ગુલમોહર – વેલ નહિ વૃક્ષ !

આજની એન્યુઅલ મિટિંગમાં બોસ માત્ર એકજ નામ બોલતા હતા! “અનન્યા દેસાઈ…”

Employee of the year ના એવોર્ડ સાથે થોડો પગાર વધારો તેમજ તેને પ્રમોશન પણ મળ્યું હતું. માત્ર એક વર્ષમાં એ કેટલી આગળ વધી ગઈ હતી! ફોટો સેશન પણ થયું. સાદી,આછા રંગની કોટનની સાડીમાં અનન્યા ખુબ સુંદર લાગતી હતી.ચહેરા પર આછું સંયમિત સ્મિત, લામ્બા વાળ,ખુબ સુઘડતાથી ગૂંથેલો ચોટલો અને કાનમાં ખુબ નાના મોતીનાં બુટીયાં ઘડિયાળ સિવાય બીજું કોઈ ઘરેણું નહિ. સૌ તાળીઓના ગડગડાટ અને ચહેરા પર સ્મિત સાથે અનન્યાની સિદ્ધિને વધાવતા હતા.

કાર્યક્રમ પતવા ની સાથેજ એ હસતાં મોહરાં ઉતરી ગયા. સૌ પોતપોતાની માનસિકતા પ્રમાણે એના પ્રમોશનને વખોડતા કે વખાણતા હતા.
“કેવી છે નહિ! ” એકે કહ્યું

“ગમ્મે એ કહો હોશિયાર તો છે હો… ” કોઈ એ વળી કબુલ્યું.
“હોશિયાર તો બધા હોય,એને કયા સાસુ-સસરા ને વર કે સમાજ ને સાચવવાનાં છે, સમય જ સમય છે એને તો. વિચાર્યા કરે ઓફિસ માટે જ.” બીજી એ ઈર્ષ્યા અને દ્વેષ ઠાલવ્યો

“હા તે વિચારે જ ને ભાઈ બોસ કેટલું રાખે છે એનું.અને રાખે જ ને ! એકલી છે, અને એક્સપીરીયન્સ્ડ પણ !” કહી ને સોનલે આંખ મીચકારી અને સૌ અનન્યાની એક વર્ષની અથાક મહેનતને હલકી માનસિકતાના ત્રાજવે તોળી હસી પડ્યા.

અનન્યા અને બોસ વિવેકના “આડા” સંબંધ છે એવું ફેલાવવા અને ટીપ્પણી કરવાના મોકા સોનલ ક્યારેય ન ચૂકતી. અનન્યાને ખ્યાલ રહેતો કે કોણ એના માટે કેવું બોલે છે, પણ એ કાને ન ધરતી. એને પોતાની પવિત્રતા પર સંપૂર્ણ વિશ્વાસ હતો.

આજે કેટલાય સમય પછી અનન્યા ખરેખર થોડે ઘણે અંશે ખુશી અનુભવી રહી હતી. કાર્યક્રમ પત્યા પછી એ એની નિયમિત બસમાં બેઠી, જે બસ આમ તો રોજ ઘર તરફ જતી , પરંતુ આજે એને જાણે અનીશની યાદોની દુનિયામાં ખેંચી ગઈ. અનીશનો પ્રેમાળ ચહેરો એનું વ્હાલ, કોલેજ કાળમાં સાથે ફરેલ સ્થળો અને એની સ્મૃતિઓ અનન્યાના માનસપટ પર છવાઈ ગઈ. એ સાથેજ એક ઝાકળબિંદુ સમું આંસુનું ટીપું એની આંખમાંથી સારી પડ્યું. અનન્યા સ્વગત જ બોલી કે “કેમ મને આમ મઝધારમાં મુકીને જતા રહ્યા અનીશ?!” અનીશના મૃત્યુ પછી લગ્નનું દબાણ અને સમાજના સવાલો સામે હજુય ઝઝૂમી રહી હતી. અનીશની ભેટ સમી આ નોકરી જે અનીશે જીદ કરીને પોતાને કરવાનો આગ્રહ કરેલો એ જ હવે એની માટે જીવવાનો સહારો બન્યું હતું. અનીશનું સપનું હતું કે પોતે એક કંપની ઉભી કરે. એ માટે એણે બચત પણ ચાલુ કરી હતી! અનીશનું એજ સપનું પૂરું કરવા એ દિવસ રાત મહેનત કરતી.

એક હળવાશ સાથે અનન્યા ઘરમાં દાખલ થઇ ત્યારે તેણે પરસાળમાં હિંડોળે ઝુલતા સાસુ વાસંતી બે’ન અને બાજુમાં પોતાના માતાને જોયા. એમને જોઇને આછું સ્મિત હજી આપ્યું ત્યાજ સાસુ બોલ્યાં , “કેમ મોતીનાં બુટીયા પહેરી ગઈ’તી? અને આ થેલીમાં શું છે? ગઈ ત્યારે તો આ થેલી નો’તી તારી પાસે!”

“માં, આજે મને વિશેષ સન્માન મળ્યું. અનીશે જે પ્રોજેક્ટમાં મને મદદ કરેલી એ ગયા વર્ષના અંતમાં પૂરો થયો અને વર્ષનો શ્રેષ્ટ પ્રોજેકટ રહ્યો! અને મને આ સર્ટીફીકેટ અને થોડો પગાર વધારો મળ્યા.” વાસંતી બેનના ચાંપતા સવાલોથી સમસમી ગયેલી અનન્યાએ એમને હળવા કરવા સારા સમાચાર આપ્યા.

” એ બધું તું રહેવા દે! મારા દીકરાનું નામ લઇ ને તું તારા લફરાં નહિ છુપાવી શકે મારાથી.” છંછેડાઈ ગયા અને અચાનક ગળગળા થઈ બોલી ઉઠ્યા , ” મારો દીકરો તો ભગવાનનું માણસ હતો તે ભગવાન પાસે જતો રહ્યો! પણ તારે એની પાછળ જલસા કરવા છે?! આખા ગામમાં જવાબ મારે આપવા પડે છે અહી સમજ્યા મહારાણી? જો!! કાલે પટેલ સાહેબનો મોટો દીકરો આવે છે જોવા, તારા મમ્મી પપ્પાને પણ એટલેજ બોલાવી લીધા છે. વાત કરી લે અને ગોઠવાઈ જાય એટલે અમારે શાંતિ”
માતા અનસુયા બહેને પણ હકારમાં માથું હલાવ્યું.

અનન્યાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.છતાં હિંમત કરીને ભાવભરેલા અવાજમાં બોલી, “માં, તમે જાણો છો કે ઘર અને અનિકેત એ મારી પહેલી પ્રાયોરીટી હોય છે. મારે તમને અને અનિકેતને સારી જિંદગી આપવી છે અનિશની જવાબદારીઓ પૂરી કરવી છે. અનીશ સાથે ભલે પ્રેમલગ્ન નહોતું મારું, પરંતુ અનીશ સિવાય કોઈ માટે મારા મનમાં પ્રેમ નથી. અને અનિકેતને સાવકા સંબંધો નથી આપવા મારે ”

” એ બધું તું રહેવા દે! અનિકેત મારો પૌત્ર છે હું જોઈ લઈશ એને કેમ મોટો કરવો. અમારા કુટુંબનો વારસ છે એ,એને કોઈ કમી નહિ થાય. પણ તારા નોકરીઓ કરવાના અભરખા છે એ મારા ઘેર નહિ ચાલે ભઈ સા’બ. ”
“માં હું અનીશનું સપનું પૂરું કરવા માટે કામ કરું છું. અનીશ માટે એ કંપની એ જીવન નું મોટું ધ્યેય હતું. અને અનીશનો પ્રેમ મારી માટે પુરતો છે. મારે નથી પુનર્લગ્ન કરવા માં! ” અનન્યા ગળગળી થઇ હાથ જોડી ને બોલી.
“મારવા વાળા મારી ગયા, અને તું વિધવા છો એની સમજી? આ તું આમ તૈયાર થઇ થઇ ને ફરે છે તે લખણ છે વિધવા બૈરીના? તું ટળ મારે માથેથી એટલે શાંતિ.”

” અનસુયા બેન જોવો, મારે સમાજમાં મોઢું દેખાડવું છે હજી અને મારી નાની દીકરીઓના સાસરાં ગામમાં જ છે હો. જો આને એક વિધવાની જેમ ઘરમાં રેવું પોસાતું ન હોય તો અમે લગ્ન કરાવા તૈયાર છીએ. જે કરવું હોય એ કરે પોતાના વરને ઘેર. અને જો એ પણ મંજુર ન હોય તો આજે લેતા જજો આને. અનિકેત ને ઉછેરવા જેટલી મજબુત છે હજી આ વાસંતી.” વાસંતી બહેનના શબ્દો સન્નાટો બની ગુંજી રહ્યા હતા.

વાસંતીબેનના આવા શબ્દો અનન્યાને ચીરી ગયા. માં સમજી એણે વસંતીબહેનની સેવા કરી હતી. સસરાની તબિયતને કારણે અનિશની ના છતાં ભણવાનું અને નોકરી છોડી એક વર્ષ સુધી ઘરમાં બેઠી હતી એ. હવે આજે આ જ ઘરમાં એની માટે જગ્યા નહોતી! ભીની આંખે અનન્યાએ પોતાની માં સામે આશાભરી નજરે જોયું.

“જો અનુ, વડીલો કહેતા હોય એ સાચુજ હોય. અને આ તો એમની ભલમનસાઈ છે કે તારા લગ્ન કરાવા તૈયાર થયા છે એ.હજી પાંત્રીસ પણ નથી થયા તને, મળી જશે કોઈ ને કોઈ હાથ પકડવા વાળું. તારે શું વાંધો છે લગ્ન માં?” અનસુયા બહેને પણ આજે ચિડાઈ ને પૂછી લીધું.

” મમ્મી તું સમજતી કેમ નથી? તું જાણે છે ને મારો અનીશ માટેનો પ્રેમ. મારી પાસે જીવવાનું કારણ છે હજી: અનિકેત અને અનીશ નું સ્વપ્ન. શા માટે મારે કોઈ જોડે લગ્ન કરવા જરૂરી છે? અનીશનો પ્રેમ જિંદગી ભર માટે પુરતો છે મારે.” લગ્નનું અનન્યા વિષે વિચારવું જ અશક્ય હતું. ઓછા પરંતુ ખુબ ગાઢ લગ્નજીવનમાં અનીશ પાસેથી એને ખુબ પ્રેમ મળ્યો હતો, હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ગણતા અનીશે અધૂરા સ્વપ્નની હતાશા દર્શાવી હતી ત્યારેજ પોતે નિયમ લીધેલો. હવે એ માત્ર નામ માટે પણ કોઈની પત્ની બનવા તૈયાર નહોતી.

” હવે આ પ્રેમ પ્રેમના શું ગાણાં ગાયે રાખો છો, આ તે કઈ હરવા ફરવા કે મોજ કરવા લગ્ન કરવાનું કહીએ છીએ? અમારી જવાબદારી પતે અને સમાજમાં આમ તું એકલી રહે અને નોકરી ધંધા કરે એમાં બેય કુટુંબનું નાક વઢાય છે એ બચે એટલે કહીએ છીએ. સુખે દુ:ખે જીવી લેવાનું! ” અનસુયા બહેનના અવાજમાં ભારોભાર અણગમો હતો.

પોતાની માં આમ બોલે છે એ જોઈ હલી ગઈ અનન્યા અંદરથી!
“શા માટે? જયારે તમારા કહેવાથી મેં અનીશ જોડે લગ્ન કર્યાં, અમે દામ્પત્ય જીવન જીવ્યું ત્યારે ખુશ હતા ને તમે સૌ? મારો અનીશ માટેનો પ્રેમ જોઈ સૌ પોરસાતા. આજે એ પ્રેમ તમને હમ્બગ લાગે છે? આજે અનીશ નથી તો હું તમારી દીકરી માટી ગઈ? અનિશની દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે સતત કહેતા મારા મમ્મી – પપ્પા આજે એનું આખરી સપનું પૂરું કરતા રોકે છે?! શું ખોટું છે મારે જિંદગી જીવવા કોઈ પુરુષના સહારાની જરૂર ના વર્તાતી હોય એમાં? શા માટે જયારે કોઈ પુરુષ બીજા લગ્ન ન કરે તો સજ્જન કહેવાય અને સ્ત્રી ના પાડે તો સમાજ એના હસવા , બોલવા, ખાવા, પીવા કપડાં પહેરવા એના જીવવા સુદ્ધાં પર જાણે તરાપ મારવા બેઠો હોય છે?” અનન્યા ની પીડા આજે શબ્દોનાં શુળ બની ભોકાતી હતી જાણે સૌને. અનન્યા જાણે આજે બધું ઠાલવવા માગતી હતી.

“શા માટે સ્ત્રીને વેલ સમજાય છે? અનીશ હોત તો મારું કામ કરવું ગમત. અનીશ નથી તો મારે બીજા પુરુષ જોડે પરાણે જોડાવાનું અને એના નામ જોડે આગળ વધત તો પણ એ સજ્જન! શા માટે હું મારા અનીશના સ્વપ્નો પૂરા કરવા મહેનત કરું તો એ વિધવા ના જીવનની મર્યાદાનું ઉલ્લંઘન લાગે છે? શા માટે મારી મહેનત અને બુધ્ધીથી હાસલ કરેલી સિદ્ધિઓ ને શરીરનો સોદો ગણવામાં આવે છે?” સૌ સ્તબ્ધ હતા.

અનન્યા જાણે આજે દ્રૌપદી બની હતી! વસંતીબહેન તરફ ફરી ને બોલી , ” અનિકેત દેસાઈ પરિવારનો પૌત્ર છે. તેને ઉછેરવાની જવાબદારી પોતા પર લેવાની વાત કરી આજે તમે મને કાઢી મુકવાની વાત કરો છો. જો અનિકેત ની જગ્યાએ પુત્રી હોત તો? એનો પણ સ્વીકાર કરત ને તમે? તેની જવાબદારી લેવા પણ તૈયાર થાત ને તમે? પટેલ સાહેબ નો મોટો દીકરો ડિવોર્સી છે. પત્નીને દારુ પી ને મારવાને લીધે એની પત્નીએ છૂટાછેડા આપ્યા છે એને જાણતાજ હશો ને તમે? છતાં? મારું મૃત્યુ થયુ હોત તો અનીશનાં લગ્ન કરત તમે એવી કોઈ સ્ત્રી જોડે જે કલંકિત હોય? ” એકસાથે પોતાની પીડા વ્યક્ત કરી ફસડાઈ પડી અનન્યા.

વાસંતી બહેન કે એના માતા પિતા કોઈ પાસે ઉત્તર નહોતા એક પણ સવાલના. સૌ સમસમીને બસ જોઈ રહ્યા હતા જે અગ્નિ અનન્યાની આંખોમાં હતી આજે.

અનન્યા માનતી હતી કે જયારે એને જીવવા માટે કારણ છે એનો પુત્ર , અનીશને ભૂલવું શક્ય નથી તો પછી માત્ર નામ માટે શા માટે એને કોઈ પર પુરુષ સાથે જીવનભર ભારનો નાતો જોડી વણમાંગ્યા સંબંધમાં પોતાની જાતને ગોંધી રાખવી જોઈએ?! શું એ પોતે અનીશ દ્વારા મેળવેલ પ્રેમ અને પોતાની ક્ષમતાને આધારે અનિકેત ને સારું જીવન ના આપી શકે?! અનન્યા માટે હવે “દેસાઈ નિવાસ” માં રહેવું અશક્ય હતું અને તેના માતા પિતા પણ સમાજ નો ભાગ હતા અને રહેવા માગતા હતા. માટે એ ઘરમાં પણ અનન્યા માટે કોઈ જગ્યા નહોતી.

પવિત્રતા અને અનીશના પ્રેમથી ભરેલી અનન્યાને સમય જતાં વધુ ખરાબ મહેણાં સંભાળવાનો વારો આવ્યો.

સોનલની જે વાતોને એ સોનલના મનની ગંદકી ગણતી હતી,એ ખરેખર તો આખા સમાજનું એક એકલી સ્ત્રી પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ હતું.વાર તહેવારે અનન્યાને મળતાં નિમંત્રણો બંધ થયાં.પરિવાર તો ઠીક પણ મિત્રો પણ એની દરેક સફળતાને શરીરનો સોદો માનતા અને એવીજ વાતો લોકોમાં ફેલાવતા. અનન્યાનું હસવું જાણે અપરાધ હોય તેમ જોવામાં આવતું. કહેવાતો આ ભણેલ અને ચારિત્રવાન સમાજ કેટલી ગંદી માનસિકતાથી પીડાય છે એ એને સમજાયું હતું!

બીજી તરફ માત્ર મહેનતના ફળરૂપે આગળ વધવા ઈચ્છતી અનન્યાને હવે પ્રમોશન કે પગારના બદલામાં અનૈતિક ઓફર્સ નો સામનો કરવો પડતો! અનન્યાએ જાણે શિકારી પશુઓના પાંજરામાં પૂરી ગઈ હોય એવું મહેસુસ કર્યું !

રાતનાં અંધારામાં અનિકેતને સુવડાવી પોતે છાને ખૂણે ખુબ રોતી! રોઈ, હળવી થતી પોતાને વઢતી અને ફરી નવા સપનાઓ લઇ નીકળી પડતી. અનીશનું ન હોવું એ કુદરતી અકસ્માત હતો જે એણે સ્વીકાર્યો હતો પરંતુ અનિશની આવી ગેરહાજરીમાં એને જીવવા માટે કોઈ એક પુરુષનું નામ કે એનો સાથ જોઈએ જ એ એને અસ્વીકાર્ય હતું! શા માટે સ્ત્રીને શક્તિ સ્વરૂપ કહી પૂજન કરનારા દેશમાં સ્ત્રી ને ચારિત્ર્યવાન નું સર્ટીફીકેટ માત્ર કોઈ પુરુષ સાથે પરણવાથીજ પ્રાપ્ય છે? શા માટે સ્ત્રી ને વેલ સરીખી જીંદગી આપવામાં આવે છે, જેમાં એણે પુરુષના નામ ના સહારે જ આગળ વધવા મળે છે? જી હા , નામ માત્ર કેમ કે ક્ષમતાની વાત કરીએ તો એ તો દરેક સ્ત્રીમાં હોય જ છે! અનન્યામાં આ બધા વિચારો એક અલગ આગ પ્રસરાવી દેતા કે એક પ્રેમાળ પતિના પ્રેમની મૂડી થી આખું જીવન ગુજારવાનો એણે નિર્ણય કર્યો તો એમાં એનો દોષ શા હતો? સતત દોશીણી સાબિત થતી રહી અને છતાં લડતી રહી અનન્યા. ધીરે ધીરે મારગ કરી આગની કેડી પર ચાલતી હતી એ.

(7 વર્ષ પછી)

આજે પણ કોન્ફરન્સ હોલનું વાતાવરણ અલગ જ હતું! માનનીય Director એ International Women’s Day ના અવસરે શહેરમાં કંપનીની એક નવી બ્રાન્ચનું ઉદઘાટન કર્યું હતું જે માત્ર સ્ત્રીઓ દ્વારા ચાલતી બ્રાંચ હશે! દરેક ડીપાર્ટમેન્ટમાં દરેક સ્તરે માત્ર સ્ત્રીઓની જ નિમણુક થશે! કંપનીના દરેક કાર્યકરમાં અ સાંભળી ઉત્સાહ અને આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું. સૌ તાળીઓનાં ગડગડાટ વચ્ચે ગુલમોહર પ્રાઇવેટ લીમીટેડ ના Director અનન્યા અનીશ દેસાઈ ને આસક્ત થઇ ને વધાવી રહ્યા હતા! 🙂
આપણા સમાજમાં હત્યા કે આત્મહત્યા ને મોટો ગુનો ગણાય છે પરંતુ અસ્તિત્વના ખૂન ને નહિ! અનન્યા માં અતુટ આત્મવિશ્વાસ અને પોતાની ઈચ્છાને પૂર્ણ કરવાની હિંમત હતી બીજી કેટલીય હસતી કળીઓએ સમાજની માનસિકતા સામે હારીને પોતાના અસ્તિત્વને હોમી દીધું હશે.

“વેલ નહિ હું,
બીજ તારું હરિ, છું
ગુલમોહર! ”

લેખક – એંજલ ધોળકિઆ (અમદાવાદ)

ટીપ્પણી