જલ્સા કરોને જેંતીલાલ

ઇન્સ્ટન્ટ વેનીલા આઈસ્ક્રિમ – બાળકોને બહારનો આઈસ્ક્રીમ નથી ખવડાવવો તો હવે ઘરે જ બનાવો…

મિત્રો, ઉનાળાની સીઝન એટલે ધોમધખતો તાપ, ગરમી અને અસહ્ય ઉકળાટ. આવા સમયે આહલાદક ઠંડા-પીણાં તેમજ મનભાવન આઈસ્ક્રિમ કોણ પસંદ ના કરે ? માટે જ આજે હું ઇન્સ્ટન્ટ આઈસ્ક્રિમ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું. તો ચાલો બતાવી દઉં કઈ રીતે બનાવશું ઇન્સ્ટન્ટ વેનીલા આઈસ્ક્રિમ.

સામગ્રી :


* 250 મિલી ફ્રેશ ક્રીમ

* 400 મિલી દૂધ

* 1/2 કપ દળેલી ખાંડ

* 20 ગ્રામ મિલ્ક પાવડર

* વેનીલા એસેન્સ

ડેકોરેશન માટે :

* 4 થી 5 નંગ ચેરી

* 6 થી 7 નંગ પિસ્તા

* થોડી ટૂટ્ટી-ફ્રૂટી

* ચપટી ચોકલૅટ સેવ

રીત :


1) આઈસ્ક્રિમ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ક્રીમ લો. મેં અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે, કોઈપણ બ્રાન્ડનું લઇ શકાય જે માર્કેટમાં આસાનીથી મળી શકે.


2) તેમાં થોડી થોડી દળેલી ખાંડ ઉમેરીને બિટરથી ફીણી લો. બિટ કરવા માટે ઇલેક્ટ્રોનિક અથવા તો હેન્ડ બિટર યુઝ કરી શકાય. ત્યારપછી તેમાં થોડું થોડું દૂધ ઉમેરી ફીણી લો. આ રીતે ફીણવાથી આઈસ્ક્રિમ સ્મૂથ બને છે.


3) ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર અને વેનીલા એસેન્સ નાખીને ફીણી લો. દૂધ, ફ્રેશ ક્રીમ, દૂધ પાવડર અને વેનીલા એસેન્સ બધું જ ઉમેરીને બરાબર ફીણી લેવાનું છે.


4) બરાબર ફીણાય જાય પછી તેને એક નાના બાઉલમાં ટ્રાન્સફર કરી લો. બાઉલને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં મુકવાનો છે એટલે ફ્રીઝરમાં સેટ થઇ શકે એ પ્રમાણે બાઉલ સિલેક્ટ કરવો. બાઉલની જગ્યાએ મોલ્ડ પણ લઇ શકાય. 7 થી 8 કલાકમાં આઈસ્ક્રિમ સરસ જામી જશે.


5) સાતેક કલાક પછી આઈસ્ક્રિમ ફ્રિઝરમાંથી કાઢી સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ચેરી, તૂટી-ફ્રૂટી, ચોકલેટ સેવ અને મનપસંદ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો.


આઈસ્ક્રિમને વધુ સ્મૂથ બનાવવા માટે સાતેક કલાક સેટ થયેલા આઈસ્ક્રિમને નોર્મલ ટેમ્પરેચરમાં રાખી મેલ્ટ થવા દો અને ફરીથી ફીણીને ફ્રીઝરમાં સેટ થવા મુકો. આ રીતે પ્રોસેસ કરવાથી આઈસ્ક્રિમમાં બરફની કણી રહેતી નથી અને આઈસ્ક્રિમ બહાર જેવો જ સોફ્ટ અને સ્મૂથ બને છે.

તો ફટાફટ બનાવો ઇન્સ્ટન્ટ આઈસ્ક્રિમ, દૂધ બાળવાની બિલકુલ ઝંઝટ નથી અને આસાનીથી બનાવી શકાય છે વળી ઈકોનોમિકલ તો ખરો જ જેથી પેટ ભરીને ખાઈ શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લીક કરો :

Exit mobile version