એણે સ્યૂસાઇડ નોટમાં લખ્યું, “નોકરી ન હોવાને કારણે હું કંટાળી ગયો છું” – એક ગુજરાતીની સત્ય ઘટના

એ છોકરાએ સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે-કોઇ નોકરી-ધંધો ન હોવાને કારણે હું કંટાળી ગયો છું. હવે નથી રહેવાતું-તેથી આ પગલું ભરું છું…આવું લખીને એ લટકી ગયો. નોકરી ન મળવાને કારણે એ જીવતે-જીવત જેટલું તરફડ્યો હશે-એનાં કરતાં વધારે તરફડાટ લટકી ગયાની થોડી સેકંડોમાં એણે અનુભવ્યો હશે…પણ એ ગયો…જતો રહ્યો. હવે પાછો નહીં આવે.

પાર્થ પ્રજાપતિઓને આવી રીતે લટકી જતાં અટકાવવા હશે તો હવે આપણી પાસે એક જ રસ્તો બચ્યો છે-આપણે ખોટે-ખોટી વાહ-વાહી બંધ કરવી પડશે. આપણે હવા ભરવાનો પંપ નહીં પણ પૂરતી હવા મળી રહે એવું વાતાવરણ બનવું પડશે.

આવનારી પેઢીને આપણે શીખવવું પડશે કે-બધું હાથવગું નથી હોતું. એમને સમજાવવું પડશે કે સફળ થવા માટે એક જ ચીજ જરૂરી છે અને એ છે નિષ્ફળતા. જીંદગી ફેસબુકની લાઇક્સ કે ફેસબુકની કોમેન્ટ જેવી સહેલી નથી. જીંદગી-જીંદગી જેટલી જ અઘરી છે.

આપણે એમને ’ના’ નો સામનો કરતાં શીખવવું પડશે. રિજેક્શનનો સ્વીકાર કરવો જ પડે-એવું પ્રેમથી સમજાવી શકાય તો પ્રેમથી-નહીંતર કાન ખેંચીને પણ સમજાવવું પડશે. એમને કહેવું પડશે કે અગાશી પર જવું હોય તો રસ્તામાં આવતા દરેક પગથિયાં ચડવા જ પડે, સીધું અગાશીએ નથી પહોંચી શકાતું.

કવિ સંમેલનોનાં આમંત્રણો, લેક્ચરો, સંચાલનો-આ બધું એમનેમ નથી જ મળતું. આ માટે સાધના કરવી પડે. વર્ષોની સાધના. સારું લખવું એટલું જ પૂરતું નથી-એને સારી રીતે રજૂ કરતાં પણ આવડવું જોઇએ. એમાં ભાષા શુધ્ધિ પણ જોઇએ અને આત્મવિશ્વાસ પણ. ફેસબુક પર ભરાતાં કવિ-સંમેલનો અને ઓડિટોરિયમમાં ભરાતા કવિ-સંમેલનો વચ્ચે બહુ ફરક છે.

આપણી ખોટી વાહવાહી સામેનાં માટે મોટી મુશ્કેલી ઊભી કરી દે છે-એ સર્વશ્રેષ્ઠ હોવાનો ખ્યાલ આપી દે છે-જ્યારે ફેસબુકનાં વિશ્વમાંથી બહાર નીકળી અસ્સલ દુનિયાનો સામનો કરવાનો સમય આવે છે.

ત્યારે આ ખોટી વાહ-વાહી, સર્વશ્રેષ્ઠતાનો ખ્યાલ વિનાશ નોતરી દે છે.માત્ર ટેલેન્ટ હોવી એ પૂરતું નથી જ. દરેક ફિલ્ડની જેમ કવિતામાં પણ સ્થાપિત હિતો છે જ. એમનું સ્થાન લેવું હોય તો વર્ષો મહેનત કરવી પડશે. એક જ દિવસમાં કોઇને કશું મળવાનું નથી જ.

અહીંયા પણ આગળ વધતાં રોકવામાં આવશે. આ બધાં અંતરાયો વચ્ચે આગળ વધવાની માનસિક તૈયારી જોઇશે. તમારા સ્ટડી ટેબલથી મુશાયરાનાં મંચ સુધીનો રસ્તો ક્યારેય ચાર ડગલામાં પૂરો થવાનો નથી. ક્યારેય એનાં પર ગુલાબ પથરાયેલા નહીં હોય- કાંટા પણ હશે. મંચ સુધી પહોંચતા પગ લોહીલૂહાણ થશે અને હૈયું ચીરાશે-એની તૈયારી રાખવી પડશે. એક તાળી પહેલાં સો અવહેલના આવશે-એ માટે જાતને તૈયાર કરવી પડશે.

રોજ ઘરમાં એક માંચડો તૈયાર કરવો પડશે અને દિવસભર મળેલી નિષ્ફળતાઓને એ માંચડા પર લટકાવવી પડશે અને સવારે નવા ઉત્સાહ, નવા જોશ અને નવા જોમ સાથે ફરી આગળ વધવાની તૈયારી શરૂ કરી દેવી પડશે.

લેખક – એષા દાદાવાળા

આપ સૌ ના પ્રતિભાવો કોમેન્ટ માં આવકાર્ય ! આપણે સુસાઇડ કરતા કેવી રીતે અટકાવી શકીએ ?