વહુના સ્વાગતમાં બે શબ્દ – લગભગ દરેક સાસુઓ વહુનું સ્વાગત આવી અનોખી રીતે જ કરતી હશે…

વહુના સ્વાગતમાં બે શબ્દ

આપણા સમાજમાં જ્યારે કન્યાવિદાયના પ્રસંગને ખૂબ મહત્વ અપાય છે, ત્યારે એની નજીક જ ઊભેલા કોઈના લાડકવાયાની ધરાર અવગણના કરાય છે એ વાતનું મને બહુ જ દુ:ખ છે. પહેલાંનો જમાનો જુદો હતો, કે સંયુક્ત કુટુંબમાં વહુ બનનારી કન્યાનો કામ કરીને દમ નીકળી જતો, છતાં એ ચૂં કે ચાં કરી શકતી નહીં. આજે વહુ બનનારી કન્યા બધાનાં નાકમાં દમ લાવી દે છે, ને કોઈથી કંઈ બોલાતું નથી! બધી વખત વખતની વાત છે ભાઈ! (ને બહેન.)કન્યાને વિદાય વેળાએ અપાતી ‘મા’ની શિખામણો પણ ધરમૂળથી બદલાઈ રહી છે, ત્યારે મને યાદ આવે છે, પુત્રને ધ્યાનમાં રાખીને અપાતી ‘મા’ની કેટલીક શિખામણો. એને શિખામણો ન ગણીએ તો કન્યા કે વહુના હાથમાં પુત્રનો હાથ સોંપતી વખતે અપાતી સૂચનાઓ કે નોંધો કે વિનંતીઓ સમજી લઈએ. જેમ કે…

(વહુને બેટા–બેટા કહેવાથી એ ખુશ રહે છે એવા ભ્રમમાં રહેવું.) ‘બેટા, મારા દીકરાને ક્યારેય અમે ઊંચા અવાજે બોલાવ્યો નથી, એટલે એની સાથે ધીમેથી જ બોલજે.’

‘મારો દીકુ સવારમાં ઊઠતાં બહુ વાર લગાડે છે, એટલે એને કલાક પહેલેથી જ, કંટાળ્યા વગર ઉઠાડવા માંડજે.’

‘એના ઉઠતાંની સાથે જ જો તું એને બે કપ ચા ધરી દેશે તો તારો આખો દિવસ સારો જશે. નહીં તો, નાની અમસ્તી વાતમાં એના બાપની જેમ, એને ઘર માથે લેવાની ટેવ છે. એટલે નાની નાની વાતમાં તું કચકચ નહીં કરતી.’

‘નાનપણથી આજ સુધી મેં મારા દીકરાની દરેક સગવડ ખડે પગે સાચવી છે ને એના પડ્યા બોલ ઝીલ્યા છે. બધા કહે છે, કે મેં એને બગાડ્યો છે, પણ એકના એક દીકરાને સાચવું નહીં તો શું કરું? મારું બીજું છે પણ કોણ? આખરે લગ્ન પછી તો એ પરાયો જ થવાનો ને? તો પછી મારે એને લાડ ના લડાવવા?’

‘દરેક વસ્તુ એની જગ્યાએ જ હોવા છતાં, એને બૂમો પાડીને માગવાની ટેવ છે. જેમ કે, ‘મમ્મી…ટૂથબ્રશ ક્યાં છે? મમ્મી…પેસ્ટ નથી મળતી…મમ્મી ટુવાલ ક્યાં મૂકી દીધો?’ નાહવા જતાં પહેલાં એ કોઈ દિવસ બાથરૂમમાં જોતો નથી, કે સાબુ, ટુવાલ, કપડાં વગેરે છે કે નહીં. મારી સતત કાળજી રાખવા છતાં, રોજ જ કોઈ ને કોઈ વસ્તુ માટે તો એને ધમાલ કરવાની ટેવ જ છે. તું એનાથી બિલકુલ કંટાળતી કે ગભરાતી નહીં અને ગુસ્સે તો થતી જ નહીં, નહીં તો પછી જોવા જેવી થશે. એ તો ચાલ્યા કરે, એમ સમજીને મોટું મન રાખજે.’

‘એમ તો એને હરતાં ફરતાં ખાવાની ટેવ છે અને ઘરની તો એને અમુક જ વાનગીઓ ભાવે છે. મોટે ભાગે તો એ સાંજે દોસ્તો સાથે બહાર ખાઈને જ આવતો હોય છે, એટલે ખાવા બાબતે એને બહુ ટોકટોક ના કરતી. જે ખાય તે, પણ ખાય તો છે ને, એમ સમજી મન વાળજે. તને મન થાય તો તું પણ એને કંપની આપજે, ગમશે એને.’

‘મારા દીકરાને બીજાઓ જેવી, એટલે કે, આજના છોકરાઓ જેવી કોઈ ખોટી આદતો નથી, એટલે તને ને મને બેયને શાંતિ. જોકે, મારો બેટો બડો શોખીન છે. મોબાઈલ, ઘડિયાળ અને મોટરબાઈકનો એને ગાંડો શોખ છે. નવાં મોડેલ નીકળ્યાં નથી, કે એણે લીધાં નથી! એકનો એક દીકરો છે અમારો, અમે એના શોખ પૂરા નહીં કરીએ તો કોણ કરશે? હા, એ જરા કેરલેસ છે એટલે મોબાઈલ, ઘડિયાળ કે બાઈકની ચાવી ગમે ત્યાં મૂકી દે છે, ને મારે એ શોધવા ઘર ઉપર નીચે કરી નાંખવું પડે છે, પણ આમેય આખો દિવસ મારે કામેય શું હોય? કચકચ કરવી ને બધાંના મૂડ બગાડવા એના કરતાં બે કામ કરી લેવા સારા.’

‘તો બેટા, આ બધું અગાઉથી તને જણાવી દીધું એટલે મારા દીકરાને તકલીફ ન પડે બીજું શું? એમ તો મારો દીકરો બહુ હોશિયાર, મિલનસાર ને હસમુખો છે. દોસ્તોને મદદ કરવામાં એ ક્યારેય પૈસાની સામે જોતો નથી. તું તો નસીબદાર છે, કે એને ફરવાનો પણ ગાંડો શોખ છે. તું ફર્યા કરજે, ઘર તો હું સાચવી લઈશ.’

બસ બેટા, મારા પુત્રને મેં તને સોંપ્યો, હવે એને ખુશ રાખવાની ને રહેવાની જવાબદારી તારી. મારા આશીર્વાદ હંમેશાં તારી સાથે જ છે.’

લેખક : કલ્પના દેસાઈ

વાર્તા વિષે તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ આવી અનેક મજેદાર વાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી