2000 વર્ષ જૂનો છે સમોસાનો ઈતિહાસ, જાણી લો કેવી રીતે પહેલીવાર બનાવાયા હતા…

સમોસાનુ નામ સાંભળતા જ મોઢામા પાણી આવી જાય છે. કોઈ પણ વ્યક્તિ ભલે કોઈ સ્ટ્રીક્ટ ડાયટ કેમ ફોલો ન કરે, પણ સમોસા પ્લેટમાં સામે પડ્યા હોય તો તેનો જીવ પણ ખાવા માટે ઊંચોનીચો થઈ જાય છે. બાળકો હોય કે વૃદ્ધો બધાને જ સમોસા ગમે છે. ભારતનુ કોઈ શહેર કે ગામ એવુ નહિ હોય જ્યાં સમોસા મળતા નહિ હોય. ભારતના દરેક ફરસાણની દુકાન પર સમોસા તો મળી જ આવે છે, અને સાંજ પડતા જ દુકાનદારના બધા જ સમોસા વેચાઈ પણ જાય છે. ભારતના લોકોનો સમોસા પ્રેમ તો અદભૂત છે. પરંતુ શું તમે ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો છે કે, આખરે સમોસાની શરૂઆત કેવી રીતે થઈ હતી. સમોસાના ઈતિહાસ વિશે જાણશો, તો તમે પણ ચોંકી જશો.

સમોસાનો ઈતિહાસ બહુ જ જૂનો છે. પરંતુ ખાસ બાબત એ છે તે ભારતીય ફૂડ પણ નથી. તેની શરૂઆત ભારતમા નહિ, પણ અન્ય કોઈ દેશમાં થઈ હતી. હા, ભારતમાં નહિ, પણ બહારના દેશમાંથી સમોસા આવ્યા હતા.

સમોસાનો ઈતિહાસ ઈરાન સાથે જોડાયેલો હોવાનો માનવામાં આવે છે. સમોસા શબ્દ ફારસી ભાષામાં સંબોસાગ શબ્દ પરથી આવ્યો છે. કેટલાક ઈતિહાસકારોનું માનવું છ કે મહમૂદ ગઝનવીના સામ્રાજ્યના શાહી દરબારમાં એક નમકીન પેસ્ટ્રી રજૂ કરવામાં આવતી હતી, જેમા કીમા, મીટ અને સૂકો મેવો ભરવામાં આવતો હતો. આ પેસ્ટ્રી સમોસા હોવાનું જ ઈતિહાસકારો માને છે.ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, ભારમાં સમોસા બે હજાર વર્ષ પહેલા આવ્યા હતા, જ્યારે આર્ય ભારતમાં આવ્યા હતા. સમોસા ભારતમાં મધ્ય એશિયાની પહાડીઓમાંથી પસાર થઈને આવ્યા હતા.

કેટલાક ઈતિહાસકારોનું માનવુ છે કે, સમોસાનો જન્મ મિસરમાં થયો હતો. જેના બાદ તે લીબિયા પહોંચ્યો હતો અને તેના બાદ મધ્ય પૂર્વ એશિયા થઈને ભારતમાં આવ્યો હતો. 14મી શતાબ્દીમાં ભારત મુસાફરી પર આવેલ ઈબ્નબતૂતાએ મોહંમદ બિન તુઘલકના દરબાર વિશે લખ્યુ છે કે દરબારમાં ભોજન દરમિયાન મસાલેદાર મીટ, મગફળી અને બદામનું સ્ટફિંગ તૈયાર કરીને લઝીઝ સમોસા પીરસવામાં આવતા હતા, જેને લોકો બહુ જ શોખથી ખાતા હતા. એટલું જ નહિ, 16મી શતાબ્દીમાં મુઘલકાલીન દસ્તાવેજો આઈને અકબરીમાં પણ સમોસાનો ઉલ્લેખ કરાયો છે.

સમોસાના અન્ય બીજા નામ પણ છે. જેમ કે અરબીમાં તેને સમ્બુસકા, બાંગ્લામાં સિંઘાડા, ફારસી અને ઉર્દૂમાં સમ્બુસક, તુર્કી અને મધ્ય એશિયામાં સમ્બા તેમજ ઈરાનમાં સન્બુસેના નામથી ઓળખવામાં આવે છે.

ભારતમાં આવ્યા બાદ સમોસામાં બહુ જ બદલાવ આવ્યો હતો. ભારતમાં જે સમોસા ખાવામાં આવે છે, તેમાં બટાકાની સાથે મરચા અને સ્વાદિષ્ટ મસાલા હોય છે. 16મી સદીમાં પોર્ટુગીઝો દ્વારા બટાકા ભારતમાં લાવવામાં આવ્યા હતા, તેના બાદ સમોસામાં બટાકાનો ઉપયોગ થવા લાગ્યો હતો.

ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારના સમોસા મળે છે. ક્યાંક પનીર ભરવામાં આવે છે, તો ક્યાંક ડ્રાય ફ્રુટ્સ નાખવામાં આવે છે. તેમજ દરેક રાજ્યોમાં મળતા સમોસાની સાઈઝમાં પણ બહુ જ ફરક હોય છે. ક્યાંક મોટા તો, ક્યાક આંગળી જેટલા નાના સમોસા મળી આવે છે. પણ, જો તમને ખબર પડશે કે, સમોસા ઓરિજિનલી ભારતનું ફૂડ નથી, તો પણ ભારતીયોમાં સમોસાનો પ્રેમ ઓછો નહિ થાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી અને જાણવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી