ગુણીયલ વહુ – એક વહુ અને દિકરાએ બતાવી સમજદારી નહીતો એ ઘર ઘર ના રહેત…

ગુણીયલ વહુ

રિહાન, હું તને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દઉં છું. મને એવી પુત્રવધૂ જોઈતી હતી જે, સાડી પહેરે અને રોજ રસોડામાં નવી નવી રસોઈ કરે ને જ્યારે મારી બહેનપણીઓ મારા ઘરે આવે ત્યારે દસ જાતના નાસ્તા બનાવી આપે. આખી જિંદગી કામ કરી કરીને હું થાકી ગઈ. હવે તો મારે આરામ જોઈએ ને ? ઓછી આવકમાં ઘર ચલાવી તમને મોટા કરવામા મને જરાય તકલીફ નહી પડી હોય ?? રીહાન ચિડાઈ ગયો ને બોલ્યો, મમ્મી, “તું ફરી એની એ જ વાત કરે છે, તેને સમજણ નથી પડતી? “

“શું સમજવાનું આમાં ? એને વાળ ખુલ્લા રાખવા જોઈએ, એને જીન્સ પહેરવા જોઈએ, એને વિકેન્ડ પર હોટેલમાં જમવા જોઈએ…આમ તો આખો દિવસ નોકરી કરવા જતી રહે છે….તો શું એ સન્ડેના દિવસે પણ ઘરે ના રહી શકે ? ગામ આખાની વહુઓ સાડી પહેરીને સર્વિસ કરવા જાય જ છે..જો એને સર્વિસ ચાલુ જ રાખવી હોય તો એને કહી દે જે કે કાલથી એ સાડી પહેરીને જ ઓફીસ જાય…મને આ બધું મારા ઘરમાં નથી પોસાતું. મને મારી બધી બહેનપણીઓ ખે છે કે, આ કેવી વહુ લાવી સવિતા, આને મર્યાદા જેવું કશું છે જ નહી.”


“ એટલે ? મમ્મી, તું કહેવા શું માંગે છે ? તારે બધા કહે એમ માનીને ઘરમાં અશાંતિ કરવી છે ? તારી બહેનપાણીઓ કહેશે, કે તું કુવામાં પડ, તો તું એ માનીને કુવામાં પડીશ ? અને હા, જીન્સ પહેરવામાં ખોટું શું છે? આજકાલ તો બધા પહેરે જ છે. ખ્યાતિને નોકરી કરવી છે તો ભલેને કરે, એવું થોડું છે કે લગ્ન થયા પછી એક સ્ત્રીની બધી ઈચ્છાઓને મારી નાખવાની ? “

“નોકરી કરે છે તે શું મારા માથે ચડીને બેસવાની?” મેં એક વાર ના કહી દીધી તો બસ, હવે નથી કરવી, આમ બોલી સવિતાબેન બબડતાં બહાર નીકળ્યા.

હોલના ખૂણામાં ઉભેલી ખ્યાતી બધું જ સાંભળતી હતી.રિહાને ખ્યાતિને જોઈ પણ એ કશું બોલ્યો નહી…એ પણ આ બધું સાંભળી થોડો અપસેટ હતો. રીહાનને ખ્યાતી ખુબ જ ગમતી હતી. એ ખુબ સમજદાર હતી. આટલું બધું એને એના વિષે સાંભળ્યું છતાં એ એકદમ મૌન રહી ચૂપચાપ એક ખૂણામાં ઉભી રહીને સાંભળ્યા કર્યું. માં-દીકરાનાં વાર્તાલાપ વચ્ચે એક શબ્દ ન બોલી. રિહાનને કોલેજના દિવસો યાદ આવી ગયા.


આખી કોલેજમાં ખ્યાતિ જેટલું હોશિયાર કોઈ જ ન હતું. ભણવામાં તો હોંશિયાર પણ સાથે સાથે સ્વરૂપવાન પણ એટલી જ ને સંસ્કારી પણ. એકવડિયો બાંધો…એકદમ ગૌર વર્ણ ને સોનેરી ચમકતા એના રેશમીને મુલાયમ વાળ…આખી કોલેજના છોકરાઓ ખ્યાતિ પર ફિદા..

હજી મને યાદ છે જયારે મેં એને પહેલીવાર જોઈ હતી. અમારી કોલેજના ગેટ પાસે એક ઓટો આવીને ઉભી રહી. એમાંથી ઓફ વાઈટ કલરના સ્લીવલેસ ટોપ ને બ્લેક કલરના સ્કીન ટાઈટ જીન્સમાં સજ્જ ખ્યાતી ઓટોમાંથી નીચે ઉતરી ને કોલેજમાં એન્ટર થઈ. કેટ વિન્સ્લેટને પણ ઝાંખી પાડે એવી સૌન્દર્યવાન ખ્યાતિને જોતા વેંત જ હું એના પ્રેમમાં પડેલો. હું રોજ ખ્યાતિનો ફોલો કરવા લાગ્યો..મેં મનથી જ નક્કી કયું કે હું આનો હીરો બનીશ ને એ જ મારી હિરોઈન..હું એકદમ ધીરજ રાખીને ખ્યાતીની બધા સપનાઓ જાણવા લાગ્યો. ત્રણ વર્ષ સાથે ભણ્યા પણ મેં ખ્યાતિને એકવાર પણ પ્રપોઝ ન કર્યું..રાત દિવસ હું એનાં પ્રેમમાં એને પામવાના સપનાઓ જોતો રહ્યો.

એને પણ અભ્યાસ સિવાય કોઈ પ્રવૃતિમાં રસ નહી…એનું એક જ સ્વપ્ન કે મારે ખુબ ભણવું છે ને સરસ નોકરી કરવી છે. જે છોકરીએ આખી જિંદગી એક જ સ્વપ્ન જોયું નોકરી કરવાનું..એ જ છોકરીને નોકરી નહી કરવાનું કહેવું કે પછી આવું સંભાળવું કેટલું કષ્ટ આપતું હશે ? આ વિચારે જ રિહાન રડી પડ્યો…


હજી મને યાદ છે જ્યારે ખ્યાતીએ સામેથી જ મને પ્રપોઝ કર્યું હતું….અમારી કોલેજનો લાસ્ટ ડે હતો. હું ખુબ જ દુખી હતો. મને એક જ દુખ કે હું કાલથી ખ્યાતિને નહી મળી શકું કે નહી એની સાથે વાત કરી શકું… હું સાવ સૂનમૂન બેઠો હતો ત્યાં જ એક અવાજ આવ્યો. હેય, કેમ આમ સૂનમૂન બેઠો છે ? કોલેજનો લાસ્ટ ડે છે એટલે ?

જવાબમાં મેં ડોકું હલાવી ના કહી, હું કશું જ બોલી ન શક્યો ને મારી આંખો વગર વરસાદે વરસી પડી. “અરે, આમ કેમ રડે છે..આવું તો કોઈ છોકરીઓ સાસરે જાય ત્યારે પણ ન રડે !” “એ જેમ જેમ બોલે એમ એમ મારી આંખો વધારે ભીની થતી હતી.” “તને એક વાત કહેવી છે સાંભળને પ્લીઝ…, હું છેલ્લા બે વર્ષથી તને અનહદ લવ કરું છું. મારે તારી સાથે જ મેરેજ કરવા છે. તું મારી સાથે મેરેજ કરીશ ? “

“જે હિમ્મત મારામાં ન હતી..એ હિમ્મત આ છોકરીમાં મેં જોઈ. મને મારા પ્રેમનો એકરાર કરવાની મારામાં હિમ્મત ન હતી. ને આ છોકરી તો સામેથી.., મેં ના હા કહી કે ના મેં ના કહી. હું એને વળગી જ ગયો…હું એટલો ખુશ હતો કે ના પૂછો…મેં એને જેટલી ફોલો કરી…એના માટે મેં જેટલા સ્વપ્ન જોયા એ બધુ હું પોપટની જેમ બોલવા લાગ્યો. આ બધું સાંભળી એ હસવા લાગી. “મને નવાઈ લાગી. મેં પૂછ્યું, કેમ તું હસે છે…તને વળી શું થયું ? “ “પાગલ, આ બધું મેં તારી ડાયરીમાં વાંચ્યું એટલે તો મેં હિમ્મત કરી …!”


પછી અમે બંને હસવા લાગ્યા. હું ખ્યાતિને જેવી છે એવી જ રાખવા માંગતો હતો. એને એમ.બી.એ કરવું હતું એટલે મેં એને એમ.બી.એ કરવા જ કહ્યું…અને મારે જોબ શરુ કર્યા વગર છૂટકો જ હતો…એટલે મેં જોબ શરુ કરી…બે વર્ષ અમે લવ શીપમાં રહ્યા…ખુબ ફર્યા…ને જેવું ખ્યાતીનું એમ.બીએ પત્યું એટલે તરત જ પરિવારની રાજીખુશીથી લગ્ન કર્યા….એણે લગ્ન પછી જોબ કરવાનું વિચાર્યું. મેં એને બધી જ છૂટ આપી. હું એની લાઈફસ્ટાઈલમાં કોઈ જ ચેન્જ લાવવા નહોતો માંગતો. એટલે મેં જ તેને બધી છૂટ આપી હતી. હું પાંચ મીટરની સાડી કે ડ્રેસના દુપટામાં એનું વ્યક્તિત્વ કેદ કરવા નહોતો માંગતો.

હું હજી આ બધું વિચારું છું ત્યાં જ ખ્યાતી મારી પાસે આવીને ઉભી રહી ગઈ. મારા માથામાં હાથ ફેરવતી એક જ વાત બોલી, તું શા માટે ચિંતા કરે છે ? તારી મમ્મી એ તને એકલા હાથે દુખ સહન કરીને મોટો છે..તું એમનો દીકરો છે, એમને પણ આશાઓ તો હોય જ ને એમના દીકરાની વહુ પાસેથી ? જેમ આંટી કહેશે તેમ જ હું રહીશ..મને એમનાથી કોઈ જ ફરિયાદ નથી. બસ, એમને ખુશ કરવા માટે મને તારો સપોર્ટ જોશે એ તું મને આપીશને ? તું ખાલી મને થોડો સાથ આપ હું બધી જ એમની ફરિયાદ બે મહિનામાં દૂર કરી દઈશ.

બીજે દિવસે સવારે ખ્યાતી એ સુંદર સાડી પહેરીને એકદમ ઇન્ડીયન વહુ બનીને રેડી થઇ ગઈ…રીહાન અને સવીતાબેન બંનેની આંખો આ જોઈ સ્તબ્ધ બની ગઈ. ફટાફટ ઘરનું કામ પતાવી દસ મિનીટ સવિતાબેન જોડે બેસીને જોબનો સમય થતા જ રીહાન અને ખ્યાતી નીકળી જાય છે. હજી તો ખ્યાતી કારમાં બેઠી જ છે ત્યાં જ રોહન બોલ્યો, “ તું મારી મમ્મી ને ખુશ કરવા તું તારું વ્યક્તિત્વ મિટાવી રહી છે “


“ના, બિલકુલ નહી, એમ બોલતા જ ખ્યાતીએ કારમાં પાંચ મીટરની વીંટાળેલી સાડી કાઢી નાખી. ખ્યાતીએ જીન્સ પર જ સાડી પહેરી હતી ને એના કોલરવાળા સ્લીવલેસ શર્ટનું બ્લાવુઝ..બાંધેલા વાળ એકદમ ખુલ્લા કરીને ફટાફટ મેકઅપ ચેન્જ કરી નાખ્યો. ઓફીસ પહોચતા સુધીમાં જ ખ્યાતી વહુમાંથી કોર્પોરેટ લેડી બની ગઈ. ખ્યાતિની આ સૂઝબૂઝ જોઈને રીહાન સ્તબ્ધ જ રહી ગયો…આ વિકેન્ડ પર દસ જાતના નાસ્તા પણ બનશે….પણ એ રેડી નાસ્તા હશે…જેમાં તારે મને હેલ્પ કરવાની છે…ઓ.કે મેમસાબ …

બસ સન્ડે આવી ગયો…સવિતાબહેન જેવા મંદિરે ગયા કે રીહાન રેડી નાસ્તા લઈ આવ્યો….ને ફટાફટ સર્વિંગ બાઉલમાં મૂકી નાસ્તાથી ડાઈનીંગ ટેબલ સજાવી દીધું…ને ઘર પણ સ્વચ્છ કરી નાખ્યું…જેવા સવિતાબહેન એમની બહેનપણીઓને લઈને ઘરે આવ્યા કે તરત જ ઘરનું બધું જ કામ એકદમ સરસ રીતે થયેલું જોઇને ખુશ થઈ ગયા.

ખ્યાતીએ એમની બહેનપણીઓને ખુબ સાચવી. વાતો કરી ને નાસ્તો પણ હોંશે હોંશે સર્વ કરીને બધી જ બહેનપણીઓના દિલ ખ્યાતીએ જીતી લીધા. અને કહ્યું કે, તારી વહુ તો ખુબ સંસ્કારી ને ગુણીયલ છે. તું નકામી બોલ બોલ કરે છે. એ જીન્સ પહેરે કે સાડી શું ફેર પડે ? આટલું બધું કમાય છે. ઘરનું કામ બંધાવી લે….ને વહુને સાચવ સવિતા ખોટી કચકચ ન કર ! વહુ નહી પણ દીકરી જેમ રાખજે એને એ પણ દીકરી બનીને તો રહે છે.


સવિતાબહેન આમ પણ એની બહેનપણીઓનું જ વધારે માનતા હતા. સવિતાબહેને તરત જ એમનું ખ્યાતી પ્રત્યેનું વર્તન પોઝીટીવ કરી નાખ્યું. બીજે દિવસે સવારે સવિતાબહેને ખ્યાતિને સામેથી સાડી પહેરવાની પણ ના કહી ને ઘરના કામકાજમાં પણ હેલ્પ કરી ને એક રસોઈવાળા માસી પણ ગોતી લાવ્યા…ને ઘરનું વાતાવરણ પણ એકદમ હેલ્ધી થઈ ગયું.

આ જોઈ રિહાન તો ખુશ ખુશ થઈ ગયો…ને બોલ્યો માની ગયો હો મારા મમ્મીની ગુણીયલ વહુને..! “રિહાન, આ બધું તે મને સપોર્ટ કર્યો એટલે જ થયું છે. જો દરેક પત્નીને એનો પતિ આમ જ સપોર્ટ કરે તો દરેક વહુ ગુણીયલ વહુ બની શકે છે. તું તારા મમ્મીની વાતમાં ન આવ્યો ને તે સત્યને સાથ આપ્યો,,એટલે જ સત્યની વિજય થઈને આપણું ઘર આજે સ્વર્ગ બની ગયું…લવ યુ માય લવ !!!!

બંને પતી પત્ની એકબીજા સામે જોઇને હસવા લાગ્યા !!!

||અસ્તુ ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી અનેક અવનવી અને અલગ અલગ વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ