જલ્સા કરોને જેંતીલાલ

હાથણી માતા ધોધ વિશેની રસપ્રદ વાતો જાણીને તમને પણ ત્યાં ઝટ પહોંચી જવાનું મન થઈ જશે.

હવે નયનરમ્ય ધોધ જોવા દૂર સુધી કોઈ હિલ્સ સ્ટેશન જવાની જરૂર નથી. ગુજરાતમાં જ તમે માણી શકશો પર્વતમાળા પરથી વહેતો ધોધ અને કુદરતી દર્શ્યો… હાથણી માતા ધોધ વિશેની રસપ્રદ વાતો જાણીને તમને પણ ત્યાં ઝટ પહોંચી જવાનું મન થઈ જશે.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ આ સુંદર પર્યટન સ્થળ એટલે હાથણી માતાનો ધોધ; જ્યાં ચોમાસામાં ભક્તો ભગવવાન શિવના દર્શન કરવા અને સાહસિકો કુદરતને માણવા પહોંચે છે.

ચોમાસું શરૂ થવા આવ્યું છે ત્યારે આ સમાચાર સાંભળીને કેટલાય પ્રકૃતિપ્રેમી લોકો માટે ખુશ ખબર લઈને આવ્યું છે કે પંચમહાલ જિલ્લાનો હાથીણી માતા ધોધનું વહેણ શરૂ થઈ ગયું છે. અહીં પહેલો વરસાદ પડતાં જ આ વહેણ ખૂબ સુંદર સ્વરૂપ ધારણ કરી લે છે. અહીંનું નયનરમ્ય દ્રશ્ય જોઈને તમને વિશ્વાસ નહીં બેસે કે આ કોઈ બહારનું હિલ્સ સ્ટેશન કે વિદેશી વોટર ફોલનું લોકેશન નથી. આપણાં ગુજરાતમાં આવેલું આ સ્થળ છે. જ્યાં ભક્તો માટે આસ્થાનું પ્રતીક સમાન ઝરણાંની પાસે મંદિર પણ છે અને સાસિકો માટે ખુશનુમા વાતાવરણમાં ડૂંગરા ખૂંદવા જવાનું સ્થળ પણ છે. આવો જાણીએ આ હાથણી માતા ધોધ વિશેની રસપ્રદ વાતો, તમને પણ ત્યાં ઝટ પહોંચી જવાનું મન થઈ જશે.

ક્યાં આવેલ છે આ હાથણી માતાનો ધોધ

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અભ્યારણની સાવ નજીક આવેલ આ સ્થળ સુધી પહોંચવા આ નયનરમ્ય સ્થળે પર્વતમાળા ઉપરથી પાણીનો કુદરતી ધોધ વહે છે. જે ચોમાસામાં પહેલો જ વરસાદ પડતાં આ ધોધનું વહેણ ખૂબ જ વેગથી વહેવા લાગે છે. છે. હાથણી માતાનો આ ધોધ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી ૧૬ કિમી અને ઘોઘંબાથી ૧૮ કિમી દૂર સરસવા ગામ પાસે આવેલ છે. આ સ્થળે પહોંચવા હાલોલથી પાવાગઢ અને શીવરાજપુર થઈને પણ આ ધોધ તરફ જવાય છે. પંચમહાલના મુખ્ય શહેર ગોધરાથી આ ધોધનું અંતર ૫૬ કિમી. જેટલું અને તે વડોદરા શહેરથી ૮૦ કિમી જેટલું દૂર છે.

શું છે તેની વિશેષતા

ચોમાસામાં જ્યારે આકાશે વાદળો ઘેરાય છે અને ધોધમાર વરસાદ પડી જાય છે ત્યારે આ સ્થળની સુંદરતા અનેક ઘણી વધી જાય છે. અહીં પ્રકૃતિ લીલીછમ ચુંદડી ઓઢી લીધી હોય એવું દેખાય છે. નાની મોટી ટેકરીઓ અને પર્વતીય વિસ્તારથી ઘેરાયેલ આ સ્થળે ગીચ વૃક્ષોની શ્રુંખલા છે. અહીં અનેક સ્થળેથી નાની નાની નહેરો અને ઝરણાંઓ પણ વહેતાં હોય છે. આ કુદરતી દ્રશ્યોની સાથે અહીંનું હાથણી માતાનું મંદિર, ગુફા અને તેનો ધોધ સૌથી પ્રખ્યાત છે.

શું છે આ હાથણી માતા ધોધનું મહત્વ, જાણો…

પર્વતીય વિસ્તારોની ગીચતામાં અહીં એક ટેકરી અને તેની પાસેની ગુફા આગળનું સ્થળ એવું છે કે તે બંનેની વચ્ચે હાથીના માથાં જેવો આકાર ઉપસી આવ્યો હોય તેવું લાગતું હોય છે. અહીંથી કુદરતી પાણીનો ધોધ વહે છે. પહેલા વરસાદ બાદ આ સ્થળ ખૂબ જ હરિયાળું બની જતું હોય છે. આ સ્થળે લોકો ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે અને માતાજીને નૈવેદ્ય પણ ધરાવે છે. હાથણી માતાના આ મંદિરમાં શિવલીંગ પણ સ્થપાયું છે અને અહીં શિવજીની પણ પૂજા થાય છે. નદીઓમાંથી વહેતાં કુદરતી ધોધમાં જળાભિષેક કરવાનો અહીંનો લહાવો અનેરો છે.

શિવ ભક્તોને આસ્થાનું પ્રતીક અને સહેલાણીઓને સાહસિક સ્થળ બની રહ્યો છે આ હાથણી માતાનો ધોધ…

અહીં કહેવાય છે કે જૂલાઈ મહિનાના અંત સુધીમાં ખૂબ સારો વરસાદ પડવા લાગે છે. ત્યારે અહીંની નદીઓમાંથી વહેતા ધોધ ખૂબ જ સુંદર લાગે છે. પર્યટન માટેનું આ એક ઉત્તમ સ્થળ બની રહે છે. જો તેને વધુ વિકાસ કરવામાં આવે તો બહારના પણ સાહસિક સહેલાણીઓ અહીં આવી શકે એમ છે. અહીં પર્યટકો આવશે તો સ્થાનિક લોકોને પણ રોજાગારી અને કમાણીની તક જરૂર મળશે.

અહીંના મનોરમ્ય દ્રશ્યો એટલાં તો ગમી જાય તેવાં હોય છે કે લોકો અહીં આવીને ખૂબ ફોટોગ્રાફી પણ કરે છે. અહીં આવનાર લોકોમાં સેલ્ફી પાડવાનો પણ ક્રેઝ વધી રહ્યો છે પરંતુ અહીંની ઉબડખાબડ ટેકરીઓ અને ઝરણામાંના પાણીની આવને લીધે આ એક ભયજનક બાબત બની શકે છે. અહીં સાહસ અને શ્રદ્ધનો કુદરતી સમન્વય શક્ય છે. આ એક આદર્શ સ્થળ છે, જેમને ગુજરાતની બહાર ફરવા જવાને બદલે ક્યાંક નજીકમાં જ જવાની ઇચ્છા હોય.

સ્થાનિક લોકોના કહેવા અનુસાર આ વર્ષે આ ધોધ વહેલો એટલે કે જૂનના અંતથી જ શરૂ થયો છે અને આવો સંયોગ બે દાયકા બાદ આવ્યો છે. જેથી અહીં ફરવા આવવાનું લોકોમાં આકર્ષણ વધ્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version