રાજકોટના એક યુવાને “કાના” ને લખેલો પત્ર ! – “Happy Birthday કાના” : આજે અચૂક વાંચો..

પ્રિય કાના, Happy Birthday !!

આજ જન્માષ્ટમી છે તો તને birthday વિશ કરવાનું મન થયું, માટે આ પત્ર લખ્યો

સાચું કહું તો માત્ર birthday માટે પત્ર નથી લખ્યો, તને તો ખબર જ છે ને, અમે માણસો જ્યારે જ્યારે તારી પાસે આવીએ છીએ કંઈક ને કંઈક માંગીએ છીએ…આજે પણ તારી પાસે કંઈક માંગવા જ આ પત્ર લખ્યો છે…અને એ છે….’તું’. હા, તને જ માંગુ છું હું તારી પાસે…

એ કાના… હવે પાછો આવ ને.!!!

તે તો કીધું હતું ને, કે જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ,અત્યાચાર વધશે ત્યારે ત્યારે તું અવતાર લઈશ??

પણ તને શું નથી ખબર? અહીંયા તો હવે ધર્મના નામ પર જ અધર્મ થાય છે. જેને લોકો ‘સંત’ કહે છે એ લોકોને કારણે જ ધર્મનો ‘અંત’ થતો જાય છે.

અલબત્ત, બધા કહેવાતા સાધુઓ એવા નથી, ઘણાય એવા છે જે સાચે ધર્મના પક્ષે છે પણ એ તો આંગળીને વેઢે ગણાય એટલા માંડ હશે. આ બધાએ ધર્મની સાચી શિક્ષા આપવા,એ કાના..હવે પાછો આવને.!!

કૌરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણ વખતે તો તે મદદ કરી હતી, પણ આજ રોજ કોઈ બહેન-દીકરીની ઈજ્જત લૂંટાય છે એની રક્ષા કરવા,એ કાના…હવે પાછો આવને….

તેતો નાનપણથી પોતાના સાચા માતાપિતાને જોયા નહતા, એમનો પ્રેમ મેળવ્યો નહતો, છતાં મોટા થઇ તે તારી જવાબદારી નિભાવી, એમને કારાવાસમાંથી છોડાવ્યા હતા, પણ આજના યુવાનો, આજીવન માતાપિતાનો પ્રેમ મેળવ્યા પછી પણ એમને વૃદ્ધાશ્રમ નામના કારાવાસમાં મોકલે છે એ માબાપ માટે એ કાના…હવે પાછો આવને…

તે તો તારા દરિદ્ર મિત્રના ‘તાંદુલ’ ખાઈને એને મહેલો આપી દીધા, આજના આ ફેસબુકિયા મિત્રોને એ સાચી મિત્રતા શીખવાડવા એ કાના…હવે પાછો આવને..

ઇન્દ્રદેવના કોપથી ડરી ગોવર્ધન પૂજન ન કરતા લોકોને તે સાચી વાત સમજાવી, અને ઇન્દ્રદેવના કોપ સામે ગોવર્ધન ઉપાડી રક્ષા પણ કરી, પણ આજતો લોકો અંધશ્રદ્ધાના પહાડ નીચે પહેલેથી દબાયેલા છે, એમને સાચી વાત સમજાવવા,એ કાના…હવે પાછો આવને..

તે કીધું હતું કે કર્મ કરો, ફળ ની ઈચ્છા ન રાખો, પણ અહીંયા તો લોકો ધર્મ પણ ફળની ઈચ્છા રાખીને કરે છે. અમને સાચો માર્ગ બતાવવા,એ કાના…તું પાછો આવને…

કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના મનમાં ચાલતા યુદ્ધ માટે તો તે ‘ગીતા’ આપી. પણ એ તો અર્જુન હતો, તારી વાત સમજી શકે, પણ આજતો ‘ગીતા’ની વાત તો ઘણા લોકો કરે છે પણ ખરેખર કેટલા સમજે એ તો તું જ જાણે. છેલ્લે કંઈ નહીં તો ફરીથી એક વાર ‘ગીતા’ સમજાવવા, એ કાના…હવે પાછો આવને..

છેલ્લે તારી માફી માંગુ છું, તને ‘તું’ કહીને સંબોધવા બદલ..પણ અમને (મને) તારું બાલ સ્વરૂપ બહુ વ્હાલું છે. સાચું કહું તો તારું વિરાટ સ્વરૂપ સમજી શકું એટલો હું સક્ષમ નથી,લગભગ. (એ સ્વરૂપ સમજાવવા માટે, એ કાના…હવે પાછો આવીશ?)

લી. તારો એક fan(ભક્ત!!)ના જય શ્રી કૃષ્ણ

લેખક : નૈમિષ જી. ખારા (રાજકોટ)

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી