આ ઉપાયો અજમાવી તમારી ઉંમરને વધતી અટકાવો અને વધતી ઉંમરમાં પણ દેખાઓ યુવાન

આજે તબીબી જગતમાં ઘણા બધા સંશોધનો ચાલી રહ્યા છે. ગંભીરમાં ગંભીર બીમારીઓને નાબૂદ કરવાના સંશોધન ચાલી રહ્યા છે તેની સાથે સાથે એક સંશોધન એવું ચાલી રહ્યું છે જે માણસને અમર બનાવવા પર કામ કરી રહ્યું છે. તેમાં ક્યારે સફળતા મળશે તે નક્કી નથી.

તબીબી જગત એટલું આગળ વધી રહ્યું છે કે તેના ઉપયોગથી તમે તમારા સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી શકો છો. લોકો મોટા નાકને નાનું કરાવી લે છે તો વળી મોટા હોઠને ફૂલની પાંખડી જેવા પાતળા બનાવી લે છે. પણ એક વસ્તુ છે જેમાં તબીબી જગતે અઢળક સંશોધનો કર્યા છતાં કંઈ ખાસ સફળતા નથી મળી અને તે છે તમારી વધતી ઉંમરની તમારા શરીર પર જોવા મળતી અસર.

વિવિધ સંશોધનના આધારે વિવિદ કોસ્મેટીક કંપનીઓ નીતનવી ક્રીમો કે સીરમ બહાર પાડે છે પણ વાસ્તવમાં તેની અસર નહીવત જ હોય છે. પણ અન્ય જે સંશોધનો કરવામાં આવ્યા છે તેને જો માનવામાં આવે તો તમે તમારી લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફાર કરીને તમારી વધતી ઉંમરની કે પછી ઉંમર વધે તે પહેલાં જ ચહેરા પર જે ગઢપણની નિશાનીઓ દેખાવા લાગે છે તેને દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ આ સરળ ટીપ્સ વીષે.
હંમેશા પ્રસન્ન તેમજ ખુશ રહેતાં લોકો તેમજ મિત્રોની વચ્ચે રહેવાનું રાખો

એમાં કોઈ જ શંકા નથી કે હસતાં, પ્રસન્ન રહેતા લોકો તમારા જીવનમાં એક જાતની હળવાશ અને આનંદ લાવે છે. અને જો તે તમારા મિત્રો કે પછી તમારા સગા હોય તો તો પછી પુછવું જ શું. કોઈ પણ સંજોગોમાં તેવા લોકોથી દૂર જવાનું ન વિચારશો. એક અહેવાલ પ્રમાણે વર્ષો જૂની મૈત્રી તેમજ લાંબા સંબંધો ખાસ કરીને પતિ-પત્નીના લાંબા સંબધો તેમના મનને પ્રસન્ન રાખે છે ટ્રેસ મુક્ત રાખે છે અને તેના કારણે તેમની ઉંમરના વર્ષો ભલે વધતાં પણ તેની અસર તેમના શરીર પર ઘણી ઓછી જોવા મળે છે.
દીવસનો માત્ર થોડો સમય ચોક્કસ તડકામાં પસાર કરો
આજે શહેરમાં તમે બહાર નીકળો ત્યારે ટુ-વ્હીલર પર જતી લગભગ 90 ટકા મહીલાઓ બુકાની બાંધીને ઘરની બહાર નીકળે છે. અને કેટલાક તો ઘરની બહાર સનસ્ક્રીન લગાવ્યા વગર પણ નથી નીકળતાં. જો કે તેમાં કશું જ ખોટું નથી. કારણ કે સુરજના પાર જાંબલી કીરણો આપણી ત્વચાને સીધું જ નુકસાન પહોંચાડી શકે છે.

પણ બીજી બાજુ એ હકીકત પણ ન ભૂલવી જોઈએ કે તે જ સુરજના કીરણો આપણા હાડકાને મજબુત, કાર્યક્ષમ, કાર્યરત રાખવા માટેનું મહત્ત્વનું વીટામીન ડી પુરુ પાડે છે. અને આ વીટામીન ડી આપણા શરીરમાં રહેલા કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે જેના કારણે આપણા શરીરના હાડકા મજબુત બને છે. એક સંશોધન તો એવું કહે છે કે દીવસની ઓછામાં ઓછી 15 મીનીટ તો તમારે સનસ્ક્રીન વગર જ તડકામાં પસાર કરવી જોઈએ.
માનસિક તાણને તમારાથી જોજનો દૂર રાખો
આ સલાહ તમને ઘણીવાર કેટલાએ લોકો દ્વારા મળતી હશે. જ્યારે કોઈ સેલિબ્રિટિને પોતાના સૌંદર્યેનું રહસ્ય પુછવામાં આવે ત્યારે તે આ વાત ચોક્કસ કહેશે. જે માત્ર કેહવાની વાત નથી પણ વૈજ્ઞાનિક રીતે સાબિત પણ થઈ ગયું છે. કારણ કે તે આપણા જીવનને તો બરબાદ કરી જ શકે છે પણ સાથે સાથે શરીરના ક્રોમોઝોમ્સને પણ અસર કરે છે.

તમારા ક્રોમોઝોમ્સના છેડા કે જેને ટેલોમેરેસ કહેવાય છે તેની લંબાઈ જેટલી ઘટતી જશે તેટલી જ ઝડપી તમારી ઉંમર વધશે. માટે એ જરૂરી છે કે તમે વધારે પડતી માનસિક તાણ ન લો. તેના માટે તમારે યોગનો સહારો લેવો જોઈએ જે તમને ચોક્કસ મદદ કરશે. માટે દીવસમાં ઓછામાં ઓછા અરધો કલાક તો તમારે તમને અનુકુળ યોગાસન કરવા જ જોઈએ.
મોકો મળે ત્યારે નાચી જ લેવું જોઈએ
નાચવાથી માત્ર તમારા શરીરને જ કસરત નથી મળતી પણ તમારું મન પણ પ્રસન્ન થાય છે અને આ પ્રસન્નતા સૌથી સ્વસ્થ હોય છે. તે કોઈના કંઈ કરવાથી તમને નથી મળતી પણ માત્ર નાચવાથી જ મળી જાય છે જેને તમે પ્યોર હેપીનેસ કહી શકો છો. ઉમર વધતાં આપણે એવા ભ્રમમાં જીવવા લાગીએ છીએ કે આ ઉંમરે તો કંઈ નચાતું હશે !

પણ જો તમને ડાન્સ કરવો પસંદ હોય તેમ છતાં તમે તમારી જાતને રોકી રાખતા હોવ તો તમને એ જાણીને આનંદ થશે કે નાચવાથી તમે તમારી એજિંગ પ્રોસેસને રિવર્સ કરી શકો છો એટલે કે જો તમારા ચહેરા પર કરચલીઓ પડવા પણ લાગી હશે તો નાચવાથી તમને જે પ્રસન્નતા મળશે છે તેનાથી તે દૂર થઈ શકે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ બોલીવૂડ અભિનેત્રી હેમા માલિની છે.
તમારા મગજ પાસે કસરત કરાવો
તમારા શરીરની સાથે સાથે તમારું મગજ પણ યુવાન રહે તે જરૂરી છે. ઘણા લોકો શરીર પાછળ એટલું ધ્યાન આપતા હોય છે કે પોતાના મગજ પાસેથી કામ લેવાનું જ બંધ કરી દે છે. પણ તમારે તમારા મગજ પાસે સતત કસરત કરાવતા રહેવી જોઈએ. મગજની કસરત પણ તમારા શરીરની ઘણી બધી ચરબી બાળી શકે છે.

તેના માટે તમે તમારા સાથી કે પછી બાળકો સાથે કોઈ બૌદ્ધિક રમત રમી શકો છો અથવા તો પુસ્તક વાંચી શકો છો અથવા કોઈ એવી કળા શીખી શકો છો જેમાં બુદ્ધિની જરૂર પડતી હોય. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે સતત કંઈકને કંઈક શીખતા રહેવાથી તમારા ન્યુરોન્સની સંખ્યા વધે છે જે તમારા મગજને યુવાન અને પ્રવૃત્તિશીલ રાખે છે.
લાંબી ઉંઘ નહીં પણ ઘેરી ઉંઘ લો
ચોક્કસ તેમાં કોઈ જ બે મત નહીં કે દીવસની 7થી 8 કલાકની ઉઁઘ દરેક વ્યક્તિએ લેવી જ જોઈએ. એક અભ્યાસ પ્રમાણે સાત કલાક કરતાં ઓછી ઉંઘ લેતા લોકો જ્યારે એક કલાક વધારે ઉંઘ લે છે ત્યારે તેમના રક્ત ચાપમાં હકારાત્મક પરિવર્તન આવે છે. આ કારણે તેઓ હૃદય રોગના હૂમલાથી બચી શકે છે.

પણ તેની સાથે સાથે એ જરૂરી છે કે આપણે ઘેરી ઉંઘ લઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે રાત્રે વહેલા સુઈ ગયા હોઈએ અને સવારે રોજના સમયે ઉઠીએ તેમ છતાં આપણે પોતાની જાતને ફ્રેશ નથી અનુભવતાં અને ઘણીવાર મોડા સુઈએ પણ જ્યારે સવારે ઉઠીએ ત્યારે એકદમ તાજા હોઈએ છે. માટે લાંબી ઉંઘની સાથે સાથે ઘેરી ઉંઘ પણ લેવાની ટેવ પાડો.
જરૂર પુરતો જ કે નિયમિત કરતાં ઓછો ખોરાક લેવો

તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે જો તમે તમારા ખોરાકમાં કેલરીને ધ્યાનમાં રાખીને તેને ઘટાડીને ખોરાક લેશો અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનુ કે તમને પોષણ પણ મળતું રહે તો તેવી આદત તમારા મેટાબોલીક રેટને ધીમો પાડશે અને તમને લાંબો સમય યુવાન રહેવામાં મદદ કરશે.

તમારે તમારા ખોરાકમાં એન્ટી એજિંગ એટલે કે ઉંમર ઓછી દેખાડતા ફુડ જેમ કે નટ્સ, ડાર્ક ચોકોલેટ, સાલમન ફીશ, ફીગ, હળદર એવોકાડો વિગેરેનો સમાવેશ કરવો જોઈએ. આવા ખોરાક ખાવાથી તમને હૃદય રોગથી પણ રક્ષણ મળશે તમારા આંતરડા પણ સ્વસ્થ રહેશે જે તમને ફીટ રાખવામાં મદદ કરશે.
તો ઉપર જણાવેલી ટીપ્સને ધ્યાનમાં લો અને તેને ફોલો કરો અને તમારા શરીર પરની વધતી ઉંમરને દૂર કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ