પ્રશ્ચાતાપ – મોજ મસ્તી કરવા જતા થઇ ગઈ એક ભૂલ હવે એને ભૂલ કહેવી કે ભલાઈ એ તમે જ કોમેન્ટમાં જણાવો…

રાતના ૨ વાગ્યા હતા. માંડવીનો દરિયો મધરાતે ઊછળકુદ કરી રહ્યો હતો. દરિયાકિનારે સુસવાટા મારતો પવન આવજાવ કરતો હતો. કિનારે છુટાછવાયા બેઠેલા આકાશ, પ્રારંભ અને અવની એકદમ ચુપચાપ હતા. પણ ત્રણેયના મનમાં વિચારોના મોજા શમવાનું નામ નહોતા લઇ રહ્યા.

આકાશ ઉભો થઇ પ્રારંભ પાસે આવ્યો અને કહ્યું,

“મને લાગે છે કે આપણે આજે સવારે જ અમદાવાદ જવા નીકળી જવું જોઈએ. મને હવે અહિયાં રેહવું યોગ્ય નથી લાગતું. અંદરથી ગિલ્ટીફિલ થાય છે”

પ્રારંભ આ સાંભળી અવની સામે જોતા બોલ્યા,
“મને પણ એ જ યોગ્ય લાગે છે…”
આ સાંભળતા જ અવની બોલી ઉઠી,
“તમારા બન્ને પાસેથી મને આવી અપેક્ષા નહોતી, તમે તો પરિસ્થિતિથી ભાગી રહ્યા છો, જે આપણને આખી જિંદગી ગિલ્ટી ફિલ કરાવશે”
“તો શું કરીએ અવની તું જ કેહ, આ કોઈ નાની ભૂલ નથી, મારી નજર સામે ઘડીએ ઘડીએ એ દર્દનાક સીન આવી જાય છે, હું જ જાણું છું આજનો દિવસ કેવી રીતે નીકાળ્યો છે.” પ્રારંભના અવાજમાં ઘભરાહટ હતી.
‘ઠીક છે જો તમને એ જ કરવું યોગ્ય લાગતું હોય તો ચલો અમદાવાદ, પણ ભગવાનને પ્રાર્થના કરજો કે એ વાત આપણા ઘર સુધી ન પહોંચે, નહિતર આપણું કેરિયર બરબાદ થતા કોઈ નહી રોકી શકે” અવનીએ અમદાવાદ જવાની તૈયારી બતાવતા કહ્યું.

પછી ત્રણેય જણા મનમાં ઉછળતા વિચારોના મોજાને સાથે લઈને હોટેલ રૂમમાં પાછા ગયા. ઘડિયાળમાં જોયું તો રાતના 3 વાગ્યા હતા.

૨ કલાકની ઊંઘ લઈને સવારે ૫ ના પરોઢિયે અમદાવાદ જવા નીકળ્યા. આકાશે જેવી ગાડી સ્ટાર્ટ કરી ત્યા જ ૨૪ કલાક પહેલા શરુ કરેલી સફરની યાદ આવી ગઈ.

“એ આકાશ્યા જલ્દી ગાડી સ્ટાર્ટ કરને ભાઈ..પેલી અવની ક્યારની તૈયાર થઈને એની સોસાયટીની બહાર ઉભી છે” ઉત્સાહી પ્રારંભ બોલ્યો

રાતના 12 વાગ્યાનો સમય હતો, કુતરા ભસી રહ્યા હતા. રસ્તો સુમસામ હતો. આકાશે ગાડી સ્ટાર્ટ કરી અને બન્ને જણા અવનીને પીક કરવા માટે તેના ઘરે જવા નીકળ્યા. અવનીનું ઘર આકાશના ઘરની નજીક જ હતું.
અવની તેની સોસાયટીની બહાર આતુરતાથી 3 દિવસનો સામાન લઈને ઉભી હતી, ત્યા જ હોર્ન મારતી આકાશની કાર આવી.

“બહુ ઢીલા તમે લોકો, ક્યારની ઉભી છું હું” અવની સામાન કારમાં મુકતા બોલી

“આ આકાશે બઉ વાર કરી, એને પાછી છોકરીઓની જેમ કેટલીય ક્રીમો લગાવવા જોઈએ ને, બહાર નીકળતા પેહલા, એટલે વાર લાગે ને” હસતા હસતા પ્રારંભ પાછળની સીટમાં સેટ થતા બોલ્યો.

ત્રણેય જણા બહુ જ ઉત્સાહમાં હતા. કેટલાય મહિનાઓ પછી તેમની આ ટ્રીપ સેટ થઇ હતી. આ ત્રણ દિવસ એવા મળ્યા હતા જેમાંથી આકાશને તેના બીઝનેસમાંથી, પ્રારંભને તેની નોકરીમાંથી અને અવનીને તેના બુટીકમાંથી ફ્રી સમય મળે તેમ હતું. આજથી 3 વર્ષ પહેલા જયારે તે ત્રણેય 21 વર્ષના હતા ત્યારે તેમને મનાલીની ટ્રીપ સાથે કરી હતી, અને ત્રણ વર્ષ પછી આજે ત્રણેયને એક સાથે સમય મળ્યો એટલે બસ પછી પ્લાન બની ગયો “કચ્છ” જવાનો.

ગુગલ મેપમાં માંડવીનું લોકેશન સેટ કર્યું અને અમદાવાદથી સ્ટાર્ટ થઇ ત્રણેય પાક્કા મિત્રોની મસ્તી વાળી સફર..

સુમસામ રસ્તા પરથી પુરપાટ ઝડપે મ્યુસિકના તાલે કાર અમદાવાદથી કચ્છ જવાના હાઈવે પર આવી ગઈ હતી. ત્રણેય જણા મ્યુસિકના તાલે મસ્તીએ ચડ્યા હતા.

૨ કલાકના સતત ડ્રાઈવિંગ બાદ સુરેન્દ્રનગર પાસે એક રેસ્ટોરન્ટમાં બ્રેક લીધો. જ્યાં ત્રણેય જણાએ નાસ્તો કર્યો અને ફ્રેશ થઇ ફરીથી એજ મસ્તીના મુડમાં આવી ગયા. આજે જાણે ઊંઘ પણ કોઈની સાથે સફરમાં જતી રહી હોય તેમ ત્રણેયમાંથી એકને પણ ના આવી. અને આમ પણ જયારે પાક્કા મિત્રો સાથે મુસાફરી કરવાનું આવેને ત્યારે સમય ઓછો પડે વાતો કરવામાં, એવા સમયે આપણે ઊંઘને છેલ્લે મહત્વ આપીએ છીએ.

થોડી વાર આકાશ પોતાના લવ અફેયર વિષે વાતો કરતો, તો પ્રારંભ એના કેટલા પ્રપોઝલ કેવી રીતે રીજેકટ થયા એની વાત કરતો. તો અવની એના બોયફ્રેન્ડના વખાણ કરતા ના થાકતી. બસ આ રીતે વાતોમાં ને વાતોમાં અંતર કપાતું ગયું અને સવારના 4:30 વાગતા માળિયા પાસે શિકારપુર ગામમાં આવી પહોચ્યા.

શિકારપુર ગામ હાઇવેની આજુબાજુ વસેલું. રસ્તો સુમસામ હતો, બહુ ઓછી માત્રામાં વાહનોની અવરજવર હતી. એટલે આકાશની કારની સ્પીડ પણ થોડી વધારે હતી. વાતો કરવામાં મશગુલ હોવાના કારણે અચાનક બમ્પ આવી જતા આકાશથી સ્ટીયરીંગ પર કાબુ ન રહ્યો અને હેન્ડ બ્રેક ખેંચતા જ વ્હીલ બ્લોક થઇ ગયા અને બમ્પ હોવાના કારણે કાર ઉછળી રેલીંગ ક્રોસ કરી સામેની સાઈડ કાર પલટી મારતી જતી રહી અને એક એકટીવા ચાલકને કારનું બમ્પર અડતા તે ત્યાજ ઢળી પડ્યો. આકાશે કાર ઉભી રાખવાની જગ્યાએ વ્રોંગસાઈડમાં જ સર્વીસ રોડ પર કાર આગળ લઇ ગયો.અવની અને પ્રારંભના તો શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. તેમને એક પળ તો એવું લાગ્યું જાણે તેમના સફરની શરૂઆત થાય એ પેહલા જ તેમના જીવનની સફર અહી પૂરી થઇ જશે. આકાશ ઘભરાઈ ગયો હતો. તેને કાર ત્યાં ઉભી નાં રાખી કારણ કે તેને ડર હતો કે ગામવાળા ને ખબર પડશે તો તે લોકો ને જીવતા તો નહી જ રાખે.

“આપણે ત્યાં ઉભારેહવા જેવું હતું, એટલીસ્ટ પેલા કાકાને બહુ વાગ્યું નથી એ તો જાણવું જોઈતું હતું ને આપણે” અવની રડતા રડતા બોલી

“અવની એ કાકા ત્યાં જ મારી ગયા હતા” પ્રારંભ ગંભીરતાથી ડરતા બોલ્યો

“વોટ…? તને કેવી રીતે ખબર એ મરી ગયા..?” આકાશે પૂછ્યું

“ઓહ માય ગોડ, આ શું થઇ ગયું આકાશ, આપણાથી એક માણસનો જીવ લેવાઈ ગયો, આપણે ત્યાં ઉભું રેહવું જોઈતું હતું, માણસાઈ ખાતર” અવની ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

“અવની પ્લીઝ, તું માણસાઈની વાત કરે છે પણ જો આપણે ત્યાં ઉભા રહ્યા હોત તો તને શું લાગે છે એ લોકો આપણને જીવતા રાખત, અને બાય ધ વે આપણને કોઈએ જોયા પણ નથી એટલે મને એવું લાગે છે કે આપણે જેમ બને તેમ અહિયાથી દુર નીકળી માંડવી પહોચી જવું જોઈએ.

“હદ છે આકાશ, તારા જેવો નિર્દય માણસ મેં આજ સુધી નથી જોયો, તને અહિયાં તારી જ પડી છે, જે માણસ મરી ગયું એના પરિવારનું શું થશે એતો વિચાર, આપણે જવાબદાર છીએ એના પરિવારની છત્રછાયા ગુમાવવા પાછળ, અને પ્રારંભ તું શ્યોર છે કે એ માણસ મરી જ ગયો હતો..?”

“હા અવની, જયારે ગાડી ડિવાઈડર ક્રોસ કરી સામેની સાઈડ એકટીવા સાથે અથડાઈ ત્યારે સર્વિસ રોડપરથી મેં પાછળના કાચમાંથી જોયું હતું એ માણસ તડપ્યો અને પછી અચાનક જ સ્થિર થઇ ગયો, જાણે તેના શ્વાસ થંભી ગયા”“પ્રારંભ બની શકે કે એ માણસ બેભાન પણ થઇ ગયો હોય, અથડાવવાના કારણે..એટલે તું ખોટા ડરાવ નહી..” આકાશ પોતાના મનને મનાવી રહ્યો હતો કે જાને કશું જ ના બન્યું હોય.

તેના મનમાં ઘણા ડર હતા કે પપ્પા ને ઘરે ખબર પડશે તો, જો એ માણસ સાચે જ મારી ગયો હશે તો તેને જેલ થશે, તેનું શરુ થયેલું કેરિયર ડૂબતા સુરજની જેમ ઢળી જશે, તેના પર નિર્દોષનો જીવ લેવાનો આરોપ લાગી જશે. કાર ચલાવતા ચલાવતા આ બધા વિચારો જાણે તેના મગજની નસો ફાડી નાખે તેટલી ગતિએ આવી રહ્યા હતા.

શિકારપુર ગામથી ઘણે દુર અને કચ્છથી થોડે નજીક પહોચતા જ હાઈવે પર ગાડી ઉભી રાખી અને આકાશ તરત ઉતરીને રસ્તા પર સાઈડમાં બે હાથ માથા પર રાખી બેસી ગયો અને રડવા લાગ્યો. અવની અને પ્રારંભ તેની પાસે આવ્યા અને પૂછ્યું,

“શું થયું અચાનક..?”

“તમને એમ થતું હશે ને કે આ કેટલો નિર્દયી માણસ છે, જેને એક માણસનો જીવ લઇ લીધો એ એકવાર તે માણસને જોવા પણ નાં ઉભો રહ્યો, મને પસ્તાવો થઇ રહ્યો છે, કેમ કર્યું મેં આવું..?શું વાંક હતો એ નિર્દોષ માણસનો..હવે હું શું કરું મને કાઈ નથી સમજાતું…આપણે ત્યાં જઈશું તો મને નથી લાગતું કોઈ આપણી સાથે વાત પણ કરવા તૈયાર થાય. આપણે જીવતા પણ નહી આવીએ ત્યાંથી. અને હું નથી ઈચ્છતો કે મારી ભૂલની સજા તમે બન્ને ભોગવો..”
અવનીએ આકાશને ચુપ કરાવતા કહ્યું, “આપણે એક કામ કરીએ, માંડવી જઈ શાંત મને વિચારીએ કે શું કરવું જોઈએ હવે આગળ, કારણ કે જો એ ખરેખર મરી ગયો હશે તો આપણે એણે પાછો તો નથી જ લાવી શકવના, પણ આપણે બનતું બધું કરીશું, તો એના માટે આપણે વિચારવું પડશે..”

“અવની આઈ થીંકયુ આર રાઈટ, કોઈએ આપણને જોયા પણ નથી એટલે પોલીસ કેસ થવાના ચાન્સ પણ ઓછા છે, આમ છતાં જો ક્યાંક આજુબાજુ CCTV હશે તો…” પ્રારંભે આકાશ અને અવનીને એક નવું ટેન્શન આપ્યું.ત્રણેય જણા ઘભરાતા ઘભરાતા મને સવારના 11 વાગતા માંડવી પહોચ્યા અને હોટેલમાં રૂમ બુક કરાવી, બધો સામાન ત્યાં મૂકી બપોરનું જમવા માટે ગયા. પણ ત્રણેયમાંથી એકેયના મોઢામાં કોળીઓ ઉતરતો નહોતો અને પસ્તાવો આંખોમાંથી સરી આવતો હતો.

“આકાશ મને લાગે છે કે આપણે એકવાર તો એ ગામમાં જવું જોઈએ જેથી આપણને ખબર તો પડે કે ખરેખર શું થયું છે, જો એ માણસ એ ગામનો જ હશે તો ખ્યાલ આવી જશે કે એ મૃત્યુ પામ્યો છે કે જીવતો છે” અવની હોટેલનો રૂમ ખોલતા બોલી

“હા આકાશ, અને પછી ત્યાંથી જ આપણને તેના પરિવાર વિષે પણ ખબર પડી જશે” પ્રારંભે હોટેલમાં બેડ પર બેસતા કહ્યું

“હા સારું, મને કઈ વાંધો નથી, પણ આપણે ત્રણ દિવસ પછી જ જઈશું” આકાશે કહ્યું

“કેમ..ત્રણ દિવસ પછી..?” અવનીએ પૂછ્યું

“માહોલ થોડો શાંત થઇ જશે અને આમ પણ આપણે વેહલા જઈશું તો ઘરે શું કહીશું..?એના કરતા બેટર છે કે ત્રણ દિવસ અહી પસાર કરી પછી જ બધા નિર્ણય લઈએ

“ઠીક છે…” અવનીને વાત યોગ્ય લાગતા હા ભરી.

પછી ત્રણેય જણા સાંજ પડતા રૂમની બહાર નીકળ્યા અને માંડવીમાં મુડ ફ્રેશ કરવા માર્કેટમાં ગયા, પણ ત્રણેયનું મન લાગતું ન હતું. છેવટે ત્રણેય માંડવીના દરિયા કિનારે જઈ બેઠા અને રાતના 3 વાગે અમદાવાદ જવાનું નક્કી કરી ઉભા થયા.સાંજે ૭ વાગતા અમદાવાદ પહોચ્યા. ઘરે પહોચતા જ આકાશની મમ્મીએ પૂછ્યું,

“કેમ બેટા એક જ દિવસમાં પાછા..? ત્રણ દિવસ નો પ્રોગ્રામ હતો ને…?”

“મમ્મી અવનીને થોડું અરજન્ટ કામ આવી ગયું એટલે આવવું પડ્યું..અને હા મમ્મી ઘરે કઈ મારા નામ નો કાગળ કે કોઈ આવ્યું હતું” આકાશે પોલીસનો મામલો છે કે નહી તે ચકાસતા પૂછ્યું

“ના બેટા કઈ નથી આવ્યું..”

બસ આ કોમન બહાનાથી તેમના ઘરવાળાને તો ત્રણેય જણાએ સમજાવી દીધા પણ તેમનું મન નહોતું સમજી રહ્યું કે હવે શું કરવું…? કેવી રીતે થયેલી ભૂલ નો પશચ્યાતાપ કરવો..?

ત્રણેય જણા રાતે એસ.જી.હાઈવે પર ભેગા થયા અને નક્કી કર્યું કે આકાશ અને પ્રારંભ આવતીકાલે જ બસમાં એ ગામમાં જશે અને તપાસ કરીને આવશે કે ખરેખર શું બન્યું હતું..? જો એ ખરેખર મૃત્યુ પામ્યા હશે તો તેમને પરિવારને છુપી રીતે આર્થિક સહાય કરીશું એવું નક્કી થયું.

બીજા દિવસે સવારે બન્ને જણા બસમાં શિકારપુર ગામ જવા નીકળ્યા. બપોર 12 વાગતા ત્યાં પહોચતા જ ગામમાં આવેલા ગલ્લે વાતો વાતોમાંથી પુછપરછ કરી અને જાણવા મળ્યું કે ગઈકાલે જ સવારે એક માણસનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેની બોડી હાઇવે પરથી મળી આવી હતી. વધારે પુછપરછ કરવાનું ટાળી બન્ને જણા ગામની અંદર ગયા જ્યાં તેમનું ઘર હતું.

ઘરનો માહોલ જોતા જ બન્ને જણા સમસમી ઉઠ્યા. એક ગલીમાં ખૂણામાં ખંડેર જેવું મકાન હતું જ્યાં બહાર ૬-૭ લોકો સફેદ કપડા પહેરીને બેઠા હતા. ફોટા પાસે અગરબત્તીમાંથી ધૂપ નીકળી રહી હતી. ફોટા પાસે એક સ્ત્રી અને તેની બાજુમાં 17-18 વર્ષની એક છોકરી બેઠી હતી . જે બન્નેના ચેહરા સુન થઇ ગયા હતા. પણ બન્નેની આંખોમાં આંસુ નહોતા.

આકાશ અને પ્રારંભ બન્ને જણા દુરથી આ બધું જોઈ રહ્યા હતા, ત્યાં જ ત્યાંથી બે ભાઈઓ પસાર થયા અને એ લોકો વચ્ચેની વાતચીત સાંભળી આકાશ અને પ્રારંભ સ્તબ્ધ થઇ ગયા.

“સારું થયું, આ વિક્રમ ભગવાન ભેગો થઇ ગયો, નહિતર એના બૈરાને હજી વધારે માર ખાવો પડત”
આટલું સાંભળતા આકાશ વિક્રમ વિષે વધુ જાણવા આતુર બન્યો, તેને ત્યાં આજુબાજુ નજર કરી તો એક 30-૩૨ વર્ષનો જુવાન દેખાયો જે બેસણામાંથી ઉભો થઇ નીકળી રહ્યો હતો.

તેને આકાશે થોભાવ્યો અને વાતો વાતોમાં વિક્રમ વિષે જાણવાનો પ્રયત્ન કર્યો. જયારે આકાશ અને પ્રારંભને ને બધી વાત ની જાણ થઇ ત્યારે બન્નેના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. એ ભાઈ પાસેથી જાણવા મળ્યું કે,

“વિક્રમ એ શિકારપુર ગામનો બુટલેગર હતો, જે હંમેશા લોકોને ધમકાવતો ડરાવતો અને પૈસા પડાવતો. પોલીસ ઘણી વાર તેને પકડી જતી પણ એક દિવસમાં જ રુશવત આપી છૂટી જતો. હદ તો ત્યારે થઇ ગઈ જયારે તેને તેની 17 વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો અને જયારે આ વાતની જાણ તેની પત્નીને થઇ તો તે પોલીસ સ્ટેશનમાં જવા ગઈ ત્યાં જ તેના પર તેને લાકડી વડે હુમલો કરી બેભાન કરી દીધી હતી, કંટાળી ગયા હતા મા-દીકરી આ નરાધમ વિક્રમથી, પણ બિચારા કોને કહે..? વિક્રમ કોઈનું માને એમાનો ન હતો. પણ છેલ્લે ભગવાને મા-દીકરીની લાજ રાખી અને યમરાજને મોકલ્યો ગાડી લઈને જે વિક્રમનો જીવ લઇ ગયો અને આ નિર્દોષ માં-દીકરીને નવી જિંદગી આપતો ગયો, હવે માં-દીકરી એમની રીતે ગમે તેમ કરી સારી જિંદગી તો જીવી લેશે”

આકાશની આંખોએ ક્યારના આંસુઓને રોકીને રાખ્યા હતા, એ જુવાન જતા જ પ્રારંભના ખભે માથું રાખી રડવા લાગ્યો અને કહ્યું,

“ખબર નથી પડતી પ્રારંભ, મેં એક મનુષ્યનો જીવ લીધો એટલે પસ્તાવો કરું કે માં દીકરીને નવી જિંદગી આપી એની ખુશી વ્યક્ત કરું..?

૭ વર્ષ પછી આજે વિક્રમની પત્ની ગામમાં સીવણ ક્લાસ (કપડા સીવવાના મશીન શીખવવાનું) ચલાવે છે, જ્યાં 200 થી પણ વધુ ગામની બહેનો આવે છે અને તેની દીકરી મીકેનીકલ એન્જીનીયર બની એક સારી કંપનીમાં બ્રાંચ હેડ છે.
છેલ્લા ૭ વર્ષમાં માં-દીકરીની જાણ બહાર આકાશ, પ્રારંભ અને અવની ત્રણેય તેમની કમાણીમાંથી અમુક હિસ્સો આ માં-દીકરીને મોકલાવતા હતા. આ સહાય સરકાર આપી રહી છે તેવું માં-દીકરીને લાગતું હતું.
કદાચ આ પસ્તાવો ત્રણેય ને ઘણું બધું શીખવાડી ગયો.

લેખક : હાર્દિક ગજ્જર

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી