હાલમાં સમગ્ર દેશમાં કોરોના સામે લડવા રસી આપવામાં આવી રહી છે. જેમા હાલના તબક્કે 60 વર્ષથી વધુ ઉમરના લોકોને અને 45 વર્ષથી વધુ ઉમર ધરાવતા અને કોઈને કોઈ બીમારીથી પીડીત લોકોને રસી આપવામાં આવી રહી છે. હાલમાં પીએમ મોદી સહિત અનેક મહાનુભવોએ કોરોનાની રસી લીધી હતી. તો બીજી તરફ કેન્દ્ર સરકારે કોરોના રસીકરણને વધુ તેજ બનાવવા માટે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીની સમયમર્યાદાને હવે દૂર કરવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે પ્રાઇવેટ હોસ્પિટલો ઇચ્છે તો ગમે ત્યારે રસી આપી શકે છે.
રાજ્યો પાસે હજુ 3.51 કરોડ ડોઝ બચ્યા છે

આ અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે જો રસી લેનાર વ્યક્તિને કોઇ તકલીફ ન હોય તો હોસ્પિટલો સાંજે 5 વાગ્યા પછી પણ રસી આપી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે જો રસી લેવા આવતા લોકોની સંખ્યામાં વધારો થાય અને જો રાજ્ય સરકાર ઈચ્છે તો સરકારી હોસ્પિટલોમાં પણ દિવસે અને રાત્રે કોઇ પણ સમયે રસિકરણ ચાલુ રાખવાનો નિર્ણય લઈ શકે છે.

તો બીજી તરફ વેક્સિનની ઉણપ ન વર્તાય તે માટે રાજ્યોને 5 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે જેથી રસીના સ્ટોક અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું તે અત્યાર સુધીમાં 1.49 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. એટલે કે રાજ્યો પાસે હજુ 3.51 કરોડ ડોઝ બચ્યા છે. જેથી લોકો ચિંતા કરવાની કોઈ જરૂર નથી
27 હજાર કેન્દ્રો પર રસિકરણ અભિયાન શરૂ

તમને જણાવી દઈએ કે મંગળવારથી દેશના 27 હજાર કેન્દ્રો પર રસિકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યુ છે. નોંધિનય છે કે તેમાંથી 12 હજાર કેન્દ્ર ખાનગી હોસ્પિટલો પણ છે. તમને જણાવી દઈએ કે હજુ 45 વર્ષથી વધુ ઉંમરના બીમાર અને 60 વર્ષથી વધુના વૃદ્ધોને રસી આપવામાં આવતી હોવાથી રસીકરણના કામમાં થોડી ગતિ ઓછી હોવાની વાત સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં 5 જાન્યુઆરી બાદ બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવી ચુક્યું છે. નોંધનિય છે કે ત્યાં રોજ 1 લાખથી પણ ઓછા લોકોને રસી અપાતી હોવાની વાત સામે આવી છે.

તો બીજી તરફ આજે એટલે કે બુધવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે. નોંધનિય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની દીકરીની સાથે દિલ્હી સ્થિત સૈન્ય આર એન્ડ આર હૉસ્પિટલ પહોંચ્યા હતા અને અહીં કોરોનાની રસી લીધી હતી. નોંધનિય છે કેઆ પહેલા પીએમ મોદી સહિતના અનેક નેતા રસી લઈ ચુક્યા છે. રાષ્ટ્પપતિ રામનાથ કોવિંદે રસી લીધા બાદ દેશમાં સફળતાપૂર્વક વેક્સીનેશન અભિયાન હાથ ધરવા માટે ડૉક્ટરો, નર્સ અને હેલ્થ વર્કર્સનો આભાર માન્યો હતો. અને તેમણે દેશના તમામ લોકોને કોરોના વેક્સીન લેવાનો પણ આગ્રહ કર્યો હતો.