ગુંદાનો કડક સંભારો – રોટી, પરાઠા કે થેપલા સાથે આ સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે…

ગુંદાનો કડક સંભારો

ગુજરાતીઓને જમવામાં સંભારાનું મહત્વ કાંઈક આગવું હોય છે. દરેકને રોટી, શાક , દાલ અને ભાતની સાથે કાંઈક સાઈડ ડીશ તો જમવાની મજા ડબલ થઇ જાય છે.

આજે અહીં બતાવીશ કાચા ગુંદાનો કડક સંભારો. આ સંભારો આપ રોટી શાક કે દાળ ભાત કે પરાઠા કે થેપલા સાથે પીરસી શકો. બનાવવામાં બહુ જ સરળ અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવો આ સંભારો આપ પણ જરૂરથી ટ્રાય કરજો.

સામગ્રી ::

  • 200gm લીલા ગુંદા,
  • મીઠું,
  • 4 થી 5 ચમચી તેલ ,
  • 1 ચમચી રાઈ,
  • 1.5 ચમચી મેથી નો અધકચરો ભૂકો,
  • 1/2 હળદર,
  • 1 ચમચી લાલ મરચું,
  • 1 ચમચી ધાણાજીરું,
  • 1 ચમચી ટોસ્ટનો ભૂકો,
  • 1.5 ચમચી લીંબુનો રસ

રીત ::

આ સંભારો બનાવવા કાચા , લીલા અને કડક ગુંદા લેવા. અત્યારે માર્કેટમાં હજુ સરસ મળે છે. પાકા ને પીળા પડેલા ગુંદા નો સંભારો કડક નહિ થાય ને સારો નહીં લાગે.

સૌ પ્રથમ ગુંદા ને કપડાં થી સાફ કરી ઉપરના ડિટીયા કાઢી લેવા. દસ્તા ની મદદ થી ગુંદા ના 2 ભાગ કરવા અને ઠળિયા ને કાઢી લેવા..

ગુંદા પર થોડું મીઠું છાંટી રાખી લેવા. 2 થી 5 મિનિટ સુધી રાખવા. આમ કરવા થી ગુંદા ની ચીકાશ થોડી ઓછી થઈ જશે.

કડાયમાં તેલ ગરમ કરો. ત્યારબાદ એમાં રાઈ અને મેથીનો ભૂકો ઉમેરો. મેથીના કુરિયા પણ ચાલે. કડાયમાં મેથીનો ભૂકો અને રાઈ સરસ લાલ થઈ જાય ત્યારબાદ જ રીતમાં આગળ વધવું.

મેથીનો ભૂકો સરસ લાલ થઈ જાય પછી હિંગ અને હળદર ઉમેરી ગુંદાના ટુકડા ઉમેરો. સરસ મિક્સ કરો.કડાયને ઢાંકી લો. ઉપર થોડું પાણી મૂકી , ધીમી આંચ પર ગુંદાને કડક થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા જાઓ. ગુંદાને કડક થતા 8 થી 10 મિનિટ લાગશે.

ગુંદા કડક થાય એટલે એમાં હળદર , મરચું , ધાણાજીરું, ટોસ્ટનો ભૂકો ઉમેરો. સાથે લીંબુનો રસ પણ ઉમેરો..સરસ મિક્સ કરો. ટોસ્ટ નો ભૂકો optional છે.

ફરી 1 થી 2 મિનિટ માટે પકાવો. તૈયાર છે ગુંદાનો કડક સંભારો ..

આશા છે પસંદ આવશે.

નોંધ ::

• આપ લીંબુના રસના બદલે કાચી કેરીના ટુકડા પણ ઉમેરી શકો છો.
• ગુંદા કડક થશે તો જ ભાવશે તો ધીરજ રાખવી.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી