ગુજરાતનું પારંપરિક ગોળકેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.

હેલો મિત્રો હુ અલ્કા જોષી આજ ફરીથી લાવી છુ.આપણા ગુજરાતનું પારંપરિક ગોળકેરી નુ સ્વાદિષ્ટ અથાણુ. આપણે ગુજરાતી લોકોની થાળીમા જમવામાં ખટાશ ની સાથે ગળપણ પણ જોઈએ જ એ ન હોય તો થાળી અધૂરી ગણાય છે. થેપલા પૂરી ભાખરી કે પરોઠા સાથે ખાટુ અથાણુ તો ક્યારેક ગળ્યુ અથાણુ.જે સ્વાદ મા અપ્રતિમ હોય છે અને આખા વરસ માટે બને છે. ગોળની મીઠાશ,કેરીની ખટાશ અને સંભાર ની તીખાશ નો ત્રિવેણી સંગમ એટલે ગોળ કેરી નુ અથાણુ.જેનુ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે.આ અથાણુ બનાવવા મા નામ માત્ર તેલનો ઉપયોગ થયો છે.

એટલે જે લોકો તેલના કારણે અથાણુ ખાવાનું ટાળતા હોય છે તે લોકો પણ આ પ્રેમથી આરોગી શકે છે.ઘણા લોકો આ અથાણુ સાકર કે ખાંડનો ઉપયોગ કરીને બનાવે છે તો ડાયાબિટીક લોકો નથી ખાઈ શકતા પણ મે આ ફક્ત ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યુ છે તો એ લોકો પણ આનો સ્વાદ માણી શકે છે.તો ચાલો આજ હુ તમને સ્વાદિષ્ટ અને સરળતાથી બનતુ અથાણુ તમે ઘરે જ બનાવી શકશો એ રીતે શીખવીશ.જે પારંપરિક પણ છે. તો ચાલો નોંધી લો એની સામગ્રી જેમાથી આશરે દોઢ કિલો અથાણુ બનશે.

સામગ્રી——–

1) 500 ગ્રામ રાજાપુરી કાચી કેરી.

2) 500 ગ્રામ બરફી ગોળ અથવા કોલ્હાપુરી ગોળ.

3 ) 500 ગ્રામ ગોળકેરીના અથાણાનો તૈયાર સંભાર

4) 2 થી 3 ટેબલ સ્પૂન મીઠુ

5) 1 tbsp.સ્પૂન હળદર

રીત——


1) સહુ પ્રથમ કેરી ધોઈને લૂછી તેની છાલ કાઢી નાના ચોરસ ટુકડા કરી લો.હવે કેરી ના ટુકડા મા હળદર મીઠું નાખીને ચમચા થી હલાવી મિક્સ કરીને આખી રાત ઢાંકીને રાખી દો.


2) બીજા દિવસે કેરીને ચારણી મા કાઢીને તેમાથી પાણી એક વાસણ મા નિતારી લો. આ પાણી ને તમે કાચની બોટલમા ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.કેરીના ટુકડાઓ ને સાફ કપડા પર પંખા નીચે સૂકાવા મૂકી દો.


3) હવે બીજી બાજુ ગોળ ને બારીક સમારી લો. જેથી જલ્દી મિક્સ થઈ જાય.


4) એક વાસણ માં કેરી ના ટુકડા, લઈ ઉપર ગોળ કેરીનો સંભાર નાખો


5) હવે ગોળ નાખો.આ બધુ ચમચા થી સરખી રીતે મિક્સ કરી દો.


6) હવે આને ઢાંકીને જ્યા થોડી ગરમી મળે એવી જગ્યાએ રાખી દો. આ અથાણુ બનતા લગભગ ચાર થી પાંચ દિવસ લાગશે. તેને દિવસ મા બે વખત સવાર સાંજ હલાવવું. જ્યારે અથાણામા ગોળ સંપૂર્ણ પણે ઓગળી જાય એટલે એ અથાણું તૈયાર સમજવું.


હવે આ અથાણુ એરટાઈટ બોટલમાં ભરી લો. બસ તૈયાર છે પારંપરિક ગોળ કેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.આ તમે ચાર પાંચ દિવસ પછી ખાવાના ઉપયોગ મા લઈ શકશો.


નોંધ—-

ધ્યાનમાં રાખવાની બાબતો.


કેરી રાજાપુરી જ લેવી જે એકદમ કાચી અને અંદર થી એકદમ સફેદ હોવી જરુરી છે.જો ન મળે તો લાડવા કેરી લો તો ગોળ નુ પ્રમાણ વધારે લેવુ. ગોળ પણ બરફી કે કોલ્હાપુરી જ લેવો. દેશી ગોળ ઢીલો હોય છે જેના કારણે એ ઓગળી તો જલ્દી જશે પણ થોડા મહિનામા જ પાણી થઈ જશે. જેનાથી અથાણુ બગડવાની શક્યતા રહે છે. અથાણુ ભરતી વખતે બરણી એકદમ કોરી હોવી જોઈએ.જો જરા પણ ભેજ કે ભીનાશ હશે તો અથાણુ બગડી જશે.

ટીપ—****ઉપર જણાવ્યુ છે એમ સ્ટોર કરેલા ખાટા પાણી નો ઉપયોગ કરીને બનતી વાનગીઓ ની રેસીપી હુ તમને આવનારી પોસ્ટમાં શીખવીશ……**

તો તમે પણ જરુર બનાવશોઅને હા તમારા ફીડબેક આપવાનુ ભૂલતા નહી હો. બાય.

રસોઈની રાણી : અલ્કા જોષી