ગુંદા કેરીના ખાટા અથાણા – અથાણા બનાવવાની સીઝન શરુ થઇ ગઈ તમે બનાવ્યું કે નહિ?

હેલો ફ્રેન્ડઝ,હુ અલ્કા જોષી આજ ફરી એકવાર સૌ ની પસંદગીનું ગુજરાતી અથાણાં ઓનુ શિરમોર સમા*** ગુંદા કેરીના ખાટા અથાણા**** ની રેસીપી લાવી છું આ અથાણું આપણી થાળી મા શાક ની કમી ને પુરી કરે છે મે તો બનાવી લીધું છે હવે તમે પણ બનાવવાની તૈયારી કરવા માંડો અને તમારા ઘર ના સભ્યો અને મહેમાનોને ખુશ કરી દો તો ચાલો નોંધી લો સામગ્રી…


500gm ગુંદા

750gm લાડવા કેરી

750gm ખાટી કેરી નો તીખો સંભાર

500gm સીંગ તેલ

1/2કપ મીઠું

2ચમચી હળદર

2ચમચી વીનેગર

રીત —-


1–સૌ પ્રથમ કેરી ને ધોઈ ને તેના નાના નાના ટુકડાઓ કરી લો અને તેમા હળદર અને મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી ને 24 કલાક સુધી ઢાંકી ને રાખી દો. આમ કરવાથી તેમા મીઠા ને કારણે પાણી થશે તેનો ઉપયોગ ગુંદા પલાળલા કરીશું. 24 કલાક બાદ કેરી ને એક ચારણી મા નાખી તેનુ ખાટુ પાણી નિતારી લો અને બધી કેરી ને એક કપડાં પર સૂકવી દો


2–ત્યાર બાદ ગુંદા ને ધોઈ લેવા અને તેની દાંડલી અને ટોપી કાઢી લો, હવે દસ્તા વડે તોડી ને ચપ્પુ વડે તેના ઠળિયા કાઢી લો થોડું મીઠું હાથ મા લગાડવુ જેથી ગુંદા ની ચીકાશ હાથ મા લાગશે નહીં. આવી રીતે બધા ગુંદા તૈયાર કરી લો, અને કેરી માથી નીકળેલા ખાટા પાણી મા ગુંદા 2-3 કલાક સુધી પલાળી દો.


3– હવે 2-3 કલાક બાદ ગુંદા ની ચીકાશ નીકળી જાય એટલે એક એક કરીને પાણી નિતારી લઈ એક ચારણી મા લઇ લો, સાથે સાથે કેરી ના ટુકડા પણ સૂકાઈ ગયાં હશે તો તે પણ એક વાસણ મા લઇ લો, ને અથાણાં નો સંભાર પણ એક બાઉલમાં લઇ લો.


4– હવે એક બાઉલમાં બધી કેરી લઇ તેમા થોડો સંભાર ભેળવી ને સાઈડ પર મૂકી દો, આમ કરવાથી આપણે જયા સુધી ગુંદા ભરી ને તૈયાર કરીશુ ત્યા સુધી કેરી મા સંભાર ભળી જશે.


5–ત્યાર બાદ બધા ગુંદા ની અંદર દબાવીને સંભાર ભરી ને તૈયાર કરી લો ધ્યાન રાખવું કે ગુંદા મા ખાલી જગ્યા ના રહે, નહિતર ગુંદા નરમ પડી જવાની શક્યતા રહેશે.


6–હવે એક મોટા વાસણ મા નીચે એક લેયર સંભાર ભેળવેલી કેરી નો કરી લો, બીજી લેયર મા તૈયાર કરેલા ગુંદા નાખો અને છેલ્લા લેયર મા પાછી કેરી નાખો, ઉપર સ્ટફીંગ કરતા વધેલો સંભાર દબાવી દો, આવી રીતે ઉપર નીચે કેરી અને વચ્ચે ગુંદા રાખવા થી ગુંદા ને બંને બાજુ થી ખટાશ નુ પ્રમાણ જળવાઈ રહે છે અને ગુંદા બગડતાં નથી. હવે આ વાસણ પર એક થાળી ઢાંકી ને 2-3દિવસ માટે સાઈડ પર મૂકી દો.


7–એક તપેલી મા સિંગતેલ ગરમ કરવા મૂકો અને વઘાર કરવા જેટલુ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો અને તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. ઠંડુ પડે એટલે તેમાં બે ચમચી વીનેગર નાખી હલાવી ને મીકસ કરી લો. ત્યારબાદ એક સ્વચ્છ અને કોરી બરણી મા તૈયાર થયેલા અથાણાં ને ચમચા વડે ભરી લો અને ઉપર ઠંડુ તેલ રેડી દો. તૈયાર છે આ સ્વાદિષ્ટ ગુંદા કેરી નુ ખાટુ અથાણું… તો ચાલો ગુંદા ની સિઝન પુરી થઈ જાય તે પહેલાં તમે પણ આ અથાણું બનાવી ને ભરી લો.


**ધ્યાન મા રાખવા ની બાબત —-

ગુંદા ની પસંદગી કરતી વખતે ગુંદા એકદમ કડક અને લીલા અને તાજા જ ખરીદવા, અને કેરી પણ ઉપર થી લીલી અને અંદર થી સફેદ કલર ની હોય તેવી જ લેવી. પીળાશ પડતી કેરી અને ગુંદા ક્યારેય પણ લેવા નહીં, નહીં તો અથાણાં બગડી જશે. અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં. ફરી પાછી હાજર થઈશ એક નવી રેસીપી લઇ ને.
રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)