધવલે આશ્ચર્યથી પુછેલુ.
“ઇ હંધુયે તારા ઘરે આઇ ન કયે. હાલ લઈ જા.” રામજીઆટલુ બોલે ત્યાં સુંધીમા જયા બેહોશ થઈ નીચે ઢળી પડી.

“ઓ.કે. દોસ્તો આમને મદદની જરુર છે, આપણે કરીશુ.” વિરલે પાછળનો દરવાજો ખોલ્યો, રામજીએ જયાને ઉઠાવીને સીટને અઢેલીને બેસાડી. એની બાજુમા વિરલ બેઠો.
વલે ગાડી મારી મુકી, સુરત તરફ.
વિરલ પાછળની સીટમાં બેઠો હતો અને જયાને એની બાજુમાં સુવડાવેલી. સીટને અઢેલીને બેઠેલી જયા હજી બેહોશ હતી, એની આંખો બંધ હતી અને એ બંધ આંખો વિરલને પોતાની તરફ ખેંચી રહી હતી !
આજ સુધી વિરલે અસંખ્ય છોકરીઓ જોયી હતી. સુંદરમાં સુંદર પણ કોઈને જોઇને એણે આવું મહેસુસનહતું થયું!હાલ એ જે કંઈ અનુભવી રહ્યો હતો એ અદ્ભુત હતું. જયાની બંધ આંખોનાપોપચા એને દુનિયામાં જોયેલી હર એક ચીજ કરતા વધારે સુંદર લાગી રહ્યાં હતા. ધવલ ગાડી ચલાવતો હતો અને આયુષ આગળ ધવલની બાજુમાં બેસેલો, અહી પાછળની સીટ પર વિરલ દુનિયા ભુલાવીને જયાની બંધ આંખોના પોપચા નિહાળતો બેઠો હતો. બે મોટી, બદામ આકારની આંખોના ગુલાબી પોપચાં કેટલા સુંદર લાગતા હતા….એની કિનારે ઘાટા કાળા રંગની લાંબી પાંપણ જેના છેડા ઉપરની તરફ વળેલા હતા!એ ગુલાબી પોપચાં પર ઝીણી ભૂરી, નસ દેખાતી હતી, વિરલ એ નાદાન નસને જોવામાં વ્યસ્ત હતો. બરોબર એજ વખતે જયા ભાનમા આવેલી. જયાએ આંખો ખોલી હતી.

આહ…! કેટલી સુંદર હતી એ આંખો! જયાની બે મોટી, કથ્થઈ આંખોમાં વિરલ જાણે ધીરે ધીરે ડુબી રહ્યો હતો, અચાનક એના નાક ઉપર એક મુક્કો પડ્યો. બરોબર નાકના આગળના ટોચકા પર જ પડેલા જોરદાર મુક્કાએ વિરલના મોંમાથી એક હળવી ચીસ નિકાળી દીધી!એ જયાથી દુર ખસીને એનુ નાક પંપાળી રહ્યો હતો. આટલેથી હજી પતતું ના હોય એમ જયાએ ફરીથી વિરલ પર હુમલો કરેલો. એ બન્ને હાથની મુઠ્ઠીઓ વાળી વિરલના ચહેરા પર ટુટી પડી . એક મુક્કો નાક પર પડ્યા પછી વિરલ સચેત જ હતો, એણે એનુ નાક છોડી એક હાથમા જયાનો એક હાથ અને બીજા હાથમાં બીજો હાથ પકડી લઈ, જયાને સીટ તરફ ધકેલવાનો પ્રયાસ કર્યો. હવે આજ પળે ધવલે પાછળ કઈક ગરબડ થતી જોઇને ગાડીને સાઇડમા લઈને બ્રેક પર પગ દબાવેલો. ગાડી એક આંચકા સાથે ઊભી રહી ગયેલી.
જયા વિફરેલી વાઘણની જેમ જનૂને ચડેલી. બન્ને હાથ પકડાઈ જતાં એણે લાત મારવા એક પગ ઉપર ઉઠાવેલો, ગાડીના આંચકાથી એ સહેજ લથડી, સમતુલન ગુમાવી નીચે પડી. વિરલ પણ જયાના બન્ને હાથ પકડી રાખવાની મથામણમા જયાની પાછળ જ ખેંચાઇને નીચે પડ્યો.

ધવલે ગાડીમાથી બાર કુદીને ગાડીનો પાછલો દરવાજો ખોલ્યો. એને એમ કે જયા વિરલને મારી રહી છે પણ અહિં તો કંઈક ઔર જ નજારો જોવા મળ્યો. નીચે જયા અને ઉપર વિરલ, બન્ને ગાડીની આગલી અને પાછલી સીટ વચ્ચેની જગામા નીચે પડેલા હતા.

“વિરલ..! આ શું કરે છે? ઉભોથા.”ધવલે બુમ મારેલી.
“પહેલા આને કે મારવાનુ બંધ કરે.”
“જયા..! જયા શાંત થઈજા બેન. એને જવાદે. ”
જયા ભાનમા આવી એવીજ એને એની મમ્મીની યાદ આવી ગઈ હતી. લોહી લુહાણ હાલાતમાં એને રસ્ત્તા પર છોડીને એ એના કાકા સાથે ભાગી રહી હતી, એને ચક્કર આવતા હતાં, માથું ગોળ ઘૂમતું હતું, પછીનું કંઈ એને યાદ ન હતું. આંખ ખુલતા જ એની સામે ઘુરી રહેલી વિરલની આંખો જોઇ એ થોડી ગભરાઇ હતી. એને એમ કે ગુંડાઓએ એને પકડી લીધી…. ને, સ્વબચાવમાં એણે એક મુક્કો વિરલના નાક પર જડી દિધેલો. એને એના માબાપ પાસે જવું હતું. એના માટે એ હવે પુરી તાકાતથી લડી લેવા તૈયાર હતી. ધવલનો પરિચિત અવાજ અને જયા સાંભળી એ અટકી હતી. એને શાંત થયેલી જોતા વિરલે એના બન્ને હાથ છોડ્યા અને એ ગાડીની બહાર આવ્યો અને જયાનો એક હાથ પકડી એને પણ બહાર નિકાળી. જયા હેબતાયેલી, હેરાન – પરેશાન, ત્રણ અજાણ્યા છોકરાઓ સામે એકલી, સુમસામ હાઇવે પર ઉભી હતી. વિરલ હજી એનુ નાક પંપાળી રહ્યો હતો. આયુષ ઘડીક જયા સામે જોઈ મોઢું બગાડતો વિરલના નાક પર ફુંક મારી રહ્યો હતો. ધવલને શું બોલવુ એ સુઝતું ન હતુ છતાં એણે ચાલુ કર્યુ,

“જો જયા તને કંઈક ગલતફેમી થઈ લાગે છે. અમે લોકો તારી મદદ કરી રહ્યા છિયે. રામજી કાકાએ જ કહેલુ તને અમારી સાથે લઈ જવાનું.”

રામજીકાકાનુ નામ સાંભળી પુતળા જેવી ઉભેલી જયાની આંખમાં ચમક આવી, “કાકા ક્યાં છે? મારે એમની પાસે જવું છે.”

“એ તો મને ખબર નથી. એમણે ફક્ત એટલું જ કહેલુ કે તને અમારી સાથે લઈ જઈએ પછીથી એ ઘરે આવીને તને લઈ જશે.”

“ના. મારે ક્યાંય નથી આવવું. તું મને આપણે ગામ મુકીદે.”

“ગામ તો બહુ દુર રહી ગયુ બકા. આપણે છેક અમદાવાદ આવી ગયા.” ધવલ એને સમજાવી રહ્યો.

“તો તું મને કોઇ બસસ્ટેન્ડ પર છોડી દે હું મારી મેળે જતી રહીશ.” ગભરાયેલી જયા કોઈ પણ ભોગે જલદી પોતાના પરિવાર પાસે પહોંચી જવા ઈચ્છતી હતી.

“એ શક્ય નથી!” ક્યારનોય ચૂપ ચાપ બધું સાંભળી રહેલો વિરલ બોલ્યો, “ સુમસામ રસ્તા પર, અડધી રાતે, એકલી છોકરીને મુકીને અમે ના જઈ શકીયે.તારા કાકાએ અમારા પર ભરોસો મૂક્યો છે, હું એ તૂટવા નહિ દઉં.”

“તો તુય ચલ મારી સાથે.” જયાને વિરલ પર હજી ખીજ ચઢેલી હતી.
વિરલ એક પળ જયા સામે જોઇ રહ્યો. બેહોશીમાં માસુમ, નાની બાળકી જેવી લાગતી આ યુવતી અત્યારે ગુસ્સામા જીદે ચડેલી, અલ્લડ યૌવના સમાન ભાસતી હતી. એને આજે ને આજે જ ફરીથી પ્રેમ થઈ ગયો, એ પણ એની એજ યુવતી સાથે!એ યુવતી એને ભલે ખીજાઇને જ કહેતી હોય એ એની સાથે જવા તૈયાર હતો. વિરલના ચહેરા પર અનાયાસ જ સ્મિત આવી ગયું.
“ખુશીથી, તું કહે કે ના કહે, હું તારી સાથે જ રહીશ અને તને સલામત તારા માબાપ પાસે પહુંચાડીશ પણ, અત્યારે નહિં. તારા કાકાએ તને સુરત લઈ જવાનું કહ્યું છે, એમણે કંઈક તો વિચાર્યુ હશેને? એકવાર સુરત ભેગા થઈ જઈયે પછી તારા ગામ ફોન પર વાત કરીને જઈશુ.”

“તે ફોન હાલ જ કરને.” જયાએ ધારદાર આંખે જોતા કહ્યું.
વિરલ સહેજ હસ્યો.

“મને મારી મમ્મીની ચિંતા થાય છે, એને ગોળી વાગી છે. પપ્પા પણ ગુંડાઓ સાથે લડી રહયાં હતા, એ મને ભાગી જવાનું કહેતા હતા. એ બધાનુ શું થયુ હશે?” જયા મમ્મી પપ્પાની યાદ આવતા ઢીલી પડી ગઈ. એની આંખમાંથી ગુસ્સો ઓગળી ગયો અને આંસુ વહી રહ્યા.

“તારા મમ્મી પપ્પાએ એ બધુ સહન શા માટે કર્યુ? તારા માટે! ગુંડાઓ સાથે લડ્યા, ગોળી ખાધી, શા માટે? તારા અને ફક્ત તારા માટે!તને સલામત જોવા માટે. તો તું શું થોડા દિવસ એમનાથી દુર ના રહી શકે? તને એમની ચિંતા છે, એ સ્વાભાવીક છે, ચિંતા થાય. આપણે એમની તપાસ સુરત પહોંચીને તરત કરાવીશુ. ધવલના પપ્પા પાસે ગામમાંથી કોઇકનો નંબર હશે.”

“વિરલ સાચુ કહે છે જયા. તું મારા ઘરે ચાલ, તારી સાથે જે કંઇ બન્યુ એ મારા પપ્પાને જણાવજે એ જાતે તને ગામ લઈ જસે.” ધવલે જયાને સમજાવી.

“અરે યાર મને તો આ કોઇ પાગલ છોકરી લાગે છે. એના ઘરવાળાએ એનાથી પીંછો છોડાવવા આપણા ગળે વળગાડી દીધી! એને જો અહિં જ ઉતરવુ હોય તો ઉતારી દો.” આયુષે એનો અભિપ્રાય આપ્યો.

“અચ્છા, અને નિર્ભયા કાંડ જેવો કોઇ શર્મનાંક હાદસો થાય એટલે તું બધાને કેંડલમાર્ચ કરવાનો મેસેજ કરીને ફેસબુક પર હિરો બનજે, હોં! વિરલે સહેજ ઉંચા સાદે કહ્યુ, “વોટ્સએપ પર બધાને લખીને મોકલજે, રસ્તે ઊભેલી એકલી છોકરી આપણી જવાબદારી છે, ચાન્સ નહિં!”
“હા, સાચેજ જવાબદારી છે.” આયુષ વિરલની વાતોમાં આવી ગયો.

“તો જવાબદરીને ઘરે લઈ જવાની કે રસ્તે છોડી દેવાની?”

“ઘરે લઈ જવાની, બોસ! ચલો જયાજી, તુસી ધવલકી બેન તો તુસી મેરી ભી બેન હો જી!” આયુષ જ્યારે બહુ ખુશ હોય ત્યારે પણ પંજાબીમાં બોલતો.
આખરે પાછા બધા ગાડીમાં ગોઠવાયા. જયાને થયુ કે આ બધા છોકરાઓ સાથે સમય બર્બાદ કરવો એના કરતા ધવલને ઘરે પહોંચી જવુ વધારે સારુ છે. ધવલના માબાપને એ સારી રીતે ઓળખતી હતી. ધવલના પપ્પા એના બાપાને કેટલુ માન આપતા હતા એ જયાને ખબર હતી. જયાને હવે ફરીથી વિરલ સાથે નહતું બેસવું. આજની એક રાતે એની જિંદગીમાં જે જે બનાવ બની ગયાં એ બહુ હતું, હવે એને એમાનોએકે એને ફરી નહતો બનવા દેવો. જયાને એમ કે ધવલ ગાડી ચલાવશે એટલે એ જઈને આગળની, ડ્રાઇવરની બાજુની સીટમાં જઈને બેઠી. ચલો, ઠીક છે કહીને આયુષ પાછળની સીટ પર ગયો. ધવલ ડ્રાઇવિંગ સીટ પરનો દરવાજો ખોલવા જ જતો હતો કે વિરલે કહ્યુ,

“યારા… તું ક્યારનો ડ્રાઇવ કરે છે થાક્યો હોઇશ, લાવ ચાવી હવે હું ચલાવી લઈશ.”
“હા,યાર! લવ યુ!” ધવલે ચાવી હવામા છૂટ્ટી ફેંકી વિરલે એને પકડી લીધી.
દરવાજો ખોલીને અંદર બેસતાજ વિરલે જયા તરફ જોઈ એક સ્મિત ફરકાવ્યુ. જયાએ એના હોઠના એક ખુણાને સહેજ લાંબો ખેંચીને, નજરને સામેની તરફ વાળી લીધી. વિરલ ગાડી ચાલું કરતાં કરતાં ફરીથી એકલો એકલો હસી પડ્યો.
આજની એકજ રાતમા એ ત્રીજી વખત પડ્યો હતો, પ્રેમમાં! અને એ પણ એની એ જ છોકરી સાથે! એણે ગાડીની ચાવી ગુમાવી અને એક્ષિલેટર પર પગ દબાવ્યો….

સવારનો સુર્યોદય થઈ રહ્યો હતો. ઉગતા સુરજ સામે જયા જોઇ રહી હતી. એમની ગાડી વરાછા ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહી હતી.પાછળ આયુષ અને ધવલ બન્ને ઘોર નિંદ્રામાં પોઢી ગયા હતા. સુરજના સોનેરી કિરણો ગાડીની બારીમાંથી પ્રવેશીને જયાની વિખરાયેલી લટોને ચુમીને વિરલ પાસે પહોંચતા હતાં, વિરલના શરીર પર એ કિરણો સુખદ હૂંફ અર્પી રહ્યા હતા. વિરલના ચહેરા પર એક સુંદર, રમતિયાળ સ્મિત રમી રહ્યું હતું.

“વેલ કમ ટુ સુરત! કાલે રાત્રે અજાણતા હું કોઇ ભુલ કરી બેઠો હોવ તો, આઇ એમ સોરી! તને ઠેસ પહુંચાડવાનો મારો સહેજેય ઇરાદો નહતો. જે કંઈ પણ થયું એ એક અકસ્માત હતો.” વિરલે ખુબ જ શાંતિથી, પ્રેમથી કહેલુ.
જયાને પણ થયુ કે, વગર વિચારે બિચારાના નાક ઉપર મુક્કો મારી દીધો મારે પણ એની માંફી માંગવી જોઇએ પણ, એ કશું જ ના બોલી, ના બોલી શકી !

સુરત તાપીને કિનારે આવેલા એક વૈભવી બંગલા આગળ વિરલે ગાડી થોભાવી અને પાછળ ફરીને ધવલ અને આયુષને બૂમ મારી. એ બેઉ જણા એક્બીજાની ઉપર એમના પગ નાખીને ગાડીની પાછલી સીટ પર સુતા હતા.
“ધવલીયા ઉઠ!અબે તારું ઘર આવી ગયુ. જાગી જા અલ્યા.” વિરલે ગાડીનો પાછળનો દરવાજો ખોલીને ધવલને હલાવ્યો. “ઊંઘવા દે ને યાર!” આંખો બંધ રાખીને ધવલે આટલો જ ઉત્તર આપ્યો.

“જા ઊંઘ સાલા ગેંડા.” વિરલે દરવાજો પાછો બંધ કર્યો.
“વિરલ.”

વાહ! રુપાની ઘંટડીએ આટલુ મીઠું નહી રણકતી હોય! જયાએ વિરલને બોલાવેલો. વિરલને એનું નામ આટલું વહાલું આજ પહેલા ક્યારેય નહતુ લાગયું. એણે જયા સામે જોયું. અત્યાર સુંધી એણે જયાને રાતના અંધારામાં જ જોઇ હતી. સવારના ઉજાસમાં એને જોતાજ એ પાછો પડ્યો, ચોથી વાર, પ્રેમમાં! એની એજ છોકરી…!
સવારના ઉજાસમાં જયાનો રતુંબડો ચહેરો ચમકી રહ્યો હતો. એના આછા ગુલાબી કપડાં ઉપર લોહી ઉડેલું દેખાઇ આવતું હતું. એના ચહેરાં અને ગરદન પર પણ હજી લોહીના છાંટા દેખાતાં હતાં. એના મુખ પર અને ખાસ કરીને એની આંખોમા એક અજીબ ઉદાસી ભરેલી હતી. એને ઉદાસ જોઇને વિરલનું સ્મિત પણ વિલાઇ ગયુ.

“તમે મને ધવલ ભાઇનુ ઘર બતાવી દો હું જતી રહીશ.” વિરલ પોતાને બાઘાની જેમ તાકી રહ્યો હતો એ જોઇ જયા બોલી.

“તારી ઉદાસ આંખમાં સપના ભરી શકુ, મારું ગજું નથી કે તને છેતરી શકુ!” વિરલ સ્વગત બોલ્યો.
“કંઇ કહ્યું?”

“ના.” વિરલે નકારમાં માથું ધુણાવ્યું. એ આગળ ચાલ્યો પાછળ જયા. જ્યાં ગાડી ઉભી હતી એ વિરલનું ઘર હતું. એનાથી એક ઘર છોડીને, સામેની લાઇનમાં ધવલનું ઘર હતું.

ધવલના ઘરે એની મોટી બહેન રુચા અને એના માં-બાપ હાજર હતાં. જયાએ એની ઓળખ આપતા જ એ લોકો એને ઓળખી ગયેલાં. પહેલા વિરલે અને પછી જયાએ ધવલના પપ્પા વસંતભાઇને બધી વાત કરેલી. એમણે જયાને હિંમત આપેલી અને કોઇ પણ જાતના સંકોચ વગર કાકાને ઘરે રોકાવાની સંમતી આપેલી. રુચાને તો એક નવી બહેનપણી મળી ગયેલી, જયાને જોઇને એ સૌથી વધારે ખુશ થઈ. વસંતભાઇએ એજ વખતે એમના જાણીતા અને ગીરમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે કામ કરતા મિત્રને ફોન જોડેલો. જયાના ગામમાં નેટવર્ક નહતુ! એ મિત્રએ જયાના ઘરે તપાસ કરી ફરી ફોન કરવાનું કહેલ. જયા ગામડેથી ફોન આવે એની રાહમાં અધીરી થઈ રહી હતી. છેક સાંજે જયાના દાદાનો અવાજ સાંભળાયેલો, ફોન ઉપર. એમણે જે કંઈ જણાવ્યું એ કંઈક આ મુજબ હતું…

જયાને ગાડીમાં બેસાડી રામજી પાછો એના મોટા ભાઇ કાનજીની મદદે ગયેલો. જયાની મમ્મીને ગોળી વાગતાં, નકલી પોલીસ ગભરાઇ ગઈ હતી.પેલા ડ્રાઇવરે મયંકને ફોન ઉપર બનાવની વિગત આપેલી એણે તરત બધાંને ત્યાંથી ભાગી જવા જણાવેલું. પિસ્તોલ કાનજીના હાથમાં રહેવા દઈને નકલી ઇન્સપેક્ટર ભાગીયો હતો. એ બધા એમની નકલી પોલિસવાનમાં ભાગી ગયેલા. કાનજી એની પત્ની પાસે પહુંચેલો. એને હાથે ગોળી વાગી હતી. એ હજી થોડી ભાનમા હતી. કાનજીએ એને ઉભી કરી અને ટેંકણ આપી ધીરે ધીરે ચલાવી પછી રસ્તા ઉપર લઈ આવ્યો હતો. એ જ વખતે રામજી અને પેલા બીજા બે છોકરાઓ પણ ત્યાં આવી ગયેલા. રામજીએ જણાવેલું કે જયાને સલામત જગાએ પહુંચાડી દીધી છે હવે એની જરાયે ચિંતા ના કરતા. રામજી પાસે એની મીની ટ્રકની ચાવી હતી એ લઈને રમેસ ગયો અને વાહન ચલાવીને જ્યાં કાનજી ઊભો હતો, એની પત્ની સાથે ત્યાં લઈ આવેલો. જયાની મમ્મીને સીધી હોસ્પિટલ લઈ ગયેલા. હાથે ગોળી વાગેલી હોવાથી, પોલીસ કેસ છે એમ કહીને છેક સવાર પડી ત્યાં સુંધી સારવર નહતી અપાઇ. ઘરના બધા લોકો એક બે આગળ પડતા ગામવાળાને લઈને હોસ્પિટલ ગયા અને ભુજથી ગામડે આવતા રસ્તામાં કોઇ તોફાની તત્વોએ લૂંટના ઇરાદે હુમલો કરીને ગોળી ચલાવી, એવો રિપોર્ટ લખાવ્યો એ પછી જ સારવાર અપાઇ હતી. એટલેજ ફોન કરવામાં વાર લાગેલી.
છેલ્લે જયાના સવાલ, “મમ્મીને કેમ છે?” નો જવાબ આપતા એના દાદાએ કહેલું,
“એનો એક હાથ ખભેથી થોડે આગળથી કાપી નાખવો પડ્યો! ગોળીનું ઝેર આખા હાથમાં ફેલાઇ ગયું હતું. દાકતરે કહેલું જો વહેલા સારવાર ચાલું કરાઇ હોત તો હાથ ના કાપવો પડત. કાનજીતો બિચારો વેળાસર જ એની પત્નીને દવાખાને લઈ ગયેલો પણ, ગરીબ માણસનુ કોણ સાંભળે? ઓલુ ફોર્મ ભરો ને, પેલુ ફોર્મ ભરો ને, પોલીસ કેસ છે એમ કહી કહીને એમણેજ તો મોડું કરાવેલું. હશે, જે ભગવાનને ગમ્યું તે ખરું!ગરીબોનું તો એય ક્યાં સાંભળે છે! તારી મમ્મીને હવે ઠીક છે. તું જરાયે ચિંતા ના કરતી.”

જયાને થોડા દિવસ સુરતમાં જ રોકાવાનું કહીને એના દાદાએ વસંતભાઇનો આભારમાની ફોન મુકી દીધેલો. અહીં જયાની હાલત કફોડી હતી. નવા વાતાવરણમાં મમ્મી-પપ્પા વગર એને એકલીએ રહેવાનું હતું. એને વારે વારે એની મમ્મી પાસે દોડી જઈને એને ભેંટી પડવાનુ મન થઈ આવતું. એ બિચારી કોના ગૂનાની સજા ભોગવી રહી હતી? એના પપ્પા અત્યારે કેટલી તકલીફ અનુભવતા હશે? શેના માટે? એમનો કોઈ વાંક ગુનો ખરો? જે ગુનેગાર છે એ તો આરામથી બહાર ફરે છે અને અહી એમનું નાનકડું કુટુંબ વેરવિખેર થઇ ગયું!એના પપ્પા પર અત્યારે શી વીતતી હશે?વરસોની એમની નોકરી છૂટી ગઈ, એમનું મહેનતથી વસાવેલું નાનકડું ઘર ટૂટી ગયું, એમની પત્ની અપંગ હાલતમા હોસ્પિટલના બિછાને પડી હતી અને એમની એકની એક, પાછલી અવસ્થામાં કાન્હાની ક્રુપાથી જન્મેલી, વહાલસોયી દીકરી એમનાથી દૂર હતી. કોઇકની મહેરબાની પર જીવતી હતી. બાપાએ સાચુજ કહેલું, “ભગવાનેય ગરીબોનો નથી! એનેય મીઠાઈનો અને ઘીના દીવાનો ચસકો લાગી ગયો!”

એક અઠવાડીયુ પસાર થઈ ગયુ. ગામડેથી કોઇ સમાચાર ન હતા. ત્યાં ફોન લાગતો ન હતો. ધવલનો પરિવાર જયાને એમની દીકરીની જેમ સાચવતો હતો છતાં, જયાની આંખો વારેવારે વરસી પડતી. અઢારેક વરસની એક મુગ્ધા જે હજી યુવાનીમાં એનો પહેલો કદમ રાખી રહી હતી એ હવે એની યુવાની વટાવી એક સમજદાર, પુર્ણ યુવતી બની ગઈ હતી. એની અલ્લડતા ક્યાંક ગાયબ થઈને ઠરેલ ઠાવકાઇને એનુ સ્થાન આપતી ગયેલી, કદાચ હંમેશને માટે! સદા હસતી રહેતી જયા હવે ભાગયે જ થોડું પ્રયર્ન પૂર્વક હસતી કે એનો નિષ્ફળ પ્રયાસ કરતી, કાકા-કાકીને સારુ લગાડવા પુરતું! જયા એના પરિવાર પાસે પાછી જવાની એકમાત્ર આશા પર જીવિત હતી. એ દિવસો નહિ પળો ગણતી હતી, એ સોનેરી સમયમાં પાછાં ફરવાં માટે! ક્યારેક ઉદાસી એને ઘેરી વળતી અને એનું મન કહેતું કે હવે પછી એવાં દિવસો કદી પાછાં નહિ આવે ત્યારે રડી રડીને એની આંખો લાલ થઇ જતી. ચુપચાપ એ મનમાંને મનમાં પ્રભુને પ્રાર્થના કર્યા કરતી, એના માબાપની સલામતી માટે !
નિયતી આટલી ક્રુર કેમ કરીને થઈ શકતી હશે? જ્યારે કોઈનું સારું કરવા પર આવે ત્યારે જમીન પરથી ઉઠાડીને આસમાને બેસાડી દે અને જ્યારે કોઈના પર રૂઠે ત્યારે? ઉદાહરણ આપવાની જરૂર ખરી? તમારી આસપાસ, તમારી જાણમાં એવું કોઈક તો હશે જ નિયતિનો શિકાર! કાનજીના ભુજવાળા સાહેબે કાનજી પર કોઇ કેસ કરી દીધો હતો. એને ભુજથી પોલીસ આવીને પકડી ગઈ હતી. એને કેમ જેલમાં પુર્યો છે એનો જવાબ લેવા જયાના ઘરડા દાદા અને કાકાને વારંવાર ભુજના ચક્કર કાપવા પડેલા. જયાની મમ્મી હજી દવાખાને દાખલ હતી. રામજીની પત્ની એની સેવા કરતી અને ઘરનું, એમના પાલતું પશુઓનુ પણ ધ્યાન રાખતી. છેવટે જયાના દાદાએ એક અંતિમ ફેંસલો લીધેલો. જયા સુરતમાં જ રહેશે. ત્યાંજ એનું ભણવાનું ચાલુ કરશે. એનો બધો ખરચો એના દાદા ઉઠાવશે. જયા ગામડે હાલ નહી જ આવે. જયાએ દિલ પર પથ્થર મુકીને એના દાદાનો પડ્યો બોલ જીલવાની સંમતી આપેલી. એના વસંતકાકાની પણ આજ મરજી હતી. એમના મતે જયા એમની નાતની ખુબ હોંશિયાર અને તેજસ્વી દીકરી હતી, એના માટે એ ગમે તે કરવા તૈયાર હતા. ભગવાને એમને સુંડલા ભરીને રુપિયા આપ્યા હતા એમાંથી ચપટી ખર્ચતા એમને કંઈ ફેર નહતો પડતો!

ક્રમશ:

લેખક : નિયતી કાપડિયા

આગળનો ભાગ વાંચોઆવતીકાલે આજ સમયે આપણા પેજ પર. અભિપ્રાય જરૂર આપજો.

ટીપ્પણી