ગૃહિણી – એકવાર અચૂક વાંચવા જેવી વાત !!

“ચાલો છોકરાઓ જમવાનું તૈયાર છે.”

મીરા એ પોતાના બાળકોને જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બોલાવ્યા।

“ઓહ મોમ! આ શું? આજે ફરી થી પાવભાજી બનાવી? કાલે તો બ્રેડ ખાધી હતી. તને બીજું કઈ નવું બનાવતા નથી આવડતું। બાજુવાળા નિશ આંટી પાસે થી કંઈક શીખને.” મીરા ની દીકરી પરિધિ એ તેની માઁ ને ટોકતા કહ્યું।

“બેટા કાલે તો સેન્ડવીચ ખાધી હતી ને, એ પણ ચીઝ વાળી। અને આ તો ભાજીપાંવ છે ને.” મીરાંએ દીકરી ને કહ્યું।

“માઁ એ બધું એક જ. તને તો ભાખરી શાક ને ભાજી પાવ ને વધી વધી ને પેલા ભાખરી પીઝા બનાવતા આવડે। નિશ આંટી કેટલા ડીફરંટ સલાડ બનાવે છે ખબર છે?

છોડ મોમ, મારે નથી જમવું।” કહીને પરિધિ અંદર ચાલી ગઈ.

દીકરો અલય તો જાણે પોતાના માં જ મસ્ત હતો. આ બધું સાંભળવાનો સમય નોહ્તો ને મીરા તેની નજીક ગઈ ત્યાં તો “માઁ બહાર જવું છે” કહીને નીકળી ગયો.

ને મીરા પોતાના વહાલપ થી સીંચેલી વાનગી સામેં જોઈ રહી.

“મીરા, આ શું છે? શર્ટ ધોતા નથી આવડતો તને? સફેદ શર્ટ જો ને કેવો વાદળી થઇ ગયો છે.” સવાર સવાર માં મીરા નો વર સિદ્ધાંત તેને વઢી રહ્યો હતો.

કઈ જવાબ આપવા જાય તે પહેલા તો દિયર વિરાજ આવીને કહે,

“ભાભી કમ ઓન, ફક્ત નીચે જઈને મીઠાઈ જ તો લાવવાની હતી. આ તમારા હાથ ની સુખડી બહુ દેશી લાગે, એના કરતા કાજુકતરી લઇ આવ્યા હોત તો શું જાત તમારું? આખો દિવસ નવરા હોય તોય જાણે પોતાને ગૃહિણી કહીને મોટી મોટી કરે.” કહેતાંક ને દિયરજી તો ભાગ્યા।

સિદ્ધાંત પણ નીકળી ગયો.

બધા કાયમ તેને કહેતા,

“તારે શું કરવાનું હોય છે? કઈ કામ હોય નહિ દિવસ ના પારકી પંચાત કરે રાખે. આવ્યા મોટા ગૃહિણી બનવા.”

મીરા ક્યારેય કોઈ વાતનું ઓછું ના લાવતી. તે જાણતી હતી કે એક ગૃહિણી નું મહત્વ શું છે અને કેટલું છે. આ જ ગૃહિણી જો કાલે નહિ હોય, તો ઘર ના બધા ની શું હાલત થવાની છે. હંમેશા હસતી મીરાંને પોતાનું ગૃહિણી નું કાર્ય અત્યંત વહાલું હતું. પોતાના હાથેથી બાળકો માટે સુખડી બનાવી કે પતિનો સફેદ શર્ટ મશીનમાં નહિ ને સાબુ વડે ઘસીને હાથેથી ધોવો, કે પછી બાપુજી માટે સવારમાં વહેલા જાગીને ચા બનાવી કે પછી બા ને દરરોજ સાંજે “ગીતા” સંભળાવી. આ બધું લોકોને મન સામાન્ય હતું પણ તેને મન બાળપણ થી સિંચેલું સ્વ્પ્ન હતું।

હા, લોકો ના અનેક ઊંચા ઊંચા સપના હોય છે, મીરાનું ફક્ત એક જ સપનું હતું. “યથાર્થ ગૃહિણી” બનવું.

લગ્ન પહેલાની આ બધી રોજિંદી ઘટનાઓ વિશે વિચારતા વિચારતા કયારે પરિધિ ની આંખ મળી ગઈ તેને ખબર જ ના રહી.

પરિધિ ના લગ્ન ને આજે છ મહિના થયા હતા. ઘર ના બધા ની જરૂરિયાતો સંતોષતા સંતોષતા તે પોતાની જિંદગી જીવવાનું તો જાણે ભૂલી જ ગઈ હતી. મીરા ની બહુ યાદ આવતી તેને જયારે તેનો પતિ તેને કહેતો કે રોજ નવું નવું બનાવાનું.

એક ગૃહિણી બનવું કેટલું “અઘરું” છે તે તેને કદાચ હવે સમજાયું હતુ જયારે તેને આખા અઠવાડિયા માં નિતનવીન જમવાનું બનાવીને પણ તેના પતિ પાસે થી સાંભળવું પડતું કે”રોજ એક ની એક વસ્તુ કેમ બનાવે છે?”

કદાચ આ જ સાર હતો જીવનનો.

“સામાન્ય વસ્તુ ને પણ અસામાન્ય ઓપ આપીને અસરકારક રીતે પરિવાર સમક્ષ મૂકવું, તે જ તો કાર્ય હતું ગૃહિણીનું.”

સવારમાં ઉઠતા સાથે જ પરિધીએ તેની માઁ ને ફોન લગાડ્યો અને કહ્યું,

“માઁ, મારી ગૃહિણી વંદન છે તને અને તારા જેવી અસંખ્ય “ગૃહિણીઓને”, ધન્ય છે તારા જીવતરને.”

લેખક : આયુષી સેલાણી

આપ સૌને મારી આ સ્ટોરી કેવી લાગી ? અચૂક જણાવજો જ…!!

ટીપ્પણી