ભગવાન જે દિવસે નવરા હશે તે દિવસે એને ઘડ્યો હશે ! તમે જુઓ તો દુનિયાભરના અવગુણ એનામાં ઠાંસી ઠાંસીને ભરેલા. સિસમને પણ શરમાવે તેવો એનો રંગ, આંખો જુઓ તો ‘ લુક ટુ લંડન એન્ડ ટોક ટુ ટોકિયો’ જીબાનનો પણ ભારે કથોરો , એક ઘા ને બે કટકા, એવું એનું બોલવાનું. કોઈ સારા ભાવથી બોલાવે કે ” કેમ ખેમા, હવે ક્યારે જાન જોડવાની છે ? ” તો
ખેમો ખિજઇ ને મણની ગાળ રેળવે. ગામમાં તેને ખાસ કોઈ બોલાવે નહીં. એક નાથો મુખી તેનો ભાઈબંધ, ગામ આખામાં ખેમલા ને નાથાથી સારું બને.
ઘરમાં એકલો પંડે આગળ ધરાર નઈ કે પાછળ ઉલાળ નઈ. ફક્કડ ગિરધારી. મિલકતમાં વારસામાં મળેલું એક ઘર ને ખેતીની જમીનનું પાંચ વિઘાનું એક કટકું ખરું, પણ ઈતો ભાગવું વાવવા આપી દે ને પોતે મજુરી કરી ખાય. હાથે હાંડલાં કુટીને કાચો પાકો એકાદ રોટલો કુટીને પેટ ભરી લે, પછી બીજા ટાઇમની ચિંતા નઈ.
એના ભાઈબંધ નાથા મુખીએ એનું સગુ કરવા ઘણી મહેનત કરેલી, પણ એનો વધુ પડતો ભીનો વાન એને નડી ગયો ને ખેમો પરણવામાં લેટ પડી ગયો. નાથાએ એક વખતતો બધું પાકું કરી દીધેલું. સગપણનાં લુગડાં ચડાવવા જવાનું હતું ને કન્યાએ ખેમાનું આધાર કાર્ડ માગ્યું ને એમાં લોચો મરાઈ ગયો. આધાર કાર્ડમાં ખેમાની આંખો જોઈને કન્યાએ સગુ કરવાની ઘસીને ના પાડી દીધેલી. આમ ખેમો કન્યા મેળવવામાં હાથ વેંત છેટો રહી ગયો. થાય શું ! હળવે હળવે ખેમો લગ્ન બજારમાંથી ‘ આઉટ ઓફ ડેટ’ થવા જઈ રહ્યો હતો.

છેલા એકાદ વરસથી ગામમાં એનું નામ પણ છપાઈ ગયું. કોઈ કહેતું કે “કોણ ખેમો ઓલા ‘વાંઢા’ ખેમલાની વાત છે?” બસ પછીતો વાયરે વાત ઉડી ને ખેમો “વાંઢા” તરીકે પંકાઈ ગયો. નવી પેઢીના જુવાનિયા તો વળી એને સલમાનખાનના સાઢું તરીકે ઓળખવા લાગ્યા.
એક વખત વાત એમ બની કે ગામમાં ભવાયા રમવા આવેલા.ગામના ચોકમાં ભવાયાએ આજે ‘ વીર માંગડાવાળો’ નો ખેલ પાડેલો. ઝગારા મારતી પેટ્રોમેક્સ બત્તીના અજવાળે આખું ગામ ભવાયાનો ખેલ જોવા ઉમટેલું. ખેમો અને એનો ભાઈબંધ, નાથો પણ જોવા બેઠેલા. બરાબર ખેલ જામ્યો, નાટકની નાયિકા પદ્માવતીની જાન જુતીને ભવાયાએ બ્રેક પાડીને વચ્ચે ‘ ફરમાઈશ’ નો પ્રોગ્રામ મૂકી દીધો.

ગામના શોખીન જુવાનિયા પૈસા ખર્ચીને પસંદગીનાં ગીતો ગવડાવતા હતા. લાલીયાએ ભવાયાને બોલાવીને ખેમલાના ‘હમચુડા’ની ઓફર મૂકી, એટલે ગાવાનું ચાલુ થાય એ પહેલાં ભવાયો બોલ્યો ” જુઓ ભાઈ આ પચ્ચીસ રૂપિયામાં હમચુડું ગવાય છે. કટ કરાવવાના રૂપિયા પચ્ચાસ થશે” પછી તો તબલાં ને પેટીવાજુના તાલ સાથે હમચુડું ગાવાનું ચાલુ થયું.
*” ખેમાભાઈને બાર બાઇડીઓ હમચુડું લ્યો હમચુડું !* *એક બાઇડી લુલી નીકળી હમચુડું લ્યો હમચુડું !* *લુલી કે મારે સેન્ડલ જઈએ હમચુડું લ્યો હમચુડું ……*
ખેમાનું નામ સાંભળી, નાથાએ સીટી મારીને ભવાયાને બોલાવ્યો ને રૂપિયા પચ્ચાસ આપી ખેમાનું હમચુડું કટ કરાવ્યું. ને મણિયારો ગાવાની ઓફર કરી. તો સામેથી લાલીયા લુખાએ રૂપિયા સો આપીને મણિયારો કટ કરાવી ખેમલાનું હમચુડું ફરીથી ચાલુ કરાવ્યું.

આ વખતે નાથાએ ખેમા સામે જોયું. ” ખિસ્સામાં કાણીયો નથી, પણ ગામ વચ્ચે આબરૂના ધજાગરા ઉડતા મારાથી જોવાતા નથી , નાથા કાઢ કાવડીયા હું તારું દેવું ભરી દઇશ ” ખેમાએ ખોંખારો ખાતાં કીધું.
આમ હમચુડું કટ થયું, અને મણિયારો કટ થયો,એમ કરતાં કરતાં ખેમલો એક હજારમાં ખૂંચી ગયોને લાલીયો સાતસો આઠસોમાં . ત્યાર પછી બેય થાક્યા . ભવાયાને બખ્ખાં થઈ ગયાં. વાત આટલેથી અટકી હોતતો સારું હતું પણ , ખેમો હવે બરાબરનો અકળાયો હતો. એ ગામમાં નીકળેને નાનાં છોકરાં પણ ખેમાનું હમચુડું ગાવા લાગે. પાણી શેરડે પાણી ભરવા જાય ત્યારે ” બાર બાઇડીઓનો ધણી” જેવા શબ્દો એના કાને પડે.
આવાં લોકોનાં મેણાં સાંભળીને ખેમાના કાન પાકી ગયા. આથી કોઈ પણ ભોગે એને હવે બૈરાની જરૂર જણાઈ. એણે નાથા મુખીને કહ્યું, ” નાથા ગમે તેમ કર પણ મારો મેળ કરી આપ, મારી જમીનનું કટકું તું રાખીલે, પણ મને બૈરા ભેગો કર, રાતે માંકડ તોડી ખાય છે ને દાડે ગામ . કાણું બોબડું પણ મારે બૈરું જોવે…જોવે….ને જોવે.”

જમાનાનો ખાધેલ નાથીયો બસ એટલીજ રાહ જોઇ રહ્યો હતો. એની નજર ખેમાની જમીનના કટકા ઉપર હતી. લાકડે માંકડું વળગાડવામાં તે ઘણો માહિર, એતો ઉપડ્યો ખેમાનું ગોતવા, અઠવાડિયામાં તો એણે ખેમાનો મેળ પાડી દીધો. એક બાજુ ભાઈને કોઈ દેતું ના હતું તો સામે બુનને કોઈ લેતું ના હતું એવી ખેમી, ખેમાના ઘરમાં બેસવા તૈયાર થઈ ગઈ.
નાતરાની તો નાતરાની, પણ હવે ખેમો વહુ ભેગો થઈ ગયો. અને નાથાએ ખેમાની જમીન કાંડે કરી લીધી. જેવો ખેમો એવી ખેમી. બેય સરખાં ભેગાં થયાં. બેમાંથી કોઈને વધારે કહેવા જેવું ના હતું. જમીનનું કટકું વેચવું પડ્યું પણ ટાણે રોટલોતો મળે છે અને ‘વાંઢા’ નું લેબલ તો ગયું. એ એમ વિચારીને મન મનાવવા લાગ્યો.

ખેમી એક પગે જરા લંઘાય, અને જન્મથી એક આંખ ફાંગી , બોલવામાં જરા જીભ ત..ત..ફ..ફ.. થઈ જાય. સ્વભાવ થોડો આકરો, એટલુંજ બાકી ખેમીમાં કોઈ બીજી ખામી નઈ, ખેમા સાથે નાતરું કર્યું તે પહેલા આ બધી ચોખવટ થઈ ગયેલી એટલે એમના સંસાર રૂપી ગાડું હેંડ્યું.
આમને આમ ચાર છ મહિના લકકડ-ધકકડ ગાડું ચાલ્યું, ને પછી ધીમે ધીમે પોત પ્રકાશવા લાગ્યું. શરૂઆતમાં નાના મોટા ઝગડા થવા લાગયા, પછીતો રોજનું થઈ ગયું. ક્યારેકતો ખેમી ને ખેમો મારઝૂડ પર આવી જાય. ઘરે તો ઘરે પણ કોઈની મજૂરીએ જાય ત્યાં પણ એમના નામનું હમચુડું ચાલુ હોય. ખેમલીને એ હમચુડું કહીને બોલાવતો.
‘ બેય સરખાં છે કોને કહેવું ‘ ‘ આતો બે ઘર બગડતાં હતાં તેના બદલે એક બગડ્યું. ‘ કુવેને અવાડે વાતો થવા લાગી. એક બે વરસ પસાર થઈ ગયાં પણ ખેમા-ખેમી વચ્ચે ખેંચાયેલી જ રહી. ઘરમાં પગલી પાડનાર હજુ કોઈ આવ્યું ના હતું. ખેમી ઘરમાં સૂતી હોયને ખેમો બહાર આંગણામાં ખાટલો નાખીને સૂરજ ઉગે ત્યાં સુધી ઘોરતો હોય. રસ્તા વચ્ચે એમનું ઘર એટલે ગામ આખું આ બધું નજરે જુએ. પાણી ભરીને જતી-આવતી કેટલીક સ્ત્રીઓ એક બીજીને કૂણીઓ મારીને ખેમો બહાર આંગણામાં તૂટમુટ ખાટલીમાં ઘોરતો હોય એ બતાવે.

એક દિવસ એવું બન્યું કે ખેમો નજીકના શહેરના દવાખાનાની બહાર આંટા મારતો હતો, લાલીયો બાવો ત્યાંથી નીકળ્યો ને એને જોઈ ગયો. લાલિયે પૂછ્યું ” લે હેંડ ખેમા ઘરે આવવું હોય તો છકડો જાય છે ”
ખેમો ઘણા ઉત્સાહથી બોલ્યો, “લાલજીભઈ આ જુઓને આ મારા હમચુડાને ડિલિવરી થઈ છે ને લક્ષમીજી પધાર્યાં છે, જરા નાથાભઈને ખબર આપજોને ” ” અલ્યા ખેમા છેલ્લા ઘણા સમયથી તમારે તો બેય માણહ વચ્ચે ઝઘડો ચાલતો હતો. બેય એક બીજાને બોલાવતાંય ના હતાંં ને આ લક્ષ્મીજીની વાત? મને તો નવાઈ લાગે છે. લાલીયાએ દાઝમાં પૂછ્યું.

” તમારી વાત સાચી લાલજીભઇ અમારે બેય માણહને અબોલા છે ખરા, પણ જેટલી હદે, તમે ધારો છો એટલી હદે નઇ. આ લક્ષ્મીજી કાંઈ ઉપરથી નથી પડયાં ! હાલે આમારે તો અબોલાજ છે. એટલેતો આ દવાખાના બહાર આંટા મારું છું, લ્યો આ જલેબી ખાઈને મોં મીઠું કરો” પછી લાલિયે કટાણું મો કરીને જલેબી ખાઈને ચાલતી પકડી.
લેખક : સરદારખાન મલેક
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ