ગૃહિણી – દરેક સ્ત્રીના મનની વાત આજે વાર્તા સ્વરૂપે, તમને પણ આવો અનુભવ થયો જ હશે…

“ગૃહિણી”

રાજે ફોન ઉપાડ્યો અને સામેથી મીરાએ કહ્યું, “સાંભળો છો. આજનો દિવસ મીરાજને ટ્યુશન મૂકી આવજોને. મારે કામ આવી પડ્યું છે.” “તારે વળી શું કામ હોય?” એમ કહીને રાજે વાત શરૂ કરી અને અમુક મીનીટોની વાત પછી રાજે આમ કહીને ફોન કાપ્યો, “તું મૂકી આવ જે. મારે સેટ નહીં થાય.”


ક્લીનીક પર દર્દીઓ ઓછા હોવાથી સાંજે ડો. રાજ ક્લીનીકથી વહેલો પાછો આવ્યો અને પાછા આવીને રાજે મીરાને ચા બનાવા માટે કહ્યું. રાજ સોફા પર બેઠો હતો ત્યાંજ તેનો દીકરો મીરાજ તેની પાસે આવીને બેઠો.


હાથમાં શાળા ફોર્મ રાજ સામે ધરી મીરાજે કહ્યું, “પપ્પા, મેં સ્કૂલનું આ ફોર્મ ભર્યું છે. તમે ચેક કરી લોને.” રાજે ફોર્મ હાથમાં લીધું અને તેની નજર બે લાઈન પર ગઈ.


પહેલી લાઈન પર લખ્યું હતું કે પપ્પા શું કામ કરે છે, જેમાં મીરાજે લખ્યું હતું કે ‘ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે’. જયારે બીજી લાઈન પર લખ્યું હતું કે મમ્મી શું કામ કરે છે, જેમાં મીરાજે લખ્યું કે કચરો વાળે છે, પોતું કરે છે, જમવાનું બનાવે છે, નાસ્તો બનાવે છે, કરીયાણું તથા શાકભાજી લાવે છે, ઘર સફાઈ કરે છે, ઘર સંભાળે છે, વગેરે-વગેરે…


આ વાંચતા જ રાજે મીરાજ તરફ જોયું અને મીરાજ પૂછી ઉઠ્યો, “શું થયું પપ્પા, કંઈ ભૂલ છે?” ત્યાંજ મીરા હાથમાં ચાનો કપ લઈને આવી. તેણે તે કપ રાજની સામે પડેલા ટેબલ પર મુક્યો અને મીરાજને કહ્યું જલ્દી તૈયાર થઇ જા એટલે તને ટ્યુશન મૂકી આવું.


રાજે પહેલા મીરા તરફ જોયું અને પછી મીરાજ તરફ જોઈને કહ્યું, “ના દીકરા કંઈ પણ ભૂલ નથી.” પછી તેણે મીરા સામે જોઈને કહ્યું, “તું આરામ કર, આજથી મીરાજને ટ્યુશન પર હું લઇ જઈશ.” તે દિવસે, મીરા રાજમાં આવેલા બદલાવને સમજી નહીં, પરંતુ રાજ એક ગૃહિણી વિષે ઘણુંબધું સમજી ગયો હતો.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ