શું તમે હુંફાળુ પાણી પીવાથી થતાં સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિષે જાણો છો ? ના, તો વાંચો જાણો ને શેર કરો આ ઉપયોગી માહિતી…….

હુંફાળુ પાણી પીવાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા

હુંફાળુ પાણી – કૂદરતી ડીટોક્ષ

આપણામાંના મોટા ભાગનાને સવારની શરૂઆત ગરમાગરમ કોફી અથવા તો ચા દ્વારા કરવી ગમતી હોય છે. જે તમારા શરીરને આળસ તેમજ સુસ્તી ખંખેરી ઉભા થવા માટે એક ધક્કો આપે છે. તમને કદાચ એ નહીં ખબર હોય કે આ પીણાઓમાંનું જે કેફીન છે તે જ માત્ર તમને સારી ફીલીંગ નથી આપતું પણ તેની જે હુંફ છે તે પણ તમારા શરીર પર ઠંડક તેમજ પ્રસન્નતા આપનારી અસર ધરાવે છે. અભ્યાસ એવું પણ જણાવે છે કે ગરમ પીણા તમારા સાર્વત્રીક સ્વાસથ્ય, માનસિક સ્વાસ્થ્ય અને પ્રદર્શનને સુધારે છે. હુંફાળુ પાણી પણ તમારા શરીર માટે એક કુદરતી ડીટોક્ષ તરીકે કામ કરે છે. તો ચાલો આજના આ લેખમાં આપણે હુંફાળા પાણી પીવાના ફાયદાઓ વિષે વિસ્તૃત જાણકારી મેળવીએ.
નીચે તમને હુંફાળા પાણી પીવાના સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિષે જણાવવામાં આવ્યું છે.

પાચન તંત્રને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છેઃપાણી પેટમાંના ખોરાકને તોડે છે એટલે કે તેનું પાચન કરવામાં મદદ કરે છે. ગરમ અથવા હુંફાળુ પાણી ઠંડા પાણીની સરખામણીએ પેટમાંના ખોરાકને વધારે જડપથી તોડે છે. જમતી વખતે તેમજ જમ્યા બાદ ખુબ જ ઠંડુ પાણી પીવાથી વાસ્તવમાં ખોરાકમાં સમાયેલા તેલ તેમજ ચરબીને વધારે કઠણ બનાવે છે જેના કારણે આંતરડાઓમાં ચરબી જમા થઈ જાય છે.

જ્યારે આપણે જમ્યા પહેલાં અથવા પછી હુંફાળુ પામી પીએ છીએ ત્યારે આપણા પાચન તંત્રને ખોરાક તેમજ ચરબીનું પાચન કરવા માટે વધારે મહેન નથી કરવી પડતી. હુંફાળા પાણીના કારણે ખોરાકનું સરળ તેમજ ઝડપી પાચન થવાથી આપણું પાચન તંત્ર સ્વચ્છ અને સ્વસ્થ રહે છે.

કબજિયાત રોકે છેકબજિયાત મોટે ભાગે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોવાના કારણે અને ખોરાકની ખરાબ ટેવોના કારણે થાય છે. સવારે ખાલી પેટે હુંફાળુ પાણી પીવાથી મળ ત્યાગ ખુબજ સરળતાથી તેમજ અસરકારક રીતે થાય છે. આખા દીવસ દરમિયાન હુંફાળુ પાણી પીવાની રોજીંદી ટેવથી તમારું પાચન સરળ બને છે અને તેના કારણે આંતરડાઓમાંથી ખોરાક ખુબ જ સરળતાથી પસાર થાય છે. જેના કારણે કબજિયાત નથી થતો અને તેના થવાથી જે આડઅસરો થાય છે તે પણ નથી થતી.

ઝેરી તત્ત્વો બહાર ફેંકે છેહુંફાળુ પાણી પીવાથી શરીરનુ તાપમાન વધે છે, જેનાથી શરીરમાં પરસેવો વળે છે. પરસેવાથી શરીરમાંના ઝેરી તત્ત્વો બહાર ફેંકાય છે અને રક્ત વાહીનીઓ શુદ્ધ બને છે. તે શરીરને અંદર તેમજ બહારથી શુદ્ધ કરે છે.

રક્ત પરિભ્રમણ સુધારે છેહુંફાળુ પાણી પીવાથી લોહી ઝેરી તત્ત્વોથી મુક્ત બને છે અને તેનું પરિભ્રમણ પણ વધે છે. આપણા શરીરમાં પ્રાણવાયુ પહોંચાડવા અને મહત્ત્વના પોષકતત્ત્વોને દરેક કોષો તેમજ અંગો સુધી પહોંચાડવા માટે સારું રક્ત ભ્રમણ ખુબ જરૂરી છે.
તેની એક એન્ટિએજિંગ ઇફેક્ટ પણ છે

આપણા શરીરમાં ઝેરી તત્ત્વોની હાજરી આપણા શરીરને વધારે જલદી વૃદ્ધ બનાવે છે. હુંફાળુ પાણી શરીરને અંદરથી શુદ્ધ કરે છે. તે ત્વચા કોષોને સુધારવામાં તેમજ તેની લવચીકતા સુધારવામાં પણ મદદ કરે છે. નિયમિત રીતે હુંફાળુ પાણી પીવાથી ખીલની સમસ્યા નથી રહેતી. તે તમારી ત્વચાના ટેક્ચરને પણ સ્મુધ બનાવે છે.
તમને વધારે પ્રવૃત્તિશીલ બનાવે છે

જ્યારે તમારું શરીર ઝેરી તત્ત્વોથી મુક્ત રહે છે ત્યારે તમે હંમેશા તાજા તેમજ સક્રીય રહો છો. પણ જો તમારા શરીરમાં ઝેરી તત્ત્વોની હાજરી હશે તો તે તમને સુસ્ત બનાવશે. નિયમિતરીતે હુંફાળુ પાણી પીવાથી તમારી સ્ટેમીનામાં વધારો થશે અને પરિણામ સ્વરૂપ તમારું શરીર ફીઝીકલ લેવલ પર કાર્યક્ષમ રીતે કામ કરશે.

વજન ઘટાડવામાં મદદરૂપહુંફાળુ પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે, તેના કારણે મેટાબોલીક રેટ વધે છે. મેટાબોલીક રેટમાં વધારો થવાથી તમારી કેલરી ઝડપથી બળે છે. આ ઉપરાંત હુંફાળા પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી તમારા શરીરમાંની ચરબી ટુટે છે અને લીંબુમાં રહેલા પેક્ટીન ફાઈબરના કારણે તમને વધારે ખાવાની લાલચ પણ નથી થતી.

તમારે કેટલા પ્રમાણમાં હુંફાળુ પાણી પીવું જોઈએ ?

ઘણા નિષ્ણાતો સલાહ આપે છે કે દીવસ દરમિયાનની શરીરની પાણીની જરૂરીયાત ઓછામાં ઓછી આંઠ ગ્લાસ છે, તેમ છતાં તમારું શરીર તમને પાણીની જરૂરીયાત માટે સંકેત આપે તે પ્રમાણે તમારે પાણી પીવું જોઈએ.જો તમે દિવસ દરમિયાન હુંફાળુ પાણી પી શકો તેમ ન હોવ તો, તમારે નીચે જણાવ્યા પ્રમાણે હુંફાળા પાણીનો પુરતો લાભ મેળવવા માટે આટલું કરવું જોઈએઃ

– તમારે સવારે વહેલાં નરણા કોઠે એટલે કે ખાલી પેટે હુંફાળુ પાણી પીવું જોઈએ. તમે તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો જે તમારા મેટાબોલીઝમને ઝડપી બનાવશે.

– તમારે જમ્યા પહેલાં તેમજ જમ્યા બાદ પણ તરત નહીં થોડા સમય બાદ હુંફાળુ પાણી પીવું જોઈએ. તમારે જમ્યા પહેલાં અરધા કલાકે તેમજ જમ્યા બાદ અરધા કલાકે હુંફાળુ પાણી પીવું જોઈએ.

– તમને જ્યારે પણ તમારું પેટ ફુલી જવાની લાગણી થાય ત્યારે તમારે હુંફાળુ પાણી પીવું જોઈએ. તેમ કરવાથી તમને તરત જ રાહત મળશે.

– જો તમે વારંવાર પાણી ગરમ ન કરી શકતા હોવ. તો તમે ઇલેક્ટ્રીક કીટલીમાં પાણી ગરમ કરી રાખી શકો છો અને દીવસ દરમિયાન તેનો ઉપયોગ કરી શકો છો.

સાવચેતીઃ

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પાણી વધારે પડતું ગરમ ન હોય કારણ કે તેમ થવાથી તમારું મોઢુ દાજી જશે.
જો તમને હુંફાળુ પાણી પીધા બાદ શરીરમાં અસહજતા થતી હોય તો તમારે હુંફાળુ પાણી પીવું જોઈએ નહીં.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

દરરોજ આવી અવનવી અને હેલ્થ ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી