રામાપીરનો ઘોડો ભાગ ૪ – આજે આવશે કોઈ જયાની મદદ માટે પણ શું એની ઉપર ભરોશો કરશે જયા???

પ્રકરણ :  પ્રકરણ : 2 પ્રકરણ : 3 

આગળના પ્રકરણ વાંચવા માટે એ પ્રકરણ પર ક્લિક કરો !!

રામાપીરનો ઘોડો

પ્રકરણ : ૪

કોલેજમાં નવું વરસ ચાલું થઈ ગયું. વિરલ, ધવલ, આયુષમાન અને બીજા બધા છોકરાઓ ખુબ ઉત્સાહીત હતા. જયાનું પણ આ છોકરાઓ સાથે, એમની જ કોલેજમાં વસંતભાઇએ નામ લખાવી દીધેલું. જયાના દાદાના મતે એમ કે, છોકરી ત્યાં સુરત જેવા મોટા શહેરમાં રહે અને કોલેજ સુંધી ભણેલી હોય તો એના માટે એમની જ જ્ઞાતીનો, નોકરી-ધંધો કરતો અને શહેરમાંજ રહેતો છોકરો શોધી, એની સાથે જયાનાં હાથ પીળા કરાવી દેવાય.

ડોક્ટર બનવાના સપના જોતી જયાએ એક હરફ પણ ઉચ્ચાર્યા વગર સાયન્સ કોલેજમાં દાખલો લઈ લીધો. ધવલ અને બીજા છોકરાઓ અંગ્રેજી માધ્યમમા ભણેલા હતા એટલે આગળ પણ એ લોકો એ માધ્યમમાં જ ગયા એમને કોઇ ફરક ન પડ્યો પણ, જયા ગુજરાતી માધ્યમમાં ભણેલી હતી. એને ફરક પડયો છતાં, એ કંઇ ના બોલી. ફરિયાદ કરવાનું એ સમૂળગું જ ભૂલી જ ગયેલી. એને હવે આ બધાથી જાણે કશો ફરક જ નહતો પડતો! કદાચ એણે હવે નક્કી કર્યું હતું અંધારામાં જ રહેવાનું! એકવાર પ્રસિધ્ધ થઈને બોર્ડમાં ખુબ સારું પરિણામ લાવીને એનું વરવું ફળ એ હાલ ભોગવી જ રહી હતી…
આજે કોલેજનો પહેલો દિવસ હતો. બધા નવા દાખલ થયેલા છોકરા-છોકરીઓ ખુબ જ આનંદમાં હતા. અવનવા ફેશનેબલ કપડાંથી, સેંન્ટ અને ડીઓની મહેકથી, હળવા હસી-મજાક અને આનંદની કિલકારીઓથી આજે કોલેજનુ પ્રાંગણ ખીલી ઉઠેલું. રજાઓની લાંબી, સુની ઉદાસી છોડી આજે એ જીવંત બન્યું હતું. પાનખર પછી જાણે વસંત બેઠી હતી! આ બધાથી બેખબર આપણી જયા ઉદાસીના શણગાર સજીને ધવલ સાથે કોલેજમાં પ્રવેશી ત્યારે એને જોઇને વિરલનું સ્મિત ગાયબ થઈ ગયું. જયા જેવીજ ઉદાસી એના રુપાળાચહેરા પર પણ ફરી વળી. શું ઉદાસીયે ચેપી હોય છે?
વિરલ આજે સવારે કોલેજ આવ્યો ત્યારે અનેરા ઉત્સાહમાં હતો. જયાને જોયા વગર એના દિવસ રાત જતા નહતા. વારે, વારે કોઈ બહાનું કાઢીને ધવલના ઘરે જવાનું પણ વાજબી ન હતુ ને, એ જાય તોયે જયાના એને દર્શન થતાં જ નહી. જયા ખબર નહીં ઘરના કયે ખુણે છૂપાઇને રહેતી હતી, વિરલને એ કદી દેખાઇ નહતી. ધવલ પાસે આડકતરી વાત કરી વિરલ જયા વિશે પૂછતો તો એ એને એના બાળપણની કથા સુનાવતો. વિરલને એટલાથીયે સંતોશ થતો. એણે જયાથી દુર રહીને પણ જયા વીશે શક્ય એટલી બધી માહિતી એકઠી કરેલી. એના મતે જયા ખુબ જ હોંશિયાર, સંસ્કારી અને સ્વાભિમાની છોકરી હતી. એ મનોમન જયાને ચાહવા લાગેલો. આખો દિવસ જયાનો ચહેરો એની નજર સામે રહેતો. ઊંઘી જાય તો સપનામાંય જયા જ દેખાતી! પણ, આ સપનાવાળી જયા સાચુકલી જયા કરતા તદ્દન અલગ હતી. સપનામાં આવતી એ તો ખુબ જ વાચાળ, ખિલખિલાટ હસતી, વિરલ… વિરલ… કહીને એને જરાયે ઝંપવા ના દે એવી હતી! છેલ્લા કેટલાય દિવસોથી એણે સપનામાં જ જયાને જોયેલી એટલે અત્યારે આ સાચુકલી, પહેલાં કરતાય વધારે ઉદાસ જયાને જોઇને વિરલનો જીવ કળીયે કળીયે કપાઇ રહ્યો. જયાને હસતી બોલતી કરવા એ કંઇ પણ કરવા તૈયાર હતો.

વિરલને ચુપ જોઇને આજે પહેલીવાર આયુષે એમનું રોજનું મળતી વખતનું અને દરેક નવું કામ કે ગતકડું કરતી વખતે ગવાતું ગીત ગાવાનું ચાલુ કર્યુ,

“હોની કો અનહોની કરદે, અનહોનીકો હોની! એક જગાહ જબ જમા હો તીનો,”
આગળની લાઇન વિરલે બોલવાની હતી પણ, એ ચુપ હતો. બધા આયુષની સામે જોઇ રહેલા. એને થોડી શરમ આવી ગઈ. એણે વિરલને ખુણીએથી એક ઠુંહો માર્યો ને બધા સામે જોઈ હસતા હસતા ફરી ગાયું, “એક જગાહ જબ જમા હો તીનો.. તીનો…. તી…નો…” આયુષે વિરલની સામે જઈને ડોળા કાઢીને એનું ધ્યાન દોર્યુ. ધવલ અને જયા પણ ત્યાં આવી ગયેલા. વિરલને હવે ભાન થયુ. એણે એની લાઈન ગાઇ, “વિ..ર…લ…”

“ધવલ …”

“આયુષમાન!” ત્રણે જણા એકમેકને ભેંટી પડ્યા.
જયા આ બધાને છોડીને અંદર ક્લાસમાં જતી રહી હતી. એને જતી જોઇને વિરલ પણ એની પાછળ ગયો. ધવલ અને આયુષને નવાઇ લાગી. આ બધા નાટક વિરલે તો એમને શિખવેલા અને આજે એજ આમ જતો કેમ રહ્યો?

વિરલ ક્લાસમાં પહોંચ્યો ત્યારે જયા અને બીજા કેટલાક વિદ્યાર્થીઓ બેંચ ઉપર બેઠેલાં હતા. વિરલ જઈને જયાની બાજુમાં બેસી ગયો, “હાઇ! કેમ છે?” વિરલે કંઈક વાત ચાલુ કરવાના ઇરાદે પૂછ્યું હતું.
જયા કંઈ જવાબ આપ્યા વિના જ ઊભી થઈને બીજી જગાએ બેસી ગઈ. જેણે જેણે આ નોટીસ કરેલું એ બધા હસી પડ્યા! વિરલ છોભીલો પડી ગયો છતાં, એણે હસી નાખ્યું!

ઘરે જતી વખતે પણ જયાએ વિરલના, “બાય” નો જવાબ આપવાનું ટાળેલું.

ધવલને એના દોસ્તો સાથે બાઇક પર રખડવાનું ગમતું હતું. હવે જયા સાથે હોવાથી એને ગાડી લઈને આવવું પડતું. એ જયાને ઘરે મુકીને તરત બાઇક લઈને નીકળી પડતો, તે છેક સાંજ ઢળી ગયા પછી પાછો આવતો. જયાની નજરમાં આ વાત આવતાં જ એણે એકલા કોલેજ જવાનું ધવલને જણાવેલું. ધવેલે કહેલુ કે, એને કોઇ વાંધો નથી પણ જયા નહિં માનેલી. એ ચાલતી જ જતી. વસંતકાકાને કહેલુ કે, ચાલવાનું એને ગમે છે, થોડો પગ છુટો થાય. ભુજમાં પણ એ બધે ચાલતી જ જતી. કોઈએ એની એ વાતનો વિરોધ ના કર્યો, જયા અહી ધીરે ધીરે ગોઠવાતી જતી હતી એનાથી બધા ખુશ હતા. જયાએ એની ભીતરનાં તોફાનને એની અંદર જ દબાવી દીધું હતું, કોઈ એની દયા ખાય એ એને જરાય પસંદ ન હતું.

ધવલે હવે બાઇક લઈને આવવાનું શરુ કર્યુ, દોસ્તો સાથે રખડપટ્ટી કરવાનો એને સમય મળવા લાગ્યો, ત્યારે જ વિરલે કોલેજથી સીધા ઘરે જવાનુ ચાલુ કર્યુ એ આશામાં કે કોઇક દિવસ તો જયા એની પાછળ બેસશે…

એક મહીનો વીતી ગયો. ધવલને એક ગર્લફ્રેંડ મળી ગઈ હતી. એ હવે એની સાથે બાઈક પર ફરતો. આયુષ ક્યારેક વિરલ તો ક્યારેક ધવલની સાથે રહેતો. પણ એને લાગતુ કે જાણે એ બન્ને એનાથી પીંછો છોડાવતા હોય. ધવલ શેંમા વ્યસ્ત હતો એનીતો આયુષને ખબર હતી પણ વિરલ? વિરલ એનાથી દુર ભાગતો હોય એવું એને લાગવા લાગેલું, કોઈ સીધા દેખીતા કારણ વગર !

“જયા, આપણે બન્નેને એકજ જગાએ જવાનું છે, મારી પાસે બાઇક છે, તો રોજ રોજ તું ચાલતી કેમ જાય છે? બેસીજા યાર! હું તને તારા ઘરે ઉતારી દઈશ.” વિરલ બોલી તો ગયો પણ એને થયું કે, ‘તારા ઘરે’ એ શબ્દ ના બોલ્યો હોત તો સારું હતું.

જયા કશો જવાબ આપ્યા વગર આગળ ચાલવા લાગી.

વિરલ બાઇક દોરીને પાછો એની આગળ જઈને ખડો થઈ ગયો, “ બસ, બહું થયું આ બધું. ચાલ બેસી જા બાઇક પર.”
“હું મારી મેળે જતી રહીશ.” જયા આગળ વધવા ગઈ ત્યારેજ વિરલે એનો હાથ પકડી લિધો.
જયા થોડી ગભરાઇ, શું કરવું? એને થયું આમ કોઈ એનો હાથ પકડી એને બળજબરીથી કંઈ ના કરાવી શકે. જો એ ચુપ રહેશે તો કાલે કોઈ બીજો આવી જ હિંમત કરશે. અચાનક એને ભુજના પેલા નેતા મયંકભાઈનો ચહેરો યાદ આવી ગયો અને એણે વિરલના ગાલે એક થપ્પડ મારી દીધી…

વિરલ સહેજ હસ્યો પણ હાથ ના છોડ્યો, “મારીલે જોઇએ તો હજી બીજા બે, ચાર, તારી મરજી હોય એટલા લાફા મારી લે!”

જયા ઢીલી પડી ગઈ. વિરલના આવા જવાબની એને અપેક્ષા જ ન હતી. વિરલની આંખોમાં અજબ તેજ હતું, એક ખુમારી હતી. એ કોઈ ટપોરી કે આવારા છોકરો ન હતો. જયાને પોતાના કૃત્ય પર અફસોસ થયો.

“શું જોઇએ છે તારે? શું કામ મારો પીંછો કરે છે? હું તમારા લોકો જેવી નથી, મારે એવું બનવું પણ નથી. મહેરબાની કરીને મને મારી હાલત પર છોડી દે.” જયા બોલતાં બોલતાં રડી પડી.

વિરલે એનો હાથ છોડ્યો નહીં, બલકે વધારે મજબુતાઇથી પકડ્યો, “ પાછળ બેસીજા.” એણે મક્કમ અવાજે કહ્યું.
જયા એમને એમ ઊભી રહી. હવે આવતા જતા લોકોનુ પણ અહિં ધ્યાન ગયું.

“લોકો આગળ તમાશો કર્યા વગર બેસી જા.” વિરલે જયાનો હાથ છોડી દીધો.

જયામાં હવે વિરલનુ અપમાન કરવાની હિંમત ન હતી. એ બેસી ગઈ. વિરલે ધીરેથી બાઇક આગળ ધપાવ્યું. અઠ-વા લાઇન્સના જે ખુણામાં એમને વળવાનું હતું એ આવીને ગયો. જયાએ એ જોયું એને વિરલને રોકવાનું મન થયું પણ, એ એમ કરી ના શકી.

બાઇક એક જગાએ જઈને અટકી, એમના ઘરથી થોડે દુર! તું અહિં ઊભી રે હું બાઈક પાર્ક કરીને આવ્યો. જયા આજ્ઞાકારી પૂતળાની જેમ ઊભી રહી. થોડીવારે એ પાછો આવ્યો તો જોયું કે હજી જયા એમને એમ, એજ સ્થિતિમાં ઉભેલી. વિરલ સહેજ હસ્યો, દર્દ ભરેલું. એની આંખોમાં ભીનાશ હતી કે જયાને એવુ લાગ્યું! જોઇએ હજી શું શું સહન કરવાનું નસીબમાં લખ્યું છે એમ, વિચારી જયાએ વિરલને ના રોક્યો ના કશુય પુછ્યું.
“ચાલ,” જયાની ચાર આંગળીઓ એના એક હાથમાં પકડીને એ આગળ થયો પાછળ જયા ચાલી.“આ આપણી ચોપાટી છે. તાપીનો કિનારો, મારી ફેવરીટ જગા.” વિરલ જયાને લઈને સુરતની ચોપાટી પર, તાપીને કિનારે આવ્યો હતો. તાપીમાં વહી જતું પાણી આગળ જઈને દરિયામાં ભળી જતું હતું. ઘણું બધું પાણી હતું તાપીમાં એ પાણી તાપીનું જ હતું કે દરિયા પાસેથી લીધેલું ઉધાર! કોને ખબર? પાણીની તો કોઈ જાત નથી હોતી બસ, એકમેકમાં ભળી જવું એજ એની નિયતિ હતી. જયા વિચારી રહી અને વિરલની પાછળ પાછળ ચાલતી રહી

થોડેક આગળ જતાજ કેટલાક મોટા ઝાડ પાસે આવી એ અટક્યો હતો. જયા પણ અટકી. “કંઇ સંભળાય છે?
કેટલા બધા પક્ષી એકસાથે કલબલાટ કરી રહ્યા છે.”

હવે જ જયાનું ધ્યાન અવાજ તરફ ગયું. ત્યાંના દરેક ઝાડ પર અસંખ્ય પક્ષીઓ બેઠેલા હતા. એ બધા જુદી જુદી જાતના હતા અને બધાં ખુબ અવાજ કરી રહ્યાં હતાં. એમાના કેટલાક તો જયા આજે પહેલી વાર જોતી હતી.

“જો દરેક ડાળી પર કેટલા બધા પક્ષી છે. બધા અલગ અલગ પ્રકારના. એમાના કેટલાક અહિંના સ્થાયી છે તો કેટલાક બહારથી આવ્યા છે. દુર વિદેશથી આવેલા પણ હશે. એમના સંજોગ એમને અહિં ખેંચી લાવ્યા. જીવતા રહેવા એમના માટે એમનું એ સ્થળાંતર જરુરી હતું અને એમણે એ કર્યું. જ્યારે એમના દેશની આબોહવા એમને અનુકૂળ થઈ જશે ત્યારે એ પાછા ઉડી જશે, એમના ઘરે. અત્યારે એ લોકો સુરતનાં લોકલ પક્ષીઓ સાથે કેટલી ખુશીથી જીવી રહ્યાં છે, ગાઇ રહ્યાં છે, એમણે એમની પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે એટલે ખુશ છે, તો તું કેમ નહિ જયા? તું એમ કેમ નથી માની લેતી કે આ એક કપરો સમય ચાલી રહ્યો છે તારા જીવનમાં જે એક ને એક દિવસ વીતી જશે. તું ઘરે પાછી જઈશ, જરુર જઈશ, તારા મા-બાપ પાસે પણ, એ દિવસને હજી વાર છે તો એટલા દિવસ તું આમ ઉદાસ રહેવાને બદલે ખુશીથી પણ રહી શકેને?”

“ઘર? કયુ ઘર? મારા મમ્મી પપ્પા? તું શું જાણે છે, મારા વિશે?” જયા બોલી હતી ગુસ્સેથી રડતાં, ધ્રુજતા .અવાજે! વિરલે એને રડવા દીધી.

“નથી જાણતો! હું કંઈજ નથી જાણતો! તો? તું જણાવ મને. એવુ તો શું છે જે તને અંદરને અંદર કોરી રહ્યું છે. કહીદે જયા, તારા દિલની હર એક વાત મારે જાણવી છે.” વિરલ થોડો ભાવુક થઈને કહી રહ્યો હતો.

“પણ શા માટે?”

“સાચો જવાબ આપુ તો ફરી લાફો તો નહિં મારેને? ” વિરલે હસીને પૂછ્યું.

“એટલે?” જયાએ આંખો ફાડીને વિરલની આંખોમાં જોતાં કહ્યું.

“આઇ લવ યુ! પ્રેમ કરુ છું તને. તને જ્યારે પહેલીવાર જોઇને ત્યારનો.”

“હું તને કંઈ લવ બવ નથી કરતી. બકવાસ છે એ બધું અને તને તો કોઈ પણ છોકરી મળી જશે, સુંદર, ફેશનેબલ, ફડફડ અંગ્રેજીમાં બોલે તેવી, અમીર ઘરની કોઇ પણ!”

“કોઇ પણ! પણ જયા નહિં?” વિરલે જયાની આંખોમા જોતા કહ્યું.
“ના. જયા નહિં. જયાના જીવનમાં હવે કશું જ બચ્યું નથી. મારા પપ્પા જેલમાં છે, મમ્મી અપંગ, દાદા બિચારા ઘસાઇ ગયા છે છતાં, હજી બધી જવાબદારી સંભાળે છે. હવે હું એ લોકોને બીજી કોઇ તકલીફ નહી આપું. મારી જિંદગીનુ બસ એક જ મકસદ છે, મારાં પપ્પાને જેલમાંથી છોડાવવા અને મારા પરિવારને પાછો, પહેલાં હતો એમ નિરાંતે જીવતા જોવો. આમાં તારી કોઇ જગા નથી, કોઈની પણ જગા નથી. હું ક્યારેય એક સામાન્ય છોકરીની જેમ નહિ જીવી શકું. જે કંઈ મારા પર વીત્યું છે એ ભૂલવું શક્ય જ નથી!” વિરલની આંખોમાં ના જોવાતું હોય એમ જયાએ નજરો નીચી કરી લીધી.

“સરસ અને મને જરા જણાવશો મેડમ કે તમે આ બધું એકલા કેવી રીતે કરશો? ત્યાં ભુજમાં એકલા પગ મુકવાની હિંમત છે?”

“હાલ નથી ખબર પણ હું કરી લઈશ.”

“તું કંઇ જ નહિ કરે શકે! આ બધું કરવા તને કોઇના સાથની, કોઇના સહારાની જરુર પડશે જ અને એમાં ખોટું શું છે? એકબીજાના સાથ અને સહકારથીજ આ દુનિયા, આ પૂરું વિશ્વ ચાલે છે! ચાલ બીજું બધું જવા દઈએ, ફક્ત દોસ્તીના દાવે કહુ છું, એકવાર મારા હાથમાં તારો હાથ સોંપીજો, જો એક અઠવાડીયામાં તારું કામ પૂરું ના કરુંને તો જિંદગી ભર તારી સામે નહિ આવું.” વિરલ એનો હાથ લંબાવી ને જયા સામે ધરી રહ્યો…

કહે છે કે તકદીર બસ એક જ વખત બારણું ખખડાવે છે જો ખોલી દીધું તો ફાવી ગયા નહિંતર રહી ગયા! પણ, બદનસીબી! એ વારંવાર બારણું ઠોકે રાખે છે ત્યાં સુંધી કે, તમે એને અપનાવી ના લો, અને બરબાદ ના થઈ જાઓ! જયાની સામે હાથ ધરીને ઉભેલો વિરલ એની તક હતી કે બદનસીબી? જયાએ આજે પહેલીવાર એને ધારીને પગથી લઈને માથા સુંધી નિહાળ્યો.

ઘાટા બદામી રંગના જૂતા, આછા આકાશ જેવા ભુરા રંગનુ ઘસાઇ ગયેલું કે હાથે કરીને ઘસીને કંઈક ભાત ઉપસાવેલું એનુ જીન્સ, સફેદ ટી-શર્ટ જેના ઉપર લખ્યું હતું, “I AM BORN GENIUS! ”, ઊંચો, પાતળી કમર અને પહોળી છાતી વાળો વિરલ કોઇ છેલ બટાઉ છોકરા જેવો પહેલી નજરે લાગતો! એનો ચહેરો જ એના સમગ્ર વ્યક્તીત્વને એક નવા સોપાને લઈ જતો. એક વિશ્વાસ છલકાતો હતો એના દ્રઢ રીતે બીડાયેલા હોઠોમાંથી, એની સહેજ વધારે લાંબી, પાણીદાર, ચમકતી આંખોમાંથી, એના મોટા કપાળ અને એના ઉપર પવનથી આવીને મુક્ત રીતે ઝુલી રહેલા વાળમાંથી… આ ઝુલતા વાળ એણે ક્યાંક જોયા હતા, કયાં? જયા યાદ કરી રહી. કશું જ સ્મૃતિપટ પર ઉપસી ના આવ્યું, પણ એણે આવા હવામાં ફરફરતા વાળ પહેલા જોયા છે એ વાત નક્કી!

“શું વિચારો છો, મીસ. જયા આહિર? આમ વિચારવામાં ને વિચારવામાં તો રાત થઈ જશે તોયે કઈ નક્કી નહિં થાય! કમ ઓન! આ દોસ્તીનો હાથ છે અને વિરલ યારોનો યાર છે.” વિરલે એનુ સૌથી સુંદર સ્મિત રેલાવતા કહેલું.
ક્યાંક વાંચેલું કે સ્ત્રી વેલા જેવી અને પુરુષ ઝાડ જેવો હોય છે, સ્ત્રીને આગળ વધવા એ ઝાડ સાથે જોડાવું રહ્યું, હું આને એ રીતે જોવું છું કે, સ્ત્રી ખુબજ લાગણીશીલ હોય છે, એની હિંમત, એની બુધ્ધી, એનું સાહસ બધું જ બરોબર પણ જ્યારે એ લાગણીનાં તંતુએ બંધાય ત્યારે થોડી નબળી પડી જાય છે! પુરુષને ઝાડ જેવો કહ્યો છે એનો મતલબ એ નથી કે એ ફક્ત અડીખમ ઉભો રહે છે કે, એ લાગણી વિહોણો છે. એની પાસે તર્કબધ્ધ વિચારવાની ક્ષમતા છે જે એને લાગણીશીલ થયા વગર સાચા રસ્તે જવા, વિચારવા શક્તિમાન બનાવે છે. આ બંને અધૂરા છે જ્યારે એકલા હોય અને એમને પુરા થવા એકબીજાના સાથની જરૂર રહેવાની જ!

જયા ઉઠી હતી અને એનો ધ્રુજતો હાથ એણે વિરલના હાથમાં મુકેલો. વિરલે એની ઉપર એનો પોતાનો બીજો હાથ મુકીને જયાનાં હાથને એના બન્ને હાથ વડે સહેજ દબાવ્યો. સંધ્યાના સોનેરી કિરણો એ હસ્ત મેળાપની ઉપર લપેટાઇને એને જાણે હંમેશા માટે અમર બનાવી રહ્યાં. આસપાસના બધા પક્ષીઓએ હરખની કીલકારીઓથી એમને વધાવી લીધા.
“એક અઠવાડીયામાં તું એવુ તે શું કરીશ?” જયાએ પૂછેલું.

“કરીશ કંઈક એ બધું તું મારા પર છોડી દે. પહેલાં ચાલ થોડી પેટ પૂજા કરી લઈયે. જેમ મંદીરમાં જાવ તો પ્રસાદ ખાવો પડે એમ અહિં ચોપાટી પર આવો એટલે નાસ્તો કરવો જ પડે નહિંતર, પાપ લાગે!” વિરલે જયાને ખુશ કરવા હસીને કહ્યું હતું. હકીકતે તો એને પણ ખબર ન હતી કે એ શું કરશે!

એ લોકો જઈને એક ખાલી ટેબલની આસપાસ ગોઠવાયા. અત્યારે ચાલું દિવસ હોવાથી એમને તરત જ ખાલી ટેબલ મળી ગયું. વિરલે એક સેવ-ખમણી અને પાંવભાજી મંગાવ્યા. આ દરમિયાન વિરલે જયાને એના વિષેની દરેક નાનામી નાની વાત પૂછી જે એને જાણવી જરુરી લાગી હોય. જયાએ પણ મયંકભાઇને હાથે એ ઇનામ લેવા સ્ટેજ પર ગઈ ત્યારથી લઈને એ વિરલને રસ્તા ઉપર મળી ત્યાં સુંધીની બધી વાત કરી.

જયાને ધવલના ઘરનાં દરવાજે ઉતારીને વિરલે કહ્યું, “અત્યારે અંકલ દુકાન પર હશે અને આંટી એમની મહિલા મંડળની મીટીંગમાં. કોઇ તને કાંઇ પૂછશે નહિ અને હાં, એક જરુરી વાત.” વિરલે સહેજ અટકીને જયાના કાન પાસે એનુ માંથુ લઈ જઈને કહ્યું, “જો બકા, અત્યાર સુંધીમા તું મને બે વાર મારી ચુકી છે, જાણું છું એ વખતે તારી શું હાલત હતી એ પણ,” વિરલે બાઇકને કીક મારતા કહ્યું, “પણ જો હવે એક વાર, મારા પર હાથ ઉઠાવ્યોને તો, તો તને કીસ કરી લઈશ.”

“વિરલ તું…” જયાએ ગુસ્સે થઈને હાથ ઉઠાવ્યો,

“હ..હ..” વિરલે એનો હાથ ઉપર ઉઠાવી, પહેલી આંગળી હલાવી ‘ના’ નો ઇશારો કર્યો, “યાદ રાખજે” એણે એના હોઠથી ચુંબનનો ઇશારો કર્યો. જયાથી હસી પડાયું. એની એ હસીને એની આંખોમાં ભરી વિરલ ચાલ્યો ગયો. એના ગયા પછીયે થોડે ક્ષણો ત્યાંજ ઉભી રહ્યા પછી જયા પણ અંદર ગઈ.

વિરલ એના ઘરમા ગયો ત્યાં સોફા પર પલાંઠી વાળીને બેઠેલો આયુષ ક્યારનોય એની રાહ જોઇ રહ્યો હતો. વિરલને જોતાજ એ બોલ્યો, “સમજી ગયો, સમજી ગયો! હવે બધું બરાબર સમજી ગયો.”
“શું?” વિરલે હાથ અને આંખોના ઇશારાથી પુછયું.
“એજ કે, અમર અકબર એન્થોની પુરુ થયું અને શોલે ચાલું!”
“એટલે?”
“એટલે એમ કે પેલું, વિરલ…ધવલ…..આયુષમાન, એ હવે નથી ગવાતું અને જય-વીરુની જોડી, એ દોસતી… હમ નહિં છોડેગેં… એ ગાતી બાઇક પર ફરી રહી છે.”
“વાહ, જય અને વીરુની જોડી! આતો મને યાદ જ નહતુ.” વિરલ હસ્યો.
“હા, તને હવે કાંઇ યાદ નહી હોય વિરલિયા, મને કે’કે એક મિનિટમાં આવ્યો ને પછી ગાયબ થઈ ગયો. તારો કાકો એક કલાક ત્યાં કોલેજમાં એકલો બેઠો રહ્યો. કંટાળીને સાહેબના ઘરે આવ્યો તો સાહેબ અહિં પણ ઉપસ્થિત નહિ. ને કંટાળીને ઘરે જવા નીકળ્યો તો શું જોવુ છું, સાહેબ પેલી અડીયલ જયાડીને, કાનમાં ઘુસી ઘુસીને કંઈક કહી રહ્યા છે!”
વિરલ ખડખડાટ હસી પડ્યો.
“સોરી યાર! તને આવુ છું કહીને ગયો પછી એવા હાલાત હતા કે, તને ભુલી ગયો. એ હાલાત વીશે તને હું જણાવીશ પણ હાલ નહિં. મમ્મીના આવવાનો ટાઇમ થઈ ગયો છે. આપણે રાત્રે મળીયે. આપણા અડ્ડા પર. જોડે ધવલને પણ લેતો આવજે.”

“કંઈ નવાજુની કરવાની છે? મજા આવશે, સારુ હું અત્યારે જાઉ છું રાત્રે મળીયે. આપણા અડ્ડા પર.”
વિરલના ઘરમાં નીચે ભોયરું બનાવેલું હતું. ત્યાં એમનો જુનો કે જવલ્લેજ વપરાતો કીંમતી સામાન અને થોડું વધારાનું ફર્નીચર પડી રહેતું. એ ભોયરામાં જ એક ગોળ ટેબલની ફરતે ત્રણ ખુર્સીઓ ગોઠવીને ત્રણે ભાઇબંધ કોઇ ખાસ પ્લાનિંગ કરતા. જેના વિષે મોટા ભાગે એ ત્રણે સિવાય બીજા કોઇને કંઇ જાણકારી ન હોતી. આજે પાછી એમની મિટિંગ ગોઠવાઇ હતી. બરોબર દસના ટકોરે બધા આવીને એમની જગાએ ગોઠવાઇ ગયા હતા. વિરલ કંઈ કહે એની રાહ જોઇ રહેલો આયુષ બોલી પડ્યો, વિરલ એના લેપટોપમા કશુંક શોધી રહ્યો હતો.

“શું કરવાનું છે, યાર? જલદી બોલ. આ કોલેજમાં આવ્યા ત્યારથી સાલુ બધુ બહુંજ બોરીંગ થઈ ગયું છે. પેલા રાઠોડસરનું કંઈક કરીયે, રોજ રોજ મને ઉભો કરીને સવાલ પૂછે છે. કે, પેલી ચિબાવલી કાવ્યાને સબક શીખવાડીએ મેં એની પાસે એની પેન માંગી એમા તો એણે મને એક કલાક લેક્ચર આપેલું.”

“ઓકે! દોસ્તો હવે મોટા થઈ જાઓ! મજાક-મસ્તી ઘણી કરી લીધી. હવે આ વખતે કોઇક્ની મદદ કરવાનું પ્લાનીંગ છે. જયાની મદદ. એના પપ્પાને જેલમાંથી બહાર લાવવાના છે, એના ગુનેગારને સજા અપાવવાની છે અને એની મમ્મી માટે નકલી લાકડાનો હાથ નંખાવાની વ્યવસ્થા કરવાની છે. આ કામમા ખતરો છે, કદાચ જિવનુ જોખમ પણ. તમે લોકો જો આમા શામેલ થવા ના માંગતાહોતો,”
“કેવી વાત કરે છે, વિરલ? જયા માટે તું આટલું બધુ કરે ને હું એમા સાથ ના આપુ, હોતુ હશે? એ મારી બેન છે, મારા બાળપણની ભેરુ. એની સાથે જે થયુ એ સાંભળીને મારું લોહીય ઉકળી ઉઠે છે. એટલે હું તો તારી સાથે જ છું, જો આયુષને ના,” “ઓ…યે મને બહાર જવાનુકે’તો જ નહીં હોં અહિં જ મારીશ હારા! ” આયુષે ધવલની વાત કાપતાં વચ્ચેજ કહ્યું, “જયા ધવલની બેન તો, મારી પણ બેન અને વિરલની ગર્લફ્રેંડ તો, મારી…મારી ભાભી!” તીર નિશાનમાંથી છૂટી ગયું હતું. આયુષ સાવ નિર્દોશ બાળકની જેમ વિરલ અને ધવલની સામે જોઇ રહ્યો હતો. ધવલ જવાબની અપેક્ષાએ વિરલ સામે જોઇ રહ્યો હતો. આખરે વિરલે વાતનો દોર પોતાના હાથમાં લીધો,

“આયુષ જે કહે છે, એ સાચું નથી પણ સાવ ખોટુંય નથી! મને જયા ગમે છે, એ જો હા કહેશે તો, વાત આગળ વધશે નહિંતર હું જીવન ભર એનો એક સાચો દોસ્ત બની રહીશ.”

“હું તને ઓળખું છું યાર! તારામાં કોઇ કમી નથી. જયા માટે તારાથી સારો કોઇ છોકરો ના હોઇ શકે પણ, એ વાત અમારો સમાજ નહીં સમજે. જો તું એના દાદાને મનાવીલે તો હું તારી સાથે જ છું. મનેય સાન્યા જોડે લવ થઈ ગયો છે એ બંગાળી છે. જે દાડે ઘરમાં આ વાતની જાણ થશે ત્યારે ભુકંપ આવવાનો! એ વખતે તમારે જ મને સાથ આપવો પડશે.”

“ચોક્કસ યાર! તો મિલાવો હાથ” વિરલે ટેબલ ઉપર એનો હાથ મુક્યો એમા ધવલ અને આયુષે એમના હાથ મુક્યા,

“ઓકે, તો આ મિશનનુ નામ છે, જય હો! “જય હો! જય હો!” બધા બે વખત બોલ્યાં.
વિરલે જયા પાસેથી જાણેલી તમામ વાત બધાને કરી. ઇન્ટરનેટ પરથી શોધેલી કેટલીક રસપ્રદ માહિતી પણ આપી અને દરેકને એને કરવાનું કામ સમજાવી ભુજ જવાની તૈયારી કરવાનું જણાવી દીધું.

જયા બહેન આહિર ભુજની એક હોટેલના રૂમમાં બપોરે સહેજ આડે પડખે થઈને એમનો ભુતકાળ વાગોળી રહ્યાં હતા. એમના મોબાઇલની રીંગ વાગી. સ્ક્રીન ઉપરનું નામ જોતા જ જયાબહેનનાં રતુંબડા ગાલ પર લોહી ધસી આવ્યું. સહેજ મલકીને એમણે ફોન ઉઠાવ્યો,
“હલો”
“હે સ્વીટી! કેટલે પહોંચયુ તારું જરુરી કામ?”
“હું એ ઘરે તો જઈ આવી, પણ એના માલિક ઘરે ન હતા. સાંજે ફરીથી આવીશ એમ મેં કહ્યું છે. સાંજે એ મહોદય મળી જાય તો ઠીક છે નહિંતો પાછી આવી જઈશ.”
“કોણ છે, એ મહોદય? એમનુ કાંઇ નામ બામ જાણ્યુ કે નહિં?”
“હા. કોઇ ક્રુષ્ણકાંત દવે કરીને છે.”
“ઓહ માય ગૉડ! એમનું સરનામું આપીશ પ્લિજ!”
“હા, હું તને મેસેજ કરી દવ છું પણ, થયું શું?”
“થયુ એ કે ક્રુષ્ણકાંત દવે નામના એક ખુબજ જબરા, એકદમ ખડ્ડુસ ટાઇપના એક ડોસાને હું ઓળખુ છું. જો આ તારા વાળો ડોસો એજ નીકળ્યોને તો એ ઘર ખરીદવાનુ ભુલી જજે!” વિરલે જયાને જણાવ્યું.
“હશે!મળું એટલે ખબર પડી જશે.”
“જરુર પડે તો મારી ફોન ઉપર એમની સાથે વાત કરાવજે. કોઇ કહે છે કે, વિરલ બધાને સમજાવવામાં બહુ હોંશિયાર છે!”
“સારું તારી વાત કરાવી દઈશ,બસ. ચાલ, મુકું છું.”
“હ… લવ યુ!”
જયાએ ફોન કટ કર્યો. સામે છેડે વિરલ હતો. વિરલ જે ખરેખર વિરલ છે! જે બધાનાં ગળે એની વાત ઉતારવામાં પાવરધો છે, એથીયે વિશેષ એ એક ઉમદા માણસ છે, યારોનો યાર છે વિરલ અને જયાને દિલોજાનથી ચાહે છે વિરલ. જો વિરલ જયાની જિંદગીમા ના આવ્યો હોત તો આજે જયા કયાં હોત?

હજી જયાને એ દિવસ બરોબર યાદ હતો. ભુજ જતા પહેલા એ જયાને મળેલો. એ બન્ને જણા પુલ ઉપર ઊભા ઊભા અમેરિકન મકાઇના દાણા ચાવી રહ્યા હતા. નીચેથી તાપીના પાણી જાણે સાગરને મળવા અધીરા થયા હોય એમ ધસમસતા વહી રહ્યા હતા. જયા એને જોઇ રહી હતી ત્યારે વિરલે કહેલું,

“કાલે સવારે હું ભુજ પહોંચી ગયો હોઇશ, અમે લોકો આજે રાત્રે જ નીકળવાના છીયે.”
જયાના મુખ ઉપર ચિંતાના વાદળો ઘેરાઇ આવેલાં.

“અરે તું તો ઉદાસ થઈ ગઈ! આ ઉદાસી મારી ચિંતાની છે કે, મારાથી જુદા પડવાની.” વિરલે હસીને વાતાવરણ હળવુ કરવા પુછેલું.

“બંનેની,” જયાએ કહ્યું, “વિરલ હું પણ તારી સાથે આવું?”

“ના…હોં. જોજે ફરી એવી વાત કરતી અમે ત્રણે જણા જવાના છીયે. એક દોસ્તના મોટા ભાઇના લગ્નનું બહાનું કાઢીને. અમારા કોલેજના દિવસો પડશે એ ભરપાઇ કરવાનુ કામ તારું, સમજી? રોજ કોલેજ જજે. બધી નોટ્સ બરોબર ઉતારજે અને એની ત્રણ કોપી કરાવી લેજે.”

“વાહ, સરસ બહાનું છે મને અહીંયા રોકી રાખવાનું!”

“હમ્… આટલી ચપળ છોકરીને પ્રેમ કરવાનુંય રીસ્ક ભરેલું છે, કોઇ પણ બહાનું ફટ દેતાને પકડી પાડે! હેં?”
“તે ના કરીએ પ્રેમ બ્રેમ!” જયાએ મોઢું મચકોડીને કહેલું.
“હમ્.. એ મારા વશમાં હોત તો ને. આ દિલ જોને જાણે બદલાઇ ગયું છે. આજ સુંધી ફક્ત સાંભળ્યુહતુ કે મારું દિલ એણે લઈ લીધુ પણ અત્યારે એ હું સાચેસાચ અનુભવી રહ્યો છું. આ જે મારા સીનામાં છે, એ મારાવાળું તો નથીજ!”
“અરે હા, એક ખાસ વાત જો, આ તારા માટે છે.” વિરલે એક પેકેટ ગજવામાંથી કાઢીને જયાના હાથમાં મુક્યું અને કહ્યું, “એમાં એક બહુ જ સસ્તો મોબાઇલ છે. આતો શું થોડા દિવસ તારાથી દુર રહેવાનો એટલે ક્યારેક તારી યાદ આવે તો ફોન કરીશ. તને તો મારી યાદ આવશે નહિં પણ કોલેજમાં શું ચાલ્યું એની જાણ કરવા તારે મને રોજ એક ફોન કરવો પડશે. એમા મેં મારુ જ બીજુ સીમ કાર્ડ નાખ્યુ છે. તને કામ લાગે એવા બધા નંબર એમાં છે. એમાં ફેસબુક અને વોટ્સએપ પણ છે એમાં જ તું મેસેજ કરી દેજે કોલ ના કરતી. હું મારી ફુરસતે જવાબ આપીશ. ચાલ, જઈયે હવે? મારે થોડું કામ છે.”
જયાનુ મન ભરાઇ આવેલું. કેટલા દિવસે એને કોઇ વાત કરવાવાળું, સમજવાવાળું મળેલું અને એ અત્યારે એનાથી દુર જઈ રહ્યું હતું. એનું દિલ કહેતું હતું કે એને રોકીલે એને અને દીમાગ કહેતું હતુ, તો પછી પપ્પાને કોણ છોડાવશે?
એ રાત્રે દસ વાગે એક સફેદ કોરોલા અલ્ટીસ સુરતના એક્સપ્રેસ હાઇવે ઉપર પાણીના રેલા જેમ દોડી રહી હતી. વિરલ ડ્રાઇવ કરતો હતો. ધવલ અને આયુષ પાછળ ઊંઘી રહ્યા હતા. વારા ફરથી ધવલ અને વિરલ ગાડી ચલાવવાનાં હતા. આયુષનું ડ્રાઈવિંગ હજી પાકું નહતુ થયું એટલે એ આરામ જ કરવાનો હતો છેક સુધી.

વિરલે એના પપ્પાને સાચી વાત કરી રાખેલી. થોડી આનાકાની અને સાવચેતીના દરેક પાસા બરોબર સમજાવીને પછી એમણે વિરલને જવાની અનુમતી આપેલી. વિરલના પપ્પા એક બિલ્ડર હતા. સુરત અને સુરત બહાર એમના દરેક જગાએ કોન્ટેક્ટ હતા. વિરલની મમ્મી સુરતના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત હતા. એના ભાઇ, એટલેકે વિરલના મામા એક સીબીઆઇ ઓફિસર હતા. વિરલે એમની સાથે વાત કરેલી અને એમણે જરુર પડે દરેક પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવેલી. એમનાજ ઓળખ પત્રની ડુપ્લીકેટ એમની જાણ બહાર વિરલે બનાવી રાખી હતી એના ઉપર વિરલે પોતાનો

ફોટો ચોંટાડ્યો હતો.

બીજે દિવસે સવારે…

સવારે દસ વાગેને દસ મિનિટે ભુજની એક સરકારી ઓફિસમાં હલચલ મચી હતી. ત્યાંના એક સાહેબને તાબડતોબ ઓફિસમાં હાજર થવાનું ફરમાન જાહેર કરાયું હતુ. દિલ્હીથી કોઇ મોટા સાહેબ એમને જ ખાસ મળવા આવ્યા હતા. કાનજીના સાહેબ એમની ઓફિસમાં અત્યારે પરસેવે રેબજેબ થઈ બેઠા હતા. એમના ટેબલને સામે છેડે દિલ્હીથી આવેલા સીબીઆઇ ઓફિસર બેઠા હતા. એમનો એક સવાલ સાંભળતાજ સાહેબને એસી નીચે બેઠા હોવા છતા પરસેવો વળી ગયેલો.

“તો તમારુ શું કહેવુ છે, મી.ભગત? જયા આહિર નામની છોકરીનું તમે અપહરણ કરાવવાનો પ્રયત્ન કરેલો. એની પાછળ તમારા ગુંડા મોકલેલા, હથીયાર સાથે. એમાંનાજ એક ગુંડાએ ગોળી ચલાવી. જયાના પપ્પા, કાનજીભાઇ આહિર પર જાનલેવા હુમલો કરેલો અને પોતાના પતિને બચાવવા પત્ની વચ્ચે આવી જતા એમને હાથે ગોળી વાગેલી. એ બેન અત્યારે એમનો એક હાથ ગુમાવી ચુક્યા છે, મી.ભગત તમારા પાપે! જયા એ વખતે એનો જીવ બચાવવા ભાગેલી ને એના સદ નસીબ કે એજ વખતે આપણા વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીની સીક્યોરીટીનું કામ સંભાળતા સાહેબ રજા ઉપર હતા અને એ ત્યાંથી નિકળી રહ્યાં હતા. એમણે જયાને રસ્તા ઉપર અડધી રાતે આમ એકલી ભાગતા જોઇને ગાડી ઊભી રાખેલી અને બનાવની વિગત પુછેલી. જયા ખુબ જ ગભરાયેલી હોવાથી બેહોશ થઈ ઢળી પડેલી. એ સાહેબ જયાને તરત ડોક્ટર પાસે લઈ ગયેલા. જયાના કપડા પર લોહીના ધાબા હતા એનુ મોં પણ લોહિંના છાંટાવાળું હતુ. એ સાહેબને બીજું અગત્યનું કામ હતુ જે ટાળી શકાય એમ ન હતુ એટલે એ જયાનું એક મિત્રને ધ્યાન રાખવાનું કહી જતા રહેલા. બે-ત્રણ દિવસ બાદ એમણે દિલ્હીથી જયાના સમાચાર જાણવા ફોન કરેલો ત્યારે આ બધી વાતની ખબર પડી. જયા હાલ નારીકલ્યાણ કેન્દ્રમાં સુરક્ષીત છે, મને સાહેબે તમારા લોકોની તપાસ કરવા મોકલ્યો છે. મને મળેલી માહિતી મુજબ તમે જયાના પપ્પા એટલેકે કાનજીભાઇને ખોટા કેસમાં ફસાવી જેલમાં પુરાવ્યા છે, શું આ વાત સાચી છે?”
“ના, ના સાહેબ તમારી જરુર કોઇ મોટી ભુલ થતી લાગે છે. હું તો એક સરકારી પગારદાર છું. ગુંડા રાખવા, અપહરણ કરાવવું એ બધુ મારુ ગજુ નહિં સાહેબ”

“તમને શું હુ મુરખ લાગુ છું? આ જુઓ મારુ, આઇ કાર્ડ, સીધો દિલ્હીથી અહિં આવ્યો છું.” પેલાની સામે ઓળખ પત્ર ધરીને એ ધ્યાનથી જુએ એ પહેલા પાછું મુકી દેતા ઓફિસરે કહ્યું.

“સાહેબ હું સાચુ કહું છું. હા, ઓફિસમાંથી એક અગત્યની ફાઇલ ગૂમ થઈ હતી, મને કાનજી ઉપર શંકા જતા મેં પોલીસ ફરીયાદ કરેલી.”

“એવી તો કેવી અગત્યની ફાઇલ હતી મી. ભગત કે એમની જમાનત પણ ના થાય?” સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં આવેલો વિરલ મરકી રહ્યો. એનું એક કામ લગભગ પતી જવામાં હતુ.

“જુઓ મી.ભગત હું પણ તમારા જેવો જ એક સરકારી કર્મચારી છું. જાણુ છું કે ઘણી વખત આપણને ઉપરથી એટલુ પ્રેશર આવતું હોય કે ના ઇચ્છવા છતાં આપણે કેટલાક કામ કરવા પડે. જયાની વાત છેક દિલ્હી સુધી ગઈ છે. આ વાત અહિં જ પતાવી દેવામાં આપણા બધાની ભલાઇ છે. તમે મારી વાત સમજો. કાનજી વિરુધનો કેસ પાછો લઈલો. કહી દેજો કે ગૂમ થયેલી ફાઇલ મળી ગઈ. કાનજીની કોઇ ભુલ ન હતી. એની માંફી માંગીને એને માનભેર નોકરીએ પાછો લઈ લેજો.”

“જી, જી સાહેબ, તમે જેમ કહો તેમ. બસ મને આ બધાથી દુર રાખો.”
“ચોક્કસ મી.ભગત. હું તમારી મદદ કરીશ તમે થોડી મારી મદદ કરી દો.”

“હુકમ કરો સાહેબ! તમારે મારી શી મદદ જોઇએ?”
“મારે સાચા ગુનેગારનું નામ જોઇએ છે.” વિરલે એના ગજવામાંથી લાઇટર કાઢીને પેટાવ્યું, પછી જાણે સિગારેટ પીવાનું મુલતવી રાખ્યું હોય એમ લાઇટર બંધ કરીને હાથમાં પકડી રાખ્યું. “હું મારુ હોમવર્ક બરાબર કરીને આવ્યો છું, મયંકભાઇ વિશે તમે જાતે જણાવશો કે મારે તમને અરેસ્ટ કરીને બધુ બોલાવવું પડશે? જુઓ હું તમને આ કેસમાંથી દુર જ રાખવા માંગુ છું. તમારો કોઇ ગુનો એવો મોટો ગુનો બનતો જ નથી. તમે કાનજીને છોડાવીને તમારી ભુલ સુધારી લો અને મયંકભાઇ વિશે જે કંઈ પણ માહિતી હોય એ આપીદો.”

મી.ભગત વિરલની જાળમાં આબાદ ફસાઇ ગયા હતા. આમેય એને મયંકભાઇના કામ સાથે કંઇ લેવા દેવા ન હતી. એ બસ એની રહેમ નજર એમની ઉપર બની રહે એટલા માટે મયંકના બધા આડા ધંધા પર, આડી નજર કરતા. હવે મયંકને બચાવવા જતા ગાળિયો પોતાના ગળામાં આવશે એવી બીક લાગતા એમણે પોપટની જેમ બધુ બોલવા માંડ્યુ.
વિરલ અહિં ખાલી જયાની મદદ કરવાને આવેલો, એને ક્યાં ખબર હતી કે નિયતિ હવે એને દરેક છાપામાં હીરો બની ચમકવવાની હતી. ખાલી પેલાને ડરાવવા જોડી કાઢેલી વાત ખરેખર દિલ્હી સુંધી પહોંચવાની હતી.

ક્રમશ:

લેખક : નિયતી કાપડિયા

આના પછીનો ભાગ વાંચો આજ સમયે આવતીકાલે આપણા પેજ પર. આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

ટીપ્પણી