ગુલાબી બાંધણી – રોજ આવી જાય છે રીંગણા લેવાના બહાને અને કલાકો સુધી જોયા કરે છે…

સાંજના સાડા છ થવા આવ્‍યા હતા. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. માર્કેટ હિલોળા લેતી હતી. હૈયે હૈયું દળાતું હતું. ત્‍યાંજ ચંદુભાઇ ‘‘ભવાની પાન સેન્‍ટર‘‘પાસે આવી પહોંચ્યા. આ એમનો નિત્‍યક્રમ હતો. સાંજના સાડા છ થાય એટલે એ અવશ્‍ય ભવાની પાન સેન્‍ટરના ઓટલે આવીને બેસતા. જાફરા દેશી તુફાન પતીવાળું એક દમદાર જામેલું પાન ખાતા અને પછી નજરની સામે જ દેશી રીંગણાનો ટોપલો લઇને બેસતી કમુને તાકી રહેતા.


કમુની કાયાની કેમેસ્‍ટ્રી પણ બેનમૂન હતી. કેટલાં બધાં સમીકરણો ભેગાં થઇને એક રસાયન બનતું હતું? બ્‍લેક હતી. પણ બ્‍યુટીફૂલ હતી. માંડ ત્રેવીસ-ચોવીસની કામણગારી કાયા ધરાવતી કમુ કમસીન ઓરત હતી. એના સૌંદર્યમાં શ્યામ રંગ ક્યાંય બાધક નહોતો બનતો. એની કાળી આંખોકાં હંમેશા કાજલ લગાવેલું રહેતું એની મોંફાડ નમણી હતી. એનો અવાજ સિતારના તારમાંથી ખરેલી રણઝણ સમો હતો.. એની સુડોળ કાયા નાગરવેલ શી નાજુક હતી. નામ એનું કમુ હતું. બાકી, હકીકતમાં તો એ કમલિની હતી.

એ હાલો, દેશી રીંગણાં… પંદરના પાંચસો, પંદરના પંચસો…. કરતી સાદ પાડતી ત્‍યારે એના અવાજની હલકથી આકર્ષાઇને શાકભાજી ખરીદવા નીકળેલું ગમે તે જણ ઊભું રહી જતું ને પોતે ચોળાફળી જેવી આંગળીઓથી માખણ જેવા કૂણાં માખણ રીંગણા ગોતી-ગોતીને સામેવાળાની થેલી જાણે પુષ્‍પોથી ભરી દેતી. આ એના નંસર્ગિક સૌંદર્યમાં તો ચંદુલાલ અટવાઇ નહોતા ગયા ને?


ભવાની પાનના ઓટલે અડધો અડધો કલાક પગ લટકાવીને, કમુના કામણને પી-પીને સંતૃપ્‍ત થતાં ચંદુલાલ આખરે ઊઠતા અને પછી કમુ આગળ આવીને ઊભા રહી જતા. જોકે કમુ આ બાબતથી તદન અજાણ હતી કે આ ચંદુલાલની નજરના રડારમાં મારા જેવું એક નાજુક બલૂન ઊડ્યા જ કરે છે અને ચંદુલાલની તમામ ગતિવિધિ એ બલૂનની પાછળ રોકાયેલી છે ! એ તો એક દિવસ પડખે જ સૂંડલો લઇને બેસતી રેવાએ એને કહ્યું : ‘‘કમુડી, તું ફક્ત રીંગણામાં જ નહીં, પણ આજુબાજુનું, અડખે-પડખેનું અને આગળ-પાછળનુંય ધ્‍યાન રાખતી જા, મારી બહેન.‘‘

‘કેમ?‘ કમુને અચંબો થયો. ‘કેમ-કેમ શું કરે છે? જો, પેલો બુઢ્ઢો. છેલ્‍લા ચાર-ચાર મહિનાથી સામે પાનવાળાની દુકાનના ઓટલે આવીને બેસે છે. તારી સામે ઘૂરકી ઘૂરકીને જોયા કરે છે. મને તો બઇ એની બહુ બીક લાગે છે. એના લખણ સારા લાગતાં નથી. રખેને ક્યાંક, કો‘ક દી તું એકલી હોયને…‘

કમુ ખળભળી ગયેલી. એણે એ દિવસથી ચોંપ રાખેલી અને વાત સાચી નીકળી. સૂરજ જો ઊગવાનું બંધ કરે તો એ બુઢ્ઢો આવવાનું બંધ કરે. એમ કમુને લાગ્‍યું. સાલો ઝીણી આંખે પોતાની કાયાને દેખતો જ નથી, પણ પીતોય રહે છે. કમુ ઓચિંતાની ડરી ગઇ. હૃદયનો ધબકારો એ દુ‘નો ઊંચો થઇ ગયો. જેવા સાડા છ વાગતા કે એ બુઢ્ઢો રમતી ચાલે કોણ જાણે ક્યાંથી આવીને બરાબર પોતાની સામે જ ખડકાઇ જતો. પાન ખાઇને મોઢું રંગતો અને પછી જાણે પોતાના અંગ-ઉપાંગને ઘટક-ઘટક પીતો.


કમુ બી ગઇ. એ ભલે કશું કરતો નહોતો. પણ કશુંય ન કરવા છતાં એ ઘણુંબધું ઉપરતળે કરી નાખતો. કમુ સાડલાનો છેડો ઘડીઅે-ઘડીએ ઠીકઠાક કરીને તપાસી લેતી. આડી નજરે એ જોઇ પણ લેતી કે સાલો, બિલાડાની આડીઅવળી નજર પોતાના અંગ પર તો નથી ને? એ પોતાને કઇ રીતે સાલો જુએ છે? ચોરનજરે એ પેલા બુઢ્ઢાની નજરને પકડવા મથતી ને ચાર નજર ટકરાઇ જતી. કમુના હૃદયમાં ધ્રાસકો પડતો : જાણે દિપડાના મોઢામાં હરણની ડોક! એનાં રોમરોમ કંપારીથી ઊભા થઇ જતાં.

પણ એણે એક વાત નોંધી હતી કે ક્યારેક કોણજાણે બુઢ્ઢો આવી, પાન ખાઇને પોતાની સામે એક ક્ષણ જોઇ લેતો અને પછી ચાલ્‍યો જતો. એની પાછળનું રહસ્‍ય એ પકડી શકી નહોતી. પણ અઠવાડિયાના ચાર દિવસ તો અવશ્‍ય એવા જતા કે એ બુઢ્ઢો પોતાને છટકવા દેતો નહોતો. એ જ્યાં સુધી ત્‍યાં બેસતો ત્‍યાં સુધી એનો જીવ ફફડ્યા કરતો. સાલો, એ પાછો રીંગણા લેવા પોતાની પાસે જ આવતો ત્‍યારે આખું શરીર ધ્રુજવા લાગતું એ નજર ઊંચી કરીને જોતી તો હાંફતા શરીરને એ જોઇ રહેતો. એ સાડલાનો છેડો પોતાના હાંફતા ઉરોજ પર સરખો કરી લેતી.


આ એક ટેન્‍શન હતું બુઢ્ઢાના નામનું ! દિવસે દિવસે એનો જીવ વધુ ને વધુ ફફડવા લાગ્‍યો. ભયાનક વિચારો એના પર કબજો જમાવવા લાગ્‍યા. પોતાનું હવે શું થશે?ની કાતિલ કલ્‍પનાઓથી એ મનથી જ ભાંગીને ભૂક્કો થઇ ગઇ. રાત પડતી તો બુઢ્ઢો બંધ આંખોમાં આવીને બેસતો. એ ધ્રુજવા લાગતી. એક રાતે એ એજ વિચારમાં ઘેરાઇ ગઇ. મોડી રાત થવા આવી, છતાંય નીંદર ન આવી. પડખે સૂતેલા પતિએ જાગવાને વાસ્‍તે અડધી રાતે જાગીને જોયું તો એ પથારીમાં બેઠી હતી. ‘અરે, હજી સુધી તું સૂતી નથી?‘ જાદવે બેઠાં થતાં પૂછ્યું :

‘કાંઇ થાય છે તને? તબિયત તો સારી છે ને?‘ અને એ આખેઆખી ઠલવાઇ ગઇ. જાણે વર્ષોથી પેટમાં સંઘરી રાખેલું ઝેર ઓકી નાંખ્‍યું. ‘અરે આટલું બધું થઇ ગયું તોય હજી તું મને આજે વાત કરે છે?‘ ‘હા. અને હવે હું સાંજ પડે, દિવસ આથમે કે મૂંઝાઇ જાઉં છું. તમે ગમે એમ કરો, પણ એનાથી છુટકારો અપાવો. ‘એ તો ઠીક છે, પણ ક્યાં સુધી તું બીતી રહીશ? એને કહી દેવાનું.‘

‘પણ કોઇ પુરાવા-વજૂદ વગર થોડું કહેવાય? અને ત્‍યાં એ એક જ નથી બેસતો. એવા તો કેટલાય મફતિયા બેસે છે. હું એને કહેવા જાઉં તો તો મારો ફજેતો જ થાયને ! તમેય ઠીક છો.‘ ‘…તો તો પછી બીજા આદમી બેઠા હશે એય તને જોતા જ હશે ને? ‘એ મને શું ખબર?‘ ‘તને ખબર હોય કે ન હોય, પણ મને એટી ખબર પડે છે કે તમને જોતાં કોઇ ધરાય જ નહીં ! તમે પાછાં છોય કેવા પદમણી..!‘ કમુએ જવાબ ન આપ્‍યો.


‘બસ, એકવાર તારી સામુ જુએને પછી એ જણ બરફની જેમ ત્‍યાં ને ત્‍યાં ઓગળી જાય, પણ સાચું કહું ? તું છો જ એવી. એમાં દુનિયાનો વાંક નથી. જોને, પરણ્યાની પહેલી રાતે તને મેં પહેલીવાર જોઇ અને પછી જોઇ જ રહેલો. તેં કહેલું, આમ બાઘાચકવા થઇને શું જુઓ છો. નથી જોયું કોઇ બાઇ માણસને? ત્‍યારે મેં કીધું‘તું, યાદ છે? કે એવી તો કેટલીય જોઇ નાખી, પણ તારા જેવી એકેય નહીં. એ શ્બ્દો આટલાં વર્ષેય સાચા પડે છે ને?‘

જવાબમાં ગુસ્‍સાથી કમુ રોઇ પડી. આખરે જાદવે પૂછયું: ‘પછી એ શું કરે છે?‘ ‘રીંગણા લેવા મારી પાસે આવે છે. અત્‍યાર સુધી તો મને ખબર નહોતી કે એ મૂઓ રીંગણા લેવાને બહાને રોજ આવતો હતો, પણ જ્યારથી ખબર પડી કે…‘ ‘હજી થોડીક વધારે ખબર પડવા દે. તું થોડુંક એની સામે હસી જો. આંખોના ઇશારા કરી જો. પછી કહેજે કે શું થાય છે?‘

***
જોકે એ વાતને ઝાઝું છેટું ન રહ્યું. આજ કમુના ગુલાબી બાંધણીથી દીપતા શરીરને જોઇને ચંદુલાલના ચહેરા પર અજબની સુરખી છવાઇ ગઇહતી. અને કમુનેય ખબર ન પડે એમ જાદવ સંતાઇને સઘળો ખેલ જોઇ રહ્યો હતો. કમુની વાત સાવ કાઢી નાખવા જેવી નહોતી. એ બુઢ્ઢાની આંખો સતત પોતાની પત્‍ની પર જ મંડરાઇ હી હતી. જાદવે જોયું : એ બુઢ્ઢો નહોતો, બિલાડો હતો !

આખરે એ ઉઠ્યો. જાદવ સતર્ક થઇ ગયો. આવીને એ ઊભો રહ્યો બે મિનિટ સુધી. એના સાડલાના ઊડતા પાલવને તાકી રહ્યો. ‘રીંગણાં !‘ એટલું જ બોલાયું. કમુ થથરી ગઇ. એ હવે નજર મિલાવી શકે એમ નહોતી. એ નીચે બેસી ગયો. : ‘રીંગણાા પાંચસો જોઇએ છે. કૂણાં –કુણાં, નાના-નાના, માખણ જેવાં…‘ અને એ ફરી હસી પડ્યો. માખણ જેવા શબ્દો પર એણે જાણે-અજાણે ભાર મૂક્યો હતો એમ કમુને લાગ્‍યું કમુ કંપતી આંગળીઓ વડે રીંગણા શોધવા લાગી અને એ, એટલે કે ચંદુલાલ કમુને નેહ ભરીને તાકતા રહ્યા.


શું ભાવ છે?‘ આખરે ચંદુલાલે પૂછ્યું. ‘અઢારનાં પાંચસો… ‘ ‘રોજ કરતા મોંઘાં, નહીં કે?‘ એ ફરી હસી પડ્યા. સામે કમુય હસી. ચંદુલાલે થેલી પહોળી કરી અને પછી કમુના ચહેરા સામે તાકી રહ્યા. કમુએ રીંગણા તો થેલીમાં નાખીય દીધાં, છાબડુંય મૂકી દીધું ને તોય ચંદુલાલ એનામાં જ ખોવાઇ ગયા હતા.

‘એ દાદા… ‘ અચાનક જાદવનો પાછળથી અવાજ આવ્‍યો : ‘શું જુઓ છો ક્યારનાય ભલા માણસ…! જુઓ, રીંગણાં તો ક્યારનાય તમારી થેલીમાં પડી ગયા છે. જરાક ખબર રાખતા જાવ, ખબર રાખતા જાવ. નહીંતર પછી ક્યારેક ન થવાનું થઇ જાશે.‘ ‘અરે… અરે… અરે… ખબર જ ન રહી….‘ બબડતાં વીસની પતી કમુના હાથમાં આપ. છુટ્ટા બે નહીં હોય એ કમુની મુંઝવણ પામીને હસી પડતાં કહે : ‘ભલે રહ્યા, રોજનો તમારો કાયમી ગરાગ જ છું ને?‘ ‘મફતની ધૂળેય ન ખપે ભાભા…. ગંજીના ખિસ્‍સામાંથી જાદવે ગોતીને બેનો દોકડો કાઢ્યો : ‘લ્‍યો આ તમારા બે રૂપિ‍યા અને હાલતા થાવ…. ‘

***
હવે જાદવે એક આઇડિયા રચ્યો. શહેરમાં બે માર્કેટ હતી. પેલી બાજુ જાદવ બેસતો હતો. એણે પોતાની જગ્યાએ કમુને બેસાડી દીધી અને પોતે કમુની જગ્યાએ ફરી ગયો. આજે ખટકો રાખ્યો બુઢ્ઢાનો ! બુઢ્ઢો શું કરે છે એ જોવાની એની તાલાવેી વધતી જતી હતી. આખરે ચંદુલાલ આવ્‍યા, પણ કમુને ન જોતાની સાથે જ એ ચોંક્યા. જાદવ એમની આંખોનું નિરીક્ષણ કરતો હતો : બુઢ્ઢાની ઘુવડ જેવી આંખો આમતેમ ફરતી હતી. આજે પાન ખાધું પણ જાફરાની તૂફાન બરાબર ચડી નહીં. ચંદુલાલની આજે ખરેખર મજા બગડી ગઇ. એ તો જાદવ પણ ફીલ કરી શક્યો કે સાલો, બુઢ્ઢો મૂંઝાણો લાગે છે !
ચંદુલાલ માત્ર પાંચ જ મિનિટ એ ઓટલા પર બેઠા, પણ વધુવાર બેસી ન શક્યા. આખરે એ જાદવ પાસે આવ્‍યા : ‘રીંગણા…‘ ‘કેટલા આપું, ભાભા?‘ જાદવે પૂછ્યું એટલે ચંદુલાલ ખડખડાટ હસી પડતા કહે : મારું નક્કી જ થયેલું છે. પાંચસો એટલે પાંચસો જ, આ તમારા બેય માણસમાં આટલો જ ફેર. તમારાં ઘરનાંને કહેવું જ ન પડે. બધુંય સાનમાં સમજી જાય. પણ તમે સમજી ન શક્યા.


પણ ચંદુલાલની આ સાનમાં સમજાવવાની વાતથી અચાનક જાદવને ગુસ્‍સો ચડી ગયો. છાબડું પછાડ્યું અને ચંદુલાલની થેલી ફગવી દીધી : ‘ભાભા, ગયઢા થયા, ગયઢ. જરાક રીત રાખીને બોલજો, નહીંતર હું છું સાવ માથા ફરેલ. એક લાફો ઠોકી દઇશ, સમજ્યા?‘ ‘અરે ભાઇ, મારો કહેવાનો મતલબ એવો નહોતો.‘ ‘હું સમજું છું, ડોસા તારી નિશાળને! તારી મુરાદને હું જાણું છું. તું વાતે-વાતે ફરી જાય છે એ હું નથી જાણતો એવું નથી, સમજ્યો? જા ઉપઙ..‘ ‘અરે ભાઇ, પણ…‘

‘મેં તને કીધું ને, નહીંતર હમણાં ને હમણાં…‘ કરતાં ઊભા થઇને ચંદુલાલને ધક્કો માર્યો. ચંદુલાલ અડવડિયું ખાઇ ગયા. એ નીચે પડી જાત, પણ પડખેથી પસાર થતા એક જુવાને એમને પકડી લીધા. હં…હં… કરતાં ઘડીકમાં તો આઠ-દસ જણ ભેગા થઇ ગયા. ચંદુલાલ ડર અને ગભરાટના કારણે ચાલતા થઇ ગયા.

***
હવે ચંદુલાલ આવતાં બંધ થઇ ગયા હતા. ઘરે આવીને પહેલે જ દિવસે કમુએ કહેલું : ‘હાશ! નિરાંત થઇ ગઇ. આ રસ્‍તો તમે પહેલેથી જ સુઝાડ્યો હોત તો…‘ ‘પણ તારે વહેલું કહેવું જોઇતું‘તુંને, ગાંડી…‘ કહેતા જાદવે એને બાહુપાશમાં લઇ લીધી.

જગ્‍યા ફરી ગઇ હતી. નવી જગ્‍યાએ બે દિવસમાં તો કમુ સેટ થઇ ગઇ હતી. આમ તો અડખે પડખે બેસતા બધા ઓળખીતા જ હતા એટલે એ પણ ચિંતા નહોતી. અહીં હવે પેલો બુઢ્ઢો આવવાનો નહોતો. કમુના હૈયા પરનું ટેન્‍શન દૂર થઇ ગયું હતું. પરંતુ આ વાતને માંડ પંદરેક દિવસ વીત્‍યા હશે ને એક સાંજે કમુ રીંગણાનો ઢગલો સરખો કરતી હતી ત્‍યાં જ ઓચિંતાનો પહેલો પરિચિત અવાજ આવ્‍યો. કમુ ચોંકી ગઇ તો નજર સામે જ ટેન્‍શન ખડું હતું. હસતાં-હસતાં ચંદુલાલ બોલ્‍યા : ‘લો, કરો વાત ! તમે અહીંયા બેસવા મંડ્યા છો? બહુ કરી હોં, તમે તો….‘

કમુ અવાક થઇ ગઇ. કશો જવાબ જ ન આપી શકી. ચંદુલાલે કહ્યું : ‘સારું થયું, આજે વળી આ માર્કેટમાં ભૂલો પડ્યો તે તમારો મેળાપ થઇ ગયો. તમારી જેવાં તો મીઠાં રીંગણાં ક્યાંય કરતાં ક્યાંય નથી આખા ગામમાં. હોં કે, બસ, એક તમે ને એક આ તમારાં રીંગણાં.‘ કહેતાં એમણે કહ્યું :‘જોખો, લ્‍યો પાંચસો…‘ કમુ ડરતી-ડરતી રીંગણાં જોખીને થેલીમાં નાખવા ગઇ અને ચંદુલાલ કમુએ ઓઢેલી ગુલાબી બાંધણીની જરી-ભરતવાળી કિનાર પર હાથ ફેરવવા લાગ્‍યા. ‘એ દાદા.. શું કરો છો તમે, હેં?‘ ચીખતી અચાનક ઊભી થઇ ગયેલી કમુ તણખી :


‘મારો સાડલો ખેંચવાની તારામાં હિંમત જ કેમ થઇ, સાલા બુઢ્ઢા. કેટલાય દિવસથી મારી પાછળ પડી ગયો છે તે મારો ખેધો જ નથી મૂકતો. નાલાયક… બદમાશ…‘ અચાનક ટોળું ભેગું થઇ ગયું. કમુનો રડવાનો અવાજ સાંભળીને અડખે-પડખેના શાકવાળાઓ બધા તૂટી પડ્યા પ્ચંદુલાલ પર. વેદનાથી તરફડતા ચંદુલાલનો અવાજ કોઇ સાંભળે એમ નહોતું. ‘મારે એ હલકટના ઉતાર પર ફરિયાદ જ લખાવવી છે. પોલીસસ્‍ટેશનની થોડીક હવા ખાયને તો પછી બીજાનું નામ લેતાં સો વખત વિચાર કરે સાલો…‘

કોઇ જઇને પેલી માર્કેટમાંથી કમુના પતિ જાદવને બોલાવી લાવ્‍યું હતું અને જાદવ માર્કેટમાં આજે જે કોન્‍ટેબલની ડ્યુટી હતી એને સાથે લઇને પોલીસસ્‍ટેશને પહોંચ્‍યો. સૌથી આગળ કોન્‍સ્‍ટેબલ, પછી જાદવના હાથમાં ચંદુલાલનો કાંઠલો, એની હારોહાર રડતી જતી કમુકમુ, કેટલીક સ્‍ત્રીઓ અને પાછળ મોટું ટોળું.

***
બધી વાત સાંભળી લીધા બાદ ઇન્‍પેક્ટર ઝરમરિયાએ પહેલાંતો જાદવ-કમુને બંધ કર્યા ને ચંદુલાલનું નિરીક્ષણ કર્યું. ચંદુલાલના બુશર્ટનાં બટન તૂટી ગયા હતાં. શર્ટ ઠેકઠેકાણેથી ચિરાઇ પણ ગયું હતું વાળ વીંખાઇ ગયેલા ચહેરા ઉપર ઉઝરડા ને હોઠ પરથી લોહી… ઝરમરિયાએ ખુરશી પર બેસાડીને પૂછ્યું : ‘કાકા, શું એ વાત સાચી છે કે તમે આ બાઇનો સાડલો…‘ ‘મેં સાડલાને માત્ર સ્‍પર્શ્‍યો જ છે, ખેંચ્‍યો નથી.‘ ચંદુલાલે ધધ્રુજતા–ધ્રુજતા કહ્યું.

‘તમને આ ઉમરે આવું બધું સારું લાગે છે?‘ ઇન્‍સ્‍પેક્ટરે પૂછ્યું પણ ચંદુલાલ કશું બોલી ન શક્યા. પણ જાદવ તરત જ બોલ્‍યો : ‘જમાદારસાહેબ, એ બુઢ્ઢો નહીં બોલે. એ તો બીજી ભાતનો છે, બીીબીજી ભાતનો! આવા છિનાળવાને તો ઉંમરનો કોઇ બાધ હોય જ નહીં, સમજજ્યાં! વાંદરો ગયઢો થાય તોય ગુલાટ ભૂલે? એને તો બે બડા ઠોકશો એટલે હમણાં પોપટ જેમ પટપટ બોલવા લાગશે.‘ પણ ઝરમરિયાએ કડક અવાજે જાદવને કહી દીધું :

‘તું ચૂપ રહે. એ બધું મને આવડે છે. તારે શીખવાડવાની જરાય જરૂર નથી, સમજ્યો?‘ જાદવ મૌન થઇ ગયો અને ચંદુલાલ ઢાળેલી નજરે જાદવ અને કમુને તાકી રહ્યા. ‘કાકા…‘ ઝરમરિયાનો સતાવાહી અવાજ આવ્‍યો :‘મારા પ્રશ્નનો તમે હજી જવાબ નથી આપ્‍યો. બોલો જલદી બોલો‘…‘


‘હું તમને કહું છું, કોઇ બીજાને નથી કહેતો…‘ વ્ઝરમરિયા ચીખ્યો. ‘પ્‍લીઝ…‘ ચંદુલાલે બે હાથ જોડ્યા : ‘મને જવા દો, ઘરે મારાં છોકરાં-વહુ-પોતરાં રાહ જોતાં હશે, પ્‍લીઝ…‘ ‘જવા દઉ;?‘ ઝરમરિયા ઊભો થયો. એની આંખોએ રંગ બદલ્યો : ‘તો પછી આમ પારકી બાયુંના સાડલા ખેંચવાના એમ ને, સાલા બુઢ્ઢા…‘ કહેતા એક જોરદાર થપાટ ચંદુલાલના ગાલે ઝીંકી દીધી. : ‘સાલા હરામી, આવી ટેવ તને ક્યારથી પડી ગઇ છે, હેં? બોલવા માંડ, નહીંતર બીજી પડશે.‘ અને ઝરમરિયાના ઊંચા થયેલા હાથને ચંદુલાલ પકડી લેતાં પોકેપોકે રડી પડ્યા.: ‘મને મારો મા, સાહેબ. મને મારો મા. હું સાચ્‍ચે સાચ્‍ચું કહી દઉં, એક વખત એ સાડલો મારી પત્‍ની સરોજનો હતો. અમારી એકત્રીસમી લગ્‍નગનંઠ આવતી હતી ને મારે રાજસ્‍થાન જવાનું થતાં હું જોધપુરથી એના માટે લાવેલો, પણ… પણ…‘ ચંદુલાલના ડૂસકાં :


પણ… એના ભાગ્‍યમાં જ ક્યાં હતું એને ઓઢવાનું? એ તો મને એકલો મૂકીને ચાલી ગઇ.‘ અને એ નીચે બેસી ગયા. : ‘પૂછી જુઓ એ દીકરીને, કે ચૂંદડીચાંદલા સોતી મૃત્‍યુ પામેલી મારી પત્‍નીને મેં જ મારા હાથે આ જોધપુરની ગુલાબી બાંધણી ઓઢાડીને રીતરસમની વિરુધ્ધ મેં જ કાંધ આપી, એને દેન દઇને નીકળતા સ્‍મશાનના અંદરના દરવાજે ઊભી રહેતી જે વૃધ્ધાને મેં આ બાંધણી આપી દીધી‘તી એ એની શું સગી થાય છે? એ ગુલાબી બાંધણીને હું ન ઓળખું? ઇન્‍સ્‍પેક્ટર, એને કેમ ભૂલી જાઉં? કેમ?! એને ઓઢેલી જોઇને મનમાં વેદના થતી રહી કે કદાચ આ બાંધણી સરોજે ઓઢી હોત તો કેવી લાગત? બસ, આ છે મારો જવાબ ઇન્‍સ્‍પેક્ટર. સાચું માનશો?‘

પણ ઝરમરિયાને હવે કોઇ ખુલાસાની જરૂર રહી નહોતી. જાદવના ખભે માથું ઢાળીને રહરહ આંસુએ રોતી કમુનાં આંસુ એનો જવાબ હતો કે એ વૃધ્ધા તો… મારી સાસુ હતી !


***
પંદરેક દિવસ વીત્‍યા હશે ને એક રાતે જાદવને વીંટળાતાં થડકતા સ્‍વરે કહ્યું ‘એક વાત કહું? મને મારી મૂળ જગ્‍યાએ બેસવા દો ને…‘ ‘કેમ?‘ ‘બસ એમ જ.‘ ‘પણ કંઇક કારણ તો હશે ને?‘ ‘અહીંયા બેસું છું ને તો પેલો મોબાઇલની દુકાનવાળો, સાલો મને આખો દી ટીકીટીકીને જોયા જ કરે છે!‘

લેખક : યોગેશ પંડ્યા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ