ઘરના ફર્નિચરની સંભાળ કરો કલર લેમીનેશન દ્વારા તેના માટે શું કરશો અને કેટલો ખર્ચ થશે વાંચો…

જો આ વર્ષે તમે તમારા ઘરને કંઈક નવો અને હટકે લુક આપવા માગતા હોવ તો કલર લેમિનેશન એક બેસ્ટ આઇડિયા છે. કલર લેમિનેશન એક એવી પ્રોસેસ છે જે એક વાર કરાવી દીધા બાદ 10-12 વર્ષ તમારે તમારા ઘરના ફર્નિચરને હાથ પણ લગાડવાની જરૂર નહીં પડે. માત્ર ઘરની દીવાલનો રંગ બદલી નાખવાથી દર વખતે તમને જાણે નવા ઘરમાં રહેવા આવ્યા હોવાની ફીલ મળી જશે. તો જાણી લો તમે પણ કલર લેમિનેશન એટલે શું…

કલર લેમિનેશન વાસ્તવમાં એક ખાસ પ્રકારની પ્રોસેસ છે. ઘરના ફર્નિચર પર આ પ્રકારની પ્રોસેસ કરાવી દેવાથી એની સુંદરતા ઓછામાં ઓછા આગલા એકથી દોઢ દાયકા માટે અકબંધ થઈ જાય છે.

આ પ્રોસેસમાં પહેલાં પ્લાય પર પ્રેસ કરીને વિનિઅરની શીટ લગાડવામાં આવે છે. આ વિનિઅર એટલે અલગ-અલગ પ્રકારના લાકડાની છાલ. દરેક લાકડાની છાલની અલગ-અલગ ડિઝાઇન હોવાથી આવી છાલ લગાવવાથી ફર્નિચરને નેચરલ વુડન લુક મળે છે. આ ઉપરાંત છાલ પર કોઈ પણ પ્રકારનો રંગ આસાનીથી ચડી જતો હોવાથી તમે ઇચ્છો એ રંગ કે એનો કોઈ પણ શેડ એના પર લગાડી શકો છો. હવે આ કલર કરેલા વિનિઅર પર લેમિનેશનનું કોટિંગ કરવામાં આવે છે. આ કોટિંગ કરી દેવાથી વિનિઅરને મિરર પોલિશ જેવી ઇફેક્ટ મળે છે જેની શાઇન અને લસ્ટર વર્ષોનાં વર્ષો સુધી એને નવા જેવું રાખે છે.

કલર લેમિનેશનના ફાયદા– કલર લેમિનેશનનો સૌથી મોટો અને ઊડીને આંખે વળગતો ફાયદો ફર્નિચર પર આવતી મિરર-ઇફેક્ટ છે. આ મિરર-ઇફેક્ટને કારણે આખું ફર્નિચર રીતસરનું ચમકવા લાગે છે.

– બીજો મોટો ફાયદો ફર્નિચરને સાફ કરવામાં પડતી સુવિધા છે. કલર લેમિનેશનનું કોટિંગ જ કંઈક એવા પ્રકારનું છે કે એ કોઈ પણ પ્રકારના આછા કે ઘેરા રંગોને ફર્નિચરમાં એબ્સૉર્બ થવા દેતું નથી. પરિણામે એના પર ચા, કોફી, પેનની શાહીથી માંડીને કશું પણ ઢોળાય તો તમારે તરત એને સાફ કરવા માટે દોડવું પડતું નથી પરંતુ કશું ઢોળાય ત્યારે પણ માત્ર સાબુના ભીના કપડાથી સાફકરી લેવાથી જ કામ પતી જાય છે.

– આ સિવાય ફર્નિચર પર સનમાઇકા લગાવવાથી કેટલીક વાર જો એને ચોંટાડવામાં કશી ખામી રહી જાય તો ક્યારેક વચ્ચે-વચ્ચે એમાં નાના-નાના ફુગ્ગા જેવા બબલ્સ ઊપસી આવે છે, પરંતુ કલર લેમિનેશનમાં આવી કોઈ સમસ્યા ક્યારેય ઊભી થતી જનથી. પરિણામે દેખાવમાં એ હંમેશાં એકસરખું સપાટ જ લાગે છે.

કેટલો ખર્ચ થાય?

કલર લેમિનેશન પ્રમાણમાં એક મોંઘી પ્રોસેસ છે. એમાં અનેક પ્રકારનાં મટીરિયલ તથા કલાકોની મહેનતની આવશ્યકતા રહે છે. કોઈ એક ફર્નિચરના પીસ પર આ પ્રકારની પ્રોસેસ કરવામાં 15-20 દિવસથી માંડીને કેટલીક વાર એકથી દોઢ મહિના જેટલો સમય લાગી જાય છે, જેના પરિણામે સ્વાભાવિક રીતે એની કોસ્ટ પણ વધી જાય છે. તેથી એક સ્ક્વેર ફુટ કલર-લેમિનેશનનો અંદાજિત ખર્ચ લગભગ 400 રૂપિયા જેટલો થઈ શકે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી