ગૃહિણીઓ આ રીતે સ્માર્ટલી તમારા વજનમાં ઘટાડો કરો, જીમમાં પણ જવાની જરૂર નહીં પડે
આજના આ લેખમાં અમે અમારી ગૃહિણીઓ માટે લાવ્યા છીએ વજન ઘટાડવાની સરળ પણ અસરકારક ટીપ્સ વિષેની માહિતી. આ ટીપ્સ દ્વારા તમે ઘરે જ, જીમ ગયા વગર જ કોઈ પણ જાતના ઇક્વિપમેન્ટનો ઉપયોગ કર્યા વગર જ તમારું વજન સરળતાથી ઘટાડી શકશો.

ગૃહિણીની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તે ઘર તેમજ પરિવારને વ્યવસ્થિત રાખવાના ચક્કરમાં પોતાની જાતને વ્યવસ્થિત નથી રાખી શકતી. કારણ કે તે સવારના પાંચ-છ વાગ્યાથી પોતાની જાતને ઘરના કામોમાં વ્યસ્ત કરી મુકે છે અને બપોરના બે વાગ્યા સુધી બસ તેમાં જ પરોવાયેલી રહે છે. બપોરનો જે એક બે કલાકનો સમય મળે તેમાં તેણી પોતાની અધૂર ઉંઘ પુરી કરી લે છે.
તે પોતાના અત્યંત વ્યસ્ત દીવસમાંથી પોતાના માટે જરા પણ સમય નથી કાઢી શકતી અને તેના કારણે તેનું વજન બીનજરૂરી રીતે વધવા લાગે છે. તેણી પાસે જીમ જવાનો પણ સમય નથી હોતો કે તે પોતાની મેદસ્વીતા ઘટાડી શકે. પણ તેના માટે તમારે જીમ જવાની જરૂર નથી અમે તમારા વજનને ખુબ જ સરળતાથી ઘટાડવાની ટીપ્સ લાવ્યા છીએ. તો ચાલો જાણીએ આ એક્સપર્ટ ટીપ્સ.

તમારો ખોરાક સ્માર્ટલી આરોગો
તમારે તમારું ભોજન ઉતાવળે ઉતાવળે ન જમવું જોઈએ પણ દરેક કોળિયાને વ્યવસ્થિત ચાવવો જોઈએ તેમ કરવાથી તે સરળતાથી તમારા પેટમાં પચી જાય. અને આ રીતે ધીમે ધીમે ખાવાથી ખોરાકમાં રહેલા પોષકતત્ત્વો તમારા શરીરને પહોંચે છે.
જો તમે વાસ્તવમાં તમારું વજન ઘટાડવું હોય તો તમારે રાત્રીના સમયમાં કાર્બ્સ ન ખાવા જોઈએ અથવા તો તેનું પ્રમાણ તમારા ખોરાકમાં ઘટાડવું જોઈએ. આ સિવાય તમે કેટલું ખાઓ છો ક્યારે જમો છો, તમે તમારું ભોજન નિયમિત લો છો ? આ બધા પર તમારી બારિક નજર હોવી જોઈએ.

જમવા માટે નાની પ્લેટનો ઉપયોગ કરો. આ એક માનસિક ટ્રીક છે મગજને છેતરવાની ટ્રીક છે. જો તમે મોટી થાળી લેશો તો તમને તમારું ભોજન ઘણું ઓછું લાગશે પણ જો તમે નાની થાળી લેશો તો તેમાં તમને તમારું ભોજન વધારે લાગશે. આમ તમે તમારી જાતને ભોજન કરતી વખતે અંકુશમાં રાખી શકશો.
ભુખ પુરતું અથવા ભુખ લાગી હોય તેના કરતાં ઓછું જ જમવું. જો તમને બે રોટલી જેટલી ભુખ લાગી હોય તો તમારે દોઢ રોટલી જ જમવી. ખાવાનું બગડશે તે બીકે જેટલું પણ વધ્યું હોય તે બધું જ ખાઈ જવાની કોઈ જરૂર નથી. તે બગડતું હોય તો ભલે બગડે પણ વધારે પડતું ખાવાથી તમારું આરોગ્ય ન બગડવું જોઈએ. છેવટે તે છેલ્લા વધારાના-પરાણેના કોળિયાથી જ તમારા પર ચરબીના થર જામે છે.
image sourceઘરે જ કરો આ નાનકડો વ્યાયામ
ઉપર જણાવ્યું તે પ્રમાણે ગૃહીણીઓ જીમ કે પછી યોગ માટે બહાર નથી જઈ શકતી તો તેમણે તેમના માટે કેટલીક અનુકુળ એક્સરસાઇઝ શીખી લેવી જોઈએ. અને ઘરમાં સમય મળે ત્યારે તે એક્સરસાઇઝ કરી લેવી જોઈએ.
તબતાઃ તબતા એક હાઇ સ્પીડ એક્સરસાઇઝ છે જેમાં તમારે દોડવાનું હોય છે પણ આરામથી નહીં પણ તમારામાં જેટલી પણ સ્પીડ હોય તેનો ઉપયોગ કરીને પુર ઝડપે માત્ર 20 જ સેકન્ડ માટે દોડવાનું છે અને પછી 10 સેકન્ડ આરામ કરવાનો છે. આવું વારંવાર તમારે 6-8 વાર કરવું. આ વ્યાયામથી તમારી કાર્ડીઓ એક્સરસાઇઝ પણ થઈ જશે. તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધશે જેની અસર તમારી ત્વચા પર પણ થશે અને ધીમે ધીમે શરીરની ચરબી પણ દૂર થશે.

બાળકો સાથે ગાર્ડનમાં રમવા જાઓ
માત્ર આ એક પગલું લેવાથી માત્ર તમારા શરીરના દેખાવમાં જ પરિવર્તન નહીં આવે પણ તેની અસર તમારા મન પર પણ પડશે. તેનાથી તમારું અને તમારા બાળકો વચ્ચેનું બોન્ડીંગ વધશે. નવા મિત્રો બનશે. જો બાળકો એક દોઢ કલાક રમવા જતાં હોય તો તમારે તેમની સાથે જઈને અરધો પોણો કલાક ચાલી લેવું અથવા તો તમે તેની સાથે રમી પણ શકો છો.
જો કે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગાર્ડનમાં જઈને તમારે તમારી સહેલીઓ સાથે ગપ્પા મારવા નથી બેસી જવાનું પણ તમારી જ બહેનપણીઓને તમારી સાથે ચાલવા માટે પ્રેરવી જોઈએ તેમ કરવાથી તમને ચાલવા માટે કંપની મળી જશે અને તમે એકલા એકલા ચાલતા બોર પણ નહીં થાય અને તેનો થાક પણ નહીં લાગે અને સમય ક્યાં પસાર થઈ ગયો તેનો પણ ખ્યાલ નહીં આવે. સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ચાલવું એક ઉત્તમ વ્યાયામ છે.

નાશ્તામાં આ એક નાનકડું પરિવર્તન લાવો
એક અહેવાલ પ્રમાણે વ્યક્તિને તેના લંચ અને ડીનર જેટલું નુકસાન નથી પહોંચાડતાં તેનાથી ક્યાંય વધારે નુકસાન તેમના આડા અવળા નાશ્તા પહોંચાડે છે. અને આ દરેક વ્યક્તિની સમસ્યા છે તેમાંથી કોઈ જ બાકાત નથી. આપણને બધાને આડું અવળુ આરોગવાનો ચસ્કો લાગેલો હોય છે. જેમાં ભુખ તો નામની જ હોય છે પણ ચટાકો મુખ્ય હોય છે.
જો તમે ખરેખર વજન ઘટાડવા માગતા હોવ તો તમારે તળેલો એટલે કે ચરબીવાળો નાશ્તો ખાવાનું બંધ કરવું જોઈએ. જો કે તમે ચટપટો નાશ્તો કરી શકો છો પણ શરત એટલી છે કે તેમાં તેલનું પ્રમાણ ન હોવું જોઈએ અથવા તો નહીંવત હોવું જોઈએ. ચટાકો કરવાનું મન થાય એટલે તેને શાંત પાડવા માટે વઘારેલા મમરા ઉત્તમ નાશ્તો છે. તેનાથી તમારો ચટાકો પણ પુરો થશે અને તમારા શરીરમાં ચરબી પણ નહીં જાય.

માટે હવેની વાર તમને ચીપ્સ, સમોસા, વિગેરે નહીં પણ ઘરના જ બનાવેલા ઓછા તેલ વાળા નાશ્તા આરોગવા જોઈએ. તો વળી કોલ્ડ્રીંક પીવાનું મન થાય ત્યારે તમારે તેની જગ્યાએ છાશ, અથવા ઓછી ખાંડવાળી અથવા ખાંડ વગરની લસ્સી અથવા તો લીંબુનો રસ પીવો જોઈએ. કોલ્ડ્રીંક ક્રેવીંગનો સૌથી સરળ ઉપાય છે ઠંડુ પાણી. જ્યારે ક્યારેય તમને કોલ્ડ્રીંક પીવાની તલપ લાગે કે તરત જ તમારે ઠંડુ પાણી પી લેવું તરત જ તમારી તલપ જતી રહેશે.
પ્રસન્નચિત્ત રહેવું
માત્ર કોઈ ગૃહિણીએ જ નહીં પણ દરેક વ્યક્તિ જે કામમાં સતત વ્યસ્ત રહેતી હોય તેમણે માનસિક તાણથી દૂર રહેવું જોઈએ. એ વાત સાચી છે કે તેમ કરવું સરળ નથી પણ તેને તમે ઘણી રીતે કરી શકો છો. જેમ કે અરધો કલાક કોઈ સરળ યોગાસન અથવા તો 20-30 મિનિટનું ધ્યાન કરવું, તમારા બાળકો સાથે તેમને ગમતી વાતો કરીને અથવા તો તમને ગમતું મનપસંદ મ્યુઝિક સાંભળીને, એકાદો ટ્રાવેલ શો જોઈને. કે પછી તમારી ગમતી કોઈ શોર્ટ સ્ટોરી વાંચીને તમે તમારા દીવસ દરમિયાની તાણને સરળતાથી દૂર કરી શકો છો. અને તમારા મનને હકારાત્મકતા તરફ ધકેલી શકો છો.

આ સિવાય એક અનોખો ઉપાય તમને જણાવીએ તે છે ઓમનો જાપ કરવાનો. હા, પણ તેના માટે તમારે તમારી પથારી પર ચત્તુ પાટ સુઈ જવું અને નાના બાળકો કેવી રીતે બે હાથ ઉંચા કરી અને બે પગ પહોળા કરીને સુવે તેમ સુઈ જવું. લાંબા પણ શાંત શ્વાસ લેવા અને તે દરમિયાન ધીમે ધીમે ઓમનું ઉચ્ચારણ કરવું. આ એક્સરસાઇઝ તમારા મગજને શાંત રાખવામાં મદદ કરશે.
તમારું મન પ્રસન્ન રહેશે તો તમે સ્વસ્થ રીતે વિચારી શકશો. ખોટા નિર્ણયોથી દૂર રહેશો. અને ઉદાસ પણ નહીં રહો અને ઉદાસીમાં આચરકૂચર ખાશો પણ નહીં. માનસિક તાણથી દૂર રેહવાના આ થયા માનસિક ફાયદાઓ હવે સાંભળો શારીરિક ફાયદાઓ. જો તમે પ્રસન્નચિત રહેશો તો તમારી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ જશે. તમારું બ્લડ પ્રેશર નોર્મલ રહેશે.
સ્વસ્થ-પુરતી ઉંઘ લેવી

એક સંશોધન પ્રમાણે વ્યક્તિએ દીવસની ઓછામાં ઓછી 8-9 કલાકની ઉંઘ કરવી જ જોઈએ. તેમ કરવાથી તમારું શરીર ફુલ્લી રી ચાર્જ થઈ જશે. પુરતી ઉંઘ કરવાથી તમારા મનને તો આરામ મળશે જ પણ તમારા શરીરની પાચનક્રિયા પણ નિયમિત બનશે. અને તમારે માત્ર રાત્રે જ સુવું તેવું નથી તમે બપોરના સમયે પણ અરધા પોણા કલાકની એક નાનકડી પાવર નેપ લઈ શકો છો

ઘરના કામો કરતાં કરાતં પણ કરી શકો છો એક્સરસાઇઝ.
આ રીતે એક્સરસાઇઝ કરવામાં તમને જરા પણ કંટાળો નહીં આવે કે તમારે એક્સરસાઇઝ માટે વધારાનો સમય પણ નહીં આપવો પડે. તમે તમારી સિરિયલ જોતાં જોતાં કે પછી મ્યુઝિક સાંભળતા સાંભળતા હળવી એક્સરસાઇઝ કરી શોક છો જેમ કે ઘરમાં જ આંટા મારવા અથવા તો થોડું નાચી પણ શકો છો અથવા ખાલી હાથ પગ પણ હલાવી શકો છો. આમ કરવાથી તમે શારીરિક અને માનસિક બન્ને રીતે પોતાની જાતને હળવી અનુભવશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ