આ તો ગાંડા ની મોજ હો…ભાઈ… વાંચો અને ગર્વ કરો આ રાજકોટના વ્યક્તિ પર..

રાજકોટ : રાજકોટ શહેર-જિલ્લા માં રસ્તે રઝળતા,ભટકતા અસ્થિર મગજના લોકો માટે વિષ્ણુભાઈ ભરાડ અનોખો સેવાયજ્ઞ ચલાવી પાગલો ને પરિવાર જેવી હુંફ આપી રહ્યા છે.ગાંડાની મોજ રિક્ષા થી જાણીતા બનેલા વિષ્ણુભાઈ પાગલો ની સાથે સાથે અબોલજીવો માટે કરુણા ફાઉન્ડેશન દ્વારા સતત સત્કાર્યો કરી રહ્યા છે.

જીવનમાં કંઈક કરી છૂટવાની ભાવના સાથે છેલ્લા ૧૪ વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા એનિમલ હેલ્પ લાઈન ચલાવતા વિષ્ણુભાઈ ભરાડે છેલ્લા ત્રણ વર્ષ થી અસ્થિર મગજના રસ્તે રઝળતા નિરાધાર લોકો માટે સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.

આ અનોખી સેવામાં વિષ્ણુભાઈ ભરાડ પોતાના સાથી એવા દિલીપસિંહ વાઘેલા અને દિલીપભાઈ વડોલીયાના સાથ સહકાર થી રાજકોટ શહેર અને આસપાસ ના પડધરી, કુવાડવા, સહિતના ગામોમાં અને હાઇવે પર પોતાની રિક્ષા લઈ ને ભગીરથ કાર્ય કરવા નીકળી જાય છે અને રસ્તા માં જ્યાં ક્યાંય પણ પાગલ જોવા મળે ત્યાંજ ખુરશી ગોઠવી પાગલ ને બાલ-દાઢી કરી નવડાવી,નવા કપડાં પહેરાવી ભરપેટ ભોજન કરાવે છે.

“ગાંડા ની મોજ” નામની રિક્ષા લઈને સવારથી સાંજ સુધી સત્કાર્યોમાં નીકળી પડતા વિષ્ણુભાઈ અને તેમની ટીમ આ મોબાઈલ યુનિટ માં પાણીની ટેન્ક,મેડિકલ કીટ, કપડાં,ટોવેલ,વસ્ત્રો,નાસ્તો સહીત ની સુવિધાથી સજ્જ હોય છે અને પાગલ ને એક વખત સ્નાન કરાવ્યા કોઈ પણ વ્યક્તિ કહી નથી શકતું કે આ વ્યક્તિ પાગલ છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વિષ્ણુભાઈ અને તેમની ટીમ દ્વારા ૭ થી ૮ હજાર પાગલોની સેવા સુશ્રુષા કરવામાં આવી છે અને અવિરત પણે આ કામગીરી નાના મોટા દાતાઓના સાથ સહકાર થી કરવામાં આવે છે.

આજે સમાજમાં સુધરેલા લોકોને પોતાના ઘરડા માં-બાપ પણ બોજ લાગી રહ્યા છે અને માનસિક બીમાર કે અસ્થિર મગજની વ્યક્તિ ઘરના લોકો પણ નથી સાચવતા ત્યારે ગાંડાની મોજ થી જાણીતા વિષ્ણુભાઈ અને ટીમને આવા સત્કાર્ય બદલ સો સો સલામ

લેખન રિપોર્ટર : હિતેશ ઠાકર

દરરોજ આવી અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી