જો સ્કૂલમાં આવી રીતે ભણાવાય તો બાળકો કદી ના જાય ઘરે..

ગુજરાતની આ સરકારી શાળા ઉંચી ફી લેતી ભલભલી પ્રાઈવેટ શાળાઓને પણ પાછા પાડી દે તે રીતે ભણાવે છે !

આજે માતાપિતા પોતાના બાળકોને ગમે તેટલી ઉંચી ફી ભરીને કહેવાતી સારામાં સારી શાળામાં ભલે ભણાવતા હોય તેમ છતાં તેમને એક અસંતોષ તો રહી જ જાય છે. હંમેશા માતાપિતાને શાળા પ્રત્યે ફરિયાદ રહે છે કે શાળાના શિક્ષકો બાળકોને યોગ્ય રીતે ભણાવતા નથી અથવા તો સત્રે-સત્રે શિક્ષકો બદલાતા રહે છે, વિગેરે વિગેરે. અને વાસ્તવમાં શાળાની આવી બેદરકારીના કારણે બાળકોનું શિક્ષણ જોખમમાં મુકાય છે.

image source

ખાસ કરીને બાળકોના ભણતરનો પાયો તેમના પ્રાથમિક ભણતર વખતે પાક્કો કરવાનો હોય છે. અને જો તે દરમિયાન પાયો કાચો રહી જાય તો તેમને ઉચ્ચ અભ્યાસમાં તકલીફો પડે છે. પણ તેમને એ રીતે ભણાવવામાં આવે કે તેમને રમતા રમતા જ બધું યાદ રહી જાય તો !

ગુજરાતની જ એક સરકારી પ્રાથમિક શાળામાં ગરબા દ્વારા શિખવવામાં આવે છે પાયાનું ભણતર. તેના માટે સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને ચોક્કસ બિરદાવા જોઈએ. અહીં બાળકો તેમના પાયાના જ્ઞાન એવા ઘડિયાને કે જેને ઇંગ્લિશ મિડિયમના બાળકો ટેબલ્સ કહે છે તેને ગરબામાં ફેરવ્યા છે. અહીં ઘડિયા ગરબો બનાવીને બાળકોને સરળતાથી ઘડિયા યાદ કરાવવામાં આવી રહ્યા છે.

image source

અહીં માત્ર ગરબા ગાઈને ઘડિયા જ નથી યાદ કરાવવામાં આવતા પણ બીજું ઘણું બધું જ્ઞાન બાળકોને ગરબા દ્વારા આપવામાં આવી રહ્યું છે. આધુનિક શાળાઓમાં બાળકોને ભણાવેલું યાદ રહી જાય તેના માટે નિતનવા પ્રયાસો કરવામાં આવે છે. તેમને ડીજીટલ ક્લાસની સગવડ પુરી પાડવામાં આવે છે અને તેટલું પણ પુરતું ન હોય તો તેમને કાર્ટુનવાળા એનિમેશન દ્વારા શિક્ષણ પુરુ પાડવામાં આવે છે.

બાળકોને અને જો તમે તમારું પોતાનું પણ બાળપણ યાદ કરો અને તમને એ પુછવામાં આવે કે તમને સૌથી વધારે શું ભણવાનો આલ આવતો હતો તો તમારા મોઢામાંથી ચોક્કસ ઘડિયા શબ્દ નીકળી જશે. આજે તમારા બાળકો તેમજ અન્ય નાના બાળકોની સ્થિતિ પણ તમારા જેવી જ છે. તેમના માટે પણ ઘડિયા એટલે કે ટેબલ્સ યાદ રાખવા તેટલા જ અઘરા છે. ઘડિયા ઉપરાંત કેટલીક લાંબી કવિતાઓ પણ આપણને યાદ નહોતી રહેતી.

પમ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોથણ ગામમાં બાળકોને ગરબા દ્વારા તેમના અભ્યાસને લગતા મહત્ત્વના શિક્ષણને યાદ રખાવવામાં આવી રહ્યું છે. જેને શાળાના પ્રિન્સિપાલે ઘડિયા ગરબા નામ આપ્યું છે.

image source

જાણો શું છે આ ઘડિયા ગરબા

સુરતના ઓલપાડ તાલુકામાં આવેલ ગોથણ ગામની પ્રાથમીક શાળામાં ધોરણ 1થી 5માં કુલ 41 બાળક અભ્યાસ કરે છે. અહીંના પ્રિન્સિપાલે એક અનોખી પહેલ શરૂ કરી છે. બાળકો સરળ રીતે ઘડિયા યાદ રાખી શકે તે માટે ઘડિયાને ગરબાના રાગમાં ઢાળવામાં આવ્યા છે. આ ગરબાનો ઢાળ ત્રણતાલીનો છે. જેમા બાળકો અને શીક્ષકો સાથે જ ત્રણતાલી લેતા આ ગરબા ગાય છે અને બાળકો ખુબ જ સરળતાથી ઘડિયાને યાદ કરી લે છે.

આ અંતરિયાળ ગ્રામિણ શાળા કે જ્યાં નજીવા સ્રોતો હોવા છતાં બાળકો પર ગૃહકાર્યનો બોજ નાખવામાં નથી આવતો. તેમને ક્યારેય ઘડિયા કે કવિતા 10-10 વાર લખી આવવાનું નથી કહેવામાં આવતું. પણ શાળામાં જ તેમને ઘડિયા શીખવી દેવામાં આવે છે અને માટે તેમને યાદ કરવા માટે ખોટી મજૂરી પણ નથી કરવી પડતી.

શા માટે ઘડિયા ગરબાનો પ્રયોગ કરવાનો વિચાર આવ્યો

શાળાના પ્રિન્સિપાલ ભરતભાઈ એસ. પ્રજાપતિ બાળકોને ઘડિયા તેમજ અન્ય વિષયોના પ્રશ્નોત્તર યાદ નહીં રહેવાથી ચિંતિત રહેતા હતા. છેવટે તેમને વિચાર આવ્યો કે બાળકોને નવરાત્રિ કે લગ્ન પ્રસંગ દરમિયાન વગાડવામાં આવતા ગરબા તેમજ ગીતો કેવા તરત જ યાદ રહી જાય છે જો તેવી જ રીતે બાળકો પાસે ગરબાના સ્વરૂપમાં ઘડિયા ગવડાવવામાં આવે તો તે પણ સરળતાથી યાદ રહી જશે. અને આ રીતે આ પ્રયોગની શરૂઆત થઈ.

image source

આગળનું આયોજન

ભરતભાઈનો આ પ્રયગો ઘણો સફળ રહ્યો છે અને હવે તે આ પ્રયોગને બીજા વિષયો જેવા કે પર્યાવરણના પ્રશ્નોના જવાબ, ગુજરાતીની કવિતાઓ વિગેરે પરથી પણ ગરબા બનાવવાનું આયોજન કરી રહ્યા છે જેથી કરીને બાળકો માટે તે બધું યાદ કરવું પણ સરળ રહે. હાલ તેઓ પર્યાવરણ વિષય તેમજ ગુજરાતી વિગેરના પાઠો તેમજ કવિતાઓ પર ગરબા તૈયાર કરી રહ્યા છે. તેમણે એક સુંદર મજાનો ગરબો ગામની શાળા માટે પણ તૈયાર કર્યો છે જેમાં શાળાનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે પણ બાળકોને મોઢે રહી ગયું છે.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે બાળકો પાસે પ્રશ્નોના જવાબ કે પછી ઘડિયા કે પછી કવિતાઓ યાદ રખાવવી અઘરા છે. અને તેમની સાથે આ પ્રયાસ પરાણે કરવામાં આવે તો તેઓ ભણતરમાંથી રસ ખોઈ બેસે છે અને નાનપણથી જ તેઓ ભણવાથી દૂર ભાગતા થઈ જાય છે. તેની જગ્યાએ બાળકોને રસ પડે તે રીતે જો ભણાવવામાં આવે તો તેઓ સરળતાથી પોતાનો અભ્યાસ યાદ પણ રાખી શકશે અને તેમને ભણવા પ્રત્યે અણગમો પણ નહીં થાય અને શાળાઓમાં ગમ્મત સાથે જ્ઞાન આપવાના આ પ્રયોગના કારણે વિદ્યાર્થિઓ તાણમુક્ત રહેશે અને ઉત્સાહથી શાળાએ આવશે તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધવા લાગશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ