“છેલ્લી ઈચ્છા” – વાંચો આ લાગણીસભર વાર્તા, અંત સુધી વાંચજો..

“છેલ્લી ઈચ્છા”

ઘડિયાળના 8 તકોળા સંભળાયા. રૂમનો માહોલ એકદમ શાંત હતો જાણે આજે ઘડિયાળ ઘાંટા પડી રહી હોય એવું લાગતું હતું.

“ડોકટર સાહેબ કેટલો સમય છે બા પાસે હવે” ડોક્ટરને રૂમની બહાર લઇ જઈ રમણીક મહેતાએ ગંભીરતાથી પ્રશ્ન મુક્યો.
“રમણીકભાઈ ૯-૧૦ મહિનાથી વધારે નહિ…કારણકે પેટમાં ગાંઠ જે રીતે વધી રહી છે..એ જોતા એવું લાગે છે કે 9-૧૦ મહિના નીકળી જશે..”
“પણ..ડોકટર સાહેબ..”
“મને ખબર છે રમણીકભાઈ..તમે એમ જ કેહવા માંગો છો ને કે ઓપરેશન કરી ગાંઠ નીકાળી લઈએ તો..? તો તેમનો જીવ જોખમાઈ શકે તેમ છે..જો હાલ ઓપરેશન કરીશું તો કદાચ આ ૯-૧૦ મહિના પણ ગુમાવવા પડશે..સમજો મારી વાત…” ડોકટર પટેલે રમણીકભાઈના ખભા પર હાથ મૂકી સાંત્વના આપતા કહ્યું

“સારું ડોકટર..પણ આ વાત અંદર કોઈને ના કહેતા…”
“રમણીકભાઈ મને ખબર છે તમને તમારા બા પ્રત્યે અમાપ લગાવ છે..પણ મારી તમને એક મિત્ર તરીકે એટલી જ સલાહ છે કે ઘરવાળાને જણાવી દો અને બાને પણ કઈ અંતિમ ઈચ્છા હોય તો પૂછી લો..”
“અંતિમ ઈચ્છા…?? પણ હજી તો તમે કહ્યું ને કે 9-૧૦ મહિના છે બા પાસે..”
“રમણીકભાઈ આપણે અનુમાન લગાવી શકીએ..પણ દરેક વસ્તુ તો આપણા હાથમાં નથી હોતી ને…!!!”

રમણીકભાઈ ડોક્ટરની વાતમાં હા ભરી હળવેકથી રૂમની અંદર ગયા અને બા પાસે બેસી તેમનો હાથ પકડી વ્હાલથી બોલ્યા ,
“બા..તને સારું થઇ જશે જલ્દી ..તારો કાનુડો તને મંદિરમાં યાદ કરે છે..પછી તારે મંદિર પણ જવાનું છે રોજ અને મોગરાના હાર બનવવાના છે..તું ચિંતા ના કર..જો બધા જ અહી છે..જો તારી વહુ ધારા, તારો લાડકવાયો પૌત્ર આકાશ…”

“આકાશની ઘરવાળી ક્યાં ગઈ…??” બા ખરડાતા ખરડાતા અવાજે બોલ્યા

ત્યાજ રમણીકભાઈની પુત્રવધુ પ્રિયાંશી ચીકુનું જ્યુસ લઇ રૂમમાં આવી.
“આ આવી ગઈ બા..આકાશની ઘરવાળી..જુઓ..બેટા પ્રિયાંશી બા જોડે બેસ..થોડીવાર..”

પ્રિયાંશી ચીકુનું જ્યુસ લઇ બા પાસે બેઠી અને બાને થોડા બેઠા કરી ચમચીથી બા ને પીવડાવી રહી હતી..ત્યાજ બા એ પ્રિયાંશી ને કહ્યું,
“બસ બેટા હવે નહિ..ભગવાન ૧૦૦ વરસ ની કરે તને….આકાશ તું પણ આવ અહી બેસ..”

આકાશ તરત બા પાસે આવ્યો અને પ્રીયાશીની બાજુમાં બેઠો. ત્યાં જ બા એ બન્ને ને જોતા કહ્યું
“બેટા આકાશ..હવે મારે તારા ટેણીયાને રમાડવો છે બસ…પછી કાનાને મંદિરમાં મળવા નહી..પણ સીધી ઉપર રૂબરૂ મળવા જતી રહું તો પણ વાંધો નહિ..પણ એ પહેલા મારા આકાશને બાપ બનતા જોવો છે..”

“હા..બા..તમારો આકાશ અને વહુ આ ઈચ્છા પૂરી કરશે..” આકાશ અને પ્રિયાંશી કઈ બોલે તે પહેલા રમણીકભાઈએ જાણે ગંભીરતામાંથી થોડા બહાર આવી ઉત્સાહની છાલક ચેહેરા પર મારી હોય તેમ બોલ્યા.

આ સાંભળી આકાશ અને પ્રિયાંશી બન્ને એક બીજાની સામે કંઇક અણધાર્યું સંભળાઈ ગયું હોય તે ભાવે જોવા લાગ્યા અને પ્રિયાંશી ઉભી થઈને ચાલી ગઈ.

બા, રમણીકભાઈ અને ધારાબેનને તો એવું લાગ્યું કે પ્રિયાંશી શરમાઈને ઉભી થઇ ચાલી ગઈ પણ આકાશ પ્રિયાંશીના ઉભા થઇ ચાલ્યા જવાનું કારણ સમજી ગયો હતો, પણ રમણીકભાઈ તો ખુશ થઇ ગયા. તેમને તો બા ને અંતિમ ઈચ્છા પૂછવાની જરૂર પણ ના પડી અને બાએ સામેથી જ કહી દીધી.

***

“પીયુ..કેટલી વાર..”

“આકાશ હું નાહવા બેઠી છું..મારે વાર લાગશે..”

આકાશ સમજી ગયો કે પ્રિયાંશીનું મગજ ગરમ થઇ ગયું છે. કારણ કે જયારે જયારે પ્રિયાંશી અકળાય છે ત્યારે ત્યારે તે તેની આદત પ્રમાણે સમય જોયા વિના નાહવા જતી રહે…

આકાશ દરવાજો બંધ કરી રૂમમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. તેના ચહેરા પરના ભાવ જાણે પ્રિયાંશીના ગુસ્સાનો સામનો કરવા માટે રીહર્સલ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. થોડી વાર થઇ ને પ્રિયાંશી ટુવાલથી વાળ લુછતી લુછતી બાથરૂમથી બહાર આવી. પ્રિયાંશીનું મદહોશ યૌવન જોઈ આકાશના મનમાં જાણે બા ની છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું કૌતક જાગ્યું હોય તેવો વિચાર લબકારો મારી જતો રહ્યો.

“આકાશ બેસ મારી સામે..મારે વાત કરવી છે..”

આકાશ બેડની સામે પડેલી ખુરશી પર ગંભીર ચેહરા સાથે બેઠો. પ્રિયાંશી આકાશ ની સામે બેસી તેનો હાથ પકડ્યો અને કહ્યું,

“આકાશ..પપ્પાએ તો આપણી મરજી જાણ્યા વિના જ બા ને કહી દીધું કે તમારી આ ઈચ્છા આપણે બન્ને પૂરી કરીશું..હજી તો આપણા લગ્નને 6 મહિના જ થયા છે ને..અને લગ્ન પહેલા તો આપણે નક્કી કર્યું હતું ને કે બાળકનું પ્લાનિંગ લગ્નના 4 વર્ષ પછી કરીશું…તો શું એ બધી વાતો મજાક હતી..?”

“પ્રિયાંશી..બધું તારી નજરની સામે જ થયું છે ને..તું કેમ આવી રીતે મારો વાંક કાઢે છે..”

“હા તો તારે એ સમયે કંઇક બોલવા જેવું હતું આકાશ..કારણ કે આપણું મૌન એ લોકો હા સમજી બેઠા હશે..”

“તારી વાત સાચી છે પ્રિયાંશી..હું જયારે રૂમની બહાર નીકળતો હતો ત્યારે પપ્પા એ મને કહ્યું કે બા પાસે હવે ૯-૧૦ મહિના જેટલો જ સમય છે એટલે એમની આ છેલ્લી ઈચ્છા હવે તારે પૂરી કરવી જ પડશે અને એ કરવામાં વિલંબ ના કરતો..”

આ સાંભળી સુલજેલી સંસ્કારી પ્રિયાંશી મનોમન ગૂંચવાઈ ગઈ. એયર હોસ્ટેસ નું ભણેલું જાણે વ્યર્થ જઈ રહ્યું હોય તેવો ભાસ તેનો થઇ રહ્યો હતો. લગ્ન પહેલા થયેલી સમજુતી પ્રમાણે તો પ્રિયાંશીને આજથી ૩ મહિના પછી ઈન્ડીગોમાં જોબની શરૂઆત કરવાની હતી.

“તો શું એ બધી ખાલી વાતો જ હતી…બા ની એ અંતિમ ઈચ્છા સામે મારા કેરિયર..મારા સપનાની કોઈ કિંમત જ નહિ..!!” મનોમન વિચારી રહેલી 2૩ વર્ષની પ્રિયાંશી જાણે શૂન્ય થઇ ગઈ હતી.

રમણીકભાઈના સુખી સમૃદ્ધ પરિવાર અને ભણેલા ગણેલા સંસ્કારી આકાશને જોઈ પ્રિયાંશીના પિતાએ સારું માંગું હાથમાંથી જતું ના રહે તે બીકે પ્રિયાંશીની કેરિયરના શરૂઆતના વર્ષોમાં જ તેના લગ્ન કરાવી દીધા.

જોકે સગાઈ પહેલા જ પ્રિયાંશીએ આકાશ સાથે તેના કેરિયરને લગતી મહેચ્છાઓ, તેના સપના વિષે જણાવી દીધું હતું અને ચોખવટ કરી હતી કે મારું ભણવાનું પૂરું થાય પછી લગ્ન કરી લઈશું અને લગ્ન પછી હું 4 વર્ષ જોબ કરી મારું એક અલગ અસ્તિત્વ ઉભું કરીશ. આકાશે આ બધી વાતો ખુશી ખુશી સ્વીકારી અને પ્રિયાંશીને તેના સપના પુરા કરવા હંમેશા મદદ કરશે તેવું મુલ્યવાન વચન પણ આપ્યું હતું. પણ કોને ખબર હતી કે આવી “આખરી ઈચ્છા” પ્રિયાંશીની મહેચ્છાઓ ને આડે આવશે અને હજી તો ઉડવા તૈયાર થયેલી એ પાંખોને ઘર પુરતી જ સીમિત કરી દેશે.
આ બધું વિચારતા વિચારતા પાણી ભરેલી આંખો એ પ્રિયાંશી સુઈ ગઈ.

પણ આ પાણી ભરેલી આંખો આકાશથી ના જોવાઈ અને આખી રાત ખુરશી પર બેસી વિચારતો રહ્યો કે પપ્પાને કેવી રીતે સમજાવું કે

“મારી પ્રિયાંશી ના સપનાનું શું..?….શું એક આથમતા સુરજ માટે ઉગી રહેલી નવી આશાઓ, સપનાઓને દબાવી દેવું એ સાચું છે..?…આ “આખરી ઈચ્છા” નું આટલું બધું કેમ માન તે લોકોની મહેચ્છાઓ સામે પણ જીતી જાય…મને ખબર છે કે પપ્પાને બા જીવથી પણ વધારે વાહલા છે..પણ શું એ પ્રેમ માટે હું મારા પ્રેમ ના સપનાઓનું ગળું ડાબી દઉં..આ તે કેટલું યોગ્ય..પણ ભૂલ તો મારી જ છે..લગ્ન પહેલા મેં જ પપ્પાને પ્રિયાંશીની મહેચ્છાઓ, એની જોબ કરવાની ઈચ્છા, સપનાઓ વિષે વાત ના કરી..જો એમને વાત કરી હોત તો એ કદાચ સમજી શકત”

મધરાતે મનોમંથન કરી રહેલા આકાશને આ “કદાચ” માં આશાનું કિરણ દેખાયું અને તરત જ ઘડિયાળમાં જોયા વિના રમણીકભાઈના રૂમમાં ગયો.
(મનમાં ડર તો હતો કે પપ્પા પ્રિયાંશીના કેરિયરના સપનાની કિંમત સમજશે કે નહિ..પણ જાગેલી આશા એ તેનો ઉભો કરી દીધો)

“પપ્પા…દરવાજો ખોલો કામ છે..”
“અલ્યા..રાતના ૩ વાગ્યા છે..શું થયું..બા બરોબર છે ને..” રમણીકભાઈ આંખો મસળતા મસળતા દરવાજો ખોલી બોલ્યા
“બા બરોબર છે..પણ હું નથી..બહાર આવો મારે વાત કરવી છે..”
“પણ થયું શું..એતો કે…”

રમણીકભાઈ આકાશને પૂછતા પૂછતા તેની પાછળ ઘરના નાનકડા ગાર્ડનમાં ગયા અને આકાશ સાથે હીંચકા પર બેઠા

“બોલ શું થયું..કઈ તકલીફ છે..પૈસાની..કે…બીજી કઈ..?”
“પપ્પા હું અને…”
આટલું બોલે ત્યાં જ આકાશના મનમાં કંઇક વિચાર આવ્યો એટલે તરત જ એ વાત બોલતા અટકી ગયો.

“ હા બોલ તું અને..આગળ તો બોલ” રમણીકભાઈ બોલ્યા
થોડું વિચારી આકાશ બોલ્યો

“પપ્પા..હું અને પંકીલ સાથે ગારમેન્ટનો નવો બીઝનેસ સ્ટાર્ટ કરવા માંગીએ છીએ..”
(આકાશે વાતને ફેરવી લીધી અને બીજી વાત બનાવી પૂછી લીધી)

“હા તો કરોને..કોણ રોકે છે તમને..પૈસા જોઈએ તો લઇ લેજે..કેટલા જોઈએ બોલ..”
“પૈસા નું પપ્પા હું તમને પછી કહીશ..આ તો તમને જણાવવું હતું એટલે..બોલાવ્યા..”
“હા તો અલ્યા..આવી વાત કરવા અડધી રાતે જગાડવાના..ખરો છે તું તો..!!..કઈ નહિ ચલો..જા સુઈ જા હવે..”
“હા પપ્પા..સોરી તમારી ઊંઘ બગાડી..” આ કહી આકાશ જઈ રહ્યો હતો
ત્યાં જ રમણીકભાઈએ મલકાતા કહ્યું
“બેટા..બા ની અંતિમ ઈચ્છા યાદ છે ને..??…હું જાવ સુવા..જા તું જલ્દી તારા રૂમમાં”
“યાદ છે પપ્પા” એટલું કહી આકાશ રૂમમાં જતો રહ્યો.

***

સવારના 9 વાગ્યા હતા અને ઘરમાં રમણીકભાઈ, બા અને આકાશ જ હતા. ડાઈનીંગ ટેબલ પર બેઠેલા રમણીકભાઈ છાપુ વાંચી રહ્યા હતા ત્યાજ આકાશે આવી કંઇક કહ્યું અને રમણીકભાઈ ભડક્યા

“આવું કેવી રીતે શક્ય છે..? આ વાત મારા માનવામાં નથી આવતી..” રમણીકભાઈ ગુસ્સામાં બોલી રહ્યા હતા

“આ રહ્યો રીપોર્ટ જોઈ લો તમે..” આકાશે ગંભીરતા પૂર્વક ધ્રુજતા હાથે રમણીકભાઈને રીપોર્ટ બતાવ્યો.

રીપોર્ટ જોઈ રમણીકભાઈ નો ચેહરો ઉતરી ગયો. તેમના માનવામાં નહોતી આવી રહી આ વાત. તે અકળાઈ ઉઠ્યા અને બોલ્યા
“તો હવે બા ની અંતિમ ઈચ્છાનું શુ..? એ કેવી રીતે પૂરી થશે..?”

“પપ્પા..કદાચ કાનો જ નહિ ઈચ્છતો હોય કે બા ની એ અંતિમ ઈચ્છા પૂરી થાય..અને આ વસ્તુ તો મારા હાથમાં નથી ને પપ્પા..”

રમણીકભાઈ ગુસ્સામાં ઉભા થઇ ઘરની બહાર જતા રહ્યા. રમણીકભાઈને ડર તો એ વાત નો જ હતો કે જયારે સમાજમાં લોકોને આ વાતની ખબર પડશે તો તેમની ઈજ્જત શું રેહશે..?
“શું મારા કુળ નો અહિયાં જ અંત આવી જશે..?” આ વાત વિચારતા વિચારતા તેઓ તેમના મિત્ર દિનાકર પાસે પહોચ્યા અને તેને બધી વાત જણાવી. દિનાકરનું પેટ સ્ત્રી જેવું હતું. તેના પેટમાં આ વાત રહી નહિ અને મિત્ર વર્તુળમાં બધાને જણાવી દીધી એટલે રમણીકભાઈની ઈજ્જત પર વાતો થવા લાગી.

આકાશના મિત્રોને, સગવાહલાઓ ને આ વાતની ખબર પડતા તે પણ ભણેલા ગણેલા અભણ લોકો જેવું તોછડું વર્તન કરી મજાક ઉડાવવા લાગ્યા.

ઘણું બધું બદલાઈ ગયું હતું પણ કંઇક સ્થિર હતું અને એ હતો પ્રિયાંશી અને આકાશનો પ્રેમ. બન્નેની સમજણ શક્તિએ એકબીજાને વધુ નજીક લાવી દીધા હતા.ભલે બહારના લોકોને આકાશ પર હંસી આવતી હતી, પણ પ્રિયાંશી નો પ્રેમ એ હાંસીને તોડીને ચકના ચુર કરી દેતો હતો.

***

આજે પ્રિયાંશીની જોબના ૩ વર્ષ પુરા થઇ ગયા. તેની ઉજળી કારકિર્દી જાણે મોટા મોટા હરણફાળ પગલા ભરી આગળ વધી રહી છે. તેનો જુસ્સો તેના કામમાં દેખાઈ રહ્યો છે અને કેરિયરના પુરા થઇ રહેલા સપના તેની આંખોની ચમક બની ગયા છે. આ સપના પુરા કરવામાં જો સૌથી વધારે કોઈએ સાથ આપ્યો હોય તો એ છે આકાશ.

બા તો “છેલ્લી ઈચ્છા” જણાવી ૩ મહિના પછી જ સ્વર્ગવાસ પામ્યા હતા. જો એમની છેલ્લી ઈચ્છા પૂરી કરવા આકાશ અને પ્રિયાંશી મથ્યા હોત તો કદાચ પ્રિયાંશીને સપનાઓ પુરા કરવા નવી પાંખો ના મળી હોત.

પણ પ્રિયાંશીના હોંશિલા પતિ આકાશે આ પાંખો કપાવવા ના દીધી અને પોતે “શારીરિક ખામીને કારણે બાપ બની શકે તેમ નથી” તેવો ખોટો રીપોર્ટ ડોકટર પાસે બનાવડાવી પિતા રમણીકભાઈને વિશ્વાસ અપાવ્યો કે “તેમનો દીકરો આકાશ તેમની બા ની છેલ્લી ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી”. આ નિર્ણય લઇ આકાશે લગ્ન પહેલા પ્રીયાશીને હંમેશા મદદ કરવાનું મુલ્યવાન વચન નિભાવ્યું.

ઘણા લોકો એ આકાશ ને તે સમયે ટોણા માર્યા.લોકો એની હંસી ઉડાવતા હતા કે “બાપ બનવાની હેસિયત નથી આ નબળામાં”. “નપુંસક” આટલી હદ સુધીના શબ્દો તેને સાંભળી સહન કર્યા હતા. પણ આકાશને ખબર હતી કે તેનો આ ખોટું બોલવાનો નિર્ણય પ્રિયાંશીના સપના પુરા કરવા માટેના રસ્તા ખોલી દેશે અને એને પછી કોઈ અડચણ નહિ આવે.

બન્યું પણ એવું જ..આમ પણ જયારે ઈરાદા સાચા હોય છે ત્યારે કુદરત પણ એ કામ પૂરું કરવા સાથ આપે છે..

પ્રિયાંશીએ ૩ વર્ષમાં પોતાની કાબેલિયતથી કેરિયરમાં એક નવી જ ઉંચાઈ પર પહોચી ગઈ અને ઈન્ડીગો એયર લાઇન્સમાં એક પ્રતિષ્ઠિત હોદ્દા પર પહોચી ગઈ.

આકાશના આ નિર્ણય પર શરૂઆતમાં પ્રિયાંશીને ખચકાટ હતો કે “લોકો શું વિચારશે આકાશ વિશે..?”

પણ આકાશ ને લોકોની પરવાહ ન હતી,,એને તો માત્ર પ્રિયાંશી અને તેના કેરિયરની પરવાહ હતી. આકાશના આ નિર્ણયે આકાશ અને પ્રિયાંશીને વધુ નજીક લાવી દીધા.

હવે બન્ને એ આગળના એક વર્ષમાં બાળક લાવવાનો પ્લાન કરી લીધો છે અને બધી સાચી હકીકત રમણીકભાઈ ને જણાવી દીધી. રમણીકભાઈ શરૂઆતમાં તો થોડા ગુસ્સે થયા પણ છેલ્લે મલકાતા મલકાતા બોલી ઉઠ્યા

“ચલો છેલ્લી ઈચ્છા તો કઈ નહિ..પણ મારી દાદા બનવાની તો ઈચ્છા પૂરી થઇ”

લેખક : હાર્દિક ગજ્જર

દરરોજ અલગ અલગ વિષય પર વાંચો અનેક વાર્તાઓ અમારા પેજ પર.

ટીપ્પણી